વડોદરા શહેરના એમજી રોડ પર આવેલા પ્રાચીન રણછોડરાયજી મંદિરમાં વર્ષો પહેલાંની એક પરંપરા વર્ષ 1996 સુધી જીવંત હતી. 28 વર્ષ પહેલાં સુધી દેવ દિવાળીના પર્વ પર તુલસી વિવાહ પર નીકળતા વરઘોડામાં રાજા રણછોડજીને તોપની સલામી આપવાની પરંપરા હતી. વડોદરાનું આ પ્રાચીન મંદિર આ બાબતે ખૂબ પ્રસિદ્ધ હતું. પરંતુ 1996માં સુરક્ષાના કારણોનો હવાલો આપીને પોલીસના રિપોર્ટના કારણે આ ઐતિહાસિક તોપ પર અને પરંપરા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ મામલે મંદિરના પૂજારી જનાર્દન દવે કોર્ટ પહોંચ્યા હતા અને છેલ્લા 28 વર્ષથી તેઓ ઐતિહાસિક તોપ પર લગાવેલો પ્રતિબંધ હટાવીને 150 વર્ષ જૂની આ પરંપરા ફરીથી શરૂ કરવા માટે જંગ લડી રહ્યા છે. જ્યારે 28 વર્ષ બાદ કોર્ટના આદેશથી શનિવારે (27 જાન્યુઆરી) આ પ્રાચીન તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
વડોદરાના 172 વર્ષ જૂના રણછોડરાયજી મંદિરમાં 150 વર્ષથી એક અનોખી પરંપરા અસ્તિત્વ ધરાવતી હતી. આ પરંપરા અનુરૂપ તુલસી વિવાહ પૂર્વે ભગવાનને તોપની સલામી આપવામાં આવતી હતી. આ ઐતિહાસિક પરંપરાથી વડોદરાનું આ મંદિર ખૂબ પ્રસિદ્ધ હતું. પરંતુ હવે આ પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે. સલામતીના પ્રશ્ને વડોદરા સિવિલ કોર્ટમાં આ અંગે કેસ ચાલી રહ્યો છે. જેમાં કોર્ટના આદેશથી વર્ષો બાદ ઐતિહાસિક તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. શનિવારે (27 જાન્યુઆરી) વડોદરાના નવલખી મેદાનમાં તોપનું પરીક્ષણ થયું હતું. પોલીસ અધિકારીઓ, કલેકટર કચેરીના અધિકારીઓ, FSL અધિકારી, સરકારી વકીલ અને કોર્ટ કમિશનરની હાજરીમાં આ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.
તોપથી 45 ફૂટ સુધી અંગાર ફેંકાયો
150 વર્ષ જૂની આ પિત્તળની તોપ ફોડવાનો અનુભવ એકમાત્ર મંદિરના પૂજારી જનાર્દન મહારાજ પાસે હતો. તેથી તેઓએ જ તોપમાં દારૂગોળો ભર્યો હતો અને પછી તોપના નાળચાના છેડે લગાવેલી વાટમાં અગરબત્તી ચાંપી હતી. અગરબત્તી ચાંપતા જ ધડાકો થયો હતો. વિસ્ફોટના કારણે લગભગ 45 ફૂટ સુધી અંગાર ફેંકાયો હતો અને ધુમાડાના ગોટા નીકળ્યા હતા.
આ ધડાકાથી કોઈપણ પ્રકારની દુર્ઘટના થઈ નહોતી. પરીક્ષણ પૂર્ણ થયા બાદ FSL અધિકારીએ તોપની પણ ચકાસણી કરી હતી. હવે કોર્ટ કમિશનર આ રિપોર્ટ કોર્ટમાં જમા કરાવશે જેના આધારે કોર્ટ આખરી નિર્ણય જાહેર કરશે.
પૂજારીએ 28 વર્ષથી નથી પહેર્યા પગરખાં
પ્રાચીન રણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું છે કે, આ તોપ પિત્તળની છે અને ખૂબ જૂની છે. પિત્તળ ધાતુ હજારો વર્ષો સુધી ખરાબ થતી નથી એટલે તોપ પણ સંપૂર્ણ સુરક્ષિત છે. અગાઉ વર્ષ 1999 અને વર્ષ 2010માં પણ કોર્ટના આદેશથી તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તોપ કોઈને નુકશાન કરે તેવી નથી. તેમાં એક ધડાકા માટે માંડ 150 ગ્રામ દારૂગોળો ચીથરાની મદદથી ભરવામાં આવે છે. આ વિસ્ફોટના અંગાર 40થી 45 ફૂટ સુધી જાય છે. સૂતળી બોમ્બ કરતાં તોપમાં થોડો વધારે અવાજ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રણછોડરાયજી તો આખા બ્રહ્માંડના રાજા છે. તેમના વરઘોડામાં તોપની સલામી આપવી જ પડે. તેમણે કહ્યું કે, “તોપની ઐતિહાસિક પરંપરા ફરી શરૂ કરવા માટે હું 28 વર્ષથી લડત લડી રહ્યો છું. મેં 28 વર્ષથી પગમાં પગરખાં નથી પહેર્યાં. સંકલ્પ લીધો છે કે, તોપની પરંપરા ચાલુ થશે પછી જ પગરખાં પહેરીશ.”
નોંધનીય છે કે, આ મામલે બચાવ પક્ષે એટલે કે પોલીસ કમિશનર તરફથી આ કેસને રદ કરવા માટેની માંગ સાથેની અરજી પણ કરવામાં આવી હતી પરંતુ સપ્ટેમ્બર, 2023માં કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને કેસની સુનાવણી ચાલુ જ રાખી હતી. જે બાદ 2 જાન્યુઆરીએ કોર્ટે પ્રાચીન તોપના પરીક્ષણનો આદેશ આપ્યો હતો અને હવે પરીક્ષણનો રિપોર્ટ જમા કરાવ્યા બાદ 31 જાન્યુઆરીએ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે.