ભારતનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર (Manipur) છેલ્લા કેટલાક સમયથી કુકી (Kuki) અને મૈતેઈ (Meitei) વચ્ચેની જાતીય હિંસાને કારણે ચર્ચામાં છે. તાજેતરના સમયમાં, મણિપુર અને મિઝોરમ તેમજ બાંગ્લાદેશ (Bangladesh) અને મ્યાનમારના (Myanmar) કેટલાક વિસ્તારોમાં સ્થાયી થયેલા કુકી ખ્રિસ્તીઓ પર ‘ઝોગમ’ અથવા ‘ઝલેનગામ’ નામનો એક અલગ ખ્રિસ્તી દેશ બનાવવાના પ્રયાસોનો આરોપ છે. જોકે, ઐતિહાસિક દ્રષ્ટીએ જોઈએ તો મણિપુર મૈતેઈ રાજ્ય હતું.
મણિપુરની સુંદર ભૂમિ પર પમ્હીબા નામક રાજા રાજ કરતા હતા. આ ઘણી જૂની વાત નથી. છે. 1690માં જન્મેલા પમ્હીબાને મણિપુર રાજ્યમાં મોટા સામાજિક-રાજકીય તથા ધાર્મિક ફેરફારો લાવવા માટે યાદ કરવામાં આવે છે. તેમણે પોતાની પ્રજા માટે જે કર્યું તેના કારણે રાજા પમ્હીબાને ‘ગરીબ નવાઝ’ પણ કહેવામાં આવતા હતા. ગરીબ નવાઝ એક ફારસી શબ્દ છે, જેનો અર્થ થાય દયાળુ અથવા પ્રજા વત્સલ.
પમ્હીબા પર જન્મ સાથે જ મૃત્યુનો પડછાયો
રાજા ચરાઇરોંગ્બા અને નાની રાણી નંગશેલ છરાઇબીના પુત્ર પમ્હીબા, 1709માં કાંગલીપાકના રાજા બન્યા. તે સમયે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. તે સમયે મણિપુર કાંગલીપાક તરીકે જાણીતું હતું. આ નામ સ્થાનિક સંસ્કૃતિ અને મૈતેઈ લોકોની માન્યતાઓ સાથે સંકળાયેલું હતું. આ રાજ્યના લોકો સનામહિમ અથવા કાંગેલઇ પરંપરાને અનુસરતા હતા. આ લોકો જીવવાદી હતા તથા તેમના પૂર્વજોની પૂજા કરતા હતા.
લેખક વિક્રમ સંપતે તેમના પુસ્તક ‘शौर्यगाथाएँ: भारतीय इतिहास के अविस्मरणीय योद्धा’માં લખ્યું છે કે તે સમયે મૈતેઈ શાહી પરિવારમાં એક નૃશંસ પરંપરા હતી. મોટી રાણી સિવાય અન્ય રાણીઓના પુત્રોને મારી નાખવામાં આવતા. આ પરંપરા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે મોટા પુત્રના ઉત્તરાધિકારને લઈને અન્ય કોઈ પુત્ર કોઈ સમસ્યા ન સર્જે તથા તેના કારણે કોઈ સત્તા સંઘર્ષ પણ ન ઉભો થાય.
પમ્હીબા રાજા ચરાઇરોંગ્બાની સૌથી નાની રાણીના પુત્ર હતા. તેથી, તેમને પણ મોતને ઘાટ ઉતારવામાં આવે તે પહેલાં, તેની માતાએ પમ્હીબાને ગુપ્ત રીતે નગા કબીલાના સરકાર પાસે મોકલી દીધા હતા. પાછળથી, જ્યારે મોટી રાણીને ખબર પડી કે નાની રાણીને પણ એક પુત્ર છે, ત્યારે તે સતત તેને મારી નાખવાની પ્રયાસો કરતી, પરંતુ પમ્હીબા દરેક વખતે બચી ગયા.
વિક્રમ સંપતે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે રાજા ચરાઇરોંગ્બાને અન્ય કોઈ રાણીથી કોઈ પુત્ર જન્મ્યો નહીં. આખરે તેમણે તેમના ઉત્તરાધિકારીની શોધ શરૂ કરી. એક દિવસ રાજા ચરાઇરોંગ્બા એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં તેમણે કેટલાક બાળકોને રમતા જોયા. આ બાળકોમાં તેમણે એક ખૂબ જ બુદ્ધિશાળી અને નીડર બાળક જોયું. આ બાળક એટલે પમ્હીબા. ત્યારપછી રાજા તેમને મહેલમાં લઈ ગયો અને બાદમાં તેમને સિંહાસન સોંપી દીધું.
મણિપુરનો હિંદુ રાજ્ય તરીકે ઉદય
રાજા ચરાઇરોંગ્બાએ પણ ભારતના બાકીના રાજ્યો સાથે રાજદ્વારી સંબંધો બનાવવાનું શરૂ કર્યું. આ સાથે તેમનો હિંદુ ધર્મ તરફનો ઝુકાવ વધવા લાગ્યો. તેમણે હિંદુ પ્રથાઓનું પાલન કરવાનું પણ શરૂ કર્યું. જ્યારે પમ્હીબા રાજા બન્યા ત્યારે આ સંબંધો વધુ મજબૂત બન્યા. એટલું જ નહીં, પમ્હીબાએ હિંદુ ધર્મ અપનાવ્યો અને હિંદુ ધર્મને પોતાના રાજ્યનો મુખ્ય ધર્મ પણ જાહેર કર્યો.
એવું કહેવાય છે કે 1717માં, રાજા પમ્હીબા શાંતિદાસ ગોસાઈંના પ્રયાસો દ્વારા હિંદુ ધર્મના સંપર્કમાં આવ્યા (જેમને ગોશાઈ પણ કહેવાય છે). ગોસાઈં બંગાળના સિલહટના વૈષ્ણવ ઉપદેશક અને ચૈતન્ય સંપ્રદાયના અનુયાયી હતા. શાંતિદાસના માર્ગદર્શન હેઠળ પમ્હીબાએ વૈષ્ણવ ધર્મ અપનાવ્યો. ઉલ્લેખનીય છે કે વૈષ્ણવ સંપ્રદાય એ ભગવાન વિષ્ણુ, ભગવાન રામ અને કૃષ્ણને સમર્પિત એક ભક્તિ સંપ્રદાય છે.
રાજા હિંદુ બન્યા એટલે ત્યાંના લોકો પર પણ તેની મોટી અસર પડી. કાંગલીપાકના મૈતેઈ સમુદાયના લોકોએ પણ મોટી સંખ્યામાં હિંદુ ધર્મ અપનાવવાનું શરૂ કર્યું. આના કારણે કેટલીક પરંપરાગત મૈતેઈ ધાર્મિક વિધિઓને હિંદુ ધાર્મિક વિધિઓમાં પરિવર્તિત કરવામાં આવી હતી અથવા વિલીન કરવામાં આવી હતી. આ રીતે હિંદુ ધર્મનો પ્રભાવ વધતો ગયો. 1724માં તેમણે કાંગલીપાકનું નામ બદલીને મણિપુર કરી દીધું.

રાજા પમ્હીબા તેમના લોકો અથવા બહારથી આવતા વેપારીઓ પ્રત્યે એટલા ઉદાર હતા કે મુસ્લિમ પ્રવાસીઓ તેમને ગરીબ નવાઝ કહેવા લાગ્યા. જોકે, રાજા પમ્હીબાનું હિંદુ નામ ગોપાલ સિંઘ હતું. તેમણે મંદિરો બનાવડાવ્યા અને હિંદુ રીતિ-રિવાજો પણ અપનાવ્યા. રાજા પમ્હીબાને મણિપુરેશ્વર તરીકે પણ ઓળખવામાં આવતા હતા, કારણ કે તેમણે કાંગલીપાકનું નામ બદલીને સંસ્કૃત નામ મણિપુર રાખ્યું હતું.
રાજા પમ્હીબાએ રાજધાની ઇમ્ફાલમાં ઘણા હિંદુ મંદિરો બનાવ્યા, જેમાં બ્રહ્મપુર ગુરૂરીબમ લેઇકાઇ ખાતે શ્રીકૃષ્ણ મંદિરનો સમાવેશ થાય છે. જોકે, તે દરમિયાન મૈતેઈ દેવતાઓના ઘણા મંદિરો કાં તો તોડી પાડવામાં આવ્યા હતા અથવા હિંદુ મંદિરોમાં ફેરવાઈ ગયા હતા. પમ્હીબાના વંશજો રાજા ભાગ્યચંદ્ર ઉર્ફે જય સિંઘ અને ગંભીર સિંઘ વગેરેએ પણ હિંદુ મંદિરોનું નિર્માણ ચાલુ રાખ્યું. રાજા ભાગ્યચંદ્રએ ‘રાસલીલા નૃત્ય’નો આવિષ્કાર કર્યો હતો.
મણિપુરમાં હિંદુ ધર્મના ઉદયનો શ્રેય રાજા પમ્હીબાને આપતાં, ટીસી હોજસન તેમના પુસ્તક ‘ધ મીથિસ’માં લખે છે, “પમ્હીબા (ગરીબ નવાઝ), જેમના શાસનકાળ દરમિયાન સામ્રાજ્યનું ભાગ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું, તેમની શાહી ઇચ્છાને કારણે હિંદુ ધર્મને રાજ્યના અધિકારીક ધર્મના રૂપે વર્તમાન સ્થિતિ પ્રાપ્ત થઇ. આવી જ રીતે, ઈ.સ. 33થી ચાલતો આવતો રાજપરિવાર હિંદુ બની ગયો.”

જોકે, મૈતેઈ સમુદાયમાં હિંદુ ધર્મનો ફેલાવો એ ઘણી જૂની ઘટના છે. એસ.કે. ચેટર્જી તેમના પુસ્તક ‘કિરાત-જન-કૃતિઃ ધ ઈન્ડો-મોંગોલોઈડ્સ; ધેર કન્ટ્રીબ્યુશન ટૂ ધ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયા’માં લખ્યું છે, “એવું લાગે છે કે મૈતેઈ અથવા મણિપુરી લગભગ 8મી સદીની શરૂઆતમાં હિંદુ ધર્મમાં સામેલ થયા હતા જ્યારે તેમની વચ્ચે વૈષ્ણવ ધર્મ ફેલાયો હતો.”
એપિગ્રાફિક પુરાવાઓના આધારે, કેટલાક ઇતિહાસકારો માને છે કે મણિપુર 8મી સદીના અંત સુધીમાં હિંદુ સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવ્યું હતું. રાજા ખોંગટેકચા (765-799 ઈ.સ) દ્વારા શક સંવત 721માં (799 ઈ.સ.) મણિપુરી લિપિમાં જારી કરાયેલ એક તામ્રપત્રને મણિપુરી પુરાતત્વવિદ્ યુમજાઓ સિંઘને ઇમ્ફાલથી લગભગ 9 માઇલ પશ્ચિમમાં, ફાયેંગ ગામમાં મળી આવ્યું હતું. તેમાં શિવ, દુર્ગા, હરિ, ગણેશ અને અન્ય હિંદુ દેવતાઓની પૂજા કરવાની પ્રથાનો ઉલ્લેખ છે.
બર્મા સામે પમ્હીબાનું લશ્કરી અભિયાન
રાજા પમ્હીબા માત્ર લોકપ્રિય શાસક જ નહોતા, પરંતુ તેઓ મહત્વાકાંક્ષી લશ્કરી નેતા પણ હતા. તેમના શાસન દરમિયાન મણિપુરે પૂર્વમાં બર્મા અને પશ્ચિમમાં નાના સામ્રાજ્યો સામે સફળ લશ્કરી ઝુંબેશ ચલાવી અને તેમને મણિપુરમાં જોડીને તેમના સામ્રાજ્યનો નોંધપાત્ર રીતે વિસ્તાર વધાર્યો. રાજા પમ્હીબાએ 1725માં પ્રથમ વખત બર્મા પર આક્રમણ કર્યું, પરંતુ વાસ્તવિક સફળતા 1737માં પ્રાપ્ત થઇ.
તે સમય દરમિયાન, મૈતેઈ સેનાએ થોડા સમય માટે બર્માની રાજધાની અવા સહિત બર્માની જમીનનો મોટો ભાગ કબજે કર્યો હતો. બર્મા સામેના તેમના અભિયાનનો હેતુ તેમના સામ્રાજ્યને તેના હુમલાથી બચાવવાનો હતો. એવું કહેવાય છે કે લગ્નની પાર્ટીની આડમાં ઓચિંતો હુમલો કરીને બર્માની સેનાને હરાવી હતી. મણિપુરની સેનાને ત્યાંથી ઘણી માત્રામાં સંપત્તિ પણ મળી હતી.

બર્મા પરના હુમલા પાછળનું એક મુખ્ય કારણ તેમના પિતા ચાઇરોંગ્બાને આપેલું વચન હતું. ‘સમસોક ન્ગામ્બા’માં જણાવ્યા અનુસાર બર્માના રાજાએ તેના પિતાના શાસનકાળ દરમિયાન કથિત રીતે પમ્હીબાની બહેનનું અપમાન કર્યું હતું. તેઓ આનો બદલો લઈ શક્યા નહીં. સિંહાસન પર બેઠા પછી, પમ્હીબાએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી અને બર્મા સામે ઘણી સફળ લશ્કરી ઝુંબેશ પણ ચલાવી હતી.
સંપત તેમના પુસ્તકમાં લખે છે કે 1725 માં બર્માના રાજા તાનિંગાન્વે યુદ્ધ હારી ગયા. ત્યારપછી પમ્હીબાએ તેમને શાંતિ મંત્રણા માટે બોલાવ્યા હતા. આ સમય દરમિયાન, તાનિંગાન્વે દંભપૂર્ણ વલણ અપનાવીને, પમ્હીબાની બહેન સત્યમાલા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. એક હારી ગયેલ રાજા તરફથી આપેલ આ પ્રસ્તાવ ખૂબ અપમાનભર્યો હતો.
જોકે, થોડો વિચાર કર્યા પછી, પમ્હીબાએ પ્રસ્તાવ સ્વીકારી લીધો. જ્યારે બર્માના રાજા તાનિંગાન્વે સત્યમાલા સાથે લગ્ન માટે મણિપુર પહોંચ્યા ત્યારે ત્યાં જાનૈયાને રોકવામાં આવ્યા. ત્યારપછી પછી મણિપુરી સૈનિકો સામાન્ય નાગરિકોના વેશમાં ત્યાં પહોંચ્યા અને બર્માની સેનાનો નરસંહાર કર્યો. આ રીતે પમ્હીબાએ પોતાના અને તેમની બહેનના અપમાનનો બદલો લીધો.
આ લેખ મૂળ હિન્દીમાં પ્રકાશિત થયેલ છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.