સનાતન ધર્મમાં ચાર ધામ અને સાત નગરીઓને ખૂબ પવિત્ર અને પાવન માનવામાં આવે છે. ચાર ધામોમાં બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વરનો સમાવેશ થાય છે. જ્યારે સાત પવિત્ર નગરીઓ છે- અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિ (તત્કાલીન માળવાની રાજધાની ઉજ્જૈન) અને દ્વારવતી (દ્વારકા). તેનો ઉલ્લેખ ગરુડપુરાણના પ્રેતખંડના 34 અને 56મા શ્લોકમાં જોવા મળે છે. એ સિવાય સાત નગરીઓનો ઉલ્લેખ સ્કંદપુરાણના કાશીખંડમાં પણ છે. આ સાત નગરીઓ અને ચાર ધામને મોક્ષ આપનાર કહેવામાં આવે છે. તેમાં સૌથી પવિત્ર દ્વારકા ધામ છે. દ્વારકા એક માત્ર એવું સ્થળ છે, જે પવિત્ર સાત નગરીઓમાં પણ સ્થાન ધરાવે છે અને પવિત્ર ચાર ધામોમાં પણ. દ્વારકાનો પોતાનો ભવ્ય અને રોચક ઇતિહાસ રહેલો છે.
વડાપ્રધાન મોદીએ રવિવારે (25 ફેબ્રુઆરી) પવિત્ર નગરી દ્વારકાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરી અને બેટ દ્વારકાથી મુખ્યભૂમિને જોડતા ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યું હતું. પછીથી તેમણે સમુદ્રમાં ડૂબી ગયેલી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો પણ નિહાળ્યા અને ત્યાં પ્રાર્થના કરીને મોરપીંછ અર્પણ કર્યું. આ અનુભવો વિશે જણાવતાં વડાપ્રધાન કહે છે કે, “જળમગ્ન દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એક દિવ્ય અનુભવ રહ્યો. મને શાશ્વત ભક્તિ અને આધ્યાત્મિક વૈભવના પ્રાચીન યુગ સાથે એક જોડાણ અનુભવાયું. ભગવાન શ્રીકૃષ્ણ સૌનું કલ્યાણ કરે.”
#WATCH | Prime Minister Narendra Modi went underwater, in the deep sea, and prayed at the site where the submerged city of Dwarka is. pic.twitter.com/J7IO4PyWow
— ANI (@ANI) February 25, 2024
ભગવાન શ્રીકૃષ્ણએ વસાવ્યું હતું મહાન દ્વારકા, પ્રાચીન ભારતનું સૌથી ઉન્નત અને આધુનિક નગર હતું
દ્વારકાને પ્રાચીન અને પવિત્ર સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. આ ભવ્ય નગરીનો ભવ્ય ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે. ઐતિહાસિક દ્રષ્ટિકોણથી કહી શકાય કે, દ્વારકા પ્રાચીન ભારતનું સૌથી ઉન્નત અને આધુનિક નગર હતું. સમુદ્રની મધ્યમાં તે સમયે આખું નગર વસાવવું તે આશ્ચર્ય સર્જી શકે છે. તાજેતરમાં થયેલાં અનેક ઑપરેશનોમાં સમુદ્રની અંદર વિલીન થયેલી સ્વર્ણ દ્વારકા નગરીના અવશેષો પણ મળી આવ્યા છે.
મહાભારત ગ્રંથના સમકાલીન તમામ ગ્રંથોમાં દ્વારકા નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણએ તેમના મામા અને મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો પછી કંસના સસરા મગધનરેશ જરાસંધ શ્રીકૃષ્ણ સાથે વેરભાવ રાખીને યાદવો પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા. વારંવારનાં આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે સુરાષ્ટ્ર (તાજેતરના સૌરાષ્ટ્ર)માં આવેલા કુશસ્થળી વિસ્તારની પસંદગી કરી. કુશસ્થળીમાં આવતાં પહેલાં શ્રીકૃષ્ણે કુશાદિત્ય, કર્ણાદિત્ય, સર્વાદિત્ય અને ગૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સમુદ્રતટ પર દ્વારકાનું નિર્માણ કર્યું.
શ્રીમદ્ ભાગવત અનુસાર, દ્વારકાનું નિર્માણ કરતાં પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ સમુદ્રને જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી હતી. વરુણ દેવે ભગવાનની માયા પારખી લીધી અને સમુદ્રની મધ્યમાં જ વિશાળ જગ્યા આપી. ત્યારપછી વિશ્વકર્માજીએ દ્વારકાનું નિર્માણ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા નગરી વસાવીને તેને પોતાની લીલાઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. શ્રીકૃષ્ણના જીવનની ઘણી મહત્ત્વની ઘટનાઓ દ્વારકા નગરીમાં જ બની, જેમ કે રૂક્ષ્મણીહરણ તથા વિવાહ, જાંબવતી, રોહિણી, સત્યભામા, કાલિન્દી, મિગવિન્દા, સત્યા, નાગ્નજિતી, સુશીલામાદ્રી, લક્ષ્મણા, દતા સુશલ્યા વગેરે સાથે વિવાહ, નરકાસુરવધ, પ્રાગ્જ્યોતિષપુર વિજય, પારિજાતહરણ, બાણાસુરવિજય, ઉષા-અનિરુદ્ધ વિવાહ, મહાભારત યુદ્ધ સંચાલન, દ્રૌપદીનું ચીરહરણથી રક્ષણ, શિશુપાલવધ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ લીલાઓ ભગવાને દ્વારકાની ભૂમિથી કરી હતી.
પ્રાચીન ભારતની સમૃદ્ધ નગરી દ્વારકા
ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકાની ભૌતિક સમૃદ્ધિ સફળતાનાં ઉચ્ચ શિખરો સુધી પહોંચી હતી. પ્રાચીન ભારતની સૌથી ઉન્નત નગરી દ્વારકા બની હતી. વિદેશી વ્યાપારથી લઈને વિજ્ઞાનના ક્ષેત્રે પણ પ્રાચીન દ્વારકા અગ્રેસર હતું. ભગવાન શ્રીકૃષ્ણના નેતૃત્વમાં યદુવંશ પણ ખૂબ વિકાસ કરી રહ્યો હતો. સમુદ્રની મધ્યમાં આખું સામ્રાજ્ય ઊભું કરવું અને એ પણ આધુનિક મશીનરી વગર. વિશાળ મહેલો અને મકાનો, ઉત્તમ રોડ વ્યવસ્થા અને પ્રકાશ માટેની પણ વ્યવસ્થા. તે સમયના વિશ્વ કરતાં પ્રાચીન ભારત ઘણું આગળ નીકળી ગયું હતું અને તેમાં પણ દ્વારકા નગરી ઉન્નતિનાં તમામ શિખરો સર કરી રહી હતી. ભગવાન શ્રીકૃષ્ણ પાસે પ્રાચીન વિશ્વની સૌથી શક્તિશાળી સેના હતી. જેને નારાયણી સેના તરીકે ઓળખવામાં આવતી હતી. તેના નામ માત્રથી મોટાં-મોટાં સામ્રાજ્યો શસ્ત્રોનો ત્યાગ કરીને આત્મસમર્પણ કરી દેતાં હતાં.
કાળક્રમે બધી વસ્તુઓ બદલાવા લાગી હતી અને ઉન્નત ભૌતિક સુવિધાઓ હોવાથી યાદવો ભોગવિલાસમાં ડૂબવા લાગ્યા હતા. અનેક દુર્ઘટનાઓ દ્વારકામાં બનવા લાગી હતી. જેમ કે, યાદવોએ પિંડતારણ ક્ષેત્રમાં રહેતા ઋષિઓને હેરાન કર્યા હતા. પરંતુ ઋષિઓએ યાદવોને ક્ષમા આપી હતી. તેમ છતાં યાદવોએ તે ઋષિઓના ધર્મકાર્યોમાં અડચણરૂપ થવાનું શરૂ રાખ્યું હતું. આથી ઋષિઓએ યાદવોને શ્રાપ આપી દીધો હતો. યદુવંશને મળેલો આ પહેલો શ્રાપ હતો.
ગાંધારીનો શ્રાપ અને દ્વારકા જળમગ્ન
ઋષિઓએ આપેલો શ્રાપ દિનપ્રતિદિન પ્રબળ બનતો રહ્યો હતો. તે જ સમયે ભગવાન શ્રીકૃષ્ણ મહાભારતના ભીષણ યુદ્ધમાં સહભાગી થયા હતા. તેઓ અર્જુનના સારથિ બનીને કુરુક્ષેત્રમાં ઉતર્યા હતા. જ્યારે તેમની નારાયણી સેના કૌરવોના પક્ષે હતી. 18 દિવસો સુધી ચાલેલા આ ભીષણ યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ અનેક લીલાઓ કરી હતી. અર્જુનને શ્રીમદ ભગવદ ગીતાનું દિવ્ય જ્ઞાન પ્રદાન કર્યું હતું. ઋષિઓના શ્રાપના પ્રકોપે નારાયણી સેના પાંડવોના હાથે ખતમ થવા લાગી હતી. સાથે આ ભીષણ યુદ્ધમાં કૌરવો પણ પરાજિત થયા હતા.
ધૃતરાષ્ટ્રના 100 પુત્રો આ ભીષણ યુદ્ધમાં હોમાઈ ગયાના સમાચાર મળતા ગાંધારીએ હૈયાફાટ રુદન કર્યું હતું. જે સમયે પાંડવોનો રાજ્યાભિષેક થઈ રહ્યો હતો. પવિત્ર સેંગોલ ધારણ કરીને યુધિષ્ઠિર સિંહાસન પર વિરાજમાન થવા જઈ રહ્યા હતા. તે જ સમયે કૌરવોની માતા રાજસભામાં આવી પહોંચે છે. તેમણે આ યુદ્ધ અને તેમના પુત્રોના વિનાશ માટે ભગવાન શ્રીકૃષ્ણને જવાબદાર ઠેરવ્યા હતા અને શ્રાપ આપ્યો હતો કે, “જે રીતે કૌરવોનો આખો વંશ નાશ પામ્યો છે, તે જ રીતે યદુવંશનો પણ નાશ થશે. વિશ્વની સૌથી સુંદર નગરી દ્વારકા પણ જળના પ્રવાહમાં ડૂબી જશે.”
ભગવાન શ્રીકૃષ્ણએ સહર્ષ તેમના શ્રાપનો સ્વીકાર કર્યો હતો. જોકે ત્યારબાદ ગાંધારીને તેમનાથી થયેલી ભૂલ વિશે જાણ થતાં ભગવાનની ક્ષમા માંગી હતી. ત્યારે ત્રિકાળજ્ઞાની ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, “તમે માત્ર નિમિત્ત બન્યાં છો. યદુવંશનો નાશ નિશ્ચિત હતો. જે સભ્યતા ભોગવિલાસમાં રત રહેશે તેનો નાશ નિશ્ચિત થશે”
આખરે તે સમય પણ આવી ગયો કે, જ્યારે યદુવંશીઓ અંદરોઅંદર લડવા લાગ્યા અને વિદ્રોહ કરવા લાગ્યા. દરમ્યાન એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ પ્રભાસ ક્ષેત્રના જંગલોમાં વિશ્રામ કરી રહ્યા હતા. તે સમયે કોઇ પ્રાણી હોવાની ગેરસમજ કરીને અચાનક એક પારધીએ તીર ચલાવ્યું, જે ભગવાનને પગમાં વાગ્યું હતું. પારધીએ નજીક જઈને જોતાં પોતાની ભૂલ સમજાઇ હતી અને તે ભગવાનની માફી માંગવા માંડ્યો હતો. પરંતુ તે સમયે ભગવાને તેને કહ્યું કે, “જે કંઈ થાય છે તે મારી ઇચ્છાથી થાય છે.” આ રીતે તેમણે મનુષ્ય દેહનો ત્યાગ કર્યો. જેવી ભગવાનની લીલા સમેટાઈ કે તુરંત જ ભીષણ ત્સુનામીમાં દ્વારકા ગરકાવ થઈ ગયું અને યદુવંશનું પણ પતન થયું. તે સમયનું ભવ્ય અને દિવ્ય દ્વારકા જળમગ્ન બની ગયું. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણના મહાન સામ્રાજ્યનો અંત થયો હતો. પૂરક માહિતી એવી પણ કે ભગવાન શ્રીકૃષ્ણે દેહત્યાગ કર્યો તે સમયથી કળિયુગનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે.
સિંધુ ખીણની સભ્યતા કરતાં પણ પ્રાચીન છે દ્વારકા
દ્વારકાનો ભવ્ય ઇતિહાસ જાણવા માટે ઘણા ઇતિહાસકારોએ પરિશ્રમ કર્યો હતો. જેમાં જદુનાથ સરકારની સાથે અનેક વિદેશી ઇતિહાસકારોનો પણ સમાવેશ થાય છે. પરંતુ કોઈ ઇતિહાસકાર હજુ સુધી તેના મૂળ સુધી પહોંચી શક્યા નથી. સમુદ્રમાં થયેલાં અનેક ઑપરેશનો થકી પ્રાચીન દ્વારકાના અવશેષો વિશે જાણી શકાયું છે. પ્રાચીન દ્વારકાના અવશેષોમાં ભગવાન શ્રીકૃષ્ણના મહેલના સ્તંભો, પથ્થરો, વાસણો અને આખી દિવ્ય નગરી પણ મળી આવી છે. આ તમામ પુરાવાઓનું પરીક્ષણ કરવામાં આવતાં તે 5000 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જાણવા મળ્યું છે.
ઘણા તાજેતરમાં રચાયેલા હિંદુ ધર્મ ગ્રંથોમાં દ્વારકા વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં દ્વારકાનો શાબ્દિક અર્થ ‘સ્વર્ગનો દ્વાર’ કહેવામાં આવ્યો છે. જાણીતા ઇતિહાસકાર એજે ચાવડા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનું સામ્રાજ્ય સિંધુ ખીણની સભ્યતા કરતાં પણ વધુ પ્રાચીન છે. વિશ્વના ઇતિહાસમાં સૌથી પ્રાચીન સભ્યતા તરીકે સિંધુ ખીણની આર્ય સભ્યતાને ઓળખવામાં આવે છે. પરંતુ દ્વારકા નગરીના મળેલા અવશેષો પણ 5 હજાર વર્ષો કરતાં વધુ પ્રાચીન છે. સિંધુ ખીણની સંસ્કૃતિ લગભગ આજથી 4 હજાર વર્ષ પહેલાં સિંધ પ્રદેશથી ભારતના અલગ-અલગ રાજ્યોમાં પાંગરેલી હતી.
એજે ચાવડાએ આ વિશે કહ્યું હતું કે, આપણે જેને સિંધુ ખીણની સભ્યતા કહીએ છીએ, તે જ દ્વારકાની સભ્યતા હતી. ઇતિહાસકારોને સિંધુ ખીણની સભ્યતામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. જે અંદાજિત 4000-4500 વર્ષો જૂની મનાય છે. તે મૂર્તિઓમાં શિવ-પાર્વતીની મૂર્તિ અને અલગ-અલગ દેવી-દેવતાઓની મૂર્તિઓનો સમાવેશ થાય છે. એટલે એ સ્પષ્ટ થાય છે કે, સિંધમાં પાંગરેલી આ સભ્યતા આર્ય સભ્યતા હતી. જ્યારે એજે ચાવડાએ પણ દ્વારકા આર્ય સભ્યતાનો મહત્વનો ભાગ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લગભગ 5500-6000 વર્ષો પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકા વસાવી હતી. તે સમયે તેમણે આર્ય સભ્યતાનો પાયો નાખ્યો હતો. તે દ્વારકાની સભ્યતા સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ પ્રદેશ, ગુજરાતના અનેક પ્રદેશો, ઉત્તર ભારતના પ્રદેશો અને દક્ષિણ ભારતના અમુક પ્રદેશો સુધી વિસ્તરી હતી.
પ્રાચીન ભારતની અત્યાધુનિક નગરી હતી દ્વારકા
ઘણા ઇતિહાસકારોનું કહેવું છે કે, વારાણસી પણ દ્વારકાની સભ્યતાઓ એક ભાગ હતો. વારાણસીને વિશ્વના સૌથી પ્રાચીન નગર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, સિંધુ ખીણની સભ્યતાના નગરો, જેવા કે, મોહેં-જો-દડો, લોથલ, હડપ્પા, ધોળાવીરા વગેરે વિકસિત નગરો ગણવામાં આવતાં હતાં. જેમાં મોહેં-જો-દડોને ખૂબ વિકસિત શહેર માનવામાં આવતું હતું. તેની નગર રચના ખૂબ ઉત્તમ હતી. પરંતુ દ્વારકાની નગર રચના અને મોહેં-જો-દડોની નગર રચના સમાન જેવી હતી. ઘણા અંશે દ્વારકા નગર મોહેં-જો-દડો કરતાં પણ ચડિયાતું હતું. તેમ છતાં પ્રાચીન ઇતિહાસમાં દ્વારકાને નહિવત સ્થાન આપવામાં આવ્યું છે! વિશ્વની સૌથી વિકસિત અને આદર્શ નગરી દ્વારકાને ઇતિહાસમાં સ્થાન ન આપવા પાછળ પણ અનેક કારણો હોય શકે છે. જે પૈકીનું એક પ્રમુખ કારણ એ છે કે, દ્વારકા હિંદુ ધર્મના ભગવાન શ્રીકૃષ્ણએ વસાવી હતી. જ્યારે મોહેં-જો-દડોને કોણે વસાવ્યું એ વિશેની કોઈ ઐતિહાસિક માહિતી નથી.
બ્રિટિશકાળથી ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી ઇતિહાસ ક્ષેત્રે ડાબેરી ઇતિહાસકારોનું વર્ચસ્વ વધુ હતું. તેથી ઘણાં એવાં ધાર્મિક મંદિરો અને નગરો વિશે દેશના કરોડો લોકોને અંધકારમાં રાખવામાં આવ્યા હતા. દ્વારકાનો ભવ્ય અને પ્રાચીન ઇતિહાસના ગ્રંથોમાં ન દર્શાવવા પાછળનું એક કારણ જે તે સમયના ડાબેરી ઇતિહાસકારોનો હિંદુદ્વેષ છે. માત્ર ધાર્મિક સ્થળ તરીકે ઓળખવામાં આવતા દ્વારકાનો ઇતિહાસ અંદાજિત 6000 વર્ષો જેટલો પ્રાચીન છે. તાજેતરમાં ભારત સરકાર અનેક મિશનો અને ઑપરેશનો થકી સમુદ્રમાં વિલીન થયેલી દ્વારકાને દુનિયા સામે રજૂ કરવાનું કામ કરી રહી છે. ભારત સરકારના પ્રયત્નોથી પ્રાચીન ભારતની અત્યાધુનિક નગરી દ્વારકાનો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ ધીમે-ધીમે બહાર આવી રહ્યો છે.