Friday, November 22, 2024
More
    હોમપેજદેશદાદાએ યજ્ઞોપવીત સંસ્કાર સમયે જ કરી દીધા હતા દાન, બાકીનું જીવન ખપાવી...

    દાદાએ યજ્ઞોપવીત સંસ્કાર સમયે જ કરી દીધા હતા દાન, બાકીનું જીવન ખપાવી દીધું રાષ્ટ્રસેવા માટે: એ પ્રતિજ્ઞા, જે ભગત સિંઘે અંતિમ શ્વાસ સુધી નિભાવી

    ફાંસી આપ્યાની માત્ર કેટલીક સેકન્ડ પહેલાં ભગત સિંઘે અંગ્રેજ અધિકારીને કહ્યું હતું કે, "મિસ્ટર મેજિસ્ટ્રેટ, તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમને આ જોવા મળી રહ્યું છે. ભારતના ક્રાંતિકારીઓ કઈ રીતે પોતાના સર્વોચ્ચ આદર્શ માટે ફાંસી પર ચડી જાય છે."

    - Advertisement -

    लिख रहा हूँ मैं जिसका अंजाम आज, कल उसका आगाज आयेगा,
    मेरे लहू का हर एक कतरा इंकलाब लायेगा,
    मैं रहूँ ना रहूँ, ये वादा है तुझसे मेरा
    मेरे बाद वतन पे मिटने वालों का सैलाब आयेगा |

    હાડ થીજાવતી ઠંડી ભરડો લઈને વિદાય લઈ રહી છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે અને તેમાં એક નવી સ્ફૂર્તિનું આગમન થવા લાગે છે. આળસુ રાત્રિને દૂર કરીને સૂર્ય એક નવા ઉત્સાહ સાથે ઉદિત થઈ ઉઠે છે. આ સૂર્ય અન્ય કોઈ નહીં, પરંતુ ભારતીય ક્રાંતિના ઇતિહાસમાં સૌથી સન્માનનીય નામ વીર પરાક્રમી ભગત સિંઘ છે. જેવી રીતે વસંતના આગમનથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને ‘પરિવર્તન’નો બુલંદ અવાજ ચોતરફ પડઘા પાડે છે. બસ.. તેવી જ રીતે ભગત સિંઘે બુલંદ અવાજ અંગ્રેજોના કંપિત હ્રદય સુધી પહોંચાડ્યો હતો. પરાધીન ભારતને સ્વાધીન કરવાના સ્વપ્ન સાથે નીકળેલા ક્રાંતિવીરોમાં ભગત સિંઘનું નામ આગવું તરી આવે છે.

    28 સપ્ટેમ્બરના રોજ જન્મેલા ભગત સિંઘ એક એવું નામ છે, જેમના વગર ભારતીય ક્રાંતિના ઇતિહાસની કલ્પના પણ ન કરી શકાય. અનેક ઘટનાઓ તેમના જીવન સાથે જોડાયેલી છે. ભગત સિંઘનો સમગ્ર ઇતિહાસ લખવા બેસીએ તો સમયની સાથે સંયમ પણ ગુમાવી શકાય. આવા અદભૂત વ્યક્તિત્વને શબ્દોમાં કંડારવા પણ કોઈ યુદ્ધથી ઓછું નથી. ખરેખર ભગત સિંઘ સ્વતંત્ર રહ્યા, ક્રાંતિમાં પણ અને શબ્દોમાં પણ.

    - Advertisement -

    અંતિમ શ્વાસ સુધી નિભાવી દાદાની પ્રતિજ્ઞા

    ઘણા ઓછા લોકો જાણે છે કે, ભગત સિંઘે પોતાનું આખું જીવન પોતાના દાદાની એક પ્રતિજ્ઞા પર સમર્પિત કરી દીધું હતું. ભગત સિંઘ બાળપણથી કુશાગ્ર બુદ્ધિના હતા. તે સમયે બાળવિવાહનો રિવાજ સામાન્ય હતો. દિવસો વીતવાની સાથે ભગત સિંઘના પિતાએ તેમના વિવાહની તૈયારીઓ આદરી દીધી હતી. પરંતુ, વારંવાર ભગત સિંઘે વિવાહની તૈયારીઓને ટાળી દીધી હતી અને પોતાના પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “મારી દુલ્હન, માત્ર આઝાદી છે.” દબાણ વધવા લાગ્યું તો ભગત સિંઘે ઘર છોડવાનું નક્કી કરી નાખ્યું. તેમણે એક પત્ર લખીને ઘરનો ત્યાગ કરી દીધો હતો.

    તેમણે પત્રમાં લખ્યું હતું કે, “પૂજ્ય પિતાજી, નમસ્તે! મારું જીવન ભારતની આઝાદીના મહાન સંકલ્પ માટે દાન કરી દેવામાં આવ્યું છે. તેથી મારા જીવનમાં આરામ અને સાંસારિક સુખોનું કોઈ આકર્ષણ નથી. તમને યાદ હશે કે, જ્યારે હું ખૂબ નાનો હતો, ત્યારે બાપુજી (દાદાજી)એ મારા યજ્ઞોપવીત (જનોઈ સંસ્કાર) સમયે એલાન કર્યું હતું કે, મને વતનની સેવા માટે વક્ફ (દાન) કરી દેવામાં આવ્યો છે. પરિણામે હું તે સમયની તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરી રહ્યો છું. આશા છે, તમે મને માફ કરશો……તમારો તાબેદાર ભગત સિંઘ.”

    ભગત સિંઘનો તેમના પિતાને પત્ર (ફોટો: All India Radio)

    ભારતની સ્વતંત્રતા, ક્રાંતિ અને અહિંસા..

    ભારત ઊંડી હતાશામાં હતું. અંગ્રેજોએ મજબૂત બેડીઓથી આખા દેશને જકડી રાખ્યો હતો. ભારતને પરતંત્રતાની બેડીઓથી મુક્ત કરવા માટે બે મુખ્ય સ્વરો હતા, એક અહિંસક આંદોલન અને બીજું સશસ્ત્ર ક્રાંતિકારી આંદોલન. વર્ષ 1857થી લઈને 1947 સુધીમાં ભારતીય સ્વતંત્રતા માટે જેટલા પણ પ્રયાસ થયા, તેમાં ક્રાંતિકારીઓનું આંદોલન સૌથી વધુ પ્રેરણાદાયક રહ્યું. ભારતને મુક્ત કરાવવા માટે સશસ્ત્ર ક્રાંતિની એક અખંડ પરંપરા રહી છે. ક્રાંતિકારી આંદોલન ભારતીય ઇતિહાસનો ગૌરવશાળી સુવર્ણયુગ રહ્યો છે. આ સુવર્ણયુગમાં એક નામ સદા અમર રહ્યું, તે નામ છે ભગત સિંઘનું. બાળપણથી અંગ્રેજોને હાંકી કાઢવાની તીવ્ર ઈચ્છા, દાદા, પિતા, કાકાના સ્વતંત્રતાના સ્વપ્ન ભગતે પોતાનામાં સમાવી લીધા.

    28 સપ્ટેમ્બર, 1907ના રોજ પંજાબના બંગામાં ભગત સિંઘનો જન્મ. આજે તેમનુ જન્મસ્થળ પાકિસ્તાનમાં આવેલું છે. બાળપણથી તેમણે પોતાના પૂર્વજો પાસેથી સ્વતંત્રતાની પ્રેરણા મેળવી હતી. પરિવારનો વારસો જાળવી રાખવા માટે થોડા જ દિવસોમાં તેમણે ઘરનો ત્યાગ કરી દીધો હતો. ત્યારબાદ તેમને ચંદ્રશેખર આઝાદ, બટુકેશ્વર દત્ત, રાજગુરુ, સુખદેવ જેવા ક્રાંતિવીરો સાથે મિત્રતા બંધાઈ. બધા ક્રાંતિવીરો એકસાથે આવ્યા અને શરૂ થયો ભારતીય ક્રાંતિનો સૌથી સફળ યુગ.

    લાલા લજપત રાયની હત્યાનો પ્રતિશોધ

    વર્ષ હતું 1928. દેશભરમાં ‘સાયમન કમિશન’નો વિરોધ થવા લાગ્યો હતો. અંગ્રેજોના આ કમિશનમાં એક પણ ભારતીયને સ્થાન ન મળતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સાયમન કમિશન જે સ્થળ પર જતું, ત્યાં જ લોકો તેનો વિરોધ કરવા લાગતા હતા. દરમિયાન જ લાલા લજપત રાયે ‘સાયમન ગો બેક’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવાના શરૂ કરી દીધાં હતાં. અહિંસક વિરોધ પ્રદર્શન કરનારા લોકો પર અંગ્રેજ અધિકારીઓના આદેશથી લાઠીઓ વરસાવવાની શરૂ થઈ ગઈ. માથાના ભાગે ભયંકર પ્રહાર થતાં લાલ લજપત રાય મૃત્યુ પામ્યા હતા, તેમ છતાં ક્રૂર અંગ્રેજોએ તેમના પર લાકડીઓ વરસાવવાનું શરૂ રાખ્યું હતું. લાલા લજપત રાયના અંતિમ શબ્દો હતા. “અમારા ઉપર વરસાવવામાં આવેલી લાઠી બ્રિટિશ સામ્રાજ્યમાં મૂળમાં ઠોકવામાં આવેલી ખીલી સાબિત થશે.” તેમના માટે ક્રાંતિકારીઓમાં ખૂબ સન્માન હતું. તેમના મોતની વાત જોતજોતાંમાં આખા દેશમાં પ્રસરી ગઈ હતી.

    ભગત સિંઘ સહિતના તમામ ક્રાંતિવીરી લાલા લજપત રાયને પોતાના આદર્શ માનતા હતા. 10 ડિસેમ્બર, 1928ના રોજ ક્રાંતિવીર ભગવતી ચરણ વોરાના પત્ની દુર્ગાદેવીની અધ્યક્ષતામાં દેશભરના ક્રાંતિવીરોની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં નક્કી થયું હતું કે, લાલાની હત્યાનો પ્રતિશોધ લેવાશે. યોજના અનુસાર, ભગત સિંઘ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ અને જયગોપાલ સ્કોટને મારવાના અભિયાન હેઠળ નીકળી પડ્યા હતા. સ્કોટની કારનો નંબર 6728 હતો. તે સ્ટેશને પહોંચે કે તરત જ ઈશારો કરવાની જવાબદારી જયગોપાલની હતી. તમામ ક્રાંતિવીરોએ સ્કોટને ક્યારેય જોયો નહોતો.

    સમય વહેતો જતો હતો. ત્યારપછી આખરે જયગોપાલ તરફથી ઈશારો થયો અને રાજગુરુએ બંદૂકનું નાળચું અંગ્રેજ અધિકારી તરફ ઠેરવ્યું. ભગત સિંઘને શંકા હતી કે, તે અધિકારી જેમ્સ સ્કોટ નથી. પરંતુ, હજુ કઈ બોલે તે પહેલાં જ રાજગુરુએ સીધો ભડાકો કરી દીધો અને ત્યારબાદ તો ભગત સિંઘે પણ એકસાથે 8 ગોળીઓ છોડી દીધી અને સુખદેવે પણ ગોળીઓ વરસાવી દીધી. અંગ્રેજ અધિકારી ઘટનાસ્થળે જ ઢળી પડ્યો. કાર્ય પૂર્ણ થયા બાદ ક્રાંતિકારીઓ ઘટનાસ્થળેથી ભાગી નીકળ્યા હતા. બાદમાં આ ક્રાંતિવીરોને જાણ થઈ કે, જયગોપાલે જે અંગ્રેજ અધિકારી તરફ ઈશારો કર્યો હતો તે જેમ્સ સ્કોટ નહોતો, પરંતુ આસિસ્ટન્ટ કમિશનર જ્હોન પી સાંડર્સ હતો.

    ‘બહેરાઓને સંભળાવવા માટે જરૂરી છે એક ધડાકો’

    સાંડર્સની હત્યા બાદ આગ્રામાં ભગત સિંઘ અને તેમના સાથીઓએ બેઠક કરી હતી. જેમાં સાંડર્સની હત્યાના પરિણામો પર ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. સૌનું માનવું હતું કે, આ હત્યાની જેવી જોઈતી હતી, તેવી કોઈ અસર ના થઈ. તેમને આશા હતી કે, સાંડર્સની હત્યા બાદ ઘણા અંગ્રેજો ડરીને ભારત છોડવા માટે પ્રયાસો કરશે. પરંતુ, તેવું થઈ શક્યું નહીં. તે જ દિવસોમાં અંગ્રેજ એસેમ્બલીમાં બે બિલો પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. એક હતું ‘પબ્લિક સેફ્ટી બિલ’, જેમાં સરકારને કોઈપણ કેસ વગર સીધા ધરપકડ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. બીજું હતું ‘ટ્રેડ ડિસ્પ્યુટ બિલ’ જેમાં શ્રમિક સંગઠનોને હડતાલ કરવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.

    જે દિવસે આ બિલો રજૂ કરવાના હતા, એટલે કે 8 એપ્રિલના રોજ, ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત ખાકી શર્ટ અને શોર્ટ્સ પહેરીને સેન્ટ્રલ એસેમ્બલીની પ્રેક્ષક ગેલેરીમાં પહોંચ્યા. તે સમયે વિઠ્ઠલભાઈ પટેલ, મોહમ્મદ અલી ઝીણા અને મોતીલાલ નેહરુ જેવા ઘણા મોટા નેતાઓ વિધાનસભામાં હાજર હતા. પોતાની પુસ્તક ‘Without Fear’માં પત્રકાર-લેખક કુલદીપ નાયર લખે છે કે, ભગત સિંઘે ખૂબ જ સાવધાનીથી તેવા સ્થળ પર બૉમ્બ ફેંક્યો હતો, જ્યાં કોઈપણ સભ્ય મોજૂદ નહોતો. જેવો ધડાકો થયો કે આખા હૉલમાં અંધકાર છવાઈ ગયો. ઘટનાના તુરંત બાદ બટુકેશ્વર દત્તે બીજો બૉમ્બ ધડાકો કર્યો અને એસેમ્બલીમાં કાગળનાં પેમ્ફ્લેટ ઉડવા લાગ્યાં. તે પેમ્ફ્લેટો પર લખ્યું હતું, “બહેરાઓને સંભળાવવા માટે એક ધડાકો જરૂરી હતો.” દરમિયાન ‘ઇંકલાબ ઝિંદાબાદ’ના નારા પણ લાગવા લાગ્યા હતા.

    યોજના અનુસાર, ક્રાંતિવીરોએ ભાગવાના પ્રયાસ ન કર્યા અને ત્યાં જ ઊભા રહ્યા. પરિણામે તેમની ધરપકડ થઈ અને તેમના પર કેસ ચાલ્યા અને આખરે બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસની સજા મળી. તે સિવાય સાંડર્સની હત્યાને લઈને ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી. આ ત્રણેય ક્રાંતિકારીઓને 23 માર્ચ, 1931ના રોજ વર્તમાન પાકિસ્તાન સ્થિત લાહોરની સેન્ટ્રલ જેલમાં સાંજે 7 કલાકે અને 33 મિનિટે ફાંસી આપી દેવામાં આવી હતી. ફાંસી આપ્યાની માત્ર કેટલીક સેકન્ડ પહેલાં ભગત સિંઘે અંગ્રેજ અધિકારીને કહ્યું હતું કે, “મિસ્ટર મેજિસ્ટ્રેટ, તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમને આ જોવા મળી રહ્યું છે. ભારતના ક્રાંતિકારીઓ કઈ રીતે પોતાના સર્વોચ્ચ આદર્શ માટે ફાંસી પર ચડી જાય છે.”

    ભગત સિંઘે જીવનપર્યંત પિતાજીને પત્રમાં લખેલી બાબતોને વળગેલા રહ્યા અને પ્રતિજ્ઞા પૂર્ણ કરી. તેમના દાદાજીની પ્રતિજ્ઞા પર તેમણે ક્રાંતિવીર બનીને દેશ માટે મરવાનું શ્રેષ્ઠ સમજ્યું. આખરે તેમણે ક્રાંતિકારીઓના જૂથો સાથે ભળીને પ્રતિજ્ઞાને પૂર્ણ પણ કરી હતી. આજે દાયકાઓ બાદ પણ ભગત સિંઘ એકમાત્ર એવા ક્રાંતિકારી છે, જેમનું નામ લોકમુખે અમર થઈ ગયું છે. બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો પણ ભગત સિંઘની તરવરાટ ભરી દેતી જુવાનીથી પ્રભાવિત થયા છે. જ્યારે-જ્યારે ભારતની સ્વતંત્રતાના એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે ક્રાંતિવીરોનો ઉલ્લેખ થશે, ત્યારે ભગત સિંઘનું નામ તેમાં મોખરે હશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં