કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની ‘પોર્ટ બ્લેયર’નું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (13 સપ્ટેમ્બર) આ બાબતની જાણકારી આપી હતી. પોર્ટ બ્લેયરનું નામ બદલાયા બાદ તેની ઘણી ચર્ચાઓ પણ થવા મંદી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે ‘આઝાદ હિંદ ફૌજ’ સાથે આંદામાન અને નિકોબારના ટાપુ પર પ્રથમ વખત તિરંગો ફરકાવ્યો હતો. તે સમયગાળો બીજા વિશ્વયુદ્ધ દરમિયાનનો હતો. આખી દુનિયા પર તેની માઠી અસરો પડી રહી હતી અને ભારતમાં પણ સ્વતંત્રતાની અંતિમ જ્વાળા સળગીને તૈયાર થઈ રહી હતી.
વાત છે પરાધીન ભારતની. 1941થી દ્વિતીય વિશ્વ યુદ્ધના બણગા ફૂંકાઈ ગયા હતા. બ્રિટિશ સામ્રાજ્યે ભારતીય સૈનિકોને પણ વિશ્વયુદ્ધમાં ધકેલી દીધા હતા. દેશની બહાર વિશ્વયુદ્ધની જ્વાળા ભડકી રહી હતી અને દેશની અંદર ક્રાંતિની જ્વાળા ભડકી રહી હતી. અંગ્રેજોએ સંપૂર્ણ ધ્યાન વિશ્વયુદ્ધમાં આપ્યું હતું અને બીજી તરફ ભારતના રણબંકાઓ દેશને સ્વાધીન બનાવવા માટે કમર કસી રહ્યા હતા. તેમાંનું એક નામ એટલે સુભાષચંદ્ર બોઝ. જેને ભારતની જનતાએ પોતાના ‘નેતાજી’ તરીકે સ્વીકારી લીધા હતા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આંદામાન-નિકોબાર પર હતો જાપાનનો કબજો
નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતની બહાર રહીને સશક્ત સેના તૈયાર કરી રહ્યા હતા. જાપાનની મદદથી તેમણે ‘આઝાદ હિંદ ફૌજ’ તૈયાર પણ કરી લીધી હતી. મોહનદાસ ગાંધી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે આ કારણોસર અનેક મતભેદો પણ ઊભા થયા હતા. ગાંધી એવું માનતા હતા કે, અંગ્રેજો અહિંસાથી જ દેશ છોડીને જશે જ્યારે બોઝ ક્રાંતિકારી વલણ અપનાવીને દેશને સ્વતંત્રતા તરફ આગળ વધારી રહ્યા હતા. તેમણે આંદામાન અને નિકોબારના ટાપુઓ પર ઐતિહાસિક કાર્ય પણ કર્યું હતું. જે હંમેશા માટે ઇતિહાસના પાને સ્વર્ણ અક્ષરે અંકિત થયું હતું.
ભારતીય મુખ્યભૂમિ મ્યાનમાર અને ઈન્ડોનેશિયાની વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલા આંદામાન અને નિકોબારના ટાપુઓ પર સૌથી પહેલાં ભારતના ચોલવંશનું શાસન સ્થાપિત હતું, તે પછી ત્યાં ડચ પ્રજાનો કબજો હતો, પરંતુ સમય જતાં તેના પર અંગ્રેજોએ કબજો કરી લીધો હતો અને તેનો ઉપયોગ ભારતીય ક્રાંતિકારીઓને સજા આપવા માટે કરવામાં આવી રહ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ સમયે નાનકડું જાપાન આખી દુનિયાને હંફાવી રહ્યું હતું. ઝડપથી આગળ વધી રહેલી જાપાની સેનાએ આ ટાપુઓ પર પણ કબજો કરી લીધો હતો અને અંગ્રેજોને પીછેહઠ કરવાની ફરજ પણ પડી હતી. આંદામાન અને નિકોબારના આ ટાપુ સાથે બોઝની લાગણી અલગ રીતે જોડાયેલી હતી. તેમને અહીં સ્વાધીનતા અને સ્વરાજ્યની એક જ્વાળા દેખાઈ રહી હતી.
‘આઝાદ હિંદ ફૌજ’ને સોંપાયા ટાપુ
બીજા વિશ્વયુદ્ધમાં સુભાષચંદ્ર બોઝે જાપાન સાથે ગઠબંધન કર્યું હતું અને જાપાનનો સંપૂર્ણ સાથ આપવાની ઘોષણા પણ કરી હતી. બીજી તરફ જાપાન પણ સ્વતંત્રતાની લડતમાં ભારતને સાથ આપવા માટે વચનબદ્ધ હતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાની સેનાની સાથે આઝાદ હિંદ ફોજના સૈનિકો પણ હતા. આઝાદ હિંદ ફૌજના ચીફ કમાન્ડર અને વડા સુભાષચંદ્ર બોઝ પણ સતત દેશની સ્વાધીનતા તરફ એક-એક ડગલું માંડી રહ્યા હતા. ઑગસ્ટ 1943માં બોઝે એક સાર્વજનિક બેઠકમાં ઘોષણા કરી હતી કે, આઝાદ હિંદ ફોજ 1943ના અંત સુધીમાં ભારતની ધરતી પર ડગ માંડી દેશે.
24 ઑક્ટોબરના રોજ સિંગાપોરમાં 50,000 ભારતીયોની એક સભાને સંબોધિત કરતી વખતે પણ સુભાષચંદ્ર બોઝે પોતાની ઘોષણાને યાદ કરીને કહ્યું હતું કે, “આ વર્ષના અંત સુધીમાં અમે ભારતની પવિત્ર ધરતી પર હોઈશું.” આઝાદ હિંદ સરકાર 1943ના અંત સુધીમાં જાપાનીઓ પાસેથી ટાપુઓ પર નિર્ણાયક નિયંત્રણ મેળવવા સક્ષમ હતી. થોડા જ દિવસોમાં જાપાને આંદામાન અને નિકોબાર ટાપુ આઝાદ હિંદ ફૌજ સરકારને સોંપી દીધા હતા.
આંદામાન-નિકોબારની ભારતીય ભૂમિ પર ડગ માંડીને પ્રથમ વાર ફરકાવ્યો હતો તિરંગો
હાર્વર્ડના ઇતિહાસકાર સુગાતા બોઝે ‘Majesty’s Opponent: Subhas Chandra Bose and India’s Struggle against Empire’માં લખ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝે આંદામાન અને નિકોબાર ટાપુની ત્રણ દિવસની યાત્રા માટે 29 ડિસેમ્બર, 1943ના રોજ પોર્ટ બ્લેયર પર પોતાના ડગ માંડ્યા હતા અને વર્ષના અંત સુધીમાં ભારતીય ભૂમિ પર આગમનના પોતાના વચનને પૂર્ણ કર્યું હતું. સુગાતા વધુમાં લખે છે કે, ભારતના કેટલાક મહાન ક્રાંતિકારીઓને અંગ્રેજોએ આંદામાન દ્વીપ પરની કુખ્યાત સેલ્યુલર જેલમાં રાખ્યા હતા, જેઓ કાળાપાણીની સજા ભોગવી રહ્યા હતા. આ ઉપરાંત અનેક ક્રાંતિકારીઓને અહીં ફાંસી પણ આપી દેવામાં આવી હતી. આ જ સેલ્યુલર જેલમાં વીર વિનાયક સાવરકરને પણ અંગ્રેજ સરકારે દાયકા સુધી કેદ રાખ્યા હતા.
નેતાજીએ ત્યાં પહોંચીને સૌપ્રથમ ભારતના એ મહાન ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે 30 ડિસેમ્બર, 1943ના ઐતિહાસિક દિવસે પોર્ટ બ્લેયરના જીમખાના મેદાનમાં આઝાદ હિંદ સરકારના વડા તરીકે તિરંગો ફરકાવ્યો હતો. તે સાથે જ તત્કાલીન રાષ્ટ્રગીત પણ ગાવામાં આવ્યું હતું. ત્યાંથી પરત ફરતા પહેલાં બોઝે આંદામાન ટાપુનું નામ બદલીને ‘શહીદ દ્વીપ’ અને નિકોબારનું નામ બદલીને ‘સ્વરાજ’ કર્યું હતું. તે પછી આઝાદ હિંદ સરકારે જનરલ લોકનાથનને અહીં પોતાના ગવર્નર તરીકે નીમ્યા હતા. 1947માં બ્રિટિશ સરકારથી સ્વતંત્રતા મળ્યા બાદ તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા.
આંદામાન-નિકોબારની યાત્રા બાદ નેતાજીએ પોતાની યાત્રાનું વર્ણન કરતાં કહ્યું હતું કે, “આ યાત્રા દરમિયાન મને અને મારી પાર્ટીના સભ્યોને પોતાના જીવનનો ખૂબ જ અનોખો અનુભવ થયો હતો. અમે પહેલી વખત સ્વતંત્ર ભારતની ધરતી પર ઊભા હતા. અમારા માટે આ અવિસ્મરણીય ઘટના હતી. અમે રોસ આઇલેન્ડ પર ભૂતપૂર્વ બ્રિટિશ ચીફ કમિશનરના આધિકારિક નિવસ્થાન પર આપણો રાષ્ટ્રીય તિરંગો લહેરાતો જોયો હતો, આ ઘટના પણ અમારા માટે અવિસ્મરણીય હતી.”
આંદામાન અને નિકોબારની ધરતી પર તિરંગો લહેરાવ્યા બાદ સુભાષચંદ્ર બોઝ 1 જાન્યુઆરીના રોજ સિંગાપોર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “આઝાદ હિંદ ફૌજ હિંદુસ્તાનમાં ક્રાંતિની તે જ્વાળા સળગાવશે, જેમાં આખું અંગ્રેજ સામ્રાજ્ય બળીને ભસ્મ થઈ જશે. આઝાદ હિંદ સરકાર, જેના અધિકારમાં આજે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ છે અને જેને જર્મની અને જાપાન સહિત વિશ્વના 9 મહાન દેશોએ માન્યતા આપી છે, તે એક દિવસ ક્રાંતિની જ્વાળા સળગાવશે. આ તમામ દેશો આપણી સેનાને મદદ કરશે, તેવું પણ વચન પણ તેમણે આપ્યું છે.” નોંધવા જેવું છે કે, આંદામાન અને નિકોબારના આ ટાપુઓ ચોલા રાજવંશ દરમિયાન ભારતનો જ ભાગ હતા, તેથી જ સુભાષચંદ્ર બોઝે તેને ભારતની ભૂમિ જ ગણાવી હતી.
ભારતીયો માટે આંદામાન અને નિકોબાર ટાપુઓની વાપસી ખૂબ મહત્વપૂર્ણ અને નિર્ણાયક જીત હતી. તે દ્વીપસમૂહ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થનારો પહેલો ભારતીય વિસ્તાર હતો. આ વિસ્તાર પર તિરંગો ફરકાવી, તેને પોતાના આધિપત્ય હેઠળ લાવવાના કારણે આઝાદ હિંદ સરકાર વાસ્તવિક રીતે રાષ્ટ્રીય સંસ્થા બનીને ઊભરી આવી હતી. આંદામાન અને નિકોબારની મુક્તિનું એક વધુ મહત્વ પણ છે. તે સમયે ક્રૂર બ્રિટિશ સરકાર પોતાની વિરુદ્ધ ક્રાંતિની મશાલ સળગાવનાર પ્રત્યેક ભારતીય ક્રાંતિવીરને આંદામાનની ‘સેલ્યુલર જેલ’માં કેદ કરતી હતી. બ્રિટિશ શાસનના મૂળિયાં ઉખાડી ફેંકવાની યોજના બનાવી તેના પાયા પર વાર કરનારા સેંકડો ક્રાંતિકારીઓને અહીં કેદી બનાવીને લાવવામાં આવતા હતા અને કાળાપાણીની સજા આપવામાં આવતી હતી. આંદામાનની આ ભૂમિ સેંકડો બલિદાનીઓના રક્તથી સ્નાન કરી રહી હતી. અનેક ક્રાંતિવીરોએ અહીંથી જ ક્રાંતિની જ્યોત પ્રજજ્વલિત રાખી હતી, તેમાં એક નામ વીર સાવરકરનું પણ હતું. તેથી આઝાદ હિંદ સરકારે આ ક્ષેત્રને શહીદ દ્વીપ નામ આપ્યું હતું. તેનું ખાસ મહત્વ એ છે કે, જે સ્થળ પર ક્રાંતિવીરોએ અમાનવીય અત્યાચારો સહ્યા હતા, તે જ સ્થળને સ્વતંત્રતાની લડાઈમાં આઝાદ હિંદ સરકારે અંગ્રેજો પાસેથી આંચકી લઈને ભારતનો તિરંગો ફરકાવી દીધો હતો.