34 વર્ષ પહેલાં, 15 જૂન 1991ની રાત્રે 9:35 વાગ્યે પંજાબમાં (Punjab) ખાલિસ્તાની આતંકવાદીઓએ (Khalistani attacks on Trains) બે ટ્રેનો પર હુમલા કરીને સેંકડો પરિવારોને તબાહ કરી નાખ્યા હતા.
ફિરોઝપુરથી લુધિયાણા જતી ટ્રેન લુધિયાણા જિલ્લાના બદ્દોવાલ નજીક ધીમી પડી ગઈ હતી. તે જ સમયે ઓટોમેટિક હથિયારોથી સજ્જ ખાલિસ્તાની આતંકવાદીઓએ નિર્મમ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 62 મુસાફરો, જેમાં મોટાભાગે હિંદુઓ હતા તે માર્યા ગયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ ટ્રેનને રોકવા માટે સિગ્નલ બોક્સમાં હોટ વાયર લગાવી દીધા હતા.
બીજી ઘટનામાં લુધિયાણા જિલ્લાના કિલા રાજન નજીક ધુરી-હિસાર પેસેન્જર ટ્રેનમાં 48 મુસાફરો માર્યા ગયા અને 30 ઘાયલ થયા હતા. આ હુમલામાં, આતંકીઓએ ખાસ કરીને ટ્રેનમાં હિંદુઓને શીખોથી અલગ કર્યા હતા અને તેમને નીચે ઉતરવાની ફરજ પાડી હતી. પછી તેમને રેલવે ટ્રેક પર લાઇનમાં ઊભા રાખીને ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. આ હુમલો ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના આતંકવાદીઓએ કર્યો હોવાનું કહેવાય છે.

ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ એક જ દિવસમાં બે હુમલાઓમાં સૌથી મોટી સામૂહિક હત્યા હતી. હુમલાના એક દિવસ પહેલાં પંજાબને અશાંત વિસ્તાર જાહેર કરાયો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા સેના પણ મોકલવામાં આવી હતી.
જતિન્દર સિંઘની હત્યા
આ દિવસે ટ્રેનોમાં કરેલો નરસંહાર ખાલિસ્તાની આતંકીઓએ કરેલો એક માત્ર હુમલો નહોતો, પરંતુ આતંકવાદીઓએ 11 લોકોની હત્યા કરી, જેમાં ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ્સ ફેડરેશનના વિધાનસભા ઉમેદવાર જતિન્દર સિંઘનો પણ સમાવેશ થાય છે.
જતિન્દર સિંઘ રોપડ જિલ્લાના ચમકૌર સાહિબ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. બે આતંકવાદીઓએ રતલાંગડી ગામના ગુરુદ્વારામાં તેમની હત્યા કરી હતી. આ હુમલામાં તેમનો ખાનગી ગનમેન પણ ઘાયલ થયો.
કહેવાય છે કે જતિન્દર સિંઘ લોકોને મળવા માટે સુરક્ષા ગાર્ડને જાણ કર્યા વિના ગયા હતા, જેના કારણે આ હુમલો થયો હતો. તેઓ માર્યા ગયેલા બીજા AISSF ઉમેદવાર જતાં અને ખાલિસ્તાની આતંકીઓ દ્વારા માર્યા ગયેલા કુલ ઉમેદવારોમાં 21મા ઉમેદવાર હતા.
આ ઉપરાંત, અન્ય એક હુમલામાં બે પોલીસકર્મીઓ પણ માર્યા ગયા હતા. તરનતારન જિલ્લાના ધોતિયાં ગામમાં એક પરિવારના પાંચ સભ્યો અને એક મહિલાની પણ હત્યા થઈ હતી.
તે દિવસે કોટલા માઝા સિંઘ ગામ નજીક થયેલા એન્કાઉન્ટરમાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના એરિયા કમાન્ડર સુખદેવ સિંઘ ઉર્ફે લાલી સહિત પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ હુમલાઓ લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થયાના 5 કલાકની અંદર થયા હતા. પંજાબમાં કાયદો-વ્યવસ્થાની સમસ્યાને કારણે મતદાન થયું ન હતું અને તે 22 જૂન માટે સેનાના રક્ષણ હેઠળ નક્કી થયું હતું. તે સમયે પંજાબ 1987થી કેન્દ્ર સરકારના શાસન હેઠળ હતું. એપ્રિલમાં પંજાબ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ હતી. 15 જૂન સુધીમાં 700થી વધુ લોકો અલગ-અલગ હુમલાઓમાં માર્યા ગયા હતા.
ગૃહમંત્રીની હત્યાનો પ્રયાસ
આ તે સમયની વાત છે, જ્યારે રાત્રે મુસાફરી પર પ્રતિબંધ હતો કારણ કે આતંકવાદી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું હતું. વારંવારના હુમલાઓને કારણે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પંજાબની ચૂંટણી રદ કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ભારતના તત્કાલીન ગૃહમંત્રી સુબોધ કાંત સહાય લુધિયાણા નજીક હત્યાના પ્રયાસમાંથી માંડ બચી શક્યા હતા. તેમની કાર પસાર થયા બાદ તરત જ રેતીના ઢગલામાં વિસ્ફોટ થયો હતો, પરંતુ તેઓ બચી ગયા હતા.
આખરે, મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી રદ કરી દેવામાં આવી હતી.
ખાલિસ્તાની આતંકીઓએ ટ્રેન હુમલામાં 49 હિંદુઓનો લીધો હતો જીવ
26 ડિસેમ્બર 1991ના રોજ ખાલિસ્તાની આતંકવાદીઓએ એક પેસેન્જર ટ્રેનને હાઇજેક કરી અને હિંદુ યાત્રિકો પર સુનિયોજિત ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 49 હિંદુઓ માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા. આ હુમલો રાજ્યની ચૂંટણીના બે મહિના પહેલાં થયો.
નવેમ્બર 1991માં કેન્દ્ર સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબમાં 1,40,000 સૈનિકો તહેનાત કર્યા હતા. તે સમયે ખાલિસ્તાની આતંકવાદીઓ માટે ટ્રેનો પર હુમલો કરી હિંદુ યાત્રિકોની હત્યા કરવી સામાન્ય બની ગયું હતું, ખાસ કરીને ચૂંટણી પહેલાં.
કહેવાય છે કે આતંકવાદીઓ લુધિયાણાથી ટ્રેન નીકળી ત્યારે તેમાં સવાર હતા. સાંજે 7:30 વાગ્યે સોહેન ગામ નજીક તેમણે ઈમરજન્સી ચેઈન ખેંચી હતી. ટ્રેન રોકાતાં ચાર આતંકવાદીઓએ AK-47 બંદૂકો કાઢી અને હિંદુ જેવા દેખાતા યાત્રિકોને શોધીને ગોળીઓ ધરબી દીધી હતી. સોહેન ક્રોસિંગ પર છ અન્ય આતંકવાદીઓ ટ્રેનમાં ચઢ્યા હતા અને નરસંહારમાં સામેલ થઈ ગયા હતા. 49 લોકોની હત્યા અને 20ને ઘાયલ કર્યા બાદ આતંકવાદીઓ રાત્રે ફરાર થઈ ગયા હતા.
જૂન 1991થી પંજાબ અને ઉત્તરી ઉત્તર પ્રદેશમાં નાગરિકો પર અનેક બૉમ્બ હુમલાઓ થયા હતા. ઉત્તરી ઉત્તર પ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં ખાલિસ્તાન તરફી શીખો રહેતા હતા અને તેઓ આતંકવાદીઓને આશરો આપતા હતા. આવા વિસ્તારો આજે પણ છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પિલીભીતમાં ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ સાથે જોડાયેલા આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. વધુમાં તેઓ પાકિસ્તાનની ISI દ્વારા તાલીમ પામેલા પણ હતા.
ખાલિસ્તાની આતંકીઓએ 1991માં કરેલો ટ્રેન નરસંહાર સ્વતંત્ર ભારતના ઇતિહાસના સૌથી ભયાનક પ્રકરણોમાંનું એક છે. હિંદુ યાત્રિકો, રાજકીય ઉમેદવારો અને નાગરિકોને નિશાન બનાવવું એ માત્ર આતંકવાદ નહોતું, પરંતુ પંજાબને અસ્થિર કરવા અને લોકશાહીને ખોરવવાનો યોજનાબદ્ધ પ્રયાસ હતો.