વડનગર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું એક અનોખું શહેર છે. જેણે ‘PM નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ’ એ રીતે વૈશ્વિક ઓળખ મેળવી છે. જો કે, તેનું ઐતિહાસિક મહત્વ અને સાંસ્કૃતિક સમૃદ્ધિ ઘણી વિશાળ છે.
આ પ્રાચીન શહેર, એક સમયે ધમધમતું વેપાર કેન્દ્ર હતું. તેના પ્રાચીન મંદિરો, શાંત તળાવો અને ઐતિહાસિક સીમાચિહ્નો એક મનમોહક ભૂતકાળ ધરાવે છે, જે ભારતના વૈવિધ્યસભર વારસાની ઝલક આપે છે.
પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર
વડનગરના સૌથી પ્રખ્યાત સીમાચિહ્નોમાંનું એક એટલે ભગવાન શિવને સમર્પિત શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર. આ ભવ્ય મંદિર, તેની જટિલ કોતરણી અને સ્થાપત્ય સૌંદર્ય માટે જાણીતું છે, તે નગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રમાણ છે. મંદિરનું શાંતિપૂર્ણ વાતાવરણ અને આધ્યાત્મિક મહત્વ તેને ભક્તો માટે એક લોકપ્રિય તીર્થ સ્થળ બનાવે છે.
હાટકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શાસ્ત્રી રાવલ નિરંજનભાઈએ જણાવ્યું હતું કે, “પુરાતત્વ વિભાગે જણાવ્યું છે કે આ મંદિર લગભગ 2200 વર્ષ જૂનું છે. 2016માં મોદીએ વડનગરને પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું, આ મંદિર માટે ₹₹19 કરોડ મંજૂર કરીને તેનો વિકાસ કરવામાં આવ્યો હતો. ત્યારથી તબક્કાવાર વિકાસની કામગીરી ચાલી રહી છે. હટક એટલે સોનું. તેથી જ ધન, યશ અને કીર્તિ આપનાર છે હાટકેશ્વર.”
શર્મિષ્ઠા તળાવ અને થીમ પાર્ક
ધમધમતા શહેરની વચ્ચે એક શાંત રણદ્વીપ જેવું ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ છે, જે શાંતિ પ્રદાન કરનાર સ્થળ છે. લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું તળાવ મુલાકાતીઓ માટે માણવાલાયક સ્થળ છે.
તળાવની નજીક એક મનમોહક થીમ પાર્ક છે જે ભારતીય સંગીતને સમર્પિત છે જે એક અનોખો અનુભવ આપે છે. તળાવના શાંત પાણી અને થીમ પાર્ક આરામદાયક અને આદર્શ એવું શાંત વાતાવરણ પ્રદાન કરે છે.
એક મુલાકાતીએ કહ્યું કે તેણે તાજેતરના વર્ષોમાં શહેરમાં નોંધપાત્ર વિકાસ જોયો છે. મુલાકાતી વિનય દીક્ષિતે જણાવ્યું હતું કે, “અમે અહીં નોંધપાત્ર વિકાસના સાક્ષી છીએ. શહેર ઇલેક્ટ્રિફાઇડ રૂટ અને મેઇન લાઇનમાં આવી રહ્યું છે. વડનગરને તારંગા હિલ્સ, અંબાજી અને આબુ રોડ સાથે સાંકળવાની સરકારની દરખાસ્ત પણ છે. તેથી તે સાથે, અહીં પ્રવાસન વધશે.”
12 સદીના કીર્તિ તોરણ
તળાવથી માત્ર થોડાક મીટર દૂર, વડનગરના ઐતિહાસિક મહત્વના પ્રતિક તરીકેની વિજયી કમાન સમાન ‘કીર્તિ તોરણ’ છે અને પ્રવાસીઓને મુલાકાત લેવા માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. 12મી સદીની આ અદભૂત રચના ચાલુક્ય વંશના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવી હતી.
આ કમાન હિંદુ દેવતાઓ, પૌરાણિક દ્રશ્યો અને શાહી વ્યક્તિઓને દર્શાવતી કોતરણીથી શણગારવામાં આવી છે, જે તેના સમયની ઉત્કૃષ્ટ કારીગરી દર્શાવે છે.
મળ્યું પૌરાણિક બૌદ્ધ મઠ
2000ના દાયકાની શરૂઆતમાં, ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે વડનગરમાં ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ બૌદ્ધ મઠનો ખંડેર શોધી કાઢ્યો હતો. આ શોધે આ શહેરને બૌદ્ધ ધર્મના મુખ્ય કેન્દ્ર તરીકે ચિહ્નિત કર્યું.
જો કે, વડનગરના બૌદ્ધ વારસાને ઉજાગર કરવાની યાત્રા 1992માં બોધિસત્વની મૂર્તિની શોધ સાથે શરૂ થઈ હતી, ત્યારબાદ નગર અને તેની આસપાસના વિસ્તારમાંથી મળેલ અવશેષોનો ભંડાર સાક્ષાત્કાર તરફ દોરી જાય છે.
આ નગર 2800 વર્ષ જૂનું- IIT ખડગપુર
વડનગર ખાતે ઊંડા પુરાતત્વીય ખોદકામમાંથી, IIT ખડગપુર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના વૈજ્ઞાનિકોનું એક સંઘ અને અન્ય ઘણી સંબંધિત સંસ્થાઓને પણ નગરમાં માનવ વસાહતના પુરાવા મળ્યા છે. જે ઇ.સ. પૂર્વે 800 જેટલા જૂના છે.
હાલમાં, એક પ્રાયોગિક સંગ્રહાલય બનાવવા માટે અત્યંત કાળજી સાથે સ્થળ પર કામ ચાલી રહ્યું છે. IIT ખડગપુરના એમેરિટસ પ્રોફેસર અનિન્દ્ય સરકારે જણાવ્યું હતું કે આ મ્યુઝિયમ 7 અલગ અલગ સાંસ્કૃતિક સમયગાળાનું અન્વેષણ કરીને નગરના 2,500 વર્ષ કરતા પણ વધારે સમયની નગરની ઉત્ક્રાંતિનું વર્ણન કરશે.
વધુમાં તેમણે કહ્યું કે, “આ ખોદકામ દરમિયાન, સાત સાંસ્કૃતિક સ્તરો જેવું કંઈક મળી આવ્યું હતું, અને આ દરેક સાંસ્કૃતિક સ્તરો તેમના વિવિધ સાંસ્કૃતિક તત્વો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા, ઉદાહરણ તરીકે, માટીકામ, સિક્કા. જ્યારે અમે વડનગરમાં ખોદકામમાં જોડાયા ત્યારે અમે વડનગરનો કાર્યકાળ અને શહેર કેટલું જૂનું છે તે જાણવા માગતા હતા. અને સૌથી જૂનો સમયગાળો, જેને અમે પીરિયડ વન તરીકે ઓળખીએ છીએ તે આપણને 800 BCE પહેલાનો સમય આપે છે, અર્થાત 2,800 વર્ષ જુનું છે. અને તેનાથી અમને ખૂબ જ આશ્ચર્ય થયું.”
આગળ જતા વડનગર શહેરમાં આકર્ષણ ઉભું કરતુ મ્યુઝિયમ ટાવર અને આર્ટ ગેલેરી શહેરના પ્રગતિના પ્રતિક બની રહ્યાં છે. મુલાકાતીઓ વડનગરના ભૂતકાળ અને ભારતીય ઇતિહાસના વ્યાપક સંદર્ભમાં તેના મહત્વ વિશે વધુ જાણવા આ મ્યુઝિયમમાં સંશોધન કરી શકે છે.
આ મ્યુઝિયમમાં વડનગર સાથે સંકળાયેલા ધર્મો, શાસકો અને દંતકથાઓ પરના વિવિધ વિભાગો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણનો એક વિભાગ છે.
મ્યુઝિયમ ગાઈડ પાયલ પ્રજાપતિએ કહ્યું, “આ આર્ટ ગેલેરીમાં દર્શાવવામાં આવ્યું છે કે, જૈન ધર્મ, બુદ્ધ દહ્ર્મ, વૈષ્ણવ પરંપરા આ તમામ ધર્મો અહીં અસ્તિત્વમાં હતા. સોલંકી વંશનું પણ શાસન હતું. અહીં ઘણા બધા આક્રમણો પણ થયા હતા અને પરિણામે 7 સાંસ્કૃતિક સ્તરોમાં પરિણમ્યા. અહીં આ બધું પ્રદર્શિત કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ તાના-રીરીનું ‘પ્રતિકાત્મક’ મલ્હાર રાગ પણ અહીં વગાડવામાં આવે છે. અહીં વડનગરનો ઈતિહાસ અને PM મોદીના બાળપણ વિશે માહિતી દર્શાવવા બે પ્રોજેક્ટર મુકવામાં આવ્યા છે.
આથી, PM મોદી સાથેના જોડાણ વગર પણ, વડનગર એ અનેરું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.
પછી ભલે તમે ઇતિહાસના રસિયા હોવ, સંસ્કૃતિના શોખીન હોવ, કે પછી શાંતિપૂર્ણ રીતે ફરવા માંગતા હોવ, વડનગર એક એવું સ્થળ છે જે તમારા માનસ પર કાયમી છાપ છોડશે.
(આ સમાચાર અહેવાલ સિન્ડિકેટ ફીડમાંથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. હેડલાઇન સિવાય, સામગ્રી OpIndia સ્ટાફ દ્વારા લખવામાં કે સંપાદિત કરવામાં આવી નથી)