Monday, November 11, 2024
More
    હોમપેજદેશવિષ્ણુપુરાણ, મહાભારત સહિત અનેક ગ્રંથો-પુરાણોમાં છે ઉલ્લેખ, સદીઓથી આ ભૂભાગ કહેવાય છે...

    વિષ્ણુપુરાણ, મહાભારત સહિત અનેક ગ્રંથો-પુરાણોમાં છે ઉલ્લેખ, સદીઓથી આ ભૂભાગ કહેવાય છે ‘ભારતવર્ષ’: જાણીએ કઈ રીતે પડ્યું હતું દેશનું નામ, શું છે ઇતિહાસ 

    અહીં ચર્ચા કરીએ કે ‘ભારત’ નામ પાછળનો ઈતિહાસ શું છે અને તે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું. ઇન્ડિયા નામ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું અને આખરે આ બે નામો પર કઈ રીતે સહમતી બની એ વિશે વિગતવાર જોઈએ. 

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 18થી 22 સપ્ટેમ્બર, 2023 દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવાની ઘોષણા કરી ત્યારથી ચર્ચા ચાલે છે કે આખરે આ સત્રનો એજન્ડા શું છે અને શા માટે અચાનક બોલાવવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ની ચર્ચાઓ ચાલી, પછીથી યુસીસી અને મહિલા અનામત બિલ અંગે અટકળો વહેતી થઈ અને છેલ્લા બે દિવસથી એક નવી જ ચર્ચાએ જોર પકડ્યું છે કે- ‘દેશનું નામ ઇન્ડિયામાંથી (India) બદલીને ભારત (Bharat) કરીને ઇતિહાસ બદલવામાં આવશે.’

    બન્યું એવું કે મંગળવારે (5 સપ્ટેમ્બર, ૨૦૨૩) સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ ભવનની એક આમંત્રણ પત્રિકાનો ફોટો વાયરલ થઈ ગયો હતો. G20 સમિટ બાદ આધિકારિક ડિનર માટેનું આમંત્રણ આપતી આ પત્રિકામાં રાષ્ટ્રપતિ માટે લખવામાં આવ્યું છે- ‘પ્રેસિડેન્ટ ઑફ ભારત.’ અહીં ‘ભારત’ શબ્દે વિશેષ ધ્યાન ખેંચ્યું, કારણ કે અત્યાર સુધી મોટેભાગે ‘પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયા’ જ લખાતું રહ્યું છે. ત્યારબાદ મીડિયામાં પણ ‘સૂત્રો’ દ્વારા જાણકારી આવતી ગઈ કે સરકાર દેશના નામમાંથી ‘ઇન્ડિયા’ શબ્દ દૂર કરવા માટે એક પ્રસ્તાવ લાવી રહી છે. 

    સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે શું કોઇ પ્રસ્તાવ કે ખરડો પસાર કર્યા વગર રાષ્ટ્રપતિ માટે ‘પ્રેસિડેન્ટ ઑફ ભારત’ લખી શકાય? તો જવાબ છે- હા. કારણ કે બંધારણ અનુસાર દેશનાં બે નામ છે. ભારત અને ઇન્ડિયા. બંધારણનો આર્ટિકલ 1 કહે છે કે, ‘ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, શેલ બી અ યુનિયન ઑફ સ્ટેટ્સ.’ એટલે કે બંધારણમાં ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ બંને શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી અધિકારિક સ્તરે ‘ભારત’ શબ્દ વાપરી શકાય. એટલે હાલની અટકળો જો કદાચ વાસ્તવિકતા પણ બને તો કોઇ નામ બદલવાનો પ્રશ્ન જ નથી, પરંતુ એમ બને કે ‘ઈન્ડિયા’ નામ હટાવી દેવામાં આવે. તો માત્ર ‘ભારત’ જ નામ રહે. પરંતુ એ બધી ‘જો અને તો’ની વાત છે. 

    - Advertisement -

    અહીં ચર્ચા કરીએ કે ‘ભારત’ નામ પાછળનો ઇતિહાસ શું છે અને તે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું. ઇન્ડિયા નામ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું અને આખરે આ બે નામો પર કઈ રીતે સહમતી બની એ વિશે વિગતવાર જોઈએ. 

    આજે જે ભૂભાગને ‘અખંડ ભારત’ પણ કહેવાય છે કે જિઓપોલિટિકલ ભાષામાં જેને ‘ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ’ કહે છે તેનાં અનેક નામો રહ્યાં છે. કાળક્રમે આ પ્રદેશ આર્યાવર્ત, ભારત, ભારતવર્ષ, જંબુદ્વીપ, હિંદુસ્થાન વગેરે નામોથી ઓળખાતો રહ્યો. આજે વિદેશોમાં અને અંગ્રેજી ભાષામાં દેશને ‘ઇન્ડિયા’ કહેવાય છે અને હિન્દી સહિતની પ્રાદેશિક ભાષાઓમાં તેનું નામ ‘ભારત’ છે. આ બધાં જ નામોમાંથી સૌથી પ્રચલિત રહ્યું હોય તો એ ‘ભારત’ છે. 

    ભારત નામ અને ગ્રંથો અને પુરાણોમાં તેનો ઉલ્લેખ

    ‘ભારત’ નામને લઈને સૌથી પ્રચલિત અને સર્વમાન્ય માન્યતા એવી છે કે આ નામ દુષ્યંત અને શકુંતલાના પુત્ર ‘ભરત’ના નામ પરથી પાડ્યું હતું. દુષ્યંત હસ્તિનાપુરના મહારાજા હતા. તેમનો વીર પરાક્રમી પુત્ર ચક્રવર્તી સમ્રાટ બન્યો અને તેના જ નામ પરથી આ ભૂભાગ ભારત તરીકે ઓળખાવા માંડ્યો. ભારત એટલે કે ભરત સંબંધિત કે જ્યાં ભરતના વંશજો રહેતા હોય તેવો પ્રદેશ. ભરત રાજા પાંડવો અને કૌરવોના પૂર્વજ ગણાય. 

    અન્ય એક માન્યતા એવી પણ છે કે દશરથપુત્ર ભરત રાજાના નામ પરથી આ દેશને ઓળખવામાં આવે છે. ભગવાન રામે જ્યારે વનવાસ માટે પ્રસ્થાન કર્યું ત્યારે તેમના ભાઈ ભરતે તેમની પાદુકાને સિંહાસન પર મૂકીને શાસન ચલાવ્યું હતું. વધુ એક માન્યતા અનુસાર આ ભૂભાગનું નામ ઋષભદેવના પુત્ર ભરતના નામ પરથી પડ્યું હતું. જેનો વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ છે. વિષ્ણુપુરાણના દ્વિતિય અંશના ત્રીજા અધ્યાયનો પ્રથમ શ્લોક છે- 

    उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम्। 

    वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः॥ 

    અર્થાત, સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં સ્થિત ભૂમિને ભારત કહેવામાં આવે છે અને અહીં ભરતના વંશજો રહે છે.

    વિષ્ણુ પુરાણમાં અન્ય પણ એક ઉલ્લેખ છે. દ્વિતિય અંશના પ્રથમ અધ્યાયનો ૩૨મો શ્લોક આ પ્રકારે છે- 

    ततश्च भारतं वर्षमेतल्लोकेषुगीयते। 

    भरताय यत: पित्रा दत्तं प्रतिष्ठिता वनम् ॥

    અર્થ થાય છે- પિતા ઋષભદેવજીએ વાનપ્રસ્થાન સમયે રાજ્ય જયેષ્ઠ પુત્ર ભરતજીને સોંપી દીધું હતું. ત્યારથી આ ભૂમિ ‘ભારતવર્ષ’ નામથી ઓળખાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર, ઋષભદેવ નાભિરાજના પુત્ર હતા અને તેમના પુત્ર ભરત હતા. મહારાજા નાભિરાજના સમયમાં આ ભૂભાગ ‘હિમવર્ષ’ તરીકે ઓળખાતો હતો. ભરત રાજાના સમયમાં તેનું નામ ‘ભારતવર્ષ’ પડ્યું હોવાનું કહેવાય છે. 

    ‘ભારતવર્ષ’ શબ્દનો ઉલ્લેખ વાયુપુરાણમાં પણ જોવા મળે છે. તેના 45મા અધ્યાયનો 73મો શ્લોક છે- 

    पुण्यतीर्थे हिमवतो दक्षिणस्याचलस्य हि।

    पूर्वपश्चायतस्यास्य दक्षिणेन द्विजोत्तमाः

    વાયુપુરાણ, અધ્યાય- 45, શ્લોક- 73 (સાભાર- Hindu Scriptures.in)

    અર્થાત, પવિત્ર તીર્થધામ હિમાલયની દક્ષિણે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ભારત નામનો પ્રદેશ સ્થિત છે. 

    76મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે-

    वर्षं यद्भारतं नाम यत्रेयं भारती प्रजा।

    भरणाञ्च प्रजानां वै मनुर्भरत उच्यते।

    निरुक्तवचनाच्चैव वर्षं तद्भारतं स्मृतम् ।

    વાયુપુરાણ, અધ્યાય- 45, શ્લોક- 76 (સાભાર- Hindu Scriptures.in)

    અર્થાત, પ્રદેશનું નામ ભારત છે અને તેમાં રહેનારા લોકોને ‘ભારતી પ્રજા’ કહેવાય છે. આ પ્રદેશનું શાસન મનુએ કર્યું હતું, જેથી તેમને ભારત અને પ્રદેશને ભારતવર્ષ કહેવાયો. 

    આ ઉપરાંત પણ અનેક પુરાણો અને ગ્રંથોમાં ‘ભારતવર્ષ’નો ઉલ્લેખ જોવા મળે છે. ટૂંકમાં, ભારત નામકરણ પાછળનો ઇતિહાસ જોઈએ તો કોઇ એક જ કથા કે માન્યતા હોય તેમ નથી. પરંતુ આ નામ સૌથી પ્રચલિત છે અને આજદિન સુધી વપરાતું આવ્યું છે. હિંદુ ગ્રંથોમાં સૌથી વધુ ઉલ્લેખ પણ તેનો જ જોવા મળે છે. આ સિવાય જંબુદ્વીપ, હિમવર્ષ જેવા શબ્દો પણ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે પ્રાચીન સમયમાં આજના ભારત કરતાં આ ભૂભાગની ભૌગોલિક પરિસ્થિતિ થોડી જુદી હતી અને આજે જેને અખંડ ભારત કહેવામાં આવે છે તેટલો પ્રદેશ આ વિવિધ નામોથી ઓળખાતો હતો.

    ભારત શબ્દનો અર્થ શું?

    ‘ભારત’નો શાબ્દિક અર્થ જોવા જઈએ તો આવો થાય- ભરતના વંશજોનો પ્રદેશ કે ભરત સંબંધિત પ્રદેશ. ‘ભા’નો સંસ્કૃત અર્થ થાય છે- પ્રકાશ કે જ્ઞાન અને ‘રત’ એટલે સમર્પણ કે લગાવ. એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું. આ નામ પ્રદેશ આધ્યાત્મિક રીતે કેટલો પ્રબુદ્ધ હતો એ દર્શાવે છે. 

    આધ્યાત્મિક ગુરૂ સદગુરુ જગ્ગી વાસુદેવ કહે છે કે, ‘ભા’નો અર્થ થાય છે- ભાવ કે સંવેદના. જીવનના તમામ અનુભવો સંવેદનાત્મક હોય છે. ‘ર’ એટલે કે રાગ. આ પ્રકૃતિએ ધૂન કે રાગ ગોઠવ્યા જ છે. તમારે માત્ર તાલ મેળવવાનો છે, જે ત્રીજા શબ્દનો અર્થ છે- તાલ. જો તાલ મેળવી લીધો તો તમે ઉત્કૃષ્ટ મનુષ્ય બની શકો છો. 

    ‘ઇન્ડિયા’ નામ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું?

    ‘ઇન્ડિયા’ આ ભૂભાગનું અંગ્રેજી નામ છે. તેનો સંબંધ સિંધુ નદી સાથે છે. ઈ.સ પૂર્વે પાંચમી સદીમાં ગ્રીકોએ ઈન્ડસની પૂર્વ તરફના પ્રદેશને ‘ઈન્ડસ વેલી’ કહેવાનું શરૂ કર્યું હતું. ત્રીજી સદીમાં એલેક્ઝાન્ડરે ઈન્ડસ વેલી કહેવાતા પ્રદેશ પર આક્રમણ કર્યું હતું અને ત્યારપછી ઈન્ડસની પશ્ચિમ તરફનો પ્રદેશ ‘ઇન્ડિયા’ તરીકે ઓળખાવા માંડ્યો. 

    7મી સદી સુધીમાં તેનો ઉલ્લેખ અંગ્રેજી સાહિત્યોમાં પણ થવા માંડ્યો. બ્રિટીશ પણ ભારત આવ્યા ત્યારે તેમણે આ જ નામનો ઉપયોગ કર્યો. 17મી સદી સુધીમાં ‘ઇન્ડિયા’ નામ ખાસ્સું પ્રચલિત થઈ ગયું હતું અને અંગ્રેજોએ અધિકારીક રીતે ભૂભાગને સાઉથ ઇસ્ટ એશિયાથી અલગ દર્શાવવા માટે અપનાવી લીધું. 

    બંધારણ સભાએ બે નામોને માન્યતા આપી હતી, અમુક સભ્યો ‘ઇન્ડિયા’ના વિરોધમાં હતા 

    દેશને સ્વતંત્રતા મળી ત્યારબાદ બંધારણની રચના કરવાનું શરૂ થયું. આ બંધારણ સભાએ પણ દેશના નામકરણ માટે ખાસ્સી ચર્ચા કરી હતી. તે સમયે દેશ માટે ત્રણ નામો પ્રચલિત હતાં- ભારત, હિંદુસ્તાન અને ઇન્ડિયા. આખરે ભારત અને ઇન્ડિયાનો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને બંધારણના પ્રથમ અનુચ્છેદમાં લખવામાં આવ્યું-

    ‘ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત, શેલ બી અ યુનિયન ઑફ સ્ટેટ્સ.’ (ભાષાંતર- ઇન્ડિયા, એટલે કે ભારત, રાજ્યોનો એક સંઘ હશે.)

    અનુચ્છેદ-1, ભારતનું બંધારણ

    જોકે, તે સમયે પણ બંધારણ સભાના અમુક સભ્યોએ ‘ઇન્ડિયા’ નામ સામે વાંધો ઉઠાવ્યો હતો. દલીલ એવી હતી કે આ નામ અંગ્રેજ શાસનની યાદ અપાવતું રહેશે, જેથી ભારત જ અપનાવવામાં આવે. હરિ વિષ્ણુ કામતે એવું સૂચન કર્યુ હતું કે, દેશનું નામ ભારત રાખવામાં આવે અને સાથે લખવામાં આવે કે, અંગ્રેજી ભાષામાં તેને ઇન્ડિયા કહેવાશે. શેઠ ગોવિંદ દાસે આવું લખવા માટે સૂચન કર્યું હતું- ‘ભારત, વિદેશોમાં ઇન્ડિયા તરીકે ઓળખાતો પ્રદેશ રાજ્યોનો એક સંઘ છે.’ હરગોવિંદ પંતે દેશનું નામ ‘ભારતવર્ષ’ રાખવા પર ભાર આપ્યો હતો. તેમની દલીલ હતી કે, ઇન્ડિયા નામ વિદેશીઓએ આપ્યું છે અને તેને અપનાવવું ન જોઈએ. 

    જોકે, આમાંનો કોઇ પ્રસ્તાવ સ્વીકારવામાં ન આવ્યો અને આખરે બંધારણ સભાની મંજૂરીથી બે નામો અસ્તિત્વમાં આવ્યાં. ઇન્ડિયા અને ભારત. હવે જોવાનું એ રહે છે કે શું વિશેષ સંસદ સત્રમાં દેશના નામ વિશે કોઇ નિર્ણય લેવાય છે કે નહીં. પરંતુ જો કોઈ નિર્ણય ન લેવાય તો પણ દેશનું નામ ઇન્ડિયાની જગ્યાએ ભારત કહેવામાં દેશના સંવિધાન પ્રમાણે કોઇ વાંધો ના હોવો જોઈએ, કે ના તેનાથી ઇતિહાસ સાથે કોઇ છેડછાડ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં