Thursday, April 2, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિએક સદી પહેલાં થયો હતો ધર્મયજ્ઞનો પ્રારંભ, આજે કરોડો ગ્રંથોના પ્રકાશન સુધી...

    એક સદી પહેલાં થયો હતો ધર્મયજ્ઞનો પ્રારંભ, આજે કરોડો ગ્રંથોના પ્રકાશન સુધી પહોંચ્યો: દૈવીય ઈચ્છાથી થઈ હતી ગીતાપ્રેસ ગોરખપુરની સ્થાપના- ઇતિહાસ

    ગીતાપ્રેસની યાત્રા માત્ર એક પ્રકાશન-ગૃહની નથી, એ આધુનિક યુગમાં સનાતન ધર્મના પુનરુત્થાનનું મહાકાવ્ય છે. એક નાનકડા ઓરડામાંથી શરૂ થયેલો આ પ્રયાસ આજે વિશ્વના કરોડો હિંદુઓના હૃદયમાં વાસ કરે છે અને ભવિષ્યની અનેક પેઢીઓને ગીતા-રામાયણનો પ્રકાશ આપતો રહેશે. 

    - Advertisement -

    ગુરુ ગોરખનાથની જીવંત પરંપરા સાથે વણાયેલાં શહેર ગોરખપુરમાં ગીતાપ્રેસનું મુખ્યાલય આવેલું છે. તાજેતરમાં ગોરખપુર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરીટીના (GIDA) ફાઉન્ડેશન ડે પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગીતાપ્રેસને આ વિસ્તારમાં 10 એકર જમીન ફાળવવાની જાહેરાત કરી છે અને ભૂમિ ફાળવણી માટેનું પ્રમાણપત્ર પણ સોંપ્યું છે. આ વિસ્તાર લગભગ ₹81 કરોડના નવા પ્રિન્ટિંગ ફેસિલિટી પ્રોજેક્ટ સાથે જોડાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેનો હેતુ ગીતા, રામચરિતમાનસ અને અન્ય ધાર્મિક ગ્રંથોનાં છાપકામની ક્ષમતાને વધારવાનો અને સ્થાનિક રોજગાર ઊભો કરવાનો છે. 

    ગીતા જયંતીના એક દિવસ પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ જાહેરાત કરી હતી. જોકે, ગીતાપ્રેસ છેલ્લા ઘણા દાયકાઓથી હિંદુ સમાજ માટે સેવાનું કામ કરતી સંસ્થા છે. સંસ્થાના અનેક ગ્રંથો ભારતના લગભગ તમામ વિસ્તારો સુધી પહોંચ્યા છે, તેનું કારણ છે નજીવી કિંમત. ધર્મના પ્રચાર અને પ્રસાર માટે શરૂ થયેલી આ સંસ્થાનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ અને અલૌકિક છે. 

    ગીતાપ્રેસની સ્થાપના- એક દૈવીય ઈચ્છાનું પ્રતિક

    ગીતાપ્રેસની શરૂઆત 1923ના 29 એપ્રિલે ગોરખપુરમાં થઈ હતી. જયદયાલ ગોયંકા, હનુમાન પ્રસાદ પોદ્દાર અને ઘનશ્યામદાસ જલાન જેવા વેપારીઓએ મળીને આ સંસ્થાનો પાયો નાખ્યો હતો. આ ત્રણેય વ્યક્તિઓ મારવાડી વેપારી સમુદાયના હતા, જેમણે વ્યવસાયિક જીવનને છોડીને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો હતો. જયદયાલ ગોયંકા 22 વર્ષની ઉંમરથી જ સત્સંગોમાં ભગવદ્ગીતાનાં પ્રવચનો આપતા હતા, તેઓ ગીતાને માનવજીવનના દુઃખોની એકમાત્ર ઔષધિ માનતા હતા.

    - Advertisement -

    કોલકાતામાં તેઓ ગીતાનાં પ્રકાશન માટે પ્રેસના માલિકો પાસે જતા, પરંતુ ત્યાં ત્રુટિઓથી અપૂર્ણ પ્રતિઓ મળતી. એક વખત પોદ્દારે પુનઃપ્રકાશનની માંગ કરી તો પ્રેસના માલિકે આડંબરથી કહ્યું કે ‘તમારી પોતાની જ પ્રેસ ચલાવો’. આ વાતને જ ગોયંકાએ ઈશ્વરની ઈચ્છા તરીકે સ્વીકારી લીધી. ત્યારબાદ પોદ્દાર અને જલાને ગોયંકાને ગોરખપુર આમંત્રિત કર્યા, જ્યાં માત્ર 10 રૂપિયાનાં ભાડાનાં મકાનમાં પ્રથમ પ્રિન્ટિંગ મશીન બોસ્ટનથી મોકલાવીને કાર્ય શરૂ કર્યું. આ સંસ્થા ગોવિંદ ભવન કાર્યાલયની એક શાખા તરીકે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ નોંધાઈ હતી, જેનો હેતુ હતો સનાતન ધર્મના સિદ્ધાંતોને સસ્તા ભાવે લોકો સુધી પહોંચાડવાનો. 1927માં ‘કલ્યાણ’ માસિક પત્રિકા શરૂ થઈ, જેણે આ પ્રયાસને વ્યાપક બનાવ્યો.

    સ્થાપનાનું કારણ: સસ્તા અને નિખાલસ પ્રકાશનની જરૂરિયાત

    ગીતાપ્રેસની સ્થાપના બ્રિટિશ કાળ સમયના સામાજિક અને આધ્યાત્મિક અરાજકતાના વાતાવરણમાં થઈ હતી. તે સમયે હિંદુ ધર્મગ્રંથોના અનુદાનો અને વ્યાખ્યાઓ માત્ર ધનિક વર્ગોની પહોંચમાં હતા. ગોયંકા અને તેમના સાથીઓએ જોયું કે ક્રિશ્ચિયન બાઇબલ સોસાયટીની જેમ હિંદુઓ માટે એક સમર્પિત સંસ્થા જરૂરી છે, જે ગીતા, રામાયણ અને અન્ય ગ્રંથોને સસ્તા ભાવે વિતરિત કરે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ‘સત્ય, પ્રેમ અને શાંતિ’ના પ્રસાર માટે માનવજાતને સેવા આપવી, જેમાં ગીતાને વિશ્વના દુઃખોનો પ્રાથમિક ઉપાય માનીને તેનું મોટાપાયે પ્રકાશન કરવું. 

    આ પ્રયાસ નિર્લાભી હતો, જેમાં કોઈ દાન કે જાહેરાતો નથી લેવામાં આવતી. નુકસાનને પણ અન્ય વિભાગોનાં નાણાંથી ભરવામાં આવે છે. આ રીતે, ગીતાપ્રેસ એક વ્યવસાયિક મશીનથી વધુ એક સમાજ સુધારણાનું માધ્યમ બની, જે હિંદુ ધર્મને સામાન્ય લોકોના ઘર સુધી લઈ ગઈ. 

    સનાતન ધર્મના પ્રચાર-પ્રસારમાં ઉમદા ફાળો

    ગીતાપ્રેસ સંસ્થાને ધર્મકાર્ય તરીકે ગણવામાં આવે છે, કારણ કે તે માત્ર પુસ્તકો નથી છાપતી, પરંતુ હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો, જેમ કે ગીતાના જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગને જીવનશૈલીમાં ઉતારવાનું કાર્ય કરે છે. તેના પ્રકાશનોમાં ગીતા, રામાયણ, ઉપનિષદો, પુરાણો અને સંતોનાં પ્રવચનોની સાથે નારી ધર્મ, પુરુષ ધર્મ અને વર્ણાશ્રમ વ્યવસ્થા જેવા વિષયો પર લેખો છે, જે ભક્તિ અને નૈતિકતાના માર્ગે લોકોને માર્ગદર્શન આપે છે. ‘

    કલ્યાણ પત્રિકા દ્વારા તે ભાવનાઓનું નિયંત્રણ અને ભગવાન પ્રત્યેની ભક્તિને પ્રોત્સાહન આપે છે, જેને આધ્યાત્મિક મુક્તિ અને સામાજિક સુધારણાનું માધ્યમ માનવામાં આવે છે. આ કારણે આ સંસાથને ગાંધી શાંતિ પુરસ્કાર 2021થી સન્માનિત કરવામાં આવી હતી. ગીતાપ્રેસના લગભગ તમામ પુસ્તકો-ગ્રંથોને પણ ઈશ્વરીય પ્રતિમા કે દેવમૂર્તિની જેમ પૂજવામાં આવે છે અને તેને પવિત્ર માનવામાં આવે છે.

    હિંદુ સમાજ માટે કેમ મહત્વ ધરાવે છે? 

    ગીતાપ્રેસ હિંદુ સમાજ માટે અનન્ય મહત્વ ધરાવે છે, કારણ કે તેણે ધર્મને સાચા અર્થમાં ‘ધર્મ’ બનાવી દીધો. ગીતા, રામાયણ, પુરાણો અને ઉપનિષદોને એટલા સસ્તા ભાવે અને એટલી સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડ્યા કે આજે દેશના સૌથી નાના ગામનાં ઘરમાં પણ ગીતાપ્રેસની ગીતા કે રામચરિતમાનસ મળી આવે છે. એક સમયે જ્યારે ધાર્મિક ગ્રંથો ફક્ત પંડિતો અને ધનિક વર્ગના હાથમાં હતા, ત્યારે ગીતાપ્રેસે તેને ખેડૂત, શ્રમિક અને સામાન્ય માણસના હાથમાં પહોંચાડ્યા.

    1920-30ના દાયકામાં જ્યારે દેશમાં સાંપ્રદાયિક તણાવ ખૂબ વધી રહ્યો હતો અને હિંદુ સમાજમાં વિખરાવનો ભય હતો, ત્યારે ‘કલ્યાણ’ માસિકે હિંદુઓમાં એકતાની નવી ચેતના જગાવી. વર્ણવ્યવસ્થાનું શુદ્ધ સ્વરૂપ, આશ્રમધર્મનું પાલન, ગૌરક્ષા અને સનાતન મૂલ્યોનું રક્ષણ, આ તમામ મુદ્દાઓ પર તેના લેખો અને વિશેષાંકોએ હિંદુ સમાજને એક સૂત્રમાં બાંધવાનું કામ કર્યું. આ કારણે જ ઘણા વિદ્વાનો ગીતાપ્રેસને આધુનિક હિંદુ જાગૃતિના મુખ્ય પ્રેરકોમાં ગણે છે.

    આજે પણ રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મ પર, બસ સ્ટેન્ડો પર, ગામડાંઓમાં ફરતી મોબાઇલ વાન દ્વારા અને અસંખ્ય પુસ્તકના સ્ટોલ પર ગીતાપ્રેસના પુસ્તકો સૌથી વધુ વેચાતા જોવા મળે છે. કોવિડ-19ના સંકટ દરમિયાન જ્યારે લોકો માનસિક રીતે તૂટી રહ્યા હતા, ત્યારે ગીતાપ્રેસના પુસ્તકોનું વેચાણ અચાનક બમણું-ત્રણગણું વધી ગયું હતું, જે સ્પષ્ટ દર્શાવે છે કે સંકટના સમયે હિંદુ સમાજ આધ્યાત્મિક આધાર માટે કોના તરફ જુએ છે.

    ગીતાપ્રેસના વિચારો અને પ્રકાશનોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોના વૈચારિક આધારને મજબૂત કર્યા છે, જોકે ગીતાપ્રેસ પોતે હંમેશા રાજકીય જોડાણોથી દૂર રહ્યું છે અને ફક્ત ધર્મપ્રચારના કાર્ય સુધી જ સીમિત રહ્યું છે. આ જ કારણ છે કે આજે પણ તેને લાખો હિંદુઓના હૃદયમાં સ્થાન મળ્યું છે, એક એવી સંસ્થા તરીકે જે હિંદુ ધર્મને ન માત્ર બચાવી રાખે છે, પણ તેને જીવંત અને સશક્ત પણ બનાવી રાખે છે. 

    પ્રકાશનોની અદ્ભુત વિશાળતા

    શતાબ્દી પૂરી થતાં સુધીમાં ગીતાપ્રેસે 1800થી વધુ વિવિધ શીર્ષકો 15થી વધુ ભાષાઓમાં પ્રકાશિત કર્યા છે અને તેની કુલ છપાયેલી પ્રતિઓની સંખ્યા 41 કરોડને પાર પહોંચી ચૂકી છે. આ આંકડો કોઈ વ્યાપારી પ્રકાશકનો નથી, પરંતુ એક ધાર્મિક મહાયજ્ઞનો છે. ફક્ત ભગવદ્ગીતાની જ પ્રતિઓ 16.21 કરોડથી વધુ છપાઈ ચૂકી છે, એટલે કે દરેક ભારતીય પરિવાર પાસે ઓછામાં ઓછી એક ગીતાપ્રેસની ગીતા હોવાની સંભાવના છે. તુલસીદાસકૃત રામચરિતમાનસની પ્રતિઓ 11.73 કરોડને આંબી ચૂકી છે, જ્યારે વિવિધ પુરાણો અને ઉપનિષદોની સંયુક્ત પ્રતિઓ 2.67 કરોડથી વધુ છે. હનુમાન ચાલીસાની અલગથી 50 લાખથી વધુ નાની પુસ્તિકાઓ છપાઈ, જ્યારે નાના-મોટા ભક્તિ-ગ્રંથો અને પત્રિકાઓની કુલ સંખ્યા 35 કરોડની નજીક પહોંચી છે.

    આ સંખ્યાઓ માત્ર આંકડા નથી, એ એક સદીથી ચાલતા અખંડ ધર્મયજ્ઞનું પ્રમાણપત્ર છે. ગીતાપ્રેસ પાસે 3,500થી વધુ પ્રાચીન હસ્તપ્રતોનો સંગ્રહ છે, જેમાં ભગવદ્ગીતાની 100થી વધુ અલગ-અલગ વ્યાખ્યાઓ સામેલ છે. આ કારણે જ તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી વિશ્વસનીય હિંદુ ધાર્મિક પ્રકાશન-ગૃહ બની ગયું છે. તેના પુસ્તકો આજે માત્ર ભારતના ખૂણે-ખૂણે જ નહીં, અમેરિકા, યુરોપ, આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના હિંદુ પરિવારોના ઘરમાં પણ પૂજાસ્થાને વિરાજે છે.

    આજે ગીતાપ્રેસનું વાર્ષિક વેચાણ 200 કરોડ રૂપિયાની આસપાસ છે, પરંતુ આ નફો કોઈ વ્યક્તિ કે પરિવારની મિલકત નથી, એ ફરીથી નવા પ્રકાશનો અને વધુ સસ્તા ગ્રંથોમાં રોકાઈ જાય છે. એક સામાન્ય વેપારીની નજરે જોઈએ તો આ અકલ્પનીય છે, પરંતુ એક ભક્તની નજરે જોઈએ તો આ શુદ્ધ ધર્મનું ચાલતું સ્વરૂપ છે.

    ગીતાપ્રેસની યાત્રા માત્ર એક પ્રકાશન-ગૃહની નથી, એ આધુનિક યુગમાં સનાતન ધર્મના પુનરુત્થાનનું મહાકાવ્ય છે. એક નાનકડા ઓરડામાંથી શરૂ થયેલો આ પ્રયાસ આજે વિશ્વના કરોડો હિંદુઓના હૃદયમાં વાસ કરે છે અને ભવિષ્યની અનેક પેઢીઓને ગીતા-રામાયણનો પ્રકાશ આપતો રહેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં