31 ઑગસ્ટ, 1995 – આ એ તારીખ છે, જ્યારે પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી બેઅંત સિંઘની હત્યા કરવામાં આવી હતી. શીખ નેતાની હત્યા કરનારા પણ શીખ આતંકવાદી જ હતા. કોંગ્રેસ નેતા બેઅંત સિંઘ ફેબ્રુઆરી 1992માં પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. તેમનું મુખ્યમંત્રી બનવું પંજાબના ઇતિહાસમાં એક મોટી ઘટના હતી, કારણ કે રાષ્ટ્રપતિ શાસનના 5 વર્ષ બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી. પંજાબમાં અરાજકતાનો માહોલ હતો, જરનૈલ સિંઘ ભિંડરાવાલેના મોત બાદ પણ એક દશકાથી વધુ સમય સુધી ખાલિસ્તાની આતંકવાદીઓએ પંજાબને અશાંત કરી રાખ્યું હતું.
શાકાહારી નેતા બેઅંત સિંઘ, ધર્મનિષ્ઠ નામધારી શીખ
સૌ પ્રથમ તો બેઅંત સિંઘના અંગત અને રાજકીય જીવન વિશે ટૂંકમાં જાણીએ. તેમનો જન્મ લુધિયાણા જિલ્લાના દોહરાના બિલાસપુર ગામમાં થયો હતો. તેમણે લાહોરની સરકારી કોલેજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. 23 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સેનામાં જોડાયા, પરંતુ 2 વર્ષ બાદ જ રાજનીતિ તરફ વળ્યા. 1960માં તેઓ પ્રખંડ કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ લુધિયાણા સ્થિત સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર પણ રહ્યા, ત્યારબાદ 1969માં અપક્ષ ઉમેદવાર તરીકે જીતીને પંજાબ વિધાનસભામાં પહોંચ્યા હતા.
બેઅંત સિંઘ શીખોના નામધારી પંથના અનુયાયી હતા અને તેઓ પ્રથા અનુસાર સફેદ પાઘડી પહેરતાં હતા. આ કારણોસર, તેમણે માંસ કે દારૂનું સેવન પણ ક્યારેય કર્યું ન હતું અને તેઓ ચુસ્ત શાકાહારી હતા. તેમણે સદગુરુ પ્રતાપ સિંઘના આશીર્વાદ લીધા હતા અને સુરિન્દર સિંઘ નામધારી સાથે મળીને તેમણે આ સંપ્રદાયના ઉત્કર્ષ માટે અનેક કામ કર્યા હતા. વર્ષ 1993માં જ્યારે એક બિઝનેસમેન લાલરુમાં માંસની ફેક્ટરી સ્થાપવા માંગતા હતા, ત્યારે સીએમ તરીકે બેઅંત સિંઘે નામધારીઓની માંગને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી ન હતી.
અમૃતસર, લુધિયાણા અને માલેરકોટલામાં તેમણે નામધારી શીખ સંપ્રદાયને 500 એકર જમીન દાનમાં આપી હતી. બેઅંત સિંઘનું મોત દુ:ખદ હતું. ખાલિસ્તાનીઓએ તેમની નિર્દયતાથી હત્યા કરી હતી. એક કાર બૉમ્બ વિસ્ફોટમાં તત્કાલીન મુખ્યમંત્રી સહિત 17 લોકોના મોત થયા હતા, જેમાં ત્રણ કમાન્ડો સૈનિકોનો પણ સમાવેશ થાય છે. આ હત્યાકાંડમાં ‘બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ’ અને ‘ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ’નું નામ સામે આવ્યું હતું. બેઅંત સિંઘની હત્યાને સમજવા માટે આપણે તે સમયની રાજકીય પરિસ્થિતિ તરફ નજર નાખવી પડશે.
મુખ્યમંત્રી પદ પર બેઠા હતા ને થઇ હતી હત્યા
જ્યારે બેઅંત સિંઘની હત્યા કરવામાં આવી, ત્યારે તેઓ કેટલાક દસ્તાવેજ પર સહી કરવા જઈ રહ્યા હતા. તેઓ જેવા પોતાની સફેદ એમ્બેસેડર કારમાં બેઠા, તેવું જ પંજાબના એક પોલીસકર્મી દિલાવર સિંઘ બબ્બરે પોતાના શરીર પર લગાવેલા બૉમ્બનો વિસ્ફોટ કરી દીધો હતો. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં શીખોનો નરસંહાર થયો હતો. સરકારી આંકડાઓ કહે છે કે 3,340 શીખો માર્યા ગયા હતા. રાજીવ ગાંધીની નજીક રહેલા કમલનાથ, જગદીશ ટાઇટલર અને સજ્જન સિંઘ જેવા કોંગ્રેસી નેતાઓના નામ આ યાદીમાં સામેલ હતા.
ઈન્દિરા ગાંધીની હત્યા ‘ઓપરેશન બ્લુ સ્ટાર’નો બદલો લેવા માટે કરવામાં આવી હતી. કોંગ્રેસની ઇકોસિસ્ટમ દ્વારા પેદા કરવામાં આવેલા આતંકવાદી જરનૈલ સિંઘ ભિંડરાવાલા અમૃતસરના સુવર્ણ મંદિરમાં છુપાયો હતો, જેને મારવા માટે ભારતીય સેનાને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. ઈન્દિરા ગાંધીના આ આદેશને કારણે શીખો તેમની વિરુદ્ધ થઈ ગયા હતા. તેમના અંગરક્ષકો સતવંત સિંઘ અને બેઅંત સિંઘે તેમના પર ગોળીબાર કર્યો હતો. આ પછી શીખ નરસંહાર થયો હતો અને રાજીવ ગાંધીએ તે સમયે કહ્યું હતું કે, જ્યારે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થાય છે, ત્યારે ધરતી ધ્રુજે છે.
પંજાબમાં ઉગ્રવાદ હજી ચરમસીમાએ હતો. જૂન 1987માં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, જે ફેબ્રુઆરી 1992 સુધી ચાલ્યું હતું. 1990ના દાયકામાં શીખ આતંકવાદીઓએ પોલીસકર્મીઓ અને રાજકારણીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. 1992માં ચૂંટણી થઈ હતી, પરંતુ ડરનો માહોલ એવો હતો કે, મતદાનની ટકાવારી માત્ર 24 ટકા હતી. KPS ગિલ પોલીસ મહાનિર્દેશક હતા અને તેમને તેમની ઈચ્છા મુજબ રાજ્યમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન અનેક આતંકવાદીઓ કેનેડા અને યુકે જેવા દેશોમાં ભાગી ગયા હતા.
આ પછી ઈંગ્લેન્ડમાં વાધવા સિંઘના નેતૃત્વમાં ‘બબ્બર ખાલસા ઇન્ટરનેશલે’ (BKI) તેમની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. BKIએ યુવાનોના જૂથને મુખ્યમંત્રીની હત્યા માટે ઉશ્કેર્યા હતા. પંજાબ સચિવાલયની બહાર થયેલા આ બૉમ્બ બ્લાસ્ટને લઈને જગતાર સિંઘ હવારા અને બલવંત સિંઘ રાજોઆનાને મોતની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે ગુરમીત સિંઘ, લખવિંદર સિંઘ અને શમશેર સિંઘને આજીવન કેદની સજા પડી હતી, બીજી તરફ નવજોત સિંઘ અને નસીબ સિંઘને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. અહીં નોંધવું જરૂરી છે કે, બેઅંત સિંઘના હત્યારાઓને શીખ કટ્ટરપંથીઓ દ્વારા હજી પણ હીરો તરીકે વર્ણવવામાં આવે છે.
ચંડીગઢમાં શીખોએ આરોપીઓની મુક્તિ માટે એક વર્ષથી વધુ સમય સુધી ‘કૌમી ઇન્સાફ મોરચા’ના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજોઆના પણ પોલીસ કોન્સ્ટેબલ હતો અને તેને બેકઅપ તરીકે રાખવામાં આવ્યો હતો. જો દિલાવર સિંઘ બબ્બર બ્લાસ્ટ કરવામાં નિષ્ફળ ગયો હોત તો તેણે પોતાની જાતને પણ ઉડાવી દીધી હોત. રાજીવ ગાંધીના હત્યારાઓની મુક્તિ બાદ શિરોમણી અકાલી દળ (એસએડી)એ પણ તેની મુક્તિ માટે ઝુંબેશ ચલાવી હતી. તે લગભગ 27 વર્ષથી જેલમાં છે, 2007માં CBI કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી હતી.
હત્યારાઓના ગુણગાન ગાવાના શરૂ થયા: SGPC અને SADએ તેમની મુક્તિ માટે અભિયાન ચલાવ્યા
આ પછી મામલામાં ‘શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી'(SGPC), અમૃતસર સ્થિત દરબાર સાહેબથી લઈને પંજાબના મોટાભાગના ગુરુદ્વારાઓ દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવે છે. પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી પ્રકાશ સિંઘ બાદલે માર્ચ 2012માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેમની સાથે તેમના પુત્ર અને તત્કાલીન ડેપ્યુટી સીએમ સુખબીર સિંઘ બાદલ પણ હતા. 31 માર્ચ, 2012ના રોજ બલવંત સિંઘ રાજોઆનાને ફાંસી આપવાની હતી, પરંતુ ગૃહ મંત્રાલયે તેમની સજા પર રોક લગાવી દીધી હતી.
તે સમયે UPA-IIની સરકાર હતી, મનમોહન સિંઘ વડાપ્રધાન હતા અને પી ચિદમ્બરમ ગૃહમંત્રી હતા. ડિસેમ્બર 2019માં વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી હતી કે, બલવંત સિંઘ રાજોઆનાની ફાંસીની સજામાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. અમૃતસરના સુવર્ણ મંદિરમાં સેન્ટ્રલ શીખ મ્યુઝિયમમાં SGPC દ્વારા બેઅંત સિંઘના હત્યારા દિલાવર સિંઘ બબ્બરનું ચિત્ર પણ લગાવવામાં આવ્યું હતું. જૂન 2022માં, SGPCના પ્રમુખ એડવોકેટ હરજિંદર સિંઘે આ ફોટો લગાવીને તેને ‘શહીદ’નો દરજ્જો આપ્યો હતો.
Today @SGPCAmritsar installed Portrait of Dilawar Singh at Central Sikh museum, inside premises of Harmandir Sahib. Punjab police cop Dilawar Singh had turned into suicide bomber to kill former Punjab chief minister Beant Singh.@IndianExpress @iepunjab pic.twitter.com/CfSfQt6sr5
— Kamaldeep Singh ਬਰਾੜ (@kamalsinghbrar) June 14, 2022
તેમણે કહ્યું હતું કે, દિલાવર સિંઘ બબ્બરે પોતાની જાતનું ‘બલિદાન’ આપીને શીખો સામેના અત્યાચારો અને માનવાધિકારના ઘોર ઉલ્લંઘન પર લગામ લગાવી હતી. SGPCએ એમ પણ કહ્યું હતું કે, ગુરુના આશીર્વાદ વિના ‘બલિદાન’ શક્ય નથી. નોંધનીય છે કે, જૂન 2004માં ચંડીગઢની જેલમાંથી બેઅંત સિંઘ હત્યા કેસના 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઇન્ટરપોલની મદદથી જાન્યુઆરી 2014માં થાઇલેન્ડથી પણ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આજે અમૃતપાલ સિંઘ જેવા ખાલિસ્તાન સમર્થકો સાંસદ બની રહ્યા છે, ત્યારે બેઅંત સિંઘ જેવા નેતાઓની અછત છે, કે જેઓ કટ્ટરવાદીઓ સામે ઝૂક્યા વિના તેમાંથી જન્મતા આતંકવાદ સામે કાર્યવાહી કરી શકે. બેઅંત સિંઘની ભૂલ એ હતી કે, તેઓ એક ધર્મનિષ્ઠ નામધારી શીખ હતા, દેશના ભાગલા પાડવાનો વિચાર કરનારા ઝનૂની નહીં. આજે અમૃતપાલ સિંઘ જેવા નેતાઓ જેલમાંથી દેશના ટુકડા કરવાની માંગ કરીને લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બની જાય છે!