Sunday, September 8, 2024
More
    હોમપેજસ્પેશ્યલ23 જુલાઈ, 1906નો દિવસ અને ભારતભૂમિ પર થયો એક એવા વિરલાનો જન્મ,...

    23 જુલાઈ, 1906નો દિવસ અને ભારતભૂમિ પર થયો એક એવા વિરલાનો જન્મ, જેણે હચમચાવી નાખ્યા અંગ્રેજ સરકારના મુળિયા: વાંચો છેલ્લા શ્વાસ સુધી જે આઝાદ રહ્યા તે ચન્દ્રશેખર આઝાદ વિશે

    આઝાદ સમજી ચૂક્યા હતા કે ક્રાંતિ હવે બલિદાન માંગી રહી છે. પણ તેઓ તેમના નામ મુજબ આઝાદ જીવ્યા અને તેમને મોત પણ આઝાદ જ જોઈતી હતી.

    - Advertisement -

    વાત છે પરાધીન ભારતની, 1947માં સ્વત્રંત્રતા પહેલાંના કેટલાક દશકાઓની. સંપૂર્ણ સ્વરાજની માંગ સાથેના ચાલેલા સંગ્રામમાં (MK ગાંધીના ‘અહિંસક’ આંદોલન સિવાયના) રણબંકાઓની છાતીમાં અગનજ્વાળાઓ ભભૂકવા લાગી હતી. આ અગન અને ઇન્કલાબના ભેખનો ભૂરીયાઓને તાપ લાગવા લાગ્યો હતો. માતૃભૂમિ પર ન્યોછાવર થવા, લીલા માથાના તોરણીયા બાંધવા લબરમૂછિયા જુવાનડાઓ થનગની રહ્યા હતા. લાલ ત્રાંબા જેવી આંખોમાં દેશને ગુલામીની બેડીઓમાંથી છોડાવવાના સપના અને મનમાં મરવા કાં મારવાના અભરખા ઉભરા મારવા લાગ્યા હતા.

    સમયના તે બાગમાં એવા અસંખ્ય ફૂલડાં ખીલ્યા, કે જેણે પોતાની જાતને સામે ચાલીને મા ભારતીના ચરણોમાં ચઢાવી દીધી. આજે એવા જ એક ક્રાંતિકારીની વાત અહીં કરી રહ્યા છીએ, કે જેણે દેશને સ્વતંત્ર કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. મા ભારતીનો એક એવો વિરલો, કે જેણે જીવતે-જીવ તો અંગ્રેજોને હંફાવ્યા, પણ તેમના જાજરમાન મોતથી જાણે હિંદની આઝાદીના પવિત્ર હવનમાં ઘી હોમાયું અને તેની જ્વાળાઓમાં અંગ્રેજોનું આખે-આખું શાસન સ્વાહા થઈ ગયું.

    23 જુલાઈ, 1906નો દિવસ, ભારત ભૂમિ પર વિરલાનો જન્મ

    23 જુલાઈ, 1906ના દિવસે મધ્યપ્રદેશના ભાબરા ગામમાં વસતા અને મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બદરકા ગામના પંડિત સીતારામ તિવારી અને જગદાની દેવીના ઘરે દૂધ જેવા દીકરાનો જન્મ થાય છે. બ્રાહ્મણ પરિવારને નહોતી ખબર કે જેને આજે તેઓ ઘોડિયામાં કાલાવાલા કરી રહ્યા છે, તે અંગ્રેજોનો કાળ છે. દીકરાનું નામ રાખવામાં આવ્યું ચંદ્રશેખર તિવારી. સાહસ, સ્વાભિમાન, વચનબદ્ધતા જેવા ગુણ ધરાવતા પંડિત સીતારામની છત્રછાયામાં ચંદ્રશેખરનો ઉછેર થઈ રહ્યો હતો. પોતાના બાપના ગુણ ઉપરાંત જિદ્દી અને વિદ્રોહી સ્વભાવ તેમને જાણે નફામાં મળ્યા હતા.

    - Advertisement -

    ચન્દ્રશેખરનું આખું બાળપણ આદિવાસી વિસ્તારમાં વીત્યું. પરિણામ સ્વરૂપ તેમને ધનુષ ચલાવવાનો અને નિશાનેબાજીનો શોખ લાગી ગયો. ભણવામાં ધીમા પણ રમત-ગમત અને અન્ય ગતિવિધિઓમાં ચિત્તા જેવા ચન્દ્રશેખરને મોકો મળતા જ નિશાનેબાજી કરવા ઉપડી જતા. ધીરે-ધીરે બાળપણ વીતવા લાગ્યું અને 14 વર્ષના કિશોર બ્રાહ્મણ ચંદ્રશેખરને બનારસ સંસ્કૃત પાઠશાળામાં મોકલી દેવામાં આવ્યા.

    15 વર્ષની ઉમરમાં જ દેખાડી દીધા હતા તેવર..

    ચંદ્રશેખર સંસ્કૃતના પાઠ ભણી રહ્યા હતા, તે દરમિયાન જ પંજાબમાં જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થયો. આ નરસંહારે નાનકડા કિશોરના મનને ધમરોળી નાંખ્યું. ચન્દ્રશેખર અંદર સુધી હચમચી ગયા. તેમનું લોહી ઉકાળા લેવા લાગ્યું અને તેમણે નક્કી કર્યું કે તેઓ આનો બદલો લેશે. તે મોહનદાસ ગાંધીના સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા. વર્ષ 1921માં માત્ર 15 વર્ષની ઉમરમાં તેમની ધરપકડ કરવામાં આવી. અંગ્રેજ સરકારની પોલીસે તેમને જજ સામે રજૂ કર્યા. દેશને જેમની ગુલામીમાંથી છોડાવવાનું સપનું તેઓ જોઈ રહ્યા હતા, તે અંગ્રેજોની સામે તે દિવસે તેમનો અસલ મિજાજ જોવા મળ્યો અને દેશને એક નવો વિરલો મળ્યો.

    15 વર્ષના ચંદ્રશેખર તીવારીને જ્યારે જજ સામે રજૂ કરવામાં આવ્યા, ત્યારે પૂછપરછમાં તેમના જવાબોએ હાજર સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. એક 15 વર્ષના બાળકના સાહસને જોઈ બધા સમજી ગયા હતા કે ભારતના સ્વતંત્ર સંગ્રામમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. જજે જયારે તેમને પૂછ્યું કે તારું નામ શું? તેમનો જવાબ હતો ‘આઝાદ’ બાપનું નામ? જવાબ મળ્યો ‘સ્વતંત્રતા’ અને સરનામું? ‘જેલ…’ મા ભરતીના લાડકવાયાના આ તેવર જોઈ જજને વાઢો તો લોહી ન નીકળે તેવી સ્થિતિમાં મૂકી દીધો. સરળ અને આધુનિક ભાષામાં કહીએ તો જજનો ‘ઈગો હર્ટ’ થઈ ગયો. બાળક ‘આઝાદ’ને 15 કોરડા મારવાની સજા ફટકારવામાં આવી, પણ હરામ જો તેનું રૂંવાડુંય ફરક્યું હોય.

    એક એક કોરડે ભારત માતાના નામ સાથે જન્મ થયો ચન્દ્રશેખર આઝાદનો

    અંગ્રેજ સરકારના જજે આપેલા ફરમાન અનુસાર ચન્દ્રશેખર આઝાદને સજા આપવા હાજર કરવામાં આવ્યા. એક…બે…ત્રણ… એમ એક પછી એક કોરડા ફૂલ જેવા કુમળા શરીર પર પડતા ગયા, ને આઝાદને શૂરાતન ઉપડ્યું. દરેક કોરડે ‘ભારત માતા કી…જય’ના નારા લગાવતો એ બાળ આઝાદ મા ભારતીને કેટલો રૂડો લાગતો હશે તેની કલ્પના પણ ન થઇ શકે. આ અદમ્ય વીરતા જોઈ જાણે અંગ્રેજોનેય મોજ આવી હોય તેમ સજા ભોગવવાના બદલામાં તેમને ત્રણ આના આપવામાં આવ્યા. આ ત્રણ આના તે જેલરના મોઢા પર મારીને આવ્યા અને જન્મ થયો ચન્દ્રશેખર આઝાદનો. આજે પણ દુનિયા આખી તેમને એ જ નામથી ઓળખે છે. અને આ નામ સામે આવતા જ મૂછોને વળ દેતા એક ડાલામથ્થા ક્રાંતિકારીનો ચહેરો યાદ આવી જાય.

    MK ગાંધી અને કોંગ્રેસ પ્રત્યે આઝાદનો મોહભંગ

    આ ઘટના બાદ આઝાદ સમજી ચૂક્યા હતા કે અહિંસાની શરણાઈ વગાડીને તો સ્વતંત્રતા સમજો મળવાથી રહી. તેમ છતાં કચવાતા મને તેઓ MK ગાંધીના અહિંસક આંદોલનની ગતિવિધિઓ સાથે જોડાયેલા રહ્યા. તેવામાં ચૌરી-ચૌરા કાંડ થયો. આંદોલન સાથે જોડાયેલી કેટલીક ટુકડીઓ પર અંગ્રેજોએ ગોળીબાર કર્યો અને 10 આંદોલનકારીઓના મોત થયા. ઘટનાથી પીડિત ભારતીયોએ ગોરખપુર નજીકની એક પોલીસ ચોકીને આગ લગાવી દીધી. આંદોલન ટુકડીના લોકોને મોતને ઘાટ ઉતારનાર અંગ્રેજ પોલીસના 22 કર્મચારીઓ ભડકે બળ્યાં. ભારતીયોની મોત સમયે મૌન MK ગાંધીને આ ઘટનાની લાગી આવ્યું અને તેમણે અસહયોગ આંદોલન પાછુ ખેંચી લીધું. પરિણામે થયું એવું કે ચન્દ્રશેખર આઝાદનો ગાંધી અને કોંગ્રેસ પ્રત્યેનો મોહ ભંગ થયો અને તેમણે પોતાનો અલગ માર્ગ પકડ્યો. માત્ર આઝાદ જ નહીં, અન્ય અનેક ક્રાંતિકારીઓને ગાંધીના નિર્ણયથી ધક્કો લાગ્યો અને તેમણે તેમના ‘સિલેક્ટીવ સિદ્ધાંતો’ને રામ-રામ કહી દીધા.

    તે સમયે બનારસને ક્રાંતિકારીઓનો ગઢ માનવામાં આવતો. પંડિત આઝાદ પણ ફરી ત્યાં આવી પહોંચ્યા અને અન્ય મહાન ક્રાંતિકારીઓ કે જેઓ તે સમયે અંગ્રેજોને પોતાની વીરતાથી હંફાવી રહ્યા હતા, તેમની સાથે જોડાઈ ગયા. ‘હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ’ સાથે જોડાયા બાદ આઝાદનું જીવન જ જાણે બદલાઈ ગયું. દેશ માટે કશુક કરી છુટવાના તરવરાટને વેગ મળતો ગયો અને આઝાદ આગળ વધતા ગયા. આ દરમિયાન સેનાનીઓએ તે સમયનું સહુથી પ્રખ્યાત પેમ્ફલેટ ‘ધ રિવોલ્યુશનરી’શરૂ કર્યું. પણ આઝાદ અહીં જ નહોતા અટકવાના, સમયનું ચક્ર તેમને એવી ઘટના તરફ લઈ જઈ રહ્યું હતું કે જે દેશની ક્રાંતિના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં ટંકાઈ જવાની હતી.

    કાકોરી કાંડ અને સ્વતંત્રતા સંગ્રામનો નવો અધ્યાય

    વાત હતી કાકોરી કાંડની અને લગભગ બધાને તેના વિશે ખબર જ હશે. 9 ઓગસ્ટ, 1925ના રોજ કાકોરી સ્ટેશનથી ટ્રેન ઉપડી. લખનૌ પહેલાં-પહેલાં જ ટ્રેનમાં બેઠેલા ત્રણ જુવાનડાઓએ ટ્રેન રોકી અને તેમના અન્ય સાથીઓએ બોગીમાં ભરેલા અંગ્રેજોના ખજાનાને લૂંટી લીધો. અંગ્રેજો માટે આ હિમાલય જેવડો પડકાર હતો. જાણે અંગ્રેજોના ખજાના સાથે-સાથે ક્રાંતિકારીઓ તેમની આબરૂ પણ લૂંટતા ગયા. એક મહિનામાં લગભગ 40 ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં સ્વરણ સિંઘ,રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, રાજેન્દ્ર લહેરી, દુર્ગા ભગવતી ચંદ્રા, વોહરા, રોશન સિંઘ, સચિન્દ્ર બક્ષી, વિષ્ણુ શરણ ડબલિશ, કેશવ ચક્રવર્તી, બનવારી લાલ, મુકુંદી લાલ, શચિન્દ્રનાથ સાન્યાલ, મનમથનાથ ગુપ્તા, અને આપણા ચંદ્રશેખર આઝાદ સામેલ હતા.

    આમાંથી 29 ક્રાંતિકારીઓ સિવાય બાકીના તમામને મુક્ત કરવામાં આવ્યા હતા. અંગ્રેજોની સ્પેશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 29 ક્રાંતિકારીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને 6 એપ્રિલ 1927ના રોજ અંતિમ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ ચુકાદામાં મા ભારતીના વીર સપૂત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, રાજેન્દ્ર લાહિરી, ઠાકુર રોશન સિંઘને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ભારત માતાના દીકરાઓને ફાંસીના માંચડે જોઈ ક્રાંતિકારીઓમાં પ્રતિશોધના ઉભરા આવવા લાગ્યા. ચન્દ્રશેખર આઝાદ પણ વ્યાકુળ હતા, પરંતુ અન્ય ક્રાંતિકારીઓની જેમ તેઓ પણ એક મોકાની રાહમાં હતા. કદાચ એટલે જ વીર ભગત સિંઘે લખ્યું હતું કે, “લિખ રહા હું મે અંજામ જીસકા કલ આગાઝ આયેગા, મેરે લહુ કા હર કતરા ઇંકલાબ લાયેગા.” અને ફરી શરૂઆત થાય છે ક્રાંતિના એક નવા અધ્યાયની.

    આઝાદ દિલ્હી પહોંચ્યા અને ઉગ્યો ક્રાંતિનો સુરજ

    ઘટના બાદ વેરવિખેર થયેલા ક્રાંતિકારીઓને આઝાદે ફરી એક માળામાં પરોવવાનું શરૂ કર્યું. આ સમયે તો આઝાદ અંગ્રેજ સરકાર માટે એક એવું વાવાઝોડું બની ગયા હતા કે તેમને તેનો કોઈ અંત નહોતો દેખાઈ રહ્યો. ઉપરથી શાંત લાગી રહેલી સ્વતંત્રતા સંગ્રામની આગના પેટાળમાં એક વિસ્ફોટ તૈયાર થઈ રહ્યો હતો અને આઝાદ તે સમયે જાણે તેના ધુમાડાનું બાચકુ હતા, કે જેને પકડવા અંગ્રેજોના ગજા બહારની વાત હતી. અંગ્રેજોને શોધતા મુકીને આઝાદ દિલ્હી પહોંચી ગયા હતા. દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે બાકી બચેલા ક્રાંતિકારીઓની ગુપ્ત સભાનું આયોજન થયું. અહીં આઝાદ અને ભગત સિંઘ સહિતના તમામ ક્રાંતિકારીઓ હાજર હતા. આઝાદ આ સભામાં સુરજ બનીને તપી રહ્યા હતા અને હાજર એક-એક ક્રાંતિકારીમાં નવું જોમ ભરી રહ્યા હતા. સર્વાનુમતે ‘હિંદુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન’નું ગઠન થયું અને ચન્દ્રશેખર આઝાદને તેના કમાન્ડર-ઇન-ચીફ બનાવવામાં આવ્યા.

    સાંડર્સની હત્યા, એસેમ્બલીમાં બ્લાસ્ટ, ભગત સિંઘને ફાંસી…

    હિંદુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશને ક્રાંતિકારી ચળવળમાં હરણફાળ ગતિ પકડી લીધી. આઝાદના નેતૃત્વમાં અનેક એવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યા કે અંગ્રેજી હુકુમતના પાયા હચમચી ગયા. અંગ્રેજોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. આઝાદ સહિતના ક્રાંતિકારીઓ ઇન્કલાબનો ભેખ પહેરીને અંગ્રેજોને ધૂળ ચટાડી રહ્યા હતા. તમામને લાગવા લાગ્યું હતું કે દિલ્હી હવે દૂર નથી, દેશ ગુલામીની બેડીઓમાંથી આઝાદ થવા જઈ રહ્યો છે. બીજી તરફ MK ગાંધી ક્રાંતિકારીઓથી નાખુશ હતા. તેઓ તેમને હિંસક માનીને પોતાને તેમનાથી અલગ કરી રહ્યા હતા અને તમામ ક્રાંતિકારીઓને તે સ્પષ્ટ દેખાઈ પણ રહ્યું હતું. ઠીક છે, કે તેમની પાસે કોંગ્રસની કમાન હતી અને તેમના અનુયાયીઓ માટે તેમનું કદ સતત વધી રહ્યું હતું. પણ બીજી તરફ માથે કફન બાંધીને નીકળેલા જૂવાનડાઓ પણ સતત પોતાની હાજરી પુરાવી રહ્યા હતા.

    વર્ષ 1928માં સાયમન કમીશન આવ્યું અને આંદોલનોએ વેગ પકડ્યા. દરમિયાન લાલા લજપતરાયનું અંગ્રેજોની લાઠીથી મોત થયું. ક્રાંતિકારીઓનું લોહી ઉકળી ઉઠ્યું અને ભગત સિંઘ, સુખદેવ અને રાજગુરુએ તેનો પ્રતિશોધ લેવાનું નક્કી કર્યું. બદલાની આગમાં બળી રહેલા જુવાનીયાઓએ 17 ડિસેમ્બર 1928ના રોજ લાહોર જેલના અધીક્ષક જેપી સાંડર્સને ઠાર માર્યો. ફરી અંગ્રેજોના ખેમામાં ખળભળાટ મચી ગયો. બાદમાં તમામ પરત આઝાદ પાસે આવી ગયા. પરિસ્થિતિ પામી ગયેલા આઝાદ સમજી ગયા હતા કે ક્રાંતિએ જોઈતો વેગ પકડી લીધો છે. દરમિયાન આયરિશ ક્રાંતિથી પ્રભાવિત ભગત સિંઘે દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ ફોડવાનું નક્કી કર્યું. આઝાદે તેમને સહયોગ આપ્યો અને દિલ્હીની એસેમ્બલી ધ્રુજી ઉઠી.

    સેંકડો અંગ્રેજો પર એકલા ભારે પડ્યા, છેલ્લા શ્વાસ સુધી આઝાદ રહ્યા

    આઝાદ વિચારી રહ્યા હતા કે બ્લાસ્ટ બાદ ફરી અન્ડરગ્રાઉન્ડ થઈ જઈશું, પરંતુ ભગત સિંઘના મનમાં કઈક અલગજ ચાલી રહ્યું હતું. તેઓ સુખદેવ અને રાજગુરુ સાથે અંગ્રેજોના હાથે ઝડપાઈ ગયા. અંતે તે જ થયું જેનો આઝાદને ડર હતો. અંગ્રેજોએ 23-24 વર્ષનાં આ ત્રણેય જવાનને ફાંસીની સજા ફટકારી. આઝાદ વિચલિત થઈ ઉઠ્યા. તેમણે અનેક પ્રયાસ કર્યા કે ફાંસી ન આપવામાં આવે. તેઓ આ સજાને ઘટાડવા કે ઉમરકેદમાં તબદીલ કરાવવા માટે અલ્હાબાદ પહોંચી ગયા. અંગ્રેજોને આ વાતની ગંધ આવી ગઈ કે આઝાદ અલ્હાબાદમાં અલ્ફ્રેડ પાર્કમાં (આજનો ચન્દ્રશેખર આઝાદ પાર્ક) છૂપાયેલા છે. કહેવામાં તેવું પણ આવે છે કે એક મોટા ‘નેતા’એ અંગ્રેજોને આં બાતમી આપી હતી કે આઝાદ ક્યાં છે. હજારો અંગ્રેજ સૈનિકોએ પાર્કને ઘેરી લીધો. બીજી તરફ આઝાદ સમજી ચૂક્યા હતા કે ક્રાંતિ હવે બલિદાન માંગી રહી છે. પણ તેઓ તેમના નામ મુજબ આઝાદ જીવ્યા અને તેમને મોત પણ આઝાદ જ જોઈતી હતી.

    ચારો તરફથી ઘેરાયેલા એકલવીર આઝાદ પર અંગ્રેજોએ ધાણીફૂટ ગોળીબાર કર્યો. તેમણે પાર્કના એક ઝાડની ઓથ લઈને પણ પોતાની પિસ્તોલ સાબદી કરી. મર્યાદિત રાઉન્ડ કારતુસ સાથે મરદ ક્રાંતિકારીએ યુદ્ધ શરૂ કર્યું. સેંકડો રાઉન્ડ ફાયર કરનાર અંગ્રેજોને આઝાદે એકલાહાથે 20 મિનીટ સુધી હંફાવ્યા. હજારો ગોળીઓ આઝાદ તરફ છોડવામાં આવી. તેઓ ઘાયલ થયા, પણ અંગ્રેજોની ગોળીએથી મરે તો તે આઝાદ નહીં. 20 મિનીટ બાદ મેગઝીનમાં માત્ર એક જ ગોળી વધી અને આઝાદે પોતાનો સંકલ્પ યાદ કર્યો. તેઓ તેમના નામ મુજબ આઝાદ જીવ્યા અને તેમને મોત પણ આઝાદ જ જોઈતી હતી. પોતાની આસપાસની માટીની મુઠ્ઠી ભરી તેમણે તેનું ચુંબન લીધું, કપાળે લગાવી. છેલ્લી વાર ભારત માતાને નમન કરીને પોતાની પિસ્તોલથી જ તેઓ વીરગતિને વરી ગયા. આઝાદ જીવ્યા પણ આઝાદ અને મોત પણ આઝાદ રાખ્યું. તેઓ અંતિમ શ્વાસ સુધી અંગ્રેજોના હાથમાં ન આવ્યા.

    આઝાદના બલિદાને દેશમાં ક્રાંતિના નવા સુરજને ઉગાડ્યો

    27 ફેબ્રુઆરી 1931નો એ દિવસ, ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયો. અંગ્રેજોએ આઝાદના પાર્થિવ દેહને જપ્ત કરી છાનામાના તેમનો અંતિમ સંસ્કાર કરી દીધો. અંગ્રેજો જાણી ચૂક્યા હતા કે આઝાદનું બલિદાને તેમની સત્તાને ભારતમાંથી ઉખાડી ફેંકવાનું કામ કરી દીધું છે. થયું પણ એવું જ, જેવી લોકોને આઝાદના વીરગતિને પામવાની ખબર પડી. દેશમાં શોકનું મોજું ફરી વળ્યું. બીજી તરફ ભગત સિંઘ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજોએ 24મી માર્ચે ફાંસી આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ આઝાદના બલિદાન બાદ ફફડી ગયેલા અંગ્રેજોએ એક દિવસ પહેલાં જ, એટલે કે 23 માર્ચના દિવસે જ ફાંસી આપી દીધી. આઝાદની જેમ તેમના પણ પાર્થિવ દેહોના બરોબર અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા.

    ટૂંકા ગાળામાં જ ભારતના આ ચાર સપૂતોના બલિદાનોએ દેશમાં ક્રાંતિની એવી જ્વાળા લગાવી કે અંગ્રેજોનું શાસન બળીને ભસ્મ થઈ ગયું. આજે સ્વતંત્રતાના આટલા વર્ષો બાદ પણ જયારે આઝાદ અને અન્ય સપૂતોની વાત નીકળે, અને મનમાં માન, છાતીમાં ગર્વનો અહેસાસ અને આંખોના ખૂણા ભીના ન થાય તેવું ન જ બને. આ લાગણીઓના આવેગો ત્યારે તીવ્ર બને, જયારે યાદ આવે કે આઝાદે માત્ર 24 વર્ષની ઉંમરે ભારત માતાને કાજે પ્રાણોનું બલીદાન આપ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં