Wednesday, June 11, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિહોલિકાના દહન પહેલાં પણ ભારતવર્ષમાં ઉજવાતી હતી હોળી: વૈદિક યુગમાં લોકો મનાવતા...

    હોલિકાના દહન પહેલાં પણ ભારતવર્ષમાં ઉજવાતી હતી હોળી: વૈદિક યુગમાં લોકો મનાવતા હતા ‘નવધાન્ય-ઇષ્ટી’, પ્રાચીન ગુરુકુળોમાં પણ થતું હતું ‘હુતાશની અનુષ્ઠાન’

    વૈદિક યુગથી ઉજવાતા આપણાં મહાન ઉત્સવો ન માત્ર લોકોને હળવાશ આપતા હતા, પરંતુ તેની સાથે-સાથે આરોગ્યની સંભાળ અને વૈજ્ઞાનિક અભિગમ પણ આપતા હતા.

    - Advertisement -

    સનાતન ધર્મ આદિકાળથી વિશ્વના એક પ્રમુખ માર્ગ તરીકે વિકસતો રહ્યો હતો. તેના તહેવારો પણ વિશ્વને દેદીપ્યમાન કરતા હતા અને વ્યસ્ત જીવનમાં હળવાશ આપતા હતા. તેનું સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક મહત્વ તો ખરું જ, પણ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ અસરકારક હતું. હમણાં દેશભરમાં હોળીનો તહેવાર ઉજવાયો અને લોકોએ ઉત્સાહભેર તેની ઉજવણી પણ કરી. દેશનો એક મોટો વર્ગ આ ઉત્સવને અસત્ય પર સત્યના વિજય તરીકે ઉજવે છે અને હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહન સાથે જોડે છે.

    જોકે, તે વાત સાચી છે. પરંતુ હોળી ભારતનો સનાતન તહેવાર છે. ભક્ત પ્રહલાદના યુગ એટલે કે પૌરાણિક યુગમાં તેને વધુ દ્રઢતા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પરંતુ હોળી તો સભ્યતાની શરૂઆત સાથે ઉજવવાની શરૂ થઈ હતી. વૈદિક યુગમાં પણ ઋષિઓ અને ખેડૂતો હોળીની ઉજવણી કરતા હતા. પ્રાચીન ગ્રંથો પણ તેની સાક્ષી પૂરે છે. વૈદિક યુગમાં હોળીનાં અનેક નામ હતાં અને બધા જ પોતાની ભીતર એક અલાયદો ઇતિહાસ લઈને બેઠા હતા.

    હોળી સનાતન તહેવાર હોવા છતાં દેશનો એક મોટો વર્ગ એવું માને છે કે, પૌરાણિક યુગમાં હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહન બાદ આ તહેવારની શરૂઆત થઈ હતી અને લોકોએ પ્રહલાદની રક્ષા માટે અગ્નિની પૂજા કરીને ઉજવણી કરી હતી. તે પહેલાંનો હોળીનો ઇતિહાસ દેશનો એક મોટો વર્ગ આજે પણ નથી જાણતો. આ વિશેષ લેખમાં હોલિકા દહન પહેલાંના હોળીના ઇતિહાસને જાણવા પ્રયાસ કરીશું.

    - Advertisement -

    હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહન બાદ પ્રસિદ્ધ થયો હતો તહેવાર

    સૌથી પહેલાં વાત પૌરાણિક યુગની કરીએ. વિષ્ણુ પુરાણ અનુસાર, ભક્ત પ્રહલાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુના અનન્ય ભક્ત હતા. તેમના પિતા હિરણ્યકશ્યપ રાક્ષસકુળમાં જનમ્યા હોવાથી ભગવાન વિષ્ણુના વિરોધી હતા. ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુનું અનુષ્ઠાન કરે તે હિરણ્યકશ્યપને સહેજ પણ ગમતું નહીં. તેણે પ્રથમ તો પ્રહલાદને મનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ભગવાન વિષ્ણુ પ્રત્યેની તેમની આસ્થા ઘટવાને બદલે દિનપ્રતિદિન વધતી જતી હતી. ત્યારબાદ હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાની યોજના બનાવી હતી.

    તેણે પ્રહલાદને અનેક યાતનાઓ આપીને તેને મારવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તમામ વખતે પ્રહલાદનો આબાદ બચાવ થતો હતો. હિરણ્યકશ્યપની બહેનનું નામ હોલિકા હતું, તેની પાસે એક એવી ઓઢણી હતી જે ઓઢવાથી અગ્નિમાં તે બળી શકતી નહોતી. તેને અગ્નિ સામે રક્ષણનું વરદાન પ્રાપ્ત હતું. આથી હોલિકાના ખોળામાં બાળ પ્રહલાદને બેસાડીને તેને આગમાં સળગાવી દેવાનું નક્કી કરાયું હતું. પરંતુ આ યોજના દરમિયાન હોલિકાની ઓઢણી પ્રહલાદ પર આવી ગઈ અને આગમાં હોલિકાનું દહન થઈ ગયું. અહીં અસત્ય સામે સત્યનો વિજય થયો અને ઉજવણી થઈ. પરંતુ, આ ઘટના બાદ હોળીનો તહેવાર પ્રસિદ્ધ બન્યો હતો. ઉજવાતો તો તે પહેલાં પણ હતો.

    હોલિકા દહન બાદ દેશભરમાં સામાન્ય લોકો પણ ઊજવતા થયા હોળી

    પુરાણોમાં વર્ણીત હિરણ્યકશ્યપનો આ ઇતિહાસ આજથી લગભગ 4 કે 5 હજાર વર્ષ જૂનો હોવાનું મનાય છે. કારણ કે, આ જ અરસામાં ઋષિ વેદવ્યાસે પુરાણોની રચના કરી હતી. પુરાણોની રચના કરવા પાછળનો હેતુ એ હતો કે, સામાન્ય જનમાનસ સુધી વૈદિક સિદ્ધાંતો પહોંચાડી શકાય. પુરાણો પહેલાં પણ સનાતનમાં વેદોનું અસ્તિત્વ હતું. વેદોને સનાતન ધર્મના સર્વોચ્ચ ગ્રંથ માનવામાં આવે છે. સનાતન ધર્મ અનુસાર, તે ઈશ્વરીય ગ્રંથ છે અને સૃષ્ટિની શરૂઆતથી અસ્તિત્વ ધરાવે છે.

    જોકે, દુનિયાએ પણ તે સ્વીકાર્યું છે કે વિશ્વનો પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. દુનિયાના વિદ્વાનો અનુસાર, 10 કે 15 હજાર વર્ષ પહેલાં પણ ઋગ્વેદનું અસ્તિત્વ હોવાના પુરાવા મળ્યા છે. ઋગ્વેદમાં યમુના નદીનું અને સરસ્વતી નદીનું વર્ણન આવે છે. તે સમયે તે નદીઓના કરાયેલા વર્ણન અનુસાર, વૈજ્ઞાનિકોએ તેની પ્રાચીનતા વિશે શોધખોળ કરી હતી. ઋગ્વેદના વર્ણન અનુરૂપ યમુના અને સરસ્વતી નદીનું વહેણ આજથી 10 કે 15 હજાર વર્ષ પહેલાં હતું. તેથી વૈજ્ઞાનિકો તે તારણ પર પહોંચ્યા હતા કે 10થી 15 હજાર વર્ષ પહેલાં પણ વેદોનું અસ્તિત્વ હતું.

    તેથી પૌરાણિક ઇતિહાસની શરૂઆત માત્ર 5 હજાર વર્ષ પહેલાં થઈ હતી અને તેમાં જ હોલિકા દહન અને પ્રહલાદનો ઇતિહાસ રહેલો છે. પરંતુ તે પહેલાં વેદોમાં પણ હોળીના તહેવારની વાત કરવામાં આવી હતી. જે સાબિત કરે છે કે, હોળી પ્રહલાદકાળ દરમિયાન નહીં, પરંતુ તે પહેલાંથી ઉજવવામાં આવે છે. જોકે, પુરાણોમાં ક્યારેય એવો દાવો કરવામાં નથી આવ્યો કે હોળીનો તહેવાર હોલિકા દહન બાદ ઉજવવાનો શરૂ થયો છે. પરંતુ એક મોટા વર્ગે એ સ્વીકારી લીધું કે હોલિકા દહન પહેલાં હોળીના તહેવારનું અસ્તિત્વ જ નહોતું. પુરાણો અનુસાર, હોલિકા દહન બાદ હોળીના તહેવારનો વ્યાપ વધ્યો હતો અને તેને જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

    વૈદિક યુગમાં ઉજવાતી હોળી, નામ અલગ પણ હેતુ એક જ

    વૈદિક યુગમાં હોળી ઋષિઓ અને ખેડૂતો દ્વારા મનાવવામાં આવતી હતી. પ્રાચીન ગુરુકુળોમાં વટુક ફાલ્ગુની પૂર્ણિમાના દિવસે ‘સામ-ગામ’ એટલે કે સામવેદના મંત્રોને તાલબદ્ધ રીતે ગાવાની પરંપરા હતી. સામવેદના ‘તાંડ્ય મહાબ્રાહ્મણ’ના મંત્રોનો સીધો સંબંધ હોળી સાથે રહેલો છે. આ સાથે જ ગુરુકુળોમાં પણ હોળી પર ‘હુતાશની અનુષ્ઠાન’ કરવામાં આવતું હોવાનું વર્ણન વેદોમાં મળી આવે છે. આજે પણ સૌરાષ્ટ્રમાં હોળીને ‘હુતાશણી’ કહેવામાં આવે છે, જે ‘હુતાશની અનુષ્ઠાન’નો અપભ્રંશ શબ્દ છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં હોળીને ‘હુતાસણી’ પણ કહેવામાં આવે છે.

    વેદો અનુસાર, નવો પાક તૈયાર થયા બાદ ખેડૂતો રંગબેરંગી હોળી રમતા હતા. વૈદિક સંસ્કૃતિમાં હોળીને પ્રથમ દેવતા ‘અગ્નિ’ સાથે જોડી હોવાનું પ્રમાણ પણ મળી રહે છે. વેદોમાં એક સિદ્ધાંત છે કે, રસોઈ બન્યા બાદ પહેલો કોળિયો હંમેશા અગ્નિને સમર્પિત કરવામાં આવે છે. આજે પણ ઘણા હિંદુઓ આ નિયમનું પાલન કરે છે. યજ્ઞમાં આહુતિ આપવાની પરંપરા પણ આ સિદ્ધાંત સાથે જોડાયેલી છે. તે જ રીતે વૈદિક યુગમાં નવા ઉપજેલા પાકને પણ લોકો અગ્નિ પ્રગટાવીને પ્રથમ તેમાં અર્પણ કરતા હતા. યજુર્વેદમાં નવા પાકમાંથી ઉપજતા નવા અનાજને ‘વાજ’ તરીકે વર્ણવ્યું છે. નવો પાક તૈયાર થયા સામૂહિક અગ્નિ પ્રગટાવવામાં આવતો હતો અને તેમાં ‘વાજ’ની આહુતિ આપવામાં આવતી હતી. ત્યારબાદ તે પાકેલા અનાજને પ્રસાદ તરીકે લોકોમાં વહેચવામાં આવતો હતો.

    આ આખી પરંપરાને ‘નવધાન્ય-ઇષ્ટિ’ અથવા તો ‘નવસસ્યેષ્ટિ’ (નવ= નવો, સસ્ય- પાક, ઇષ્ટ- યજ્ઞ) કહેવામાં આવે છે. આ જ પરંપરાને આગળ જતાં હોળી કહેવામાં આવી હતી. આજે પણ હોળીના તહેવાર દરમિયાન લોકો અગ્નિમાં અનાજ, શ્રીફળ અને તલ વગેરેની આહુતિ આપે છે. ત્યારબાદ અનાજમાં પાકેલાં શ્રીફળને કાઢીને તેની પ્રસાદી લેવામાં આવે છે. તે સિવાય ‘કાઠક ગૃહ્યસૂત્ર’માં હોળીને સ્ત્રીઓના સૌભાગ્યની વૃદ્ધિ માટેના એક અનુષ્ઠાન તરીકે વર્ણવવામાં આવી છે. આ જ કારણ છે કે, આજે પણ નવોઢા સ્ત્રી પોતાના પતિ સાથે હોળીની પ્રદક્ષિણા કરે છે અને પૂજા-અર્ચના કરે છે.

    વૈદિક યુગ બાદ ‘કામસૂત્ર’ના જનક ઋષિ વાત્સ્યાયને સુવસંતક, ઉદકક્ષ્વેડિકા અને અભ્યૂષખાદિકા જેવા ઉત્સવોની ચર્ચા કરી હતી. તેમાં સુવસંતમ એટલે આજે ઉજવાતી વસંતપંચમી. ઉદકક્ષ્વેડિકા પાણીની પિચકારીથી રંગ ખેલવાનો એક ઉત્સવ છે. એટલે રંગોથી ખેલવાની હોળી પણ વૈદિક યુગથી ચાલી આવે છે. સામવેદની જૈમિની સંહિતામાં પણ હોળીને રંગોનો ઉત્સવ ગણવામાં આવ્યો છે અને હોળી પ્રગટાવવાનું વિધાન પણ કહ્યું છે.

    આ સાથે જ મહાભારત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ રંગોત્સવ અને હોળીનો ઉલ્લેખ જોવા મળે છે. કૃષ્ણદર્શનમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ રાધારાણી અને ગોપીઓ સાથે રંગોત્સવની ઉજવણી કરતા હતા અને ગ્રામીણોને પ્રસાદ આપીને શુભકામનાઓ પાઠવતા હતા. તેથી હોળી માત્ર હોલિકા દહન બાદ શરૂ થયેલો તહેવાર નથી. પરંતુ તે આદિકાળથી ચાલતો આવતો જીવંત તહેવાર છે. જોકે, સમય સાથે તેનું સ્વરૂપ ચોક્કસ બદલાયું છે પણ પરંપરા આજે પણ અકબંધ છે.

    વૈજ્ઞાનિક અને આરોગ્યપ્રદ હતી વૈદિક હોળી

    હિંદુઓના બધા જ તહેવારો મોટાભાગે વૈજ્ઞાનિક પાસાઓ સાથે સુસંગત હોય છે. કારણ કે, સનાતન ધર્મના મહાન ઋષિઓ માત્ર સામાન્ય મનુષ્યો જ નહીં, પરંતુ મહાન વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ડૉક્ટરો પણ હતા. વૈદિક સંસ્કૃતમાં હોળીને હોલક કહેવામાં આવે છે. ભાવપ્રકાશ ગ્રંથ અનુસાર, ‘अर्द्ध: पक्वश्मी धान्यैस्तृणभ्रष्टैश्च होलक:| होलकोड़ल्पानिलो भेद: कफदोषश्रमापह:‘- અર્થાત- ભુસાની અગ્નિમાં અડધા રંધાયેલા શમીધાન્યને (કઠોળ) હોલક અથવા હોલા કહે છે, જે ચરબી, કફ અને થાકના દોષોને દૂર કરે છે.

    આ સાથે જ હોળી નવી ઋતુનો પણ ઉત્સવ છે. તેથી વાતાવરણમાં રહેલા હાનિકારક સૂક્ષ્મ જીવો કે જે બીમારી ફેલાવનારા છે, તેને પણ અગ્નિમાં ઔષધિઓ નાખીને ખતમ કરવામાં આવે છે. આજે પણ વૈદિક હોળીમાં તલથી લઈને અનેક પ્રકારની ઔષધિઓ નાખવામાં આવે છે, જેથી વાતાવરણ શુદ્ધ બને છે. જોકે, એક વાત સ્પષ્ટપણે કહેવી જરૂરી છે કે, હોળીના દિવસોમાં દારૂ પીવો, ભાંગ પીવી અને અન્ય વ્યવસનો કરવાં એ તમામ વિકૃત બાબત છે, જેને વેદોમાં કોઈ સ્થાન અપાયું નથી.

    વૈદિક યુગમાં સામૂહિક રીતે નવા પાકને અગ્નિને અર્પણ કરવા માટે યજ્ઞ કરવો તે પૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ હતી. હોળી યજ્ઞના બીજા દિવસે ખાસ કરીને કેસુડાંના ફૂલોના પાણી અને અન્ય પ્રાકૃતિક રંગોથી ધૂળેટી રમવામાં આવતી હતી, તે પણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક હતી. કેસુડાંના ફૂલોમાં ઉત્તમ ઔષધીય ગુણો રહેલા છે. ઋતુ પરિવર્તન પર બીમારીઓ અને મોસમી તાવથી બચવા માટે કેસુડાંના ફૂલોનું જળ એકબીજા પર ઉડાવવામાં આવતું હતું અને રંગોત્સવ ઉજવવામાં આવતો હતો.

    વૈદિક યુગથી ઉજવાતા આપણાં મહાન ઉત્સવો ન માત્ર લોકોને હળવાશ આપતા હતા, પરંતુ તેની સાથે-સાથે આરોગ્યની સંભાળ અને વૈજ્ઞાનિક અભિગમ પણ આપતા હતા. સનાતન ધર્મમાં ઉત્સવના કારણે અન્ય જીવો પર હિંસા કે તેની હત્યા વેદો દ્વારા પ્રતિબંધિત બાબત છે. તેથી તમામ તહેવારો દરમિયાન માત્ર કરુણા અને દાન-પુણ્યનો મહિમા છે. જ્યારે અન્ય પંથ-મજહબમાં આનાથી વિરુદ્ધ વૈજ્ઞાનિક અભિગમને પાણીમાં પધરાવી દેવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં