Monday, May 6, 2024
More
    હોમપેજદેશદેશનું નામ ઇન્ડિયાથી બદલાઈને થઈ શકે છે 'ભારત'- અહેવાલોમાં દાવો: સંસદના વિશેષસત્રને...

    દેશનું નામ ઇન્ડિયાથી બદલાઈને થઈ શકે છે ‘ભારત’- અહેવાલોમાં દાવો: સંસદના વિશેષસત્રને લઈને અટકળો, હિમંતા બિસ્વાએ ટ્વીટ કરીને ‘અમૃત કાળ તરફની કૂચ’ ગણાવી

    G20 સમિટ 2023 ડિનર ઇન્વાઇટનો એક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ફરતો થયો છે જેમાં આ આમંત્રણ ઇન્ડિયાના રાષ્ટ્રપતિ દ્વારા નહીં પરંતુ 'ભારતના રાષ્ટ્રપતિ' દ્વારા આપવામાં આવ્યું છે. એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ઇન્ડિયાને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આનાથી રાષ્ટ્રના નામ બદલવા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે.

    - Advertisement -

    જ્યારથી સંસદના વિશેષ સત્ર બાબતે જાહેરાત થઈ છે, ત્યારથી જુદી જુદી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વિશેષ સત્ર કેમ આયોજિત કરવામાં આવ્યું હશે. ક્યારેક લોકો ‘એક દેશ, એક ઈલેક્શન’ બાબતે અટકળો લગાવે છે, તો હવે દેશનું નામ બદલવાની અટકળો પણ લાગી રહી છે. સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે આપણા દેશનું નામ ‘ઇન્ડિયા’ માંથી બદલીને ‘ભારત’ કરવામાં આવનાર છે.

    ટાઈમ્સ નાઉના અહેવાલ બાદ આ સમગ્ર ચર્ચાએ જોર પકડ્યું છે. મીડિયા ચેનલે પોતાના X એકાઉન્ટ પોસ્ટ કરીને પોતાના સૂત્રોને ટાંકીને લખ્યું છે કે, “ઇન્ડિયાનું નામ બદલીને ‘ભારત’ રાખવામાં આવે તેવી શક્યતા છે.”

    આ સમગ્ર ચર્ચાને વધુ જોર ત્યારે મળ્યું જ્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ પોતાની X પ્રોફાઈલ પર આ બાબતે પોસ્ટ કરી. જેમાં તેઓએ લખ્યું છે કે, “પ્રજાસત્તાક ભારત (REPUBLIC OF BHARAT) – આનંદ અને ગર્વ છે કે આપણી સભ્યતા અમૃત કાલ તરફ હિંમતભેર આગળ વધી રહી છે.”

    - Advertisement -

    બસ આટલેથી સોશિયલ મીડિયામાં જુદા જુદા પ્રકારના તર્કવિતર્ક શરૂ થઈ ચૂક્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે સંસદનું વિશેષ સત્ર બોલાવવાનું મુખ્ય કારણ આ જ હોઈ શકે છે. આમ પણ જ્યારથી વિશેષ સત્રની જાહેરાત થઈ છે ત્યારથી ઘણા લોકો માની રહ્યા છે કે આ સત્રમાં કાંઇક તો નવાજૂની થવાની જ છે.

    આમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’

    G20 સમિટ 2023 ડિનર ઇન્વાઇટનો એક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ફરતો થયો છે જેમાં આ આમંત્રણ ઇન્ડિયાના રાષ્ટ્રપતિ દ્વારા નહીં પરંતુ ‘ભારતના રાષ્ટ્રપતિ’ દ્વારા આપવામાં આવ્યું છે. એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ઇન્ડિયાને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આનાથી રાષ્ટ્રના નામ બદલવા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે.

    ફોટો: India.com

    અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રથમ વખત કોઈ સત્તાવાર કાર્યક્રમ માટે ઇન્ડિયાનું નામ બદલવામાં આવ્યું છે. G20 સમિટ 2023 ડિનર ઇન્વાઇટનો ફોટો પત્રકાર રાજદીપ સરદેસાઇ સહિત ઘણા લોકોએ શેર કર્યો છે.

    18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે સંસદનું વિશેષ સત્ર

    ગત અઠવાડિયે સૌના આશ્ચર્ય વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સંસદના વિશેષ સત્ર બાબતે જાહેરાત કરી હતી. તેમણે X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને આ દરમિયાન કુલ 5 બેઠકો થશે.” સાથે તેમણે ઉમેર્યું હતું કે, “આ 17મી લોકસભાનું 13મુ અને રાજ્યસભાનું 261મુ સત્ર હશે.”

    નોંધનીય છે કે રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી, જેથી તેનાં સત્રોની સંખ્યા વધુ છે. લોકસભા દર પાંચ વર્ષે ભંગ થાય છે. સાથે કેન્દ્રીય મંત્રીએ લખ્યું કે, “અમૃતકાળ વચ્ચે સંસદમાં ફળદાયી ચર્ચાઓ કરવામાં આવશે.”

    જોકે, ત્યારે એ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી કે આ સંસદના વિશેષ સત્રનો એજન્ડા શું હશે. અચાનક આ ઘોષણાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ ગઈ હતી. સરકાર કોઈ મહત્વના વિષય પર ચર્ચા કરશે કે અગત્યનાં બિલ રજૂ કરશે એ પણ હજુ સુધી નક્કી નથી. એ પણ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ નવું સત્ર નવા ભવનમાં યોજાશે કે જૂના ભવનમાં. પરંતુ હવે લોકો આ સત્રને ‘એક દેશ, એક ઈલેક્શન‘ અને દેશનું નામ ઇન્ડિયામાંથી ભારત કરવા સાથે જોડીને જોઈ રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં