ભારતમાં અનેક પંથ અને સંપ્રદાયો પાંગર્યા છે. તેમાંથી એક પંથ છે બૌદ્ધ પંથ. લેફ્ટ-લિબરલો અને કથિત સેક્યુલરોની જમાત કાયમ એક દલીલ આપતી હોય છે કે, બૌદ્ધ ધર્મનું પતન હિંદુઓએ કર્યું હતું. જોકે, તેમની પાસે એ સાબિત કરવા માટે કોઈ મજબૂત પુરાવા કે કથનનો અભાવ હોય છે. તેમ છતાં એક પ્રોપગેન્ડા ફેલાવવામાં આવે છે કે, બૌદ્ધ પંથ અને હિંદુ ધર્મ સતત એકબીજાથી વિપરીત ચાલ્યા હતા. હકીકત એ છે કે, બૌદ્ધ પંથ અને હિંદુ ધર્મ બંને સનાતન પરંપરાની શાખાઓ છે. બંનેની પદ્ધતિઓ ભિન્ન છે, પરંતુ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ એક છે.
14 એપ્રિલના રોજ ડૉ. બીઆર આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. દેશભરમાં મોટા-મોટા કાર્યક્રમો થાય છે અને દેશના અસંખ્ય લોકો બાબાસાહેબ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આજે આંબેડક જયંતિ નિમિત્તે બાબાસાહેબના શબ્દોમાં જ ઇસ્લામી બર્બરતા અને બૌદ્ધ ધર્મના પતન વિશેની માહિતી મેળવીશું. બાબાસાહેબે પોતે કહ્યું હતું કે, બૌદ્ધ ધર્મનો નાશ મુસલમાનોના ક્રૂર હુમલાઓથી થયો હતો. સતત હિંદુઓને બૌદ્ધોના શત્રુ તરીકે ચીતરતી આ ગેંગને બાબાસાહેબના લખાણથી ચૂપ કરાવવાનો સમય આવી ગયો છે.
‘ભારતમાંથી બૌદ્ધ ધર્મનો નાશ મુસ્લિમ આક્રાંતાઓએ કર્યો હતો’- બાબાસાહેબ આંબેડકર
બાબાસાહેબ આંબેડકરના ‘Dr. Babasaheb Ambedkar: Writings and Speeches’ના વોલ્યુમ 3મા સમાવિષ્ટ ‘Revolution and Counter-Revolution in Ancient India’ના ચેપ્ટર 9, જેનું શીર્ષક છે ‘The Decline and Fall of Buddhism’માં ભારતમાં બૌદ્ધ ધર્મના પતનના કારણોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેના માત્ર પ્રથમ અને દ્વિતીય પૃષ્ઠમાં જ બૌદ્ધ ધર્મના નાશ વિશેની વાતો કરવામાં આવી છે.

આ ચેપ્ટરના પાનાં નંબર 229 પર બાબાસાહેબ સ્પષ્ટ કહે છે કે, ભારતમાંથી બૌદ્ધ ધર્મ લુપ્ત થવો તે ખૂબ આશ્ચર્યની વાત છે. બાબાસાહેબ વધુમાં કહે છે કે, “તેમાં કોઈ શંકા નથી કે, ભારતમાંથી બૌદ્ધ ધર્મનું પતન મુસલમાનોના હુમલાઓથી થયું. ઇસ્લામ ‘બુત’નો દુશ્મન બનીને સામે આવ્યો. આપણે સૌ જાણીએ છીએ કે, ‘બુત’ શબ્દ અરબી છે અને તેનો અર્થ મૂર્તિ થાય છે. જોકે, ઘણા લોકો નથી જાણતા કે, ‘બુત’ શબ્દની ઉત્પત્તિ શું છે. ‘બુત’ શબ્દ બુદ્ધ શબ્દનો અરબી અપભ્રંશ શબ્દ છે.”

બાબાસાહેબના મતે ‘બુત’ શબ્દ આરબ મુસ્લિમો ‘બુદ્ધ’ માટે વાપરતા હતા અને તેથી જ મૂર્તિને પૂજતા લોકોને ‘બુતપરસ્ત’ કહેવામાં આવતા હતા. પૃષ્ઠ ક્રમાંક 236 પર બાબાસાહેબ કહે છે કે, “બૌદ્ધ વસ્તી દ્વારા ઇસ્લામ અપનાવવો બૌદ્ધ ધર્મના નાશનું મુખ્ય કારણ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.”
મુસ્લિમ આક્રમણો અને બૌદ્ધ ધર્મનો નાશ
ઈ.સ. 7મી સદીથી ભારત પર મુસ્લિમ આક્રમણો શરૂ થયા હતા, પરંતુ બૌદ્ધ ધર્મ માટે સૌથી વિનાશકારી સમય 12મી અને 13મી સદીનો હતો. આ સમયગાળા દરમિયાન મુહમ્મદ બિન બખ્તિયાર ખિલજી જેવા ઇસ્લામી આક્રાંતાઓએ ઉત્તર ભારત પર હુમલો કર્યો હતો. આ સમયે બૌદ્ધ વિહારો અને શૈક્ષણિક સંસ્થાઓ પર આક્રમણો થયા, જેનું ઉદાહરણ નાલંદા, ઓદંતપુરી અને વિક્રમશિલા જેવા મહાન વિશ્વવિદ્યાલયોનો વિનાશ છે. ઈ.સ. 1193માં ખિલજીએ નાલંદા પર હુમલો કરીને આખા વિશ્વવિદ્યાલયને સળગાવી દીધું હતું. જેના કારણે હજારો બૌદ્ધ ભિક્ષુઓ માર્યા ગયા અને અમૂલ્ય રહસ્યમય ગ્રંથો પણ નાશ પામ્યા હતા.
આંબેડકરે પોતાના લેખન અને પ્રવચનોમાં આ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમના ‘સ્પીચીઝ એન્ડ રાઇટિંગ્સ’માં (વોલ્યુમ 37, પૃષ્ઠ 515) તેમણે જણાવ્યું છે કે, “મુસ્લિમ આક્રમણોના કારણે બૌદ્ધ ધર્મને મોટો આઘાત લાગ્યો હતો. તેમણે બુદ્ધની મૂર્તિઓ તોડી નાખી અને ભિક્ષુઓની હત્યા કરી નાખી.” આંબેડકરનું માનવું હતું કે, આ આક્રમણો દરમિયાન બૌદ્ધ સંઘોની સંસ્થાકીય રચના નબળી પડી ગઈ હતી, જેના કારણે બૌદ્ધ ધર્મ ભારતમાંથી લગભગ લુપ્ત થઈ ગયો.
ઐતિહાસિક પુરાવાઓ પણ આંબેડકરના મંતવ્યને સમર્થન આપે છે. પર્સિયન ઇતિહાસકારો જેમ કે, અલ-બિરુનીએ પોતાના લખાણોમાં ભારતમાં બૌદ્ધ સંસ્થાઓ પર થયેલા હુમલાઓનો ઉલ્લેખ કર્યો છે. નાલંદાના વિનાશનું વર્ણન કરતાં એવું કહેવાયું છે કે, તેના પુસ્તકાલયો એટલા સમૃદ્ધ હતા કે, બળ્યા પછી તેનો ધુમાડો પણ દિવસો સુધી રહ્યો હતો. તે સિવાય તુર્કીઓના ગ્રંથ ‘તબકાત-એ-નાસિરી’ અને તિબેટીયન બૌદ્ધ ગ્રંથો (તારનાથનો ઇતિહાસ) જેવાં પુસ્તકોમાં પણ ઇસ્લામી હુમલાઓ વિશે વાત કરવામાં આવી છે. આંબેડકરે આ બાબતને સ્વીકારી હતી. તેમણે મુસ્લિમ આક્રમણોને નિર્ણાયક ગણાવ્યા હતા. તેમના મતે, જો મુસ્લિમ આક્રમણો ન થયા હોત તો બૌદ્ધ ધર્મ ભારતમાં ટકી શક્યો હોત.
આ સાથે જ ઇસ્લામી આક્રાંતાઓએ બૌદ્ધ વિહારો અને અન્ય પણ સંસ્થાઓનો નાશ કર્યો હતો. આ સંસ્થાનો બૌદ્ધ ધર્મના જ્ઞાન, શિક્ષણ અને પ્રચાર માટેના મુખ્ય સ્તંભ તરીકે કામ કરતી હતી. તેમાં પણ નાલંદાની કીર્તિ તો આખા વિશ્વમાં ફેલાયેલી હતી. આજે ઓક્સફોર્ડ જેવી યુનિવર્સિટીમાં અભ્યાસના સ્વપ્ન લગભગ દુનિયાના તમામ યુવાનો જુએ છે. તેવી જ રીતે પ્રાચીન સમયમાં નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવો ગૌરવની બાબત ગણાતી હતી.
નાલંદા જેવી સંસ્થાઓનો નાશ થવાથી બૌદ્ધ ધર્મનો બૌદ્ધિક આધાર નબળો પડ્યો અને નવા ભિક્ષુઓની શૈક્ષણિક તાલીમ અટકી ગઈ. જેનાથી બૌદ્ધ પંથનો પ્રચાર પણ અટકી ગયો. તે સિવાય ઇસ્લામી આક્રાંતાઓથી જીવ બચાવવા માટે ઘણા બૌદ્ધ ભિક્ષુકોએ ભારત છોડી દીધું હતું અને તિબેટ, ચીન, શ્રીલંકા જેવા અન્ય પાડોશી દેશોમાં પલાયન કર્યું. ઇસ્લામના ભયથી બૌદ્ધ ભિક્ષુઓના સ્થળાંતરનો પુરાવો તિબેટીયન અને ચીની બૌદ્ધ ગ્રંથોમાં જોવા મળે છે. જેમ કે, બ્લૂ એનલ્સ (Gyaltsen, 1996). આંબેડકરના મતે બૌદ્ધ સંઘનું આ વિખેર ધર્મના નાશનું એક મહત્વનું કારણ હતું.
તે સિવાય આ પુસ્તકમાં બાબાસાહેબે બૌદ્ધ ધર્મની કેટલીક આંતરિક ખામીઓને પણ કારણભૂત ગણાવી હતી. જેમાં પોતાના રક્ષણનો અભાવ. એટલે કે, અહિંસાના સિદ્ધાંતના કારણે પોતાના અસ્તિત્વ માટે લડવું નહીં. તે સિવાય હિંદુ ધર્મ જેટલી મજબૂતી અને મક્કમતા પણ ન હતી. આ ઉપરાંત નાલંદા જેવા સમૃદ્ધ સંસ્થાનોમાં પણ સુરક્ષાનો અભાવ. આ બાબત તો ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગે પણ પોતાના કથનોમાં વર્ણવી હતી.
બૌદ્ધ ધર્મને ઇસ્લામી કટ્ટરપંથ અને કોમ્યુનિસ્ટોએ પહોંચાડ્યું નુકસાન
એક જમાત સતત એવી દલીલો કરતી ફરે છે કે, હિંદુઓએ બૌદ્ધ વિહારો અને સ્તૂપોનો નાશ કરીને તેમના સ્થાને મંદિરો ઊભા કર્યા હતા. જોકે, તેમની પાસે આ બાબતના કોઈ પુરાવા નથી. પરંતુ, અહીં મહત્વની વાત એ છે કે, હિંદુઓ હંમેશાથી સહિષ્ણુ રહ્યા છે. તેમણે ક્યારેય અન્ય પંથ કે મજહબ પર હુમલો નથી કર્યો. ઇતિહાસ તેની સાક્ષી પૂરે છે કે, હિંદુ શાસકોએ ક્યારેય કોઈ અન્ય પંથ કે મજહબના લોકોના માથે પોતાનો ધર્મ નથી થોપ્યો. એટલે એ સ્વયંસિદ્ધ છે કે, બૌદ્ધ વિહારો કે સ્તૂપોનો નાશ ઇસ્લામી આક્રાંતાઓએ કર્યો હતો, નહીં કે હિંદુઓએ.
હિંદુઓ માટે આજે પણ જૈન દેરાસર, ગુરુદ્વારા કે બૌદ્ધ વિહારો પૂજનીય રહ્યા છે. કારણ કે, હિંદુઓ તેને પણ સનાતન સંસ્કૃતિની અમર ધરોહર માને છે. ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર સ્વામીને હિંદુઓ આજે પણ ભગવાન તરીકે પૂજે છે, તેથી તેમના સ્તૂપો અને વિહારો તોડવાનો દાવો એકદમ પાયાવિહોણો છે. જોકે, આવા દાવા કરતી આ ગેંગને બાબાસાહેબ આંબેડકરે પોતે જ જવાબ આપી દીધા છે.
હવે વાત કરીએ બૌદ્ધ ધર્મને નુકસાન પહોંચાડનારા તત્વો વિશેની. સૌથી પહેલા તો એ સ્પષ્ટ થઈ ગયું કે, બૌદ્ધ ધર્મનો નાશ હિંદુઓના કારણે નહીં, પરંતુ ઇસ્લામના કારણે થયો હતો. હવે એ જાણી લઈએ કે, તાજેતરના સમયમાં કોણ બૌદ્ધ ધર્મનો શત્રુ છે. દેશ 1947માં સ્વતંત્ર થયો તે સમયે દુનિયાનો સૌથી મોટો બૌદ્ધ દેશ ચીન હતો. ચીનમાં આજે બૌદ્ધ ધર્મનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે અને તે કર્યો છે કોમ્યુનિસ્ટોએ.
ચીન પછી દુનિયાનો બીજો સૌથી મોટો બૌદ્ધ દેશ તિબેટ હતો. તિબેટમાં પણ બૌદ્ધ ધર્મનો નાશ કરવાનું કામ કોમ્યુનિસ્ટોએ કર્યું છે. બૌદ્ધોના સૌથી મોટા ધર્મગુરુ દલાઈ લામાને જાનથી મારી નાખવાના પ્રયાસો પણ કોમ્યુનિસ્ટોએ કર્યા છે. તિબેટ પછીના સૌથી મોટા બૌદ્ધ દેશ વિયેતનામમાં પણ કોમ્યુનિસ્ટોએ જ બૌદ્ધ ધર્મને તબાહ કર્યો છે. હમણાંની જ વાત કરીએ તો હાલમાં સૌથી વધુ બૌદ્ધો મ્યાનમારમાં રહે છે અને ત્યાં બૌદ્ધ વિહારો પર હુમલા કરનારા રોહિંગ્યા મુસ્લિમો છે.
તાજેતરમાં 2001ની વાત કરીએ તો સૌથી મોટી ભગવાન બુદ્ધની પ્રતિમા અફઘાનિસ્તાનમાં હતી. તાલિબાની મુસ્લિમોએ તે મૂર્તિને તોપથી ઉડાવી દીધી. હવે વાત કરીએ 2013ની. 2013માં કોંગ્રેસ શાસનની સરકાર દરમિયાન બોધિગયા મંદિરમાં કટ્ટરપંથી મુસ્લિમોએ બ્લાસ્ટ કર્યો હતો. આ બધા જ તાજેતરના કિસ્સાઓ છે. આ બધા હુમલા કરનારાઓમાં એક પણ હિંદુ નથી. તમામ ઇસ્લામી કટ્ટરપંથીઓ અને કોમ્યુનિસ્ટો છે.
તેથી, મુદ્દાની વાત એ છે કે, બૌદ્ધ ધર્મનો ભારતમાંથી નાશ કરવામાં સૌથી મોટો હાથ ઇસ્લામી આક્રાંતાઓનો હતો, નહીં કે હિંદુઓનો. હિંદુઓએ બૌદ્ધ તો શું પણ દુનિયાના એક પણ પંથ પર હુમલો નથી કર્યો. હંમેશાથી બૌદ્ધ અને હિંદુ ધર્મ એકતાથી આગળ વધતાં રહ્યા હતા. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ થાઈલેન્ડના બૌદ્ધ રાજા પોતે પણ છે. દુનિયાના એકમાત્ર બૌદ્ધ થાઈ કિંગનો આખો વંશ પોતાને ‘રામ’ની ઉપાધિ આપે છે. હાલના રાજા છે – મહા વજ્રાલંકર્ણ- રાજા રામ દશમ.
તે સિવાય ભૂટાનના બૌદ્ધ રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક પોતે મહાકુંભ-2025માં આવ્યા હતા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મહાકુંભમાં પવિત્ર સંગમ સ્નાન કર્યું હતું. માટે હંમેશાથી જ હિંદુ અને બૌદ્ધ ધર્મે એક જ સિક્કાની બે બાજુ તરીકે કામ કર્યું છે. કારણ કે બંનેના મૂળમાં સનાતન પરંપરા છે.