Thursday, November 21, 2024
More
    હોમપેજદેશ81 વર્ષ પહેલાં ભારતની પહેલી સ્વાયત્ત સરકારની થઈ હતી ઘોષણા: સુભાષચંદ્ર બોઝે...

    81 વર્ષ પહેલાં ભારતની પહેલી સ્વાયત્ત સરકારની થઈ હતી ઘોષણા: સુભાષચંદ્ર બોઝે સ્વતંત્રતા દિવસ તરીકે કરી હતી ઉજવણી, જાણો ઇતિહાસ ‘આઝાદ હિંદ ફૌજ’ની વીરતાનો

    નેતાજીના નેતૃત્વમાં આઝાદ હિંદ સરકારનો એટલો દબદબો હતો કે, તેણે પોતાની બેન્ક, નાણાં, નાગરિક સંહિતા અને ટિકિટ શરૂ કરી હતી. આ સાથે જ નેતાજીએ INAની પ્રથમ મહિલા રેજિમેન્ટ પણ શરૂ કરી હતી. જેને 'ઝાંસી કી રાની રેજિમેન્ટ' નામ આપવામાં આવ્યું હતું.

    - Advertisement -

    કોઈપણ દેશનો ઇતિહાસ તેની તારીખો પર નિર્ભર હોય છે. દેશની મહાનતા, તેના સંઘર્ષો અને તેનું વિશ્વમાં યોગદાન જાણવા માટે ઇતિહાસની તારીખોને વાગોળવી અનિવાર્ય બની જાય છે. એક ચોક્કસ સમય અને ઘટના ઇતિહાસના પાને કેદ થઈ જાય અને દેશના અસ્તિત્વ સુધી અમર થઈ જાય, તેવી તારીખો રાષ્ટ્રના અતીતમાં જૂજ જોવા મળે છે. તેવી જ એક ઇતિહાસમાં અમર થયેલી તારીખ છે, 21 ઑક્ટોબર. આ એ જ દિવસ છે, જ્યારે પરાધીન ભારતના સ્વપ્ન સમી એક સ્વતંત્ર અને સ્વાયત્ત સરકારની ઘોષણા થઈ હતી, જેના વડાપ્રધાન હતા ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’ (Subhash Chandra Bose) અને તે સરકાર હતી ‘આઝાદ હિંદ સરકાર’.

    વાત છે પરાધીન ભારતની. દેશની અંદર તો ક્રાંતિવીરો અંગ્રેજો પર કહેર વરતાવી રહ્યા હતા, પરંતુ દેશની બહાર રહેલા ક્રાંતિકારીઓ પણ અંગ્રેજોનો કાળ બનીને ઊભરી રહ્યા હતા. તેમાં એક નામ હતું ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’. 21 ઑક્ટોબર, 1943ના રોજ તેમણે વિદેશી ધરતી પરથી સ્વતંત્ર ભારતની પહેલી સ્વાયત્ત સરકારની (The first government of independent India) ઘોષણા કરી હતી. જેને આઝાદ હિંદ સરકાર (Azad Hind Government) તરીકે ઓળખવામાં આવે છે. આ સરકાર ભારતની પ્રથમ આધિકારિક સરકાર હતી, જેને જાપાન સહિતના અનેક દેશોએ માન્યતા પણ આપી હતી.

    21 ઑક્ટોબર, 1943- આઝાદ હિંદ સરકારની ઘોષણા

    સ્વાતંત્રય સંગ્રામનું નેતૃત્વ નેતાજીએ વિદેશની ધરતી પરથી કર્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયા બાદ અંગ્રેજ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું હતું. એકલું જાપાન (Japan) તમામ સામ્રાજ્યવાદી દેશો પર ભારી પડી રહ્યું હતું. આ ખૂબ જ ઉત્તમ તક હતી, ભારતની સ્વતંત્રતાના અંતિમ બ્યૂગલો ફૂંકવાની. 1940માં ભારતમાં જ નજરકેદ કરાયેલા બોઝ અચાનકથી ગાયબ થઈ ગયા અને ભાગીને બર્લિન પહોંચી ગયા. અંગ્રેજ હૂકુમતના નાક નીચેથી નીકળીને તેઓ વિદેશની ધરતી પર સ્વતંત્રતાના રણશિંગા ફૂંકવા લાગ્યા હતા.

    - Advertisement -

    જર્મની પહોંચ્યા બાદ ત્યાં રહેલા ભારતીય સમુદાયના લોકોની મદદ વડે સુભાષચંદ્ર બોઝે 1942માં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડેન્સ લીગ’ની સ્થાપના કરી હતી. લીગે ભારતની સ્વતંત્રતા માટે ‘ઇન્ડિયન નેશનલ આર્મી’ (INA)નું ગઠન કરવા માટેનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ રાસ બિહારી બોઝના આમંત્રણ પર નેતાજી સિંગાપોર પહોંચ્યા હતા. સિંગાપોરમાં તેમણે ભારતીય સમુદાયના લોકોની સભાને સંબોધિત કરી હતી.

    21 ઑક્ટોબર, 1943ના દિવસે સિંગાપોરની ધરતી પરથી તેમણે સ્વતંત્ર ભારતની પહેલી સરકારની ઘોષણા કરી હતી અને ઇન્ડિયન નેશનલ આર્મી અથવા તો ‘આઝાદ હિંદ ફૌજ’નો વિધિવત પાયો નાખી દીધો હતો. આ નવી બનેલી સરકાર ‘આઝાદ હિંદ સરકાર’ અથવા તો ‘આરજી હૂકુમત-એ-આઝાદ હિંદ’ તરીકે ઓળખાઈ હતી.

    જાપાન સહિતના દેશોએ આઝાદ હિંદ સરકારને આપી માન્યતા

    સ્વતંત્ર ભારતની પહેલી સરકારની ઘોષણા બાદ તેની સ્થાપના પણ કરી દેવામાં આવી હતી અને તે સાથે જ બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ યુદ્ધની પણ ઘોષણા કરવામાં આવી હતી. નેતાજીએ બીજા વિશ્વયુદ્ધના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સામ્રાજ્યને ભારતમાંથી ઉખાડી ફેંકવા માટે સરકારની સ્થાપના કરી હતી. તેની પોતાની એક સેના પણ હતી, જેને ‘આઝાદ હિંદ ફૌજ’ તરીકે ઓળખવામાં આવતી હતી. નેતાજી માનતા હતા કે, સ્વતંત્રતા સશસ્ત્ર સંઘર્ષ વગર મળી શકશે નહીં. નેતાજીના નેતૃત્વમાં આઝાદ હિંદ ફૌજમાં હજારો ભારતીયો જોડાયા હતા, આ ઉપરાંત પૂર્વ કેદીઓ અને મેલેશિયા તથા બર્મામાં રહેતા અન્ય પ્રવાસીઓ પણ તેમની સાથે જોડાઈ ચૂક્યા હતા.

    આઝાદ હિંદ ફૌજની વચગાળાની સરકાર હેઠળ સુભાષચંદ્ર બોઝ રાજ્ય (દેશ)ના પ્રમુખ, વડાપ્રધાન અને યુદ્ધમંત્રી હતા. કેપ્ટન લક્ષ્મીએ મહિલા બટાલિયનનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે એસએ ઐયરે સરકારમાં પ્રચાર શાખાનું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત રાસ બિહારી બોઝને નેતાજીના સુપ્રીમ એડવાઇઝર તરીકે નીમવામાં આવ્યા હતા. આઝાદ હિંદ સરકારને ઈંપીરિયલ જાપાન, નાઝી જર્મની, ઇટાલિયન સોશિયલ રિપબ્લિક અને તેના અન્ય સહયોગીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

    આઝાદ હિંદ સરકારનું મહત્વ અને દબદબો

    આઝાદ હિંદ સરકારના ગઠન બાદ અંગ્રેજો પણ રઘવાયા થઈ ગયા હતા. કારણ કે, જાપાન સાથે મળીને આઝાદ હિંદ સેનાએ અંગ્રેજોનો અંત લાવવાનો સંકલ્પ કરી લીધો હતો. આઝાદ હિંદ સરકારે દક્ષિણ-પૂર્વ એશિયાઈ બ્રિટિશ સંસ્થાનોના વિસ્તારમાં ભારતીય નાગરિક અને સૈન્યકર્મીઓ પર અધિકારની ઘોષણા કરી દીધી હતી. આ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધમાં જાપાની સેના અને આઝાદ હિંદ ફૌજને મળેલા તમામ ભારતીય વિસ્તારો પર પણ અધિકારની જાહેરાત કરી દીધી હતી. જેમાં એક વિસ્તાર આંદામાન અને નિકોબાર પણ હતો, જ્યાં 1943માં પ્રથમ વખત નેતાજીએ ત્રિરંગો ફરકાવ્યો હતો. માત્ર અમુક જ વર્ષોમાં આઝાદ હિંદ સરકાર શક્તિશાળી સરકારોમાં સામેલ થઈ ગઈ હતી.

    આઝાદ હિંદ સરકારે ન માત્ર નેતાજીને જાપાની સરકાર સાથે સમાન સ્તર પર વાત કરવા માટે સક્ષમ બનાવ્યા, પરંતુ, પૂર્વી એશિયામાં રહેતા ભારતીયોને ઇન્ડિયન નેશનલ આર્મી (INA)માં સામેલ થવા અને એક તાંતણે બાંધવા માટે મોકળું મેદાન પણ આપ્યું. આઝાદ હિંદ ફૌજ અથવા તો ઇન્ડિયન નેશનલ આર્મીએ ભારતના સ્વાતંત્ર સંગ્રામના આંદોલનને પ્રોત્સાહન આપીને દેશની સ્વાયત્તા પરત લાવવા માટે ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.

    નેતાજીના નેતૃત્વમાં આઝાદ હિંદ સરકારનો એટલો દબદબો હતો કે, તેણે પોતાની બેન્ક, નાણાં, નાગરિક સંહિતા અને ટિકિટ શરૂ કરી હતી. આ સાથે જ નેતાજીએ INAની પ્રથમ મહિલા રેજિમેન્ટ પણ શરૂ કરી હતી. જેને ‘ઝાંસી કી રાની રેજિમેન્ટ’ નામ આપવામાં આવ્યું હતું. તેમણે સશસ્ત્રદળોમાં મહિલાઓને પણ સમાન અધિકાર આપવાનો નિયમ બનાવ્યો હતો.

    આઝાદ હિંદ ફૌજે એવી ઘટનાઓને જન્મ આપ્યો કે જેના પરિણામે સ્વતંત્રતા મળી શકી

    કલ્યાણ કુમાર ડે દ્વારા લખવામાં આવેલી પુસ્તક ‘નેતાજી: ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડેન્સ એન્ડ બ્રિટિશ આર્કાઇવ્સ’માં જણાવાયું છે કે, આઝાદ હિંદ સરકાર, તેની સેના અને નેતાજીના જબરદસ્ત પ્રભાવથી અંગ્રેજો રીતસર ભયભીય થઈ ઉઠ્યા હતા. અંગ્રેજોને સારી રીતે સમજાઈ ચૂક્યું હતું કે, સુભાષચંદ્ર બોઝના કારણે હવે ભારત પર વધુ સમય સુધી શાસન થઈ શકશે નહીં. બોઝના વીરતાપૂર્ણ કાર્યોએ તત્કાલીન બૉમ્બે અને અન્ય સ્થળોએ બ્રિટિશ નેવીમાં વિદ્રોહને જન્મ આપ્યો હતો. આ સાથે જ મદ્રાસ અને પુણે જેવા અન્ય સ્થળોએ બ્રિટિશ આર્મીમાં પણ વિદ્રોહ શરૂ થઈ ગયા હતા.

    ત્યારબાદ અંગ્રેજોએ INAના અધિકારીઓ વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી અને રાજદ્રોહના ગુના દાખલ કરી દીધા બાદ આખા દેશમાં વિદ્રોહ ફાટી નીકળ્યા હતા. બ્રિટિશ સામ્રાજ્યને ટકાવી રાખવામાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન હતું બ્રિટિશ સેનાનું, પરંતુ હવે તેમાં જ વિદ્રોહ શરૂ થઈ જવાથી અંગ્રેજો લાચાર બની ગયા હતા. નવેમ્બર 1945ના એક IB રિપોર્ટમાં બ્રિટિશ સરકારને ચેતવણી આપવામાં આવી હતી કે, આઝાદ હિંદ ફૌજના અધિકારીઓ પર કાર્યવાહી એક ખોટો નિર્ણય સાબિત થઈ છે, જેનું પરિણામ ભોગવવા માટે અંગ્રેજ શાસને તૈયાર રહેવું પડશે.

    આઝાદ હિંદ ફૌજ (ઇન્ડિયન નેશનલ આર્મી) પ્રત્યે ભારતીયોની ભાવના એટલી પ્રબળ હતી કે, ઘણા ગવર્નરોએ ડર અને ચિંતાના કારણે વાઈસરૉય લોર્ડ વેવેલને પત્ર લખીને ચેતવણી આપી હતી કે, જો સરકાર INAને ટાર્ગેટ કરશે તો તે આગ સાથે ખેલવા જેવું થશે. જેના કારણે બ્રિટિશ ભારતીય સેનામાં વિદ્રોહ ફાટી નીકળશે અને આખરે અંગ્રેજોને લોહિયાળ બનીને હાર સ્વીકારી પરત જવું પડશે. વર્ષ 1946માં રોયલ ઇન્ડિયન નેવીમાં કાર્યરત ભારતીય અધિકારીઓએ કરેલા વિદ્રોહે અંગ્રેજોને વિશ્વાસ અપાવી દીધો હતો કે, હવે ભારતીય સશસ્ત્રદળો પર ભરોસો થઈ શકશે નહીં.

    અંગ્રેસ સામ્રાજ્યને સમજાઈ ચૂક્યું હતું કે, હવે ભારત પર શાસન થઈ શકશે નહીં. કારણ કે, ભારતીય સેનામાં જ વિદ્રોહ ફાટી નીકળ્યા હતા. અંગ્રેજો એટલા લાચાર થઈ ચૂક્યા હતા કે, તેઓ ન તો આઝાદ હિંદ સેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકતા હતા કે ન તો યુદ્ધ કરી શકતા હતા. આ બધા કારણોસર અંગ્રેજોએ ભારતમાંથી બ્રિટિશ સામ્રાજ્ય સમાપ્ત કરવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરી હતી અને આખરે 1947માં દેશને સ્વતંત્રતા આપી દેવામાં આવી હતી.

    આ વિશેષ આર્ટીકલ તે લોકોના મોઢા પર એક તમાચા જેવો છે, જે વારંવાર દલીલ કરતાં હોય છે કે, મોહનદાસ ગાંધી અને નહેરુ જેવા ઉદાર નેતા ન હોતો તો દેશ સ્વતંત્ર થઈ શક્યો ન હોત. વાસ્તવિકતા તો તે છે કે, જો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ સેના ન હોત તો અંગ્રેજો ભારતમાંથી ગયા જ ન હોત. કારણ કે, આઝાદ હિંદ સેનાના કારણે જ અંગ્રેજો તમામ પાસાઓ હારીને લાચાર થઈ ગયા હતા. પરિણામ સ્વરૂપ અંગ્રેજોને દેશ છોડીને ભાગવા માટેની ફરજ પડી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં