ભૌગોલિક વૈવિધતા ધરાવતા આપણાં દેશ ભારતમાં દરેક ઋતુનું આગમન થાય છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં એક-બે ઋતુઓ જોવા મળે છે. પરંતુ ભારતમાં ચારેય ઋતુને અનુભવી શકાય છે. દરેક ઋતુની પોતાની એક આગવી ઓળખ હોય છે. તેવી જ રીતે ઉનાળાની પણ છે. સામાન્ય રીતે ભયાનક ગરમીને કારણે કોઈને ઉનાળો ગમતો નથી. પરંતુ માત્ર એક કારણ તેને સૌથી ખાસ બનાવે છે. ફળોનો રાજા કહેવાતી કેરી આ જ ઋતુમાં જોવા મળે છે. ભારતનું રાષ્ટ્રીય ફળ પણ કેરી જ છે. તેથી કેરીપ્રેમીઓ માટે ઉનાળાની ઋતુ વિશેષ બની રહે છે. પરંતુ ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે, કેરીની શરૂઆત કયા દેશમાં થઈ હશે અને આ ફળ કેટલા વર્ષ પ્રાચીન હોય શકે છે? આપણે આ વિશેષ અહેવાલમાં કેરીનો ઇતિહાસ અને તેનો ધર્મ સાથેનો સંબંધ જાણવા પ્રયાસ કરીશું.
ભારતમાં હજારો પ્રકારની કેરીઓ વિવિધ રાજ્યોનું ગૌરવ છે. અત્યારે ભારતમાં કેરીની 1500 જાતો છે. કેસરથી લઈને લંગડા સુધી અને તોતાપૂરીથી લઈને હાફૂસ સુધીની કેરીઓ આપણાં દેશમાં જોવા મળે છે. પણ આ કેરીના ઇતિહાસની વાત કરવામાં આવે તો તે ઘણા વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી. યુરોપિયન દેશો એવું માને છે કે, કેરી સંભવતઃ બર્મા કે મલાયાથી ઉત્પન્ન થઈ હતી. પરંતુ આ વાતના કોઈ ઐતિહાસિક પુરાવા નથી. વાસ્તવિકતા એ છે કે, કેરીની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી. ભારતમાંથી દુનિયાના ખૂણે-ખૂણે કેરી પહોંચી હતી. ત્યારે આપણે ઐતિહાસિક પુરાવા સાથે સમજીએ કે, ભારતના ઇતિહાસમાં કેરીનો ક્યા ઉલ્લેખ છે.
કેરીનો ઇતિહાસ અને ભારત
કેરીનો ઇતિહાસ ખૂબ પ્રાચીન માનવામાં આવે છે. કહેવાય છે કે, 4000થી 5000 વર્ષ પહેલાં કેરીની શરૂઆત થઈ હતી. કેરી ભારતની લોકકથાઓ અને ઇતિહાસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જ્યારે દુનિયાને કેરી અને આંબા વિશેની કોઈ માહિતી નહોતી ત્યારે ભારતમાં આંબાવાડીઓનું અસ્તિત્વ હતું. કેરીનો સંસ્કૃત સાહિત્યમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. સંસ્કૃત શબ્દકોશ અનુસાર, કેરીને સંસ્કૃતમાં ‘आम्र:’ કહેવામાં આવે છે. તેમાંથી જ તેનું હિન્દી નામ પણ લેવામાં આવ્યું છે. હિન્દીમાં કેરીને ‘आम’ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રાદેશિક ભાષાઓમાં તેના અલગ-અલગ નામો પ્રચલિત છે. ગુજરાતમાં તેને કેરી તરીકે ઓળખવામાં આવે છે.
સાથે એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે, દુનિયાની 41 ટકા કેરીનું ઉત્પાદન ભારત કરે છે. કારણ કે, ભારતના લોકોને કેરીની તાસીર પણ ખબર છે અને તેની પ્રકૃતિ પણ ખબર છે. તેથી કેરીને ભારતનું જન્મસ્થળ પણ માનવામાં આવે છે. ગ્રીક ઇતિહાસકારોના પુસ્તકોમાં પણ ‘ભારતની કેરી’ વિશેની વાતો કરવામાં આવી છે. ભારતના કેટલાક રાજ્યોમાં કેરીના રસની પણ પરંપરા છે. જેમાં ખાસ કરીને ગુજરાતનું નામ મોખરે આવે છે. તે સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા ઘણા રાજ્યોમાં કેરીના રસનું મહત્વ છે. ઘણીવાર તો કોઈ વિશેષ ધાર્મિક પરંપરા અનુસાર પણ કેરીના રસનો ભોગ ધરવામાં આવે છે. કેરીનો ઇતિહાસ પ્રાચીન હોવાની ખૂબ રસપ્રદ પણ છે.
ગુજરાતની કેસર કેરી
ગુજરાતમાં કેરીનું આગવું મહત્વ છે. દરેક ઉનાળામાં કેરીના રસની પરંપરા ગુજરાતમાં પ્રાચીનકાળથી અકબંધ છે. પંચતંત્રમાં કેરીના રસ વિશેની અનેરી માહિતી પણ આપવામાં આવી છે. તે સિવાય સંસ્કૃતના મહાકવિ કાલિદાસે પણ કેરીના રસનું મહત્વ સમજાવ્યું છે. સંસ્કૃતમાં કેરીના રસને ‘आम्रस’ કહેવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, આખા દેશમાં સૌથી વધારે કેરીનો રસ આપણાં ગુજરાતમાં ખવાય છે. ગુજરાત માટે કેરીનો રસ માત્ર એક ખોરાક નથી, પરંતુ એક લાગણી પણ છે. પ્રાચીન ગુર્જર પ્રદેશ દરમિયાન પણ ગુજરાતીઓ કેરીના રસનો સ્વાદ ચાખી રહ્યા હતા. કહેવાય છે કે, અનેક ગુર્જર રાજાઓના શાસનના કારણે કેરીના રસની પરંપરા રાજસ્થાનમાં શરૂ થઈ હતી અને ત્યાંથી ધીરે-ધીરે દેશના અન્ય રાજ્યોમાં પહોંચી હતી.
ગુજરાતમાં અન્ય એક કેરીની વિશેષ જાત પણ જોવા મળે છે. જેને ‘કેસર કેરી’ તરીકે ઓળખવામાં આવે છે. કેસર કેરી ભારતમાં ખૂબ પ્રસિદ્ધ છે અને હવે તો વિશ્વના અન્ય દેશોમાં પણ ગુજરાતની કેસર કેરી પહોંચતી થઈ છે. એક એવું પણ મિથક છે કે, ગુજરાતમાં કેસર કેરીની શરૂઆત જુનાગઢના નવાબે કરી હતી. પરંતુ તે પણ સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે મુસ્લિમ શાસન પહેલાં પણ ગુજરાતમાં કેસર કેરીનું અસ્તિત્વ હતું.
પ્રાચીન સાહિત્યોમાં ઉલ્લેખ
કેરીના ઇતિહાસની સત્યતા વિશે તપાસ કરવામાં આવે તો આપણે વૈદિક સાહિત્યની તપાસ કરવી અનિવાર્ય બની રહી છે. આજે વિશ્વના બધા જ દેશો એક સત્યને સ્વીકારી ચૂક્યા છે કે, ભારતીય સાહિત્ય વિશ્વના પ્રાચીન સાહિત્યોમાં સ્થાન ધરાવે છે. તેમાં પણ વેદો સૌથી પ્રાચીન સાહિત્ય છે, તે આખી દુનિયાએ સ્વીકાર્યું છે. તો હવે તેના જ આધારે આપણે કેરીના ઇતિહાસ વિશે પણ માહિતી મેળવી શકીએ છીએ. કારણ કે, પ્રાચીન ઋગ્વેદથી લઈને યજુર્વેદ સુધીમાં પણ કેરી અને કેરીના રસનો ઉલ્લેખ થયો છે. તેથી એ સનાતન સત્ય છે કે, ભારતે દુનિયાને કેરીની ભેટ આપી છે.
પ્રાચીન ગ્રંથોમાં કેરીનો ઉલ્લેખ કઈ જગ્યા પર છે, તેની તપાસ માટે ઑપઇન્ડિયાએ વેદાભ્યાસ કરેલા જ્યોતિષશાસ્ત્રી હિતેષભાઈ રાજ્યગુરુનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે, કેરીનું અસ્તિત્વ વૈદિકયુગથી ભારતમાં છે. ‘શુક્લ યજુર્વેદના શતપથ બ્રાહ્મણ‘ નામના ગ્રંથમાં કેરીનો ઉલ્લેખ મળી આવે છે. કેરીને વેદોમાં વૈભવનું પ્રતિક કહેવામાં આવી છે. તે સાથે વેદોમાં કેરીના રસ વિશે પણ વાત કરવામાં આવી છે. તેથી તે સાબિત થઈ શકે છે કે, સૌપ્રથમ કેરીનું ઉત્પાદન ભારતમાં થયું હતું. તે સાથે જ મહાકવિ કાલિદાસના સાહિત્યમાં પણ કેરી વિશેની માહિતી આપવામાં આવી છે.
આ સાથે વધુ તપાસ કરતાં અમને એ પણ જાણવા મળ્યું કે, ‘અમરકોષ’ નામના એક પ્રાચીન ગ્રંથમાં પણ કેરીનો ઉલ્લેખ જોવા મળે છે. એ ઉપરાંત બુદ્ધકાલીન સમયમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથો અનુસાર, મહાત્મા ગૌતમ બુદ્ધને પણ એક નગરશેઠ દ્વારા આંબાવાડી ભેટ આપવામાં આવી હતી. જેથી તેઓ તેના શીતળ છાંયડા નીચે બેસીને ધ્યાન કરી શકે.
મહત્વની વાત તો તે છે કે, મલયાલમમાં કેરીને ‘મન્ના’ તરીકે ઓળખવામાં આવે છે. 1498માં પોર્ટુગીઝોએ કેરળમાં ભારે વેપાર કર્યો હતો. તે દરમિયાન મસાલાની ચીજવસ્તુઓની સાથે તેઓ કેરી પણ લઈને જતાં હતા. તેમણે ‘મન્ના’ને ‘મેંગા’ કહેવાનું શરૂ કર્યું હતું અને તેમાંથી ધીરે-ધીરે અપભ્રંશ થઈને તેને ‘મેંગો’ તરીકે ઓળખવા લાગ્યા હતા. તેથી અંગ્રેજી શબ્દ ‘મેંગો’ મૂળ ભારતીય ‘મન્ના’માંથી લેવામાં આવ્યો છે.
હિંદુ ધર્મમાં કેરી અને આંબાનું મહત્વ
પ્રાચીન સમયથી જ હિંદુ ધર્મશાસ્ત્રોમાં કેરી અને આંબાને પવિત્ર ગણવામાં આવ્યા છે. કોઈપણ શુભકાર્ય સમયે આજેપણ લોકો આંબાના તોરણનો ઉપયોગ કરે છે. ભગવાનની પ્રતિમાને કેરીના રસનો અભિષેક પણ કરવામાં આવે છે. ભારતવર્ષમાં અને ખાસ કરીને હિંદુ ધર્મમાં કેરી સંબંધિત અનેક લોકગીત, આખ્યાનો રચવામાં આવ્યા હતા. ઉપરાંત હિંદુ ધર્મના રીતિ-રિવાજો, વર્તણૂક, હવન, યજ્ઞ, પૂજા, કથા, ઉત્સવ અને તમામ શુભ પ્રસંગોમાં કેરીનું લાકડું, પાન, ફૂલ અથવા તેના અમુક ભાગનો વારંવાર ઉપયોગ થાય છે. કવિઓએ કેરીના ફૂલને વસંતદત્સા સાથે અને તેના ઝાડને મનમથતીર સાથે સરખાવ્યા છે. ઉપયોગિતાના દૃષ્ટિકોણથી, કેરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં ફળોનો રાજા છે અને તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે.
આ ઉપરાંત હિંદુ ધર્મના આયુર્વેદશાસ્ત્રમાં પણ કેરીને ઔષધિ તરીકેની માન્યતા મળેલી છે. ભગવાન ધન્વંતરિ રચિત આયુર્વેદમાં કેરીના પાંચ અંગોના ઉપયોગ વિશે વાત કરવામાં આવી છે. પથરી, આંતરડીઓમાં સમસ્યા, ફેફસાની બીમારી જેવા રોગો માટે આંબાની છાલ ખૂબ ઉપયોગી છે. તે સિવાય વીંછીના ડંખ માટે પણ આંબાને ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને હિંદુ ધર્મમાં કેરીને ફળોના ઇન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કેરીના અનેકો મહત્વની સાથે ધાર્મિક મહત્વ ખૂબ અગત્યનું છે.
ટૂંકમાં ભારતવર્ષમાં પ્રાચીનકાળથી કેરીનું અસ્તિત્વ રહ્યું છે તેને કોઈ નકારી શકે તેમ નથી. તે પણ સનાતન સત્ય છે કે, ભારતમાંથી દુનિયાના ખૂણે-ખૂણે કેરી પહોંચી હતી. હિંદુધર્મ શાસ્ત્રોમાં આ ફળને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સાથે તેને પવિત્ર અને વૈભવશાળી પણ ગણવામાં આવે છે.