Friday, September 27, 2024
More
    હોમપેજદેશ1857ના સંગ્રામની એ બેધારી તલવાર, જે બની ગઈ અંગ્રેજ સામ્રાજ્યનો કાળ: વીરતા...

    1857ના સંગ્રામની એ બેધારી તલવાર, જે બની ગઈ અંગ્રેજ સામ્રાજ્યનો કાળ: વીરતા અને પરાક્રમની એ ગાથા, જેના કારણે રાણી લક્ષ્મીબાઈ કહેવાયાં ‘રાષ્ટ્રનાયિકા’

    વિભાજિત ભારતને એક તાંતણે બાંધીને ઇતિહાસની સૌથી મોટી ક્રાંતિ કરવાનું શ્રેય મહારાણી લક્ષ્મીબાઈને જાય છે. તેથી જ તેમને 'રાષ્ટ્ર નાયિકા' કહેવામાં આવ્યા છે. તેમણે માત્ર સત્તાલાલચા માટે નહીં, પરંતુ સ્વરાજ્યના સ્વપ્ન માટે દેશભરના ક્રાંતિવીરોની સેનાનું સફળ નેતૃત્વ કર્યું હતું અને અંગ્રેજોના હ્રદયમાં કાયમ માટે એક ધાક બેસાડી દીધી હતી.

    - Advertisement -

    चमक उठी सन सत्तावन में,
    वह तलवार पुरानी थी,
    बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
    खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।
    હિન્દી ભાષાની આ કવિતાના પઠન માત્રથી રૂંવાટા ઊભા થઈ જાય અને એક છબીલી, નાનકડી મરાઠી કન્યાની વીરતા માનસપટ પર છવાઈ જાય. વાત છે ઝાંસીનાં મહાપરાક્રમી રાણી લક્ષ્મીબાઈની. એક એવી કન્યા જેને સ્વયં મા ભવાનીના અવતાર તરીકે સાહિત્યોમાં વર્ણવવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજની ગાથા સાંભળીને એક નાનકડી કૂંપળ વિકસિત થઈ રહી હતી, તે સમયે કોને ખબર હતી કે, આ જ કૂંપળ એક સમયે આખા ભારતની છત્રછાયા બનશે. બાળપણથી અદમ્ય સાહસની મૂર્તિ, શરીર પર શસ્ત્રો અને મુખમાં શાસ્ત્રોના શૃંગાર સાથે રણભૂમિ પર ઉતરેલી એક વીરાંગનાને કૃતજ્ઞ ભારતવાસીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી.

    સમાચાર હતા કે, દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈને ‘રાષ્ટ્રનાયિકા’ ગણાવ્યાં છે. દિલ્હીની શાહી ઈદગાહના પાર્કમાં ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઈની પ્રતિમા સ્થાપિત કરવાને લઈને મસ્જિદ સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો. તે અંગેની સુનાવણી સમયે હાઈકોર્ટે કહ્યું હતું કે, “ઝાંસીનાં મહારાણીની પ્રતિમા હોવી ખૂબ ગર્વની વાત છે, તેઓ ધર્મ-પંથો, મઝહબની સીમાઓથી પરે એક રાષ્ટ્રનાયિકા હતાં. આજે પણ મહિલા સશક્તિકરણની વાતમાં અચૂકપણે ઝાંસીના રાણીનો ઉલ્લેખ કરવામાં આવે છે.” ત્યારે એ સમજવું જરૂરી છે કે, શા માટે મહારાણી લક્ષ્મીબાઈને ‘રાષ્ટ્રનાયિકા’ કહેવામાં આવે છે અને તે સમજવા માટે સૌપ્રથમ જાણવું જરૂરી છે લક્ષ્મીબાઈનું જીવન.

    છત્રપતિ શિવાજીની ગાથાઓ સાંભળી વીત્યું બાળપણ

    વાત છે, 19મી સદીની. અંગ્રેજો ભારતમાં પગપેસારો કરી રહ્યા હતા. ઘણા વિસ્તારો પર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ ધ્વજ ફરકી રહ્યો હતો અને ઘણા વિસ્તારો પર અંગ્રેજોની કુદ્રષ્ટિ પડી ચૂકી હતી. તમામ ઘટનાઓ એકસાથે ઘટિત થઈ રહી હતી. ભારતીયો એક ઊંડી હતાશામાં ગરકાવ થઈ ગયા હતા. પોતાના પૂર્વજોના અસીમ સાહસને ભૂલીને અંગ્રેજોનું આધિપત્ય સ્વીકારી ભારતીયો મનથી પણ ગુલામ થઈ રહ્યા હતા. પરિસ્થિતિ તંગ હતી અને ભારત પર કાળચક્રના કાળા ડિબાંગ વાદળો મંડરાઈ રહ્યા હતા. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે 14 નવેમ્બર, 1828ના રોજ બનારસના એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં એક કન્યાનો જન્મ થયો.

    - Advertisement -

    નવજાત બાળકી દેખાવે સુંદર હતી. પિતા બ્રાહ્મણ હોવાની તેનું નામ મણિકર્ણિકા પાડ્યું, પરંતુ પ્રેમથી લોકો તેને ‘મનુ’ કહીને સંબોધતા હતા. પેશ્વાએ બાળકીના ચંચળ સ્વભાવના કારણે તેને ‘છબીલી’ નામ આપ્યું હતું. બાળકી દિવસે-દિવસે મોટી થઈ ગઈ અને અન્ય બાળકીઓથી તદ્દન ભિન્ન દેખાતી ગઈ. શરૂઆતમાં તો પરિવારજનોને ચિંતા થઈ કે, તેની બાળકી અન્ય બાળકીઓ કરતાં અલગ કેમ છે. અન્ય બાળકીઓ રમવામાં, શૃંગારમાં અને હરવા-ફરવામાં રત હતી અને મનુ શાસ્ત્રો અને શસ્ત્રોમાં વ્યસ્ત હતી. 4 વર્ષની ઉંમરે મનુએ તીરંદાજી અને તલવારબાજીમાં મહારત હાંસલ કરી લીધી હતી. તે જ વર્ષે મનુના માતા ભાગીરથીબાઈનું નિધન થયું હતું અને બાળકી પરથી માતાની છત્રછાયા હંમેશા માટે ખોવાઈ ગઈ હતી.

    પત્નીના નિધન બાદ મોરોપંતે પુત્રી મનુને ઉછેરી હતી. સમય જતાં તેઓ બાળકીના આધ્યાત્મિક ગુરુ પણ બની ગયા હતા. દરરોજ પિતા મોરોપંત મનુને છત્રપતિ શિવાજી મહારાજની વીરગાથા સંભળાવતા હતા. ત્યારથી જ મનુના મનમાં ‘સ્વરાજ્ય’નું ધ્યેય હંમેશા માટે ઘર કરી ગયું હતું. મનુએ નાના સાહેબ પેશ્વા અને તાત્યા ટોપે જેવા મહાન સેનાપતિઓ પાસેથી યુદ્ધકળા શીખી હતી. નાના સાહેબ અને તાત્યા પણ મનુની યુદ્ધકળાથી પ્રભાવિત થઈ ઉઠ્યા હતા. આટલા સમય સુધીમાં મોરોપંતને સમજાઈ ચૂક્યું હતું કે, તેમની પુત્રી સાધારણ નથી.

    ઝાંસીના મહારાજા સાથે વિવાહ અને મણિકર્ણિકાનું નવું નામકરણ

    મનુના પિતા મોરોપંત બિઠુરના રાજ દરબારમાં સારા પદ પર હતા. તેથી મનુનો મોટાભાગનો સમય પણ રાજમહેલમાં વિત્યો હતો. તે દરેક ઘટનાઓનું નિરીક્ષણ કરતી રહેતી હતી. ઉંમર વધતાંની સાથે તેની ભીતર અનેક કૌશલ્યો વિકસિત થઈ રહ્યાં હતાં, જેવી રીતે કોઈ યોદ્ધા રણભૂમિ માટે તૈયાર થઈ રહ્યો હોય, તે જ રીતે મનુને સ્વયં પ્રકૃતિ ઘડી રહી હતી. મનુ રંગ-રૂપથી જેટલી આકર્ષક હતી, તેટલી જ વીરતા અને સાહસમાં પણ નિપુણ હતી. તેના હાવભાવ પણ એક વીરાંગનાને શોભે તેવા હતા. સમય જતાં મનુના વિવાહ ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા હતા. કહેવાય છે કે, ઝાંસીના મહારાજા ગંગાધરના પિતા મહારાજા શિવરાજ ભાઉ મનુથી ખૂબ પ્રભાવિત હતા અને તેની બહાદુરીથી સ્તબ્ધ હતા. આ જ કારણે તેમણે મોરોપંત પાસેથી મણિકર્ણિકાનો હાથ માંગ્યો હતો.

    ઘટના એવી હતી કે, શિવરાજ ભાઉએ મણિકર્ણિકાને ચિત્તાનો શિકાર કરતી જોઈ હતી. તે બાદથી તેઓ મનુનું તેજ અને પરાક્રમ ક્યારેય ભૂલી શક્યા નહોતા. ત્યારબાદ ઝાંસીના મહારાજાએ વારંવાર પોતાના પુત્ર ગંગાધર રાવ માટે મણિકર્ણિકાનો હાથ માંગતી અરજી પેશ્વાઓના છત્રપતિને કરી હતી. ખૂબ વિચારણા અને વિમર્શ બાદ આખરે 1842માં 14 વર્ષની ઉંમરે મનુના વિવાહ ગંગાધર રાવ સાથે થયા હતા. લગ્ન બાદ ગંગાધર રાવ પણ સારી રીતે સમજી ચૂક્યા હતા કે, તેમના વિવાહ કોઈ સાધારણ સ્ત્રી સાથે નથી થયા. રાણીના યુદ્ધ કૌશલ્યો, વિવેકબુદ્ધિ અને પરાક્રમને પરખીને તેમણે મણિકર્ણિકાનું નામ લક્ષ્મીબાઈ રાખ્યું હતું.

    ઝાંસી પર અંગ્રેજોની કુદ્રષ્ટિ અને મહારાણીનો સંકલ્પ

    સમય વીતવાની સાથે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈએ એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ માત્ર 4 મહિનામાં જ બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટના રાજા-રાણી બંનેના જીવનમાં ઘેરી નિરાશા ભરી ગઈ હતી. પુત્રવિયોગમાં ગંગાધર રાવ બીમાર રહેવા લાગ્યા. પરંતુ તેમને ઝાંસી પર અંગ્રેજોની કુદ્રષ્ટિનો અણસાર મળી ગયો હતો. તેથી તેમણે પોતાના ભાઈના પુત્રને દત્તક લીધો અને તેને ઝાંસીના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યો. બાળકને દામોદર રાવ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ, મહારાજાના દેહાંત બાદ અંગ્રેજોએ દામોદરને તેમના ઉત્તરાધિકારી તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો અને ઝાંસીની સત્તાને જપ્ત કરવા માટેના કાવતરા શરૂ કરી દીધા. તે સમયે અંગ્રેજોએ કાયદો બનાવ્યો હતો કે, જે રાજ્યનો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય, તે રાજ્ય પર બ્રિટિશ કંપનીનું શાસન લાગુ થઈ જશે.

    ‘લક્ષ્મીબાઈ, રાની ઑફ ઝાંસી’માં લેખક જયવંત પૉલ લખે છે કે, તે સમયે ભારતમાં લૉર્ડ ડેલહાઉસી વાઈસરૉય તરીકે આવ્યો હતો. જ્યારે રાણી લક્ષ્મીબાઈને સમગ્ર ઘટના વિશે જાણ થઈ તો તેમણે વકીલની મદદથી લંડનની કોર્ટમાં કેસ દાખલ કર્યો, પરંતુ બ્રિટિશરોએ રાણીની તે અરજી ફગાવી દીધી હતી. વર્ષ 1854ના માર્ચ મહિનામાં અંગ્રેજોએ રાણી લક્ષ્મીબાઈને મહેલ ખાલી કરી દેવાનો આદેશ આપી દીધો, પરંતુ રાણી મક્કમ હતા. તેમણે સંકલ્પ લીધો કે, તેઓ જીવે છે, ત્યાં સુધી ઝાંસીનું રાજ્ય અંગ્રેજોને નહીં આપે. તેમના શબ્દો હતા – “હું જીવતેજીવ અંગ્રેજોને ઝાંસી નહીં આપું. તેઓ શાસન કરવા માંગે છે અને હું સેવા.” લક્ષ્મીબાઈનું સાહસ જોઈને અંગ્રેજો પણ કાંપી ઉઠ્યા હતા. અંગ્રેજોના ઇશારે ઝાંસીના પાડોશી રાજ્ય ઓરછા અને દતિયા પણ ઝાંસી પર હુમલો કરવા લાગ્યા હતા, પરંતુ રાણીએ મજબૂતીથી તમામ હુમલાઓને ડામી દીધા હતા.

    1857ની ક્રાંતિ અને ‘રાષ્ટ્રનાયિકા’ લક્ષ્મીબાઈ

    કોઈપણ ભોગે ઝાંસી ડગ્યું નહીં, હાર્યું નહીં અને અંગ્રેજોના કબજામાં પણ આપ્યું નહીં. બ્રિટિશરો એક ભારતીય સ્ત્રીથી એટલા ડરી ગયા હતા કે, એકપણ ઉપરી અધિકારી ઝાંસીમાં પગ મૂકવાની ભૂલ કરી શક્યો નહોતો. સમય જતો ગયો અને મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારી પર ગોળી ધરબી દીધી. અહીંથી શરૂ થયો 1857ની ક્રાંતિઓ પહેલો પડઘો. અંગ્રેજોએ ભારતીયોની હિંમત અને સાહસને ડામવા માટે મંગલ પાંડેને જાહેરમાં ફાંસી આપી દીધી. પરંતુ હવે, ક્રાંતિની જ્વાળાએ વિનાશકારી અગ્નિનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઝાંસીમાં પણ ક્રાંતિની તૈયારીઓ તેજ થઈ ગઈ હતી. દેશનું એકમાત્ર રાજ્ય હતું ઝાંસી, જ્યાં અંગ્રેજો સાથે બાથ ભીડવા માટે મહિલા યોદ્ધાઓ પણ ઘડાઈ રહી હતી.

    મહારાણી લક્ષ્મીબાઈએ ઉત્તમ કૂટનીતિ વાપરીને તે સમયના રજવાડાઓને એક કરવા અથાગ પ્રયાસ કર્યા. નાના સાહેબ, તાત્યા ટોપે અને અનેક મરાઠા સેનાપતિઓની આખી ફૌજ તૈયાર કરી. આ ફૌજની સાથે ઝાંસીની સ્થાનિક મહિલાઓ પણ બેધારી તલવાર લઈને જોડાઈ ગઈ. મોટાભાગના ક્રાંતિકારીઓ પણ તેમાં જોડાઈ ગયા અને આ તમામ લોકોનું નેતૃત્વ કરી રહ્યા હતા મહારાણી લક્ષ્મીબાઈ. 1857ની ક્રાંતિમાં તેઓ ‘રાષ્ટ્ર નાયિકા’ તરીકે ઊભરી આવ્યા હતા. અંગ્રેજોને પણ ક્રાંતિની ભાળ મળી ગઈ હતી. આખરે અંગ્રેજોએ તક શોધીને ઝાંસી પર સીધો હુમલો કરી દીધો. ઝાંસીને ચારે તરફથી ઘેરી લઈને તેના વિશાળ દુર્ગ (કિલ્લા) પર બ્રિટિશ ઝંડો ફરકાવી દીધો.

    પરંતુ, મહારાણી પોતાના પ્રણ પર અટલ હતાં. તેમણે 14,000 ક્રાંતિકારીઓની સેના તૈયાર કરી હતી. જેમનું એકમાત્ર લક્ષ્ય ‘ભારતની સ્વતંત્રતા’ અને બ્રિટિશ સેનાનો ખાતમો હતું. સેનાએ યોદ્ધાઓનો પોશાક ધારણ કર્યો અને રાણી લક્ષ્મીબાઈ પણ વીરાંગનાના પોશાકમાં મેદાનમાં ઉતરી આવ્યાં. પુત્ર દામોદરને પીઠ પર બાંધ્યો અને બંને હાથમાં બેધારી તલવાર લઈને જાણે સાક્ષાત રણચંડી ભવાની રાક્ષસો પર તૂટી પડી હોય તેમ રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોને ચીરતાં ગયાં. ઝાંસીના મેદાનોમાં ચોતરફ રક્તપાત હતો અને મહારાણી ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે એક-એક કરી અંગ્રેજોનાં માથાં વાઢી રહ્યા. એક ભારતીય મહિલાના પરાક્રમે અંગ્રેજોને હેરાન કરી નાખ્યા હતા. કોઈ અંગ્રેજ સૈનિક આગળ આવવા તૈયાર નહોતો. સાક્ષાત લોહીમાં સ્નાન કરી રહેલા રણચંડી મહારાણીને જોવા માત્રથી અંગ્રેજો ડરી રહ્યા હતા.

    સૂર્યના સમસ્ત તેજ જેવી લાલ આંખો અંગ્રેજોને કાળ બનીને ચીરી રહી હતી. મહારાણીએ દેશના ક્રાંતિવીરોની આખી સેનાનું પણ નેતૃત્વ કર્યું અને ઝાંસીની રક્ષા પણ કરી. પરંતુ, ઇતિહાસ સાક્ષી છે કે, પોતાના જ દેશના ગદ્દારોના કારણે ભારતીય યોદ્ધાઓ સામે કાવતરા મંડાઇ જતાં હતાં. મહારાણી લક્ષ્મીબાઈ સાથે પણ તેવું જ થયું. દેશના કેટલાક ગદ્દારો અંગ્રેજો સાથે ભળી ગયા અને ગ્વાલિયર જઈ રહેલા મહારાણીને વચ્ચે જ ઘેરી લેવામાં આવ્યા. ઘોડા પરથી ઉતરીને મહારાણી બેધારી તલવારો હાથમાં લઈને એક-એક દ્રોહીને જોતાં રહ્યા. શરીરના તમામ અંગો પર ઘા હતા, છતાં અંગ્રેજો મહારાણી સામે જવાની હિંમત નહોતા કરી શક્યા. 18 જૂનના રોજ માત્ર 29 વર્ષની મહાનાયિકાએ અંગ્રેજોના હજારોના ટોળાં વચ્ચે અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો. એકલા હાથે અનેક અધિકારીઓને ચીરી નાખ્યા બાદ તેઓ રણભૂમિમાં જ લડતાં-લડતાં વીરગતિને પ્રાપ્ત થયાં હતાં. મૃત્યુ સમયે પણ તેમના ચહેરા પર અદભૂત તેજ અને અદમ્ય સાહસ છલકાઈ રહ્યાં હતાં.

    ટુકડાઓ અને રજવાડાઓમાં વિભાજિત ભારતને એક તાંતણે બાંધીને ઇતિહાસની સૌથી મોટી ક્રાંતિ કરવાનું શ્રેય મહારાણી લક્ષ્મીબાઈને જાય છે. તેથી જ તેમને ‘રાષ્ટ્રનાયિકા’ કહેવામાં આવ્યા છે. તેમણે માત્ર સત્તાલાલચા માટે નહીં, પરંતુ સ્વરાજ્યના સ્વપ્ન માટે દેશભરના ક્રાંતિવીરોની સેનાનું સફળ નેતૃત્વ કર્યું હતું અને અંગ્રેજોના હ્રદયમાં કાયમ માટે એક ધાક બેસાડી દીધી હતી. આ ક્રાંતિની અસર એટલી ભયાનક હતી કે, બ્રિટિશ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સત્તા છીનવી લઈને સીધું તાજનું શાસન લાગુ કર્યું હતું. મહારાણી લક્ષ્મીબાઈ આજે પણ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. તમામ ભારતીયો તેમના અમર બલિદાન માટે કાયમ કૃતજ્ઞ રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં