ભારતના ભવ્ય અને સમૃદ્ધ ઇતિહાસની દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા હતી. ભારતના મંદિરો સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો ગણાતા હતા. દેશમાં તાજેતરમાં પણ એવા ઘણા મંદિરો અસ્તીવ ધરાવે છે, જે આજના આધુનિક માણસોને પણ અચંબિત કરી મૂકે છે. એ જાણવું અશક્ય જેવુ લાગે છે કે, આ મંદરોનું નિર્માણ પ્રાચીનકાળમાં કઈ રીતે થયું હશે. ભારતમાં વિદેશી ઇસ્લામી આક્રાંતાઓના હુમલા પણ ખાસ કરીને મંદિરોને તોડવા અને લૂંટવા માટે થતાં હતા. તેની પાછળનું કારણ માત્ર એટલું નથી કે, તે લોકો મૂર્તિપૂજાની વિરુદ્ધ હતા. તેની પાછળનું એક કારણ એ પણ છે કે, ભારતના એક મંદિર સાથે આખો ઇતિહાસ અને લોકોનું સ્વાભિમાન જોડાયેલું હતું. એક મંદિરના નિર્માણની સાથે યુનિવર્સિટીનું પણ નિર્માણ થતું હતું. જો ભારતના મંદિરોને જ તોડી પાડવામાં આવે તો ભારતનું શિક્ષણતંત્ર અને ભારતનું સ્વાભિમાન પણ તૂટી પડે એમ હતું. આજે એક એવા જ મંદરીની વાત કરવાની છે, જેના પર મુસ્લિમ આક્રાંતાઓએ 16મી સદીમાં આક્રમણ કર્યું હતું. તે મંદિરનું નામ છે ગોપનાથ મહાદેવ મંદિર. તેનો ઇતિહાસ પણ ખૂબ રોચક છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેર ગામની નજીક એક જગ્યા આવેલી છે, જે ગોપનાથ મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. ઑપઇન્ડિયાની ટીમ ભાવનગરના આ પ્રાચીન મંદિર સુધી પહોંચી હતી. ઑપઇન્ડિયાએ મંદિરના ટ્રસ્ટી ઘનશ્યામસિંહ રાઠોડ અને અન્ય પદાધિકારીઓ તથા મહંતો સાથે આ વિશે વિગતે ચર્ચા કરી હતી. ત્યાંથી અમને જાણવા મળ્યું હતું કે, આ મંદિર ઘણું જ પ્રાચીન છે અને તેનો ભવ્ય ઇતિહાસ પણ છે. 16મી સદીમાં ઇસ્લામી આક્રાંતાઓએ આ મંદિર પર હુમલો કર્યો હતો અને ઘણા નિર્દોષ હિંદુઓને મારી નાખ્યા હતા. ચાલો, શરૂઆતથી જાણીએ ગોપનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે.
મંદિર સાથે જોડાયેલી પ્રસિદ્ધ દંતકથા
આ મંદિર સાથે અનેકો દંતકથાઓ જોડાયેલી છે. પરતું ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી યોગ્ય ગણાતી હોય તેવી એક કથા નરસિંહ મહેતા સાથે સંકળાયેલી છે. જેમનો ઉલ્લેખ નરસિંહ મહેતાએ પણ કર્યો હતો. દંતકથા એવી છે કે, તળાજા શહેરમાં નરસિંહ મહેતા તેમના ભાઈ અને ભાભી સાથે રહેતા હતા. તેઓ આખો દિવસ કૃષ્ણભક્તિમાં લીન રહેતા હતા. તેનાથી કંટાળીને તેમના ભાભી તેમને મેણું મારે છે કે, આખો દિવસ આમ જ રહેવું એના કરતાં જંગલ વિસ્તારમાં જઈને સન્યાસ લઈ લેવો સારો. ત્યારે તેઓ ઘરનો ત્યાગ કરે છે અને ફરતા-ફરતા ઝાંઝમેરની નજીકના ગામોમાં આવે છે. તે સમયે તે આખો વિસ્તાર જંગલ સ્વરૂપે હતો.
નરસિંહ મહેતા ગોપનાથ જગ્યા પર આવીને અન્ન-જળનો ત્યાગ કરે છે અને મહાદેવની આરાધના શરૂ કરે છે. 7 દિવસ અન્ન-જળ વગર ભગવાનની ઉપાસના કર્યા બાદ આખરે મહાદેવ તેમના પર પ્રસન્ન થાય છે અને નિરાકારરૂપે તેમને દર્શન આપે છે. ભગવાન શિવ નરસિંહ મહેતાને વરદાન માંગવાનું કહે છે. ત્યારે કૃષ્ણભક્ત નરસિંહ મહેતા ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓની રાસલીલાના દર્શનની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્રિલોકનાથ ભગવાન તેમની ઈચ્છા પૂર્ણ કરે છે અને તેમને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે. આજે પણ મંદિરની અંદર પ્રવેશતા જ ઉપર નજર કરીએ તો સ્થાપત્ય કલાના નમૂના સ્વરૂપ રાસલીલાના દર્શન થાય છે.
રાસલીલા પૂર્ણ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓ ફળાહાર માટે વનમાંથી શુદ્ધ ફળો શોધી લાવે છે. પરંતુ ગોપીઓનો એક નિયમ હતો કે, તેઓ મહાદેવની પૂજા કર્યા પછી જ કોઈપણ વસ્તુ આરોગતા હતા. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓને તેમના આભૂષણોથી શિવલિંગ તૈયાર કરવાનું કહ્યું હતું. ગોપીઓએ પોતાના આભૂષણોથી શિવલિંગની સ્થાપના કરી હતી. તેથી તેને ગોપનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.
આ મંદિરમાં જ આદિકવી અને ભક્તકવિ જેવા નામોથી પ્રસિદ્ધિ પામેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા અને ભક્તિગીતોની રચના થઈ હતી, જે ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવે છે. પરંતુ સમય જતાં આ મંદિર નાશ પામ્યું હતું. જે બાદ રાજપીપળાના ગોહિલ રાજવી પરિવારે આ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું.
શરૂઆતમાં મંદિરનું નિર્માણ તો થઈ ચૂક્યું હતું, પરંતુ મંદિરના તાબા હેઠળ કોઈ જમીન ન હતી, જે બાદ 15મી સદીમાં ઝાંઝમેરના વાજા રાઠોડ રાજવી લગધીરસિંહ રાઠોડે 1300 વીઘા જમીન મંદિરને દાનમાં આપી હતી. જ્યાં આજે છાત્રાલય અને ગૌશાળા જેવી અનેક સુવિધાઓ પણ છે. દાનમાં આપેલી જમીનના પુરાવા સ્વરૂપ શિલાલેખ આજે પણ ગોપનાથમાં મોજૂદ છે.
ઇસ્લામી આક્રાંતાઓએ કર્યા હતા હુમલા
આ મંદિરને તોડી પાડવાના ઘણા પ્રયાસો ઇસ્લામી આક્રાંતાઓએ કર્યા છે. 16મી સદીમાં મુસ્લિમોના હુમલા વધી ગયા હતા. પરંતુ સ્થાનિક હિંદુઓ એક સંપ થઈને આ હુમલાઓનો પ્રતિકાર કરતાં રહ્યા હતા. સાથે જ ઝાંઝમેર રાજ્યના તાબા હેઠળ આવતા આ મંદિરની રક્ષા માટે ઝાંઝમેરના રાઠોડ રાજવીઓએ પણ ખૂબ બલિદાન આપ્યા છે. ઝાંઝમેરના રાઠોડો હંમેશા અભૂતપૂર્વ શૌર્ય અને સાહસ સાથે પોતાનો ધર્મ નિભાવતા હતા. સાથે સ્થાનિકો પણ મહાદેવના મંદિરની રક્ષા માટે યુદ્ધમાં જોડાઈ જતાં હતા. ગોપનાથ મંદિર પર છેલ્લો હુમલો 16મી સદીમાં કરવામાં આવ્યો હતો. તે સમયે ત્યાં ભીષણ યુદ્ધ પણ થયું હતું.
અઢળક ઇસ્લામી સેના સાથે મુઠ્ઠી ઊંચેરા માનવીઓએ યુદ્ધ કર્યું હતું. ઘણા હિંદુઓ આ યુદ્ધમાં હોમાય ગયા હતા અને વીરગતિને પ્રાપ્ત થયા હતા. જેના પુરાવા સ્વરૂપ આજે પણ ઝાંઝમેર અને ગોપનાથમાં આ વીર યોદ્ધાઓના પાળિયા (સ્ત્રી, ગૌ, રાષ્ટ્ર અને ધર્મ માટે બલિદાન થયેલા વીરોની સમાધિ) આવેલા છે. નોંધવું જોઈએ કે, ઝાંઝમેર ભાવનગર રાજ્યની અંદર આવતું પેટા રાજ્ય ગણાતું હતું. જેના પર રાઠોડ રાજવીઓનું શાસન હતું.
PM મોદી અને મંદિરનો સંબંધ
આ મંદિર સાથે અનેક ઘટનાઓ જોડાયેલી છે. નરસિંહ મહેતા અહીથી જ ભક્તકવિ અને આદિકવી તરીકે ઓળખાયા હતા. આ ઉપરાંત ઇન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાગુ કરી તે દરમિયાન વડાપ્રધાન મોદી આ વિસ્તારમાં વેશ છુપાવીને રહેતા હતા. તેમણે ઘણા સમય સુધી આ મંદિરમાં ભગવાનની આરાધના કરી હતી. સાથે તેઓએ સ્થાનિક લોકો પાસેથી ગોપનાથનો ઇતિહાસ પણ જાણ્યો હતો. ઘણા વૃદ્ધ અને સ્થાનિક લોકો કહે છે કે, વડાપ્રધાન મોદી અહિયાં દરિયા કિનારે નિયમિત ધ્યાન અને યોગ કરતાં હતા. સાથે મંદિરમાં ભગવાનની ઉપાસના પણ કરતાં હતા.
સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો
ગોપનાથ મંદિરમાં પ્રવેશતાની સાથે જ અજોડ સ્થાપત્ય કલાના દર્શન થાય છે. મંદિરની રચના પણ એવી છે કે, કોઈપણ વ્યક્તિ અભિભૂત થઈ જાય. સમુદ્ર કિનારે આ મંદિર આવેલું હોવાથી પ્રવાસન સ્થળ તરીકે પણ ખૂબ જ વિકાસ થયો છે. મંદિરમાં બારીકાઈથી નકશીકામ કરવામાં આવ્યું છે. સાથે મંદિરની અંદર ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓની રાસલીલાને પણ દર્શાવવામાં આવી છે.
આ એક જ મંદિરમાં અનેકો મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. તે પ્રાચીન મૂર્તિઓ પણ ખૂબ જ આકર્ષક છે. પ્રતીકાત્મક શિવલિંગને અહિયાં દર્શનાર્થીઓના દર્શન માટે સ્થાપિત કરવામાં આવ્યું છે. ગોપીઓએ બનાવેલું મૂળ શિવલિંગ જમીનની નીચે હોવાનું કહેવાય છે. મંદિરના શિખર પર સફેદ ધ્વજ ફરકાવવામાં આવે છે. જેના કારણે સ્થાનિક લોકો મહાદેવને ‘ધોળી ધજાવાળો દેવ’ પણ કહે છે. આવી ઉત્તમ સ્થાપત્ય કલાથી ઘણા લોકો હજુ સુધી પણ અજાણ છે.
દીવાદાંડી
ગોપનાથ મંદિર સમુદ્ર કિનારે આવેલું હોવાથી અહિયાં દીવાદાંડી (લાઇટ હાઉસ) પણ આવેલી છે. પહેલી દીવાદાંડીની સ્થાપના 1879માં થઈ હતી. 1975થી તે કામ કરતી બંધ થઈ ગઈ હતી. સફેદ રંગે રંગાયેલી બેવડો વરંડો ધરાવતી દીવાદાંડી લગભગ 12 મીટર ઊંચો ઈંટોનો મિનારો ધરાવે છે. તેમાંથી દીવો હટાવી લેવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક દીવાદાંડી ભાવનગર રાજ્ય દ્વારા બનાવવામાં આવી હતી. હાલમાં ખસ્તાહાલ હાલતને લીધે સ્થળ જવા માટે ખુલ્લુ છે, પણ મિનારો બંધ કરી દેવામાં આવ્યો છે.
1975માં પહેલી દીવાદાંડી બંધ થઈ તેની સાથે જ બીજી દીવાદાંડીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તે દીવાદાંડી હાલ પણ કાર્યરત છે. દર 20 સેકન્ડે પ્રકાશનો એક ઝબકારો થાય છે. અંદાજિત 7થી 8 કિલોમીટર સુધી તેનો ઝબકારો પહોંચે છે. આ નવી દીવાદાંડી જૂની દીવાદાંડીથી લગભગ 500 મીટરના અંતરે ઉત્તર દિશામાં સ્થાપિત કરવામાં આવી છે. તાજેતરમાં ત્યાં વોટર શોથી લઈને આધુનિક મ્યુઝિયમ પણ વિકસાવવામાં આવ્યું છે.
અત્યંત રમણીય દરિયા કિનારો
ગોપનાથ મંદિર સમુદ્ર કિનારે આવેલું હોવાથી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહિયાં આવતાની સાથે જ સમુદ્રનો આધ્યાત્મિક ધ્વનિ સંભળાય છે. જે મનુષ્યના મનને સ્થિર શાંતિ આપે છે. સ્થાનિક લોકો આ દરિયાની પૂજા કરે છે અને તેને દેવ તરીકે પૂજે છે. દરિયાના ગહન ધ્વનિને સાંભળવા અને ધ્યાન માટે સ્થાનિકો નિયમિત મંદિરે આવતા હોય છે. મંદિરની બહાર અને સમુદ્રની એકદમ નજીક નરસિંહ મહેતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સાથે શિવલિંગ અને શનિદેવની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. દરિયાના મોજા અમુક સમયે નજીક આવતા હોવાથી સુરક્ષાની પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ અહિયાં એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે.
ગોપનાથ મહાદેવ મંદિરનો વહીવટ બે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. 1- મહંત જગ્યા ટ્રસ્ટ અને 2- બ્રહ્મચારી જગ્યા ટ્રસ્ટ. મહંત જગ્યા ટ્રસ્ટના પ્રમુખ ભાવનગરના ડેપ્યુટી કલેકટર હોય છે, જ્યારે બ્રહ્મચારી જગ્યા ટ્રસ્ટના પ્રમુખ સામાન્ય લોકોમાંથી પસંદ કરવામાં આવે છે. ગોપનાથ મહાદેવ મંદિરના બંને ટ્રસ્ટો દ્વારા ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. અહિયાં કોઈપણ વ્યક્તિને નાત-જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક ભગવાનનો પ્રસાદ આપવામાં આવે છે. આ સ્થળ પર એક પ્રાચીન ગુફા પણ આવેલી છે, એવું કહેવાય છે કે, જેટલો પ્રાચીન ગોપનાથ મહાદેવ મદિરનો ઇતિહાસ છે, તેટલી જ પ્રાચીન આ ગુફા છે.
ગોપનાથ મહાદેવ મંદિરની કલાકૃતિ, નયનરમ્ય દ્રશ્યો અને સાંસ્કૃતિક ઇતિહાસ તેને એક વિશિષ્ટ સ્થાન પ્રદાન કરે છે. આ જગ્યા પર્યટક સ્થળ, આધ્યાત્મિક સ્થળ ઉપરાંત મનોરંજન માટે પણ ખૂબ પ્રસિદ્ધ છે. સ્થાનિક લોકોની લાગણી આ મંદિર સાથે ખૂબ જોડાયેલી છે.