Tuesday, October 15, 2024
More
    હોમપેજદેશભારતના સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય ઉત્થાન માટેના સંઘર્ષની શતાબ્દી: RSSની આ ગૌરવમય...

    ભારતના સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય ઉત્થાન માટેના સંઘર્ષની શતાબ્દી: RSSની આ ગૌરવમય યાત્રામાં સંઘે દેશના દરેક પાસાને આપ્યું મહત્વ

    100 વર્ષની યાત્રા પૂર્ણ કર્યા પછી પણ સંઘ પોતાના લક્ષ્યો અને ઉદ્દેશ્યો પ્રત્યે એટલું જ સમર્પિત છે જેટલું તે તેના શરૂઆતના દિવસોમાં હતું. સંઘનો ઉદ્દેશ્ય સમાજના દરેક વ્યક્તિને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કરવાનો અને ભારતને એક મજબૂત, સંગઠિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો છે.

    - Advertisement -

    ભારતની સ્વતંત્રતા અને ત્યારપછીના રાષ્ટ્રનિર્માણમાં ઘણા સંગઠનોએ મહત્વની ભૂમિકા ભજવી, પરંતુ જે સંગઠન છેલ્લા સો વર્ષથી સાતત્ય અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરી રહ્યું છે તે એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS). સંઘની યાત્રા માત્ર સંગઠનાત્મક નથી, પરંતુ તે એક વૈચારિક યાત્રા છે, જે સમાજના દરેક વર્ગને એક કરીને ભારતને સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય રીતે મજબૂત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

    RSSની સ્થાપના: રાષ્ટ્ર સેવાનો એક મહાન વિચાર

    વર્ષ 1925 ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થયું. તે સમયે દેશ સામેના પડકારોને સમજીને ડૉ.કેશવ બલિરામ હેડગેવારે RSSની સ્થાપના કરી હતી. હેડગેવારનો સ્પષ્ટ મત હતો કે જ્યાં સુધી સમાજનું સંગઠનાત્મક, સાંસ્કૃતિક અને નૈતિક પુનરુત્થાન ન થાય ત્યાં સુધી માત્ર રાજકીય સ્વતંત્રતા ભારતને સંપૂર્ણ સ્વતંત્ર બનાવી શકતી નથી.

    1925માં વિજયાદશમીના દિવસે RSSની શરૂઆત કરવામાં આવી હતી. જેણે આ વર્ષે વિજયાદશમીના દિવસે 99 વર્ષ પૂર્ણ કરીને તેના 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ડો. હેડગેવારના મતે, સમાજને સંગઠિત અને સશક્ત બનાવવા માટે લાંબા ગાળાના અને શિસ્તબદ્ધ આંદોલનની જરૂર હતી, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાકાર થઈ શક્યું. ભારતીય સમાજમાં ઘણા એવા તત્વો હતા જે ભારતને આંતરિક રીતે નબળો બનાવી રહ્યા હતા.

    - Advertisement -

    તેઓ માનતા હતા કે જાતિવાદ, સાંપ્રદાયિકતા અને બાહ્ય સાંસ્કૃતિક પ્રભાવોએ ભારતના સામાજિક માળખાને નબળું પાડ્યું છે. તેનો ઉકેલ સંગઠિત અને શિસ્તબદ્ધ સમાજ દ્વારા જ શક્ય હતો, જે દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પર આધારિત હતો. આ વિચારને ધ્યાનમાં રાખીને, RSSએ એક મજબૂત, સંગઠિત અને શિસ્તબદ્ધ સમાજનો પાયો નાખ્યો, જે રાષ્ટ્રના પુનર્નિર્માણમાં સહાયક બની શકે.

    સંઘનું પ્રારંભિક સ્વરૂપ અને વિચારધારા

    RSSની શરૂઆત ખૂબ જ નાના પાયા પર થઈ હતી. હેડગેવારે કેટલાક યુવાનોને સંગઠિત કર્યા અને તેમને રાષ્ટ્ર સેવા, શિસ્ત અને સંગઠનના સિદ્ધાંતોથી પ્રેરિત કર્યા. શરૂઆતની શાખાઓમાં શારીરિક તાલીમ, બૌદ્ધિક ચર્ચાઓ અને દેશભક્તિ શીખવવામાં આવતી હતી. સંઘની શાખાઓ એક રીતે પ્રશિક્ષણ કેન્દ્રોની ભૂમિકા ભજવતી હતી, જ્યાં દરેક સ્વયંસેવકને રાષ્ટ્રહિતમાં તેમની ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા.

    ડૉ. કેશવ બલિરામ હેડગેવારનું જીવન અને નેતૃત્વ

    ડૉ. કેશવ બલિરામ હેડગેવારનો જન્મ 1889માં થયો હતો. તેમણે તેમના શિક્ષણ દરમિયાન ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો. કોંગ્રેસ સાથે સંકળાયેલા હોવા છતાં, તેમને લાગ્યું કે રાજકીય સ્વતંત્રતા કરતાં સામાજિક સંગઠન અને સાંસ્કૃતિક પુનરુત્થાન વધુ મહત્વપૂર્ણ છે. આ વિચાર તેમના જીવનના કેન્દ્રમાં રહ્યો અને RSSની સ્થાપનામાં પણ તેને પ્રાથમિકતા આપવામાં આવી.

    ડૉ. હેડગેવારે એક એવી સંસ્થાનું સપનું જોયું જે સમાજને એક કરી શકે અને દરેક વ્યક્તિને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કરી શકે. આખરે, ડૉ. હેડગેવારના નેતૃત્વ હેઠળ RSSની સ્થાપના થઇ, જેનું પ્રાથમિક ધ્યેય એવા સમાજનું નિર્માણ કરવાનું હતું જે સંગઠનમાં કોઈપણ પ્રકારની વિભાજનકારી માનસિકતાને સ્થાન ન આપે.

    તેમના વિચારોમાં સ્પષ્ટ હતું કે ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે સમાજના તમામ વર્ગોમાં સંવાદિતા અને એકતાની જરૂર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ વિચાર હેઠળ કાર્યની શરૂઆત થઇ અને ધીમે ધીમે આ સંગઠન તેની શાખાઓ દ્વારા સમગ્ર ભારતમાં ફેલાવા લાગ્યું.

    RSSનો વિસ્તાર અને વિકાસ: ગુરુજીનું નેતૃત્વ (1940-1973)

    માધવરાવ સદાશિવરાવ ગોલવલકર, જેમને ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે. ગુરુજી 1940માં ડૉ. હેડગેવારના અવસાન પછી સંઘના બીજા સરસંઘચાલક બન્યા. ગુરુજીનો કાર્યકાળ સંઘ માટે વિસ્તરણ અને તેની વિચારધારાને મજબૂત કરવાનો સમય હતો. ડૉ. હેડગેવારે જે પાયા પર સંઘની સ્થાપના કરી હતી, ગોલવલકર ઉર્ફે ગુરુજીએ તેને વ્યાપક સ્વરૂપ આપવાનું કાર્ય કર્યું હતું.

    તેમણે સંઘને માત્ર સંગઠનાત્મક રીતે જ નહીં પરંતુ વૈચારિક રીતે પણ મજબૂત કરવાનું કાર્ય કર્યું હતું. ગુરુજી માનતા હતા કે ભારત માત્ર એક ભૌગોલિક એકમ નથી, પરંતુ એક સાંસ્કૃતિક રાષ્ટ્ર છે, જેના મૂળમાં તેની પ્રાચીન સંસ્કૃતિ અને મૂલ્યો સમાયેલા છે. તેમણે ભારતના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા અને તેને આધુનિક ભારતની ઓળખ બનાવવાની દિશામાં કાર્ય કર્યું.

    તેમના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજના દરેક વર્ગ સુધી પહોંચ્યું અને તેમને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કર્યા. ગુરુજીએ સ્વયંસેવકોને શીખવ્યું કે રાષ્ટ્રની સેવાનો અર્થ માત્ર રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવો નથી, પરંતુ સમાજના દરેક ક્ષેત્રમાં યોગદાન આપવું છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ગ્રામીણ વિકાસ હોય કે સામાજિક સુધારણા હોય – સ્વયંસેવકોએ દરેક ક્ષેત્રમાં પુનઃનિર્માણ માટે કામ કરવું પડશે.

    સંઘ પર પ્રથમ પ્રતિબંધ: ગાંધીની હત્યા અને સંઘનો સંઘર્ષ

    1948માં મોહનદાસ ગાંધીની હત્યા બાદ સંઘે પ્રથમ વખત પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. એમકે ગાંધીની હત્યા બાદ તત્કાલીન જવાહરલાલ નેહરુની આગેવાની હેઠળની સરકારે આ ઘટના પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આરોપના આધારે RSS પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને સંઘના ઘણા પ્રમુખ નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    જોકે, આ હત્યા સાથે સંઘનો સીધો સંબંધ ન હોવા છતાં, તે સમયના રાજકીય સંજોગોમાં સંઘ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સંઘે આ આરોપને નકાર્યો એટલું જ નહીં પરંતુ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કાયદાકીય લડાઈ પણ લડી. પરિણામ સ્વરૂપે તપાસ પંચના રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે મહાત્મા ગાંધીની હત્યામાં સંઘની કોઈ સંડોવણી નથી અને તેના આધારે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.

    સંઘનું સામાજિક સેવા કાર્ય અને વિસ્તાર

    માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ઉર્ફે ગુરુજીના નેતૃત્વ હેઠળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેની શાખાઓનો વિસ્તાર કર્યો અને સમગ્ર ભારતમાં તેનું કાર્ય ફેલાવ્યું. સંઘના સ્વયંસેવકો દેશના ખૂણે-ખૂણે વિવિધ સમાજસેવાના કાર્યોમાં જોડાયા. સંઘનું સેવા કાર્ય માત્ર કટોકટીની પરિસ્થિતિઓ પૂરતું મર્યાદિત નહોતું. સંઘે શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ અને સામાજિક કલ્યાણ જેવા ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

    સંઘના સ્વયંસેવકોએ પણ આપત્તિ વ્યવસ્થાપનમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. સંઘે વિદ્યા ભારતી જેવી સંસ્થાઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપ્યું. વિદ્યાભારતી હેઠળ ચાલતી શાળાઓમાં માત્ર શિક્ષણ જ આપવામાં આવતું નથી પરંતુ ભારતીય મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યોનો પણ પ્રચાર કરવામાં આવે છે. એ જ રીતે સેવાભારતી જેવી સંસ્થાઓ દ્વારા સંઘે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં સેવા કાર્યને પ્રોત્સાહન આપ્યું.

    બાળા સાહેબ દેવરસ: સામાજિક સુધારણા અને દલિત ઉત્થાન (1973–1994)

    ગુરુજી પછી બાળા સાહેબ દેવરસે 1973માં સંઘનું નેતૃત્વ સંભાળ્યું. તેમના કાર્યકાળ દરમિયાન સંઘે સામાજિક સુધારાની દિશામાં મોટા પગલાં લીધાં. બાળા સાહેબ માનતા હતા કે સમાજમાં જાતિવાદ અને ભેદભાવને સમાપ્ત કર્યા વિના સાચા રાષ્ટ્રના નિર્માણનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં. તેમણે સમાજના પછાત અને દલિત વર્ગના ઉત્થાન માટે અનેક કાર્યક્રમો ચલાવ્યા.

    બાળા સાહેબના નેતૃત્વમાં સંઘે સમાજના તમામ વર્ગોને સાથે લાવવાના પ્રયાસો કર્યા. તેમણે સમાજના દરેક વ્યક્તિને સમાન અધિકાર અને સન્માન આપવા માટે સંઘ કાર્યને પ્રોત્સાહન આપ્યું. તેમના નેતૃત્વમાં સંઘે એક એવો સમાજ બનાવવાનું કામ કર્યું જ્યાં દરેક વ્યક્તિને તેની જાતિ, ધર્મ કે સામાજિક દરજ્જાના આધારે નહીં પરંતુ તેના ગુણો અને કાર્યોના આધારે સન્માન મળે.

    ઇમરજન્સી અને બીજો પ્રતિબંધ: લોકતંત્રની રક્ષા માટે સંઘનો સંઘર્ષ

    1975માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે ઇમરજન્સી જાહેર કરી હતી. જેમાં બંધારણની ઘણી જોગવાઈઓને સ્થગિત કરી દેવામાં આવી અને વિપક્ષી પાર્ટીઓ, સંગઠનો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગુપ્ત રીતે લોકશાહીની રક્ષા માટે આંદોલન ચલાવ્યું હતું.

    સંઘના સ્વયંસેવકોએ ઇમરજન્સી દરમિયાન લોકશાહીની પુનઃસ્થાપન માટે સખત સંઘર્ષ કર્યો હતો. આ સમયે સંઘના ઘણા નેતાઓ અને કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તેમનો સંઘર્ષ ચાલુ રાખ્યો. જ્યારે 1977માં કટોકટીનો અંત આવ્યો અને લોકશાહી પુનઃસ્થાપિત થઈ, ત્યારે સંઘની ભૂમિકાની વ્યાપક સ્તરે પ્રશંસા કરવામાં આવી હતી.

    પ્રોફેસર રાજેન્દ્ર સિંઘ ઉર્ફે રજ્જુ ભૈયાનું નેતૃત્વ (1994-2000)

    પ્રોફેસર રાજેન્દ્ર સિંઘને રજ્જુ ભૈયા તરીકે ઓળખવામાં આવે છે. રજ્જુ ભૈયા સંઘના ચોથા સરસંઘચાલક બન્યા. રજ્જુ ભૈયા એક મહાન શિક્ષણવિદ્ અને વિદ્વાન હતા, જેમણે શિક્ષણ અને બૌદ્ધિક ક્ષેત્રે સંઘના કાર્યનો વિસ્તાર કર્યો હતો. તેમના નેતૃત્વમાં સંઘે શિક્ષણ ક્ષેત્રે નવા પ્રયાસો કર્યા અને યુવાનોને સંઘના વિચારો સાથે જોડવાનું કામ કર્યું.      

    રજ્જુ ભૈયા માનતા હતા કે દેશનું ભવિષ્ય તેની યુવા પેઢીમાં છે. તેમણે સંઘના કાર્યને યુવાનો સુધી પહોંચાડવા અને તેમને રાષ્ટ્રનિર્માણ તરફ પ્રેરિત કરવા માટે ઘણા કાર્યક્રમો ચલાવ્યા. તેમના નેતૃત્વ હેઠળ સંઘે શૈક્ષણિક સુધારણા, નૈતિક શિક્ષણ અને સાંસ્કૃતિક પુનર્જાગરણ માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા હતા.

    બાબરી ઢાંચાનો વિધ્વંસ અને ત્રીજો પ્રતિબંધ (1992)

    1992માં બાબરી ઢાંચા વિધ્વંસની ઘટના બાદ સંઘ પર ત્રીજી વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને આ ઘટના પાછળ સંઘનો હાથ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ સમયે પણ સંઘે સંયમિત વલણ અપનાવ્યું અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા પોતાની નિર્દોષતા સાબિત કરી.

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે, તેનો ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ, સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. આ ઘટના પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજને એક કરવા અને સાંપ્રદાયિક સૌહાર્દ પુનઃસ્થાપિત કરવા માટે ઘણા પગલાં લીધાં.

    સ્વદેશી અને આત્મનિર્ભરતા તરફ સુદર્શનજીનું નેતૃત્વ (2000-2009)

    કપ્પુ. સી. સુદર્શન, જે સુદર્શનજી તરીકે જાણીતા છે, તેમણે 2000થી 2009 સુધી સંઘનું નેતૃત્વ કર્યું. તેમના નેતૃત્વમાં સંઘે સ્વદેશી, આત્મનિર્ભરતા અને પર્યાવરણ સંરક્ષણ તરફ ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા. તેમનું માનવું હતું કે ભારતે મજબૂત બનવા માટે સ્થાનિક સંસાધનો અને પરંપરાઓનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે સ્વદેશી અને આત્મનિર્ભરતા માટે ઘણા કાર્યક્રમો ચલાવ્યા.

    સુદર્શનજીના કાર્યકાળ દરમિયાન, સંઘે પર્યાવરણ સંરક્ષણ, જૈવિક ખેતી અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ઘણા અભિયાનો શરૂ કર્યા. તેમનું નેતૃત્વ સંઘ માટે આધુનિકતા અને પરંપરા વચ્ચે સંતુલન સાધવાનો સમય હતો. તેમણે ભારતીય જ્ઞાન, વિજ્ઞાન અને પરંપરાઓને આધુનિક સંદર્ભમાં પુનઃસ્થાપિત કરવાની દિશામાં કામ કર્યું.

    મોહન ભાગવત: સંઘનું વર્તમાન નેતૃત્વ (2009-વર્તમાન સુધી)

    હાલમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવત છે, જેમણે વર્ષ 2009માં આ પદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વમાં સંઘે સમાજના દરેક વર્ગ સુધી પહોંચવા માટે ઘણી નવી પહેલ કરી. મોહન ભાગવતનું માનવું છે કે સમાજમાં સમરસતા, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તેમના નેતૃત્વમાં સંઘે સમાજના દરેક વર્ગને સાથે લાવવાનો પ્રયાસ કર્યો.

    તેમના નેતૃત્વમાં સંઘે સમાજમાં પ્રવર્તતા જાતિવાદ અને ભેદભાવને નાબૂદ કરવા માટે ઘણા કાર્યક્રમો કર્યા. વર્તમાન સમયમાં મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતા મુખ્ય મુદ્દા છે જેના પર સંઘ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. મોહન ભાગવતના નેતૃત્વમાં સંઘનો પ્રયાસ છે કે ભારત એક એવા રાષ્ટ્ર તરીકે ઉભરે જ્યાં દરેક વ્યક્તિને સમાન તકો અને સન્માન મળે.

    સંઘનું સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય યોગદાન

    RSSએ પોતાના સેવાકીય કાર્યો દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. સંઘનું સેવા કાર્ય માત્ર આપત્તિ કે સંકટના સમયમાં જ સીમિત નથી, પરંતુ તે સમાજના દરેક ક્ષેત્રમાં સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. સંઘે શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ અને સામાજિક સુધારાના ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપ્યું છે.

    વિદ્યાભારતી જેવી સંસ્થાઓ દ્વારા સંઘે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આણી છે. વિદ્યાભારતી હેઠળ ચાલતી શાળાઓમાં લાખો વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ આપવામાં આવે છે એવું નથી, પરંતુ તેમને નૈતિક શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિ સાથે પણ જોડવામાં આવે છે. એ જ રીતે સેવાભારતીના માધ્યમથી સંઘે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

    સંઘે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના જતન માટે પણ અનોખું કાર્ય કર્યું છે. સંઘે યોગ, આયુર્વેદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય જ્ઞાન અને વિજ્ઞાનના પ્રાચીન સ્વરૂપોને પુનર્જીવિત કર્યા છે. સંઘના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભારતીય સંગીત, નૃત્ય અને કળા દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર  કરવામાં આવે છે.

    સંઘ એક બિનરાજકીય સંગઠન છે, પરંતુ ભારતીય રાજકારણ પર તેનો પ્રભાવ દેખાઈ રહ્યો છે. સંઘે રાજકારણમાં નૈતિકતા, સેવા અને દેશભક્તિના મૂલ્યોને આગળ વધારવાનું કામ કર્યું છે. સંઘ સાથે સંકળાયેલા ઘણા રાજકારણીઓ અને સામાજિક કાર્યકરો ભારતીય રાજકારણમાં સક્રિય છે અને રાષ્ટ્રહિતમાં કામ કરી રહ્યા છે. સંઘનું ભારતીય જનતા પાર્ટી (BJP) જેવા રાજકીય પક્ષોની રચના અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

    સંઘની વૈશ્વિક ઓળખ અને રાષ્ટ્રનિર્માણમાં આગળ ધપી રહેલ ડગલાં

    આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માત્ર ભારત પૂરતું સીમિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તેની ઓળખ પ્રસ્થાપિત થઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પ્રેરિત, ઘણી સંસ્થાઓ વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ, યોગ અને સામાજિક સેવાઓનો પ્રચાર-પ્રસાર કરી રહી છે.

    100 વર્ષની યાત્રા પૂર્ણ કર્યા પછી પણ સંઘ પોતાના લક્ષ્યો અને ઉદ્દેશ્યો પ્રત્યે એટલું જ સમર્પિત છે જેટલું તે તેના શરૂઆતના દિવસોમાં હતું. સંઘનો ઉદ્દેશ્ય સમાજના દરેક વ્યક્તિને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કરવાનો અને ભારતને એક મજબૂત, સંગઠિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં