વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) હાલ પ્રયાગરાજના (Prayagraj) પ્રવાસ પર છે. શુક્રવારે (13 ડિસેમ્બર) તેમણે ગંગાપૂજન કર્યા બાદ મહાકુંભનો ઔપચારિક શુભારંભ પણ કર્યો છે. પરંતુ આ પહેલાં તેમણે અનેક પૌરાણિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં એક સ્થળ હતું પ્રયાગ સંગમ સ્થિત ‘બડે હનુમાનજી મંદિર'(Bade Hanuman Mandir). આ મંદિરને ‘લેટે હનુમાનજી મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અહીં હનુમાનજી એકમાત્ર વિશ્રામ કરતી મૂર્તિ જોવા મળે છે. PM મોદીએ હનુમાનજીના મંદિરમાં પહોંચીને પૂજા-અર્ચના પણ કરી હતી. તેમની મુલાકાત બાદ હવે આ મંદિર વિશેની ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે.
આ મંદિર ઘણું પ્રાચીન હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકો ‘બડે હનુમાનજી’ને પોતાના રક્ષક ઇષ્ટદેવ તરીકે પૂજે છે અને તે મંદિર સાથે પણ ગાઢ આસ્થા ધરાવે છે. તે મંદિર અને તેમાં વિશ્રામ કરતા હનુમાનજીની મૂર્તિ સાથે પણ એક કથા સંકળાયેલી છે. આ ઉપરાંત ઇસ્લામી બાદશાહ અકબર સાથે પણ આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. ઇતિહાસ અનુસાર, તે મંદિરના સ્થળ પર જ મોગલ સેના અને અકબરને હનુમાનજીએ પોતાની અસીમિત શક્તિઓનો પરિચય કરાવ્યો હતો. આપણે શરૂઆતથી તે મંદિરના દિવ્ય ઇતિહાસને સમજવાનો પ્રયાસ કરીશું.
રામાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ
હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર, ચાર ચિરંજીવીમાં એક હનુમાનજી પણ છે. એટલે આજે પણ તેમની ગુપ્ત શક્તિઓને અનુભવી શકાય છે. દરેક યુગની જેમ કળિયુગમાં પણ હનુમાનજીના ઘણા દિવ્ય ચમત્કારો જોવા મળે છે અને જેના કારણે ત્યાં પછીથી ભવ્ય મંદિર બનાવવામાં આવે છે. જેમ કે, મધ્ય પ્રદેશમાં સ્થિત બાગેશ્વર બાલાજી મંદિર. તેવી જ રીતે એક મંદિર પ્રયાગ સંગમના કાંઠે આવેલું છે. જેને ‘બડે હનુમાનજી’, ‘લેટે હનુમાનજી’, ‘કિલ્લાવાળા હનુમાનજી’ અને ‘બાંધવાળા હનુમાનજી’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં હનુમાનજીની વિશ્રામ કરતી મૂર્તિ છે.
એવું કહેવામાં આવે છે કે, હનુમાનજીની આ મૂર્તિ દક્ષિણાભિમુખી છે અને 20 ફૂટ લાંબી છે. ધરાતલથી તે ઓછામાં ઓછી 6-7 ફૂટ નીચે છે. સંગમનગરીમાં આ હનુમાનજીનો મહિમા અપરંપાર છે. હનુમાનજીની દિવ્ય મૂર્તિના ડાબા પગ નીચે કામદાદેવી છે અને જમણા પગ નીચે અહિરાવણ દબાયેલો છે. તેમના ડાબા હાથમાં રામ અને લક્ષ્મણની પ્રતિમા છે અને જમણા હાથમાં વ્રજ્ર્ કરતા પણ શક્તિશાળી ગદા છે.
આ સ્થળ વિશેના ઐતિહાસિક પુરાવા રામાયણ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. રામાયણ અનુસાર, મહાવીર હનુમાને લંકાદહન કર્યા પછી માતા સીતા પાસેથી આશીર્વાદ લીધા હતા અને પરત ફરવા માટેની આજ્ઞા લીધી હતી. તે સમયે માતા સીતાએ તેમને પ્રયાગ સંગમ પર વિશ્રામ કરવા માટેનું કહ્યું હતુ. સ્વર્ણ લંકામાં પોતાનું પરાક્રમ બતાવીને હનુમાનજી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે પ્રયાગરાજના સંગમ કાંઠે વિશ્રામ કર્યો હતો. તે જ ઇતિહાસને ધ્યાને રાખીને અહીં ‘લેટે હનુમાનજી’નું મંદિર બનાવવામાં આવ્યું હતું. હનુમાનજીએ અહીં વિશ્રામ કર્યો હોવાથી તેમની મૂર્તિને પણ વિશ્રામ અવસ્થામાં સ્થાપિત કરવામાં આવી હતી.
મંદિરનો ઇતિહાસ
પ્રયાગરાજ સ્થિત હનુમાનજીનું મંદિર ખૂબ પ્રાચીન હોવાનું કહેવાય છે. લોકકથા અનુસાર, કન્નોજના એક રાજાને કોઈ સંતાન નહોતું. જેના કારણે તેમણે પરેશાન થઈને તેમના આધ્યાત્મિક ગુરુ પાસેથી ઉપાય માંગ્યો હતો. તેમના ગુરુએ તેમને જણાવ્યું હતું કે, પ્રયાગ સંગમના કાંઠે એક એવી હનુમાનજીની મૂર્તિનું નિર્માણ કરાવો જેમાં હનુમાનજી રામ અને લક્ષ્મણને નાગપાશ (પ્રાચીન અસ્ત્ર)થી છોડાવા માટે પાતાળલોક ગયા હતા. સાથે ગુરુએ એવી આજ્ઞા પણ કરી હતી કે, હનુમાનજીની તે મૂર્તિ વિંધ્યાચલ પર્વત (હનુમાનજીનું જન્મસ્થાન) પરથી બનીને આવવી જોઈએ.
ત્યારબાદ કન્નોજના રાજાએ પોતાના ગુરુની આજ્ઞા અનુસાર હનુમાનજીની મૂર્તિનું નિર્માણ કરાવ્યું હતું અને વિંધ્યાચલ પર્વત પરથી તેને નાવ દ્વારા પ્રયાગ સંગમ સુધી લાવવામાં આવી હતી. તે જ સમયે અચાનક કોઈપણ કારણ વગર નાવ તૂટી ગઈ અને હનુમાનજીની પ્રતિમા જળમગ્ન થઈ ગઈ. આ ઘટનાને લઈને રાજાને ખૂબ દુઃખ પણ થયું હતું. ત્યારબાદ હતાશ થયેલા રાજા પોતાના મહેલ તરફ પાછા ફર્યા હતા.
ઘટનાનાં ઘણાં વર્ષો બાદ જ્યારે ગંગાનું જળસ્તર ઘટ્યું ત્યારે તે જ સ્થળે અખંડ ધૂણી ધખાવવા માટે પહોંચેલા રામભક્ત સંન્યાસી બાલગીરી મહારાજને તે મૂર્તિ મળી હતી. ત્યારબાદ તેમણે અજાણતા જ કન્નોજના રાજાને અહીં મંદિર બનાવવા માટેનું કહ્યું હતું. જે બાદ રાજાએ પ્રયાગ સંગમ પર એક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને ધરાતલ પર જ વિશ્રામ કરતા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. કાશીના વિદ્વાન બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની તે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
મોગલ બાદશાહ અકબર પણ હનુમાનજી સામે થયો હતો નતમસ્તક
ત્યારબાદ અનેક વર્ષો વીતી ગયા પરંતુ તે મંદિરને કોઈપણ પ્રકારની હાનિ ન થઈ. પ્રયાગ સંગમના કાંઠે હોવાથી મા ગંગાનું જળ નિત્યસ્વરૂપે હનુમાનજીનો અભિષેક કરતું હતું, તેમ છતાં વર્ષો બાદ પણ મૂર્તિ અને મંદિર યથાસ્થિતિ જાળવીને પોતાની ભીતર એક આખો ઇતિહાસ સાચવી બેઠું હતું. થોડાં વર્ષો બાદ ભારતમાં ઇસ્લામી આક્રાંતાઓના આક્રમણ શરૂ થઈ ગયાં હતાં અને ધીમે-ધીમે દેશના અનેક વિસ્તારો પર મુસ્લિમ બાદશાહોએ કબજો પણ કરી લીધો હતો. બાબરના શાસનમાં પણ ભારતના અનેક મંદિરોને ધ્વસ્ત કરવામાં આવ્યાં અને તેના સ્થાને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ઠીક તે જ રીતે અકબરના શાસનમાં પણ અનેક મંદિરોને ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં. જોકે, ઔરંગઝેબ અને બાબર કરતાં પ્રમાણે ઓછા મંદિરો તૂટ્યાં હોવાનું હંમેશા ‘વામપંથી’ ઇતિહાસકારો કહે છે, પરંતુ મંદિર તૂટ્યાં હતાં તે તો વામપંથીઓના ઇતિહાસ પણ ચડેચોક પોકારે છે. વાત વર્ષ 1582ની છે. તે સમયે કન્નોજ સહિતના ભારતના મોટાભાગના વિસ્તારોમાં મોગલ શાસક અકબરનું શાસન હતું.
તે સમયે અકબર પ્રયાગરાજમાં એક કિલ્લાનું નિર્માણ કરવા માંગતો હતો. બંગાળ, અવધ, મગધ સહિતના પૂર્વી ભારતમાં વારંવાર થતા વિદ્રોહ પર મજબૂત પકડ રાખવા માટે પ્રયાગ એ સૌથી યોગ્ય સ્થળ હતું, જ્યાં કિલ્લો બાંધી શકાય અને સેનાની પલટનને પણ રાખી શકાય. ઇતિહાસ અનુસાર, અકબરે સંગમ કાંઠે ઊંચી જમીન પર ‘બડે હનુમાનજી’ના સ્થાન પરથી કિલ્લાનું નિર્માણ કરવાની યોજના બનાવી હતી. જે અનુસાર, તેણે પોતાના સૈનિકોને મંદિર તોડીને હનુમાનજીની મૂર્તિને ઉખાડી અન્ય જગ્યાએ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.
અકબરના આદેશ બાદ તેની સેનાના મુસ્લિમોએ મંદિર પર પ્રહાર કરવાનું શરૂ કર્યું, ઘણા સમય પછી પણ તેઓ મંદિરને સહેજ પણ નુકસાન ન પહોંચાડી શક્યા. જે બાદ સેનાનું નેતૃત્વ કરનારા અધિકારીએ વધુ સેનાને બોલાવી અને મંદિરને તોડવા માટેના પ્રયાસ કર્યા, પરંતુ મંદિર તૂટવાની જગ્યાએ વધુ મજબૂત બની રહ્યું હતું. આખરે સેનાપતિએ મંદિરમાં રહેલી હનુમાનજીની મૂર્તિને ઉખાડી ફેંકવા માટેનો આદેશ કર્યો.
સેનાપતિના આદેશ બાદ મોગલ સૈનિકોએ તે પણ કરી જોયું, પરંતુ કોઈ પરિણામ મળવાની જગ્યાએ મૂર્તિનું તેજ વધવા લાગ્યું અને મૂર્તિ બહાર નીકળવાની જગ્યાએ ધરાતલમાં સમાવવા લાગી. આ ઘટના જોઈને મોગલ સૈનિકો પણ બે ઘડી માટે હેતબાઈ ગયા. પરંતુ બાદશાહનો આદેશ હોવાના કારણે તેમણે ફરીથી પ્રયાસો શરૂ કરી દીધા, પરંતુ તેમ છતાં હનુમાનજીની મૂર્તિને ક્ષતિ પહોંચાડી ન શક્યા. ત્યારબાદ એકાએક તમામ સૈનિકો બેચેની અને ગભરામણ અનુભવવા લાગ્યા. તેઓ ફટાફટ મંદિરની બહાર નીકળી ગયા.
મંદિરની બહાર નીકળીને તેઓ મંદિરના ગર્ભગૃહ તરફ જોવા લાગ્યા તો ભવ્ય અને દિવ્ય તેજથી આખું ગર્ભગૃહ ઝળહળી રહ્યું હતું. અકબરને પણ આ વાતની જાણ થયા બાદ તે પણ તે સ્થળે પહોંચી ગયો હતો. ગર્ભગૃહમાંથી ઉત્પન્ન થતાં તેજને જોઈને મોગલ સેનામાં અરેરાટી વ્યાપી ગઈ. તેટલામાં સ્થાનિક સંન્યાસીએ કહ્યું કે, હનુમાનજીની માફી માંગી લો, નહીં તો પરિણામ ભયંકર આવશે. જે બાદ અકબર અને તેની આખી પલટને હનુમાનજી સામે નતમસ્તક થવું પડ્યું અને નાક ઘસીને માફી માંગવી પડી.
તે ઘટના બાદ અકબરે તો શું પણ તેની પેઢીના સૌથી ક્રૂર શાસક ઔરંગઝેબે પણ તે મંદિર તરફ મીટ ન માંડી. જોકે, ઘણા ઇતિહાસકારો એવું પણ કહે છે કે, આ ઘટના બાદ ડરી ગયેલા અકબરે ઘણીબધી જમીન પણ હનુમાનજીના તે મંદિરને દાનમાં આપી દીધી હતી. અકબર બાદ અનેક ક્રૂર ઇસ્લામી શાસકો થયા, પરંતુ આજ સુધી તે મંદિર તરફ કૂચ કરવાની હિંમત નથી કરી શક્યા. આજે પણ તે મંદિર સંપૂર્ણ ઠાઠ અને સન્માન સાથે સંગમ કાંઠે ઊભું છે. તફાવત માત્ર એટલો આવ્યો છે કે, તે ઘટના બાદ હનુમાનજીની મૂર્તિ 6 કે 7 ફૂટ નીચે ધરાતલમાં જતી રહી હતી, જે આજે પણ તે જ સ્થિતિમાં છે.