26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2022માં શીખોના અંતિમ ગુરુ ગોવિંદ સિંઘના ચાર ખાલસા સાહેબજાદાઓના અમર બલિદાનને યાદ કરવા માટે 26 ડિસેમ્બરે ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવાની ઘોષણા કરી હતી. ભારતવર્ષમાં મહાભારત યુગના અભિમન્યુ પછી જો કોઈ નાની ઉંમરના વીર અને સાહસી બલિદાનીઓ હોય તો તે ગુરુ ગોવિંદ સિંઘના ચાર સાહેબજાદાઓ હતા. જેમણે ધર્મ અને રાષ્ટ્ર માટે અમર બલિદાન આપ્યુ હતું. ગુરુ ગોવિંદ સિંઘના ચાર વીર પુત્રોના સાહસભર્યા ઇતિહાસથી દેશને અવગત કરાવવા માટે ‘વીર બાલ દિવસ’ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.
શીખ સમાજના 10મા અને અંતિમ ગુરુ ગોવિંદ સિંઘના ચાર સંતાનો હતા. સાહેબજાદા અજીત સિંઘ, જુઝાર સિંઘ, જોરાવર સિંઘ અને ફતેહ સિંઘ. અજીત સિંઘ અને જુઝાર સિંઘ તેમના મોટા પુત્ર હતા અને નાના પુત્રો હતા જોરાવર સિંઘ અને ફતેહ સિંઘ. ચારેય પુત્રો 19 વર્ષથી નાની ઉંમરમાં જ વીરગતિ પામ્યા હતા. ગોવિંદ સિંઘના નાના સાહેબજાદાઓને ક્રૂર મુગલ બાદશાહ ઔરંગઝેબે જીવતા દીવાલમાં ચણાવ્યાં હતા. તેમના આ અમર બલિદાનને યાદ કરવા માટે ‘વીર બાલ દિવસ’ ઉજવાય છે. આપણે સાહેબજાદાઓના અમર બલિદાનના ઇતિહાસની સફર તરફ જઈશું.
સાહેબજાદાઓના બલિદાનનો અમર ઇતિહાસ
શીખોના 10મા ગુરુ ગોવિંદ સિંઘ મુગલો સાથે નિરંતર સંઘર્ષ કરી રહ્યા હતા. વર્ષ 1699માં ગુરુ ગોવિંદ સિંઘે ખાલસા પંથની સ્થાપના કરી હતી. મજહબી અત્યાચારોથી શીખ સમાજ અને હિંદુ સમાજને બચાવવા ઉદ્દેશ્ય સાથે ખાલસા પંથની સ્થાપના કરવામાં આવી હતી. ગુરુ ગોવિંદ સિંઘને ત્રણ પત્નીઓ હતી અને ત્રણ પત્નીઓથી તેમને ચાર પુત્રો હતા. જેઓ અનુક્રમે સાહેબજાદા અજીત સિંઘ, જુઝાર સિંઘ, જોરાવર સિંઘ અને ફતેહ સિંઘ તરીકે ઓળખાય છે. ગુરુ ગોવિંદ સિંઘના આ ચાર પુત્રો પણ ખાલસા પંથનો એક ભાગ હતા. આનંદપુર સાહેબમાં ખાલસા પંથનો એક કિલ્લો હતો. ઈસ્લામિક આક્રમણકારોએ ઘણીવાર ખાલસાઓને ત્યાંથી ભગાડવા માટે પ્રયાસ કર્યા પણ મુગલો નિષ્ફળ રહ્યા. ત્યારબાદ મુગલોએ ખાલસા પંથ સાથે સંધિ કરી અને નક્કી થયું કે, જો ખાલસાઓ આનંદપુર છોડશે તો યુદ્ધ નહીં કરીએ.
તે બાદ પણ ગદ્દાર મુગલોએ સરસા નદીના તટ પર ગુરુ ગોવિંદ સિંઘ અને ખાલસાઓ પર હુમલો કર્યો હતો. ગુરુ ગોવિંદ સિંઘ સાથે મુગલોની લડાઈ લાંબો સમય સુધી ચાલી હતી. તેમાં ગુરુ ગોવિંદ સિંઘના બે વીર પુત્રો સાહેબજાદા અજીત સિંઘ અને સાહેબજાદા જુઝાર સિંઘ વીરગતિ પામ્યા હતા. ગોવિદ સિંઘનો પરિવાર વિભાજિત થઈ ચૂક્યો હતો. તેમના નાના સાહેબજાદાઓ તેમની માતા પાસે હતા. તેમની સાથે કોઈ સૈનિક નહોતો કે કોઈ હથિયાર પણ નહોતું. તે લોકોને એવી કોઈ આશા પણ નહોતી કે ગુરુ ગોવિંદ સિંઘ પરત આવશે.
તે સમયે જ અચાનક તેમને રસ્તામાં ગંગુ નોકર મળી જાય છે. ગંગુ નોકરે એકસમયે ગુરુ મહેલની સેવા કરી હતી. એટલે સાહેબજાદા અને તેમની માતા તેને ઓળખી જાય છે. ગંગુએ સાહેબજાદા અને તેમની માતાને સુરક્ષાની ખાતરી આપી અને તેના ઘરે લઈ ગયો. પણ ગંગુની વાસ્તવિકતાથી સાહેબજાદા અને તેમની માતા અજાણ હતા. ગંગુએ લાલચમાં આવીને તરત જ મુગલોને સાહેબજાદા વિશેની ભાળ આપી દીધી હતી
મુગલોએ સાહેબજાદાઓને બંધક બનાવ્યા
સાહેબજાદાઓના સ્થાન વિશેની ભાળ મળતા જ મુગલ સૂબો વઝીર ખાં સૈનિક સાથે ગંગુના ઘરે ગયો અને ત્યાંથી તેણે 7 વર્ષના સાહેબજાદા જોરાવર સિંઘ અને 5 વર્ષના સાહેબજાદા ફતેહ સિંઘની ધરપકડ કરી લીધી. સાહેબજાદાઓને મોગલ વસાહતમાં લાવીને ઠંડા બરફમાં નિર્વસ્ત્ર રાખવામાં આવ્યા. આખી રાત બરફમાં રાખ્યા બાદ તેમને મુગલ દરબારમાં હાજર કરવામાં આવ્યા. ભરી સભામાં મુગલ સુબા વઝીર ખાંએ બંને શાહજાદાઓને ઈસ્લામ કબૂલવા આદેશ કર્યો. વઝીર ખાંની આ બધી હરકતો મોગલ બાદશાહ ઔરંગઝેબના આદેશ પર થઈ રહી હતી. જ્યારે વઝીર ખાંએ સાહેબજાદાઓને ધર્મ બદલવા હુકમ કર્યો કે તરત જ નાના સાહેબજાદાઓએ જોરથી લોહીનો પડકાર ફેંક્યો અને જયકારો લગાવ્યો, “જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ.” આ જોઈને મુગલ દરબારમાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.
વઝીર ખાંની હાજરીમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત પણ ના કરી શકે પરંતુ ગુરુ ગોવિંદ સિંઘના નાના સાહેબજાદાઓ જયકાર લગાવતા સહેજ પણ ના ડર્યા. સભામાં હાજર મુલાજીમે સાહિબજાદાઓને વઝીર ખાં સામે માથું નમાવી સલામ કરવા કહ્યું, પણ તેના પર સાહેબજાદાનો જવાબ સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. બંને સાહેબજાદાઓએ મસ્તક એકદમ ગર્વભેર ઊંચું કર્યું અને કહ્યું કે, “અમે અકાલ પુરખ અને અમારા ગુરુ પિતા સિવાય કોઈપણની સામે મસ્તક નથી નમાવતા. આવું કરીને અમે અમારા દાદા સાહેબના બલિદાનને બરબાદ નહીં થવા દઈએ, જેમણે હિંદુ ધર્મના સન્માનમાં મસ્તક કપાવવું યોગ્ય ઠેરવ્યું હતુ, પરંતુ ઝુકાવવું નહીં.”
સાહેબજાદાઓને જીવતા દીવાલમાં ચણાવ્યાં
વઝીર ખાંએ બંને સાહેબજાદાઓને ડરાવી, ધમકાવી અને પ્રેમથી ઈસ્લામ સ્વીકારવા સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બંને વીરપુત્રો તેમના નિર્ણય પર અડગ હતા. અંતે ઔરંગઝેબના આદેશથી વઝીર ખાંએ એવી જાહેરાત કરી કે બંને સાહેબજાદાઓને દીવાલોની અંદર જીવતા ચણવામાં આવશે. એવું કહેવાય છે કે જ્યારે સાહેબજાદાઓને જીવતા દીવાલમાં ચણવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે તેઓ ‘જપુજી સાહેબ’નો પાઠ કરી રહ્યા હતા. દીવાલ પૂરી થયા બાદ અચાનક જ દીવાલની અંદરથી અવાજ આવ્યો કે, “જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ.” બીજી તરફ સાહેબજાદાઓની માતાને બંનેના બલિદાન વિશે જાણ થઈ તો તેમણે ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે, “આવું ગર્વભર્યું બલિદાન આપવા માટે અકાલ પુરખનો ધન્યવાદ કરું છું.”
ઇતિહાસમાં આ ઘટના સાહેબજાદા જોરાવર સિંઘ અને સાહેબજાદા ફતેહ સિંઘના સર્વોચ્ચ બલિદાનના રૂપે સ્વર્ણ અક્ષરે અંકિત થઈ છે. બંને સાહેબજાદાઓ ઘણા નાના હોવા છતાં આટલી મોટી હિંમત અને વીરતાથી બલિદાની થયા. નોંધનીય છે કે તેમના દાદા ગુરુ તેગબહાદુર પણ કાશ્મીરી બ્રાહ્મણો માટે બલિદાન થયા હતા. બ્રાહ્મણોએ તેગબહાદુરને કહ્યું હતું કે, અમારા પર જબરદસ્તી ઈસ્લામ થોપવામાં આવી રહ્યો છે અને બાદશાહે કહ્યું છે કે, માથું આપો અથવા ઈસ્લામ અપનાવો. ત્યારે ગુરુ તેગબહાદૂરે પોતાનું બલિદાન આપીને સનાતનની રક્ષા કરી હતી. આપણાં આવા વીર સપૂતો અને પૂર્વજોના આપણે આજીવન ઋણી રહીશું.
26 ડિસેમ્બરના દિવસે જ સાહેબજાદાઓ વીરગતિ પામ્યા હતા એટલે દર વર્ષે 26 ડિસેમ્બર ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ 2022માં ગુરુ ગોવિંદ સિંઘ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશેની ઘોષણા કરી હતી.