Friday, November 22, 2024
More
    હોમપેજદેશઅફઘાનિસ્તાનથી છેક મલેશિયા સુધી ફેલાયેલું હતું 'અખંડ ભારત', મૌર્યયુગમાં આર્ય સંસ્કૃતિનો ગઢ...

    અફઘાનિસ્તાનથી છેક મલેશિયા સુધી ફેલાયેલું હતું ‘અખંડ ભારત’, મૌર્યયુગમાં આર્ય સંસ્કૃતિનો ગઢ હતો જમ્બુ દ્વીપ: કયા કારણોસર થયું અનેકવાર વિભાજન, જાણો ‘ભારત વિખંડન’ની કથા

    એક દિવસ પાટલિપુત્રમાં જન્મેલા એક આચાર્યે પોતાની શિખા છોડી અને તક્ષશિલામાં જન્મેલા એક પ્રતાપી રાજાએ આચાર્યની આજ્ઞા અનુસાર કાર્ય કરવાનું શરૂ કર્યું અને અહીંથી જ ટુકડાઓમાં વિભાજિત ભારતનો 'અખંડ ભારત' બનવાનો માર્ગ પ્રશસ્ત થયો.

    - Advertisement -

    ‘અખંડ ભારત’ શબ્દ સાંભળતાની સાથે જ મન, મસ્તિષ્ક અને હ્રદય પર એક ઊંડી પરંતુ ગહન ચિત્રાકૃતિ ઉપસી આવે છે. અખંડ ભારતનો ભવ્ય વારસો માનસપટ પર તરવરી આવે છે. આ એ જ ભારતભૂમિ છે, જેણે સદીઓ સુધી દુનિયાને એક કરવા માટે પોતાના અંગો કાપી-કાપીને વિશ્વ ધરોહરને અર્પણ કર્યા છે. ‘अतिथि देवो भवः’ના વિશાળ દ્રષ્ટિકોણ સાથે આખા વિશ્વમાં પ્રભુત્વ ધરાવવતો એક મહાન દેશ શરણાર્થીઓ અને આક્રાંતાઓના કારણે પોતાના શરીરનું એક-એક અંગ કાપીને ન્યોછાવર કરતો રહ્યો અને થતું રહ્યું ભારતનું વિખંડન. આજે જે ભારત નજર સમક્ષ તરી આવે છે, તે તેનો એક અંશ માત્ર છે. ફરી એકવાર ભારતમાં ‘અખંડ ભારત’ની ચર્ચાએ જન્મ લીધો છે અને ઘણા રાષ્ટ્રવાદી સંગઠનો ‘અખંડ ભારત’ના સંકલ્પ સાથે આગેકૂચ કરી રહ્યા છે. ત્યારે અખંડ ભારતની પરિકલ્પના અને તેના ખંડિત થવા પાછળના કારણોની પણ ચર્ચા કરવી જરૂરી બની રહી છે.

    14 ઑગસ્ટના રોજ ‘અખંડ ભારત સંકલ્પ દિવસ’ ઉજવવામાં આવે છે. આજે પણ ભારતના મૂળનીવાસી હિંદુઓ અખંડ ભારતના સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે. આશા છે કે, ભારતનો ભવ્ય ભૂતકાળ ફરી એકવાર પરત ફરશે અને અખંડ ભારત ફરી પોતાની શક્તિ સાથે ઊભું થશે. તેથી 14 ઑગસ્ટને અખંડ ભારત સંકલ્પ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ છે. આ એ જ દિવસ છે, જે દિવસે ભારતનું છેલ્લું અંગ કપાઈને પાકિસ્તાન બન્યું હતું. ભારતના મહાન વારસદારો આ રક્તરંજિત વિખંડનને ક્યારેય ભૂલે નહીં, તે માટે અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવવો જરૂરી છે. સતત યાદ રાખવું જરૂરી છે કે, ભારત એક વિશાળ અને મહાકાય રાષ્ટ્ર હતું.

    ભારતનો પ્રાચીનકાળનો નકશો જોવામાં આવે તો તે એક ગર્જના કરતાં સિંહ જેવો દેખાય છે. જેને આપણે ‘અખંડ ભારત’નું માનચિત્ર કહીએ છીએ. પ્રાચીન ભારત 16 જનપદોમાં વહેંચાયેલું હતું. આજે તો સૌ કોઈ જાણે છે કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતનો જ એક ભાગ હતા. પરંતુ તે જાણવાની કોઈ તસ્દી નથી લેતું કે, લગભગ 20 જેટલા દેશો અને વિસ્તારો ભારતથી અલગ થયા હતા. 2500 વર્ષ પહેલાં ભારત અખંડ હતું. પરંતુ, આરબ, તુર્ક, મુઘલ, શાક્ય, કુશાણ, ડચ, પોર્ટુગીઝ, ફ્રાંસ અને અંગ્રેજોએ મળીને ભારતના અનેક ટુકડા કરી નાખ્યા હતા. આજે તે જાણીશું કે, અખંડ ભારતની અવધારણા શું છે અને એક સમયે આટલા બધા દેશોને પોતાનામાં સમાહિત કરતું અખંડ ભારત શા માટે આટલા ટુકડાઓમાં વહેંચાય ગયું.

    - Advertisement -

    શું છે અખંડ ભારત?

    અખંડ ભારતનો સામાન્ય અર્થ છે અવિભાજિત ભારત. જેનો ભૌગોલિક વિસ્તાર પ્રાચીનકાળમાં ઘણો વિસ્તૃત હતો. તેમાં વર્તમાન નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા, ઈરાન વેગરે દેશોનો સમાવેશ થતો હતો. અખંડ ભારતનો વિચાર સનાતન ભારતીય સભ્યતા જેટલો જ પ્રાચીન છે, કારણ કે તેને પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં વિધિવત સ્થાન મળ્યું છે. ઇસા પૂર્વે ત્રીજી સદીમાં વર્તમાન અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આધુનિક ભારત, નેપાળ, બર્મા (હાલનુ મ્યાનમાર), તિબેટ, ભૂટાન અને બાંગ્લાદેશ જેવા રાષ્ટ્રોને ભારતીય ઉપમહાદ્વીપમાં સ્થાન મળ્યું હતું. બાદમાં ઘણા સ્વતંત્ર રાજ્યોમાં તે વિસ્તારો વિભાજિત પણ થયા હતા. ઋષિ-મુનિઓના આશ્રમોમાં ઉછરેલા અને મહાપુરુષોની આંગળી પકડીને ચાલતા અખંડ ભારતની ગાથા પોતાનામાં જ ખૂબ રસપ્રદ રહી છે.

    ઇતિહાસનું પહેલું પાનું અખંડ ભારતમાં લખાયું હતું, જ્યારે મનુષ્યો દિવસને સમય અને તારીખમાં વહેંચતા પણ નહોતા શીખ્યા, ત્યારે ભારતમાં વૈદિક પંચાંગની સટીક ગણતરીઓ થતી હતી. નકશામાં આજે જોઈએ છીએ, હંમેશાથી ભારત એવું નહોતું. તે ઘણા રાજ્યોમાં વિભાજિત થયેલું હતું, તે જનપદ અને મહાજનપદમાં વહેંચાયેલું હતું. પછી એક દિવસ પાટલિપુત્રમાં જન્મેલા એક આચાર્યે પોતાની શિખા છોડી અને તક્ષશિલામાં જન્મેલા એક પ્રતાપી રાજાએ આચાર્યની આજ્ઞા અનુસાર કાર્ય કરવાનું શરૂ કર્યું અને અહીંથી જ ટુકડાઓમાં વિભાજિત ભારતનો ‘અખંડ ભારત’ બનવાનો માર્ગ પ્રશસ્ત થયો. ખંડ-ખંડમાં વિભાજિત થયેલું ભારત એક ભગવાધ્વજ હેઠળ એકત્રિત થયું હતું. આજની સ્થિતિ જોતાં કહી શકાય કે, આચાર્ય ચાણક્ય અને સમ્રાટ ચંદ્રગુપ્તે બિહારથી બલૂચિસ્તાન અને કાશ્મીરથી કંધાર સુધી ભારતની સરહદોને ફેલાવી હતી.

    સમ્રાટ અશોકે તો આ સીમાઓને છેક તક્ષશિલાથી ઈરાન સુધી ખેંચી લીધી હતી. ભૌગોલિક અને આધ્યાત્મિક બંને રીતે આ આખો વિસ્તાર દુનિયાને આશ્ચર્યમાં મૂકી રહ્યો હતો. એક તરફ તલવારના મહાયુદ્ધનો નાદ ચાલી રહ્યો હતો તો બીજી તરફ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીની વાણી લોકોને લોભાવી રહી હતી. આ એક જ ભૂમિ પર ‘અહિંસા’ અને ધર્મ-રાષ્ટ્રની રક્ષા માટે ‘હિંસા’ થઈ રહી હતી. તેમ છતાં ભારતે આજદિન સુધીના ઇતિહાસમાં કોઈપણ દેશ કે સભ્યતા પર પહેલાં આક્રમણ નથી કર્યું. તે જ મહાનતા રહી છે પ્રાચીન અને આધુનિક ભારતની.

    અવિભાજિત ભારત કઈ રીતે થયું વિભાજિત?

    અખંડ ભારત અને વિશ્વ માનચિત્રની સૌથી પહેલી પરિભાષા આપણને મહાભારતમાં મળે છે. ભીષ્મપર્વમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને વિશ્વના માનચિત્રથી અવગત કરાવે છે અને તે તમામ ભૂમિને આર્યભૂમિ ગણાવે છે. “सुदर्शनं प्रवक्ष्यामि द्वीपं तु कुरुन्नन्दन। परिमंडलो द्वीप महाराजोऽसौ चक्रसंस्थितः॥ यथा हि पुरुषः पश्येदादर्शे मुखमात्मनः। एवं सुदर्शनद्वीपो दृश्यते चन्द्रमण्डले॥ द्विरांशे पिप्पलस्तत्र द्विरांशे च शशो महान्”।। – (वेदव्यास, भीष्म पर्व, महाभार) ઉપરોક્ત શ્લોક મહાભારતના ભીષ્મપર્વમાં નોંધાયેલો છે. જેનો અર્થ થાય છે. “ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, હે કુરુનંદન, સુદર્શન નામન આ દ્વીપ ચક્રની જેમ ગોળાકાર સ્થિત છે, જેવી રીતે પુરુષ દર્પણમાં પોતાનું મુખ જુએ છે, તેવી જ રીતે આ દ્વીપ ચંદ્રમંડળથી જોઈ શકાય છે. તેના બે ભાગો પીપળના પાન અને બે ભાગો સસલા તરીકે પ્રતિબિંબિત થાય છે.”

    કાગળ પર પીપળાના બે પાન અને બે સસલાનું ચિત્રણ કરીને તેને ઊંધું કરીને જોવાથી આખી પૃથ્વીનો નકશો બની જાય છે. આ શ્લોક આજથી 5000 વર્ષ પહેલાં લખાયો હતો. તેનો અર્થ એ થયો કે, તે સમયે કોઈ વ્યક્તિએ ચંદ્ર પર જઈને પૃથ્વીનું અવલોકન કર્યું હશે! તો જ તે વ્યક્તિ કહી શક્યા હશે કે, સમુદ્ર સિવાય પૃથ્વી ઉપરથી કેવી દેખાય છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણએ જમ્બુ દ્વીપનું પણ વર્ણન કર્યું છે, જેના પર એક સમયે સંપૂર્ણ હિંદુ ધર્મનું શાસન હતું. તેને જ એક સમયે ‘અખંડ ભારત’ તરીકે ઓળખવામાં આવ્યું હતું. તેવું કહેવું યોગ્ય નથી કે, પહેલાં આપણાં દેશનું નામ ‘ભારતવર્ષ’ હતું અને તે પહેલાં જમ્બુ દ્વીપ હતું. આપણે તેવું કહેવું જોઈએ કે, આજે જેનું નામ ‘ભારત’ છે, તે ભારતવર્ષનો એક નાનકડો ટુકડો માત્ર છે, જેને આપણે આર્યવ્રત કહેતા હતા તે પણ ‘ભારતવર્ષ’નો એક ટુકડો માત્ર હતો અને જેને આપણે ‘ભારતવર્ષ’ કહેતા હતા તે જમ્બુ દ્વીપનો એક ટુકડો માત્ર હતો. આ જમ્બુ દ્વીપ એટલે અખંડ ભારત. તેના વિખંડનમાં ઘણાબધા પરિબળો જવાબદાર હતા. આપણે તેમાંથી અલગ થયેલા અમુક ખાસ વિસ્તારો વિશે જ ચર્ચા કરીશું.

    અફઘાનિસ્તાન

    કંબોજ અને ગાંધાર જનપદ જ આજના અફઘાનિસ્તાન તરીકે ઓળખાય છે. તે અખંડ ભારતનું એક અંગ હતું. શરૂઆતમાં તેના પર હિંદુ શાસકોનું રાજ હતું. દુર્યોધનના મામા શકુની ગાંધારના રાજા પણ હતા. એક સમયે અહીં હિંદુઓ શાસન કરતાં હતા અને ત્યારબાદ ફારસીઓએ પણ શાસન કર્યું હતું. પરંતુ સમયાંતરે આધુનિક ભારત પર હુમલા કરવાનું સપનું લઈને આવેલા સિકંદરે આ સ્થાન પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ યૂનાની અને ફારસી રાજાઓએ ગાંધાર પર શાસન કર્યું હતું. સાતમી સદીમાં આરબના મુસ્લિમોએ અહીં હુમલાઓ શરૂ કર્યા હતા. ત્યારબાદ તે દિલ્હીના મુસ્લિમોના આધિપત્ય હેઠળ રહ્યું હતું. ત્યારબાદ તેનું સંપૂર્ણપણે વિખંડન અંગ્રેજોએ કર્યું હતું. અંગ્રેજોએ શરૂઆતમાં તેને પોતાના નેજા હેઠળ લઈ લીધું હતું.

    વર્ષ 1750 સુધી અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારો ભારતના ભાગમાં આવતા હતા. 18 ઑગસ્ટ, 1919ના દિવસે અફઘાનિસ્તાનને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. ત્યારબાદ ત્યાં અલગ મુસ્લિમ શાસન સ્થપાયું હતું. સમય જતાં ત્યાં અલગ-અલગ સત્તાઓનું શાસન રહ્યું હતું. હાલ ત્યાં તાલિબાની શાસન છે. પરંતુ ભૂતકાળમાં તે આખો દેશ અખંડ ભારતનો જ એક ભાગ હતો.

    સિંધ (પાકિસ્તાન):

    સિંધનો ભાગ અખંડ ભારતનો એક વિસ્તાર હતો. અહીં તાજેતરના સોઢા ક્ષત્રિય હિંદુ રાજાઓના શાસન હતા. સમય જતાં ઇસ્લામી આક્રાંતાઓએ આ વિસ્તારો પર હુમલા કર્યા હતા. ઇસ. 712માં ઈરાકી શાસક અલ હજ્જાહના ભત્રીજા અને જમાઈ મોહમ્મદ બિન કાસિમે 17 વર્ષની ઉંમરે અહીં ઘણા અભિયાનો ચલાવ્યા હતા. સિંધ પર ઇસ. 638થી 711 સુધીના 74 વર્ષમાં 9 ખલિફાઓએ 15 વાર મોટો હુમલો કર્યો હતો. 15માં હુમલાનું નેતૃત્વ મોહમ્મદ બિન કાસિમે કર્યું હતું. આ દરમિયાન સિંધના હિંદુ રાજા દાહિર અને તેમની રાણીઓ અને પુત્રીઓએ માતૃભૂમિ માટે વીરગતિ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ઇસ. 977માં મહમુદ ગઝનવીએ બગદાદના ખલીફાના આદેશ પર અહીં આક્રમણ કર્યું હતું. તેણે ઇસ. 1001થી 1026 સુધી 17 વાર ભારત પર આક્રમણ કર્યું હતું. જેમાં સોમનાથ મંદિર પરનું આક્રમણ ખૂબ જ ભયંકર માનવામાં આવે છે. મહમુદને શાસન મળતા જ તેણે હિંદુ રાજાઓ વિરુદ્ધ અભિયાન ઊભું કર્યું હતું.

    તેણે ઇસ. 1001માં રાજા જયપાલને હરાવ્યા હતા, ત્યારબાદ 1008માં રાજા આનંદપાલને હરાવ્યા હતા. ત્યારબાદ તે પંજાબ અને મુલ્તાનને લૂંટવા માટે નીકળી પડ્યો હતો. પંજાબમાં એક સમયે ગઝનવીઓનું સંપૂર્ણ આધિપત્ય સ્થપાઈ ચૂક્યું હતું. મહમુદ ગઝનવીએ મુલ્તાન, લાહોર, નગરકોટ અને થાનેશ્વરના મોટા ભાગના વિસ્તારોમાં મારધાડ કરી હતી અને હિંદુઓનું દમન કર્યું હતું. હિંદુઓ અને બૌદ્ધોને તલવારના જોરે મુસ્લિમ બનાવવાનું આખું કાવતરું ચાલ્યું હતું. ત્યારબાદ શીખ રાજા રણજીત સિંઘની આગેવાની હેઠળ હિંદુઓ અને શીખો એક થયા હતા અને મુસ્લિમ શાસનને અટકાવ્યું હતું. જોકે, થોડા સમય બાદ અંગ્રેજોએ પણ અહીં પગ પેસારો કરીને તોડવાનું રાજકારણ શરૂ કર્યું હતું. આખરે સ્વતંત્રતા મળતાની સાથે જ 14 ઑગસ્ટ, 1947ના દિવસે સિંધ (પાકિસ્તાન) ભારતમાંથી સંપૂર્ણપણે અલગ થયું હતું અને પાકિસ્તાનનો જન્મ થયો હતો. મઝહબી કટ્ટરતાના કારણે તે હિંદુ ભૂમિ આજે ઇસ્લામિક મુલ્ક બની ગઈ છે.

    નેપાળ:

    1560 સુધી નેપાળમાં હિંદુ રાજાઓનું શાસન હતું. તે અખંડ ભારતનો જ એ ભૂભાગ હતો. હજુ પણ ત્યાં આર્યસમાજની સંસ્કૃતિ જોવા મળે છે. રામાયણકાળમાં પણ તેને અખંડ ભારતના એક ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામના પત્ની માતા સીતા પણ નેપાળના મિથિલા-જનકપુરી નગરીના રહેવાસી હતા. આજે પણ જનકપુરીમાં માતા સીતાનું ભવ્ય મંદિર આવેલું છે. ચોથી સદી સુધી નેપાળ પર ગુપ્તવંશના રાજાઓનું શાસન હતું. 1904માં અંગ્રેજોના પ્રયાસોના કારણે વર્તમાનના બિહાર સ્થિત સુગૌલી નામના સ્થળ પર તે સમયના પહાડી રાજાઓના નરેશે અંગ્રેજો સાથે સંધિ કરી હતી અને નેપાળને ભારતથી અલગ કરીને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો અપાવ્યો હતો. પરંતુ ત્યાં કહેવાતી રાજાશાહી હતી, આધિપત્ય આડકતરી રીતે અંગ્રેજોનું હતું. 2008 સુધી નેપાળ વિશ્વનું એકમાત્ર હિંદુરાષ્ટ્ર હતું.

    ભૂટાન:

    ભૂટાનમાં વૈદિકધર્મ અને બૌદ્ધધર્મ બંનેની સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળે છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તે ભારતના નેજા હેઠળ આવતું હતું. અંગ્રેજોના શાસન સુધી તે ભારતનો જ એક ભાગ હતું. 1906માં ભૂટાન અને સિક્કિમ આ બંને પ્રદેશોને અંગ્રેજોએ પોતાના કબજામાં લઈ લીધા હતા. ત્યારથી ભૂટાન અલગ રાષ્ટ્ર તરીકે પોતાનો કાર્યભાર સંભાળતું આવ્યું છે. આજે પણ ભૂટાનની સુરક્ષાની જવાબદારી ભારતે લીધેલી છે. એક સમયે ભૂટાન ભારતનો જ ભાગ હતું.

    બલૂચિસ્તાન:

    આ વિસ્તાર 16 જનપદોમાંથી ગાંધાર જનપદનો એક ભાગ હતો. ઇસા પૂર્વે 321માં આ આખો વિસ્તાર ચંદ્રગુપ્ત મોર્યના સીધા શાસન હેઠળ આવતો હતો. વર્ષ 711માં મોહમ્મદ બિન કાસિમે બલૂચિસ્તાન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ગઝનવીએ તેના પર કબજો કરી લીધો હતો. અંગ્રેજોએ તેને 4 વિભાગોમાં તોડી પાડ્યું હતું. જેમાં કલાત, મકરાન, લસબેલા અને ખારનનો સમાવેશ થાય છે. પાકિસ્તાન બન્યા બાદ ઝીણાએ 1948માં દગાથી તેના પર પોતાનો કબજો કરી લીધો હતો. પરંતુ આજદિન સુધી બલોચ લોકો પાકિસ્તાનથી આઝાદીની માંગણી કરી રહ્યા છે અને તેના માટે સશસ્ત્ર ક્રાંતિની તૈયારી પણ કરી રહ્યા છે. બલોચ લોકો આજે પણ પોતાને ભારતીય જનપદનો જ એક ભાગ માને છે. બહારથી આવેલા આક્રમણકારીઓના કારણે આ ભૂભાગ ભારત પાસેથી જતો રહ્યો હતો.

    તિબેટ:

    પ્રાચીન સમયમાં તિબેટને ત્રિવિષ્ટ કહેવામાં આવતું હતું. એક સમય સુધી અહીં પર હિંદુ સંસ્કૃતિ અને ધર્મની ઝલક જોવા મળતી હતી. તિબેટમાં પહેલાં તમામ લોકો હિંદુ ધર્મના અનુયાયી હતા. ધીરે-ધીરે ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો અને ત્યારબાદ તે બૌદ્ધધર્મનું મુખ્ય કેન્દ્ર પણ બની ગયું હતું. 19મી સદી સુધી તિબેટ અલગ જેવુ થઈ ગયું હતું અને તેણે પોતાની અલગ સત્તા પણ બનાવી રાખી હતી. ત્યારબાદ તેના બે ભાગ કરી દેવામાં આવ્યા હતા, જેમાનો એક ભાગ ચીનના કબજા હેઠળ ગયો છે અને બીજો ભાગ આજે પણ લામા પાસે છે. અખંડ ભારતમાં તેને ત્રિવિષ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. મૌર્યવંશના રાજાઓનું અહીં શાસન હતું.

    ઈરાન:

    એક વાત જાણીને આશ્ચર્ય થશે કે, એક સમયે ઈરાનને ‘આર્યન’ તરીકે ઓળખવામાં આવતું હતું અને અહીં સૌથી વધુ આર્ય સંસ્કૃતિના લોકો રહેતા હતા. હિંદુઓનું અહીં શાસન હતું. સમ્રાટ અશોકે ભારત પર એકછત્રી શાસન કર્યું હતું. તે દરમિયાન ઈરાનનું શાસન પણ મૌર્યવંશના હાથમાં હતું. પરંતુ સાતમી સદીમાં આરબોએ આ વિસ્તારમાં ઇસ્લામનો પ્રચાર-પ્રસાર અને હિંસા શરૂ કરી દીધી હતી. ઈરાનમાં રહેતા આર્યોને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો હતો. જ્યારે આજે ‘આર્યન’માંથી તેનું નામ ‘ઈરાન’ થઈ ગયું છે અને હિંદુઓની ભૂમિ ગણાતો તે ભાગ ‘ઇસ્લામિક મુલ્ક’ બની ગયો છે.

    ઈન્ડોનેશિયા:

    આજના સમયે સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ જો કોઈ હોય તો તે ઈન્ડોનેશિયા છે. પરંતુ ત્યાંના મુસ્લિમો એક સમયે હિંદુ હતા અને ખાસ વાત તો તે છે કે, આજના ઇન્ડોનેશિયન મુસ્લિમો તે વાતને ગર્વથી સ્વીકારે પણ છે. તે લોકો આજે પણ હિંદુ સંસ્કૃતિને અનુસરે છે. આજે પણ ઈન્ડોનેશિયામાં રામાયણ ભજવવામાં આવે છે. ગુપ્તયુગના શાસન દરમિયાન આ વિસ્તાર ‘રામાયણ’ની ભવાઈ માટે ખૂબ પ્રસિદ્ધ હતો અને આજેપણ તે લોકોએ પોતાના પૂર્વજોની સંસ્કૃતિને જીવંત રાખી છે. જોકે, હવે ત્યાં કટ્ટરપંથી મુસ્લિમોએ પણ પગ પેસારો શરૂ કરી દીધો છે. 88% મુસ્લિમ વસ્તી ધરાવતો આ દેશ 14મી સદીમાં માત્ર હિંદુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓનો દેશ હતો. 15મી સદીમાં ઇસ્લામિક આક્રાંતાઓના હુમલા બાદથી અહીં ઇસ્લામનો પ્રચાર-પ્રસાર શરૂ થયો અને હિંસા પણ શરૂ થઈ. આજે તે વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે.

    મેલેશિયા:

    મલેશિયા અને આસપાસના આખા વિસ્તારને પ્રાચીન સમયમાં મલેય પ્રાયદ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો. તેની આસપાસના કમ્બોડિયા, વિયેતનામ, થાઈલેન્ડ, ફિલિપિન્સ, સિંગાપુર આ તમામ વિસ્તારો અખંડ ભારતનો એક ભાગ હતા. જેનું વિવરણ ગુપ્તયુગના ઇતિહાસમાં પણ જોવા મળે છે. આ તમામ વિસ્તારોમાં હિંદુઓ બહુમતીમાં હતા. પરંતુ વિદેશી આક્રાંતાઓથી મલેશિયા પણ અળગું ન રહી શક્યું. હિંદુ ધર્મના લોકોને બળજબરીથી ઇસ્લામ તરફ વાળવાનો પ્રયાસ થયો હતો અને મોટાભાગના લોકોએ ઇસ્લામ અપનાવી લીધો હતો.

    મ્યાનમાર:

    મ્યાનમારને અખંડ ભારતમાં ‘બ્રહ્મદેશ’ તરીકે ઓળખવામાં આવતું હતું. તેને બર્મા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બ્રહ્માનો અપભ્રંશ શબ્દ છે. મ્યાનમાર પ્રાચીન સમયથી જ ભારતનો એક ભાગ રહ્યું છે. અશોકના શાસન દરમિયાન મ્યાનમાર બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિનું પૂર્વીય કેન્દ્ર બન્યું હતું. અહીં બહુમતી બૌદ્ધ ધર્મના લોકોની હતી. પરંતુ વૈદિક યુગમાં બૌદ્ધ ધર્મ કે અન્ય કોઈ ધર્મનું અસ્તિત્વ જ ન હોવાથી તે પ્રજા આર્ય (હિંદુ) તરીકે ઓળખાતી હતી. મુસ્લિમ શાસન દરમિયાન મ્યાનમાર ભારતના મુખ્ય પ્રવાહથી અળગું રહ્યું હતું અને ત્યાં સ્વતંત્ર રજવાડાઓ બનવાના શરૂ થઈ ગયા હતા. 1886માં આખો દેશ બ્રિટિશ ભારતીય સામ્રાજ્યમાં ભળી ગયો હતો, પરંતુ અંગ્રેજોએ 1935માં ભારતીય શાસન વિધાનનો હવાલો આપીને મ્યાનમારને ભારતથી એકદમ અલગ કરી દીધું હતું.

    શ્રીલંકા:

    ‘શ્રીલંકા’એ ભારતીય ઉપમહાદ્વીપના દક્ષિણમાં હિંદ મહાસાગરમાં સ્થિત એક મોટો ટાપુ છે. તે ભારતના ચોલ અને પાંડ્ય જનપદ હેઠળ આવતો હતો. 2,350 વર્ષ પહેલાં શ્રીલંકાની સંપૂર્ણ વસ્તી વૈદિક હિંદુ ધર્મને માનનારી હતી. રામાયણકાળમાં પણ લંકાપતિ રાવણને શ્રીલંકાના રાજા તરીકે દર્શાવવામાં આવ્યો હતો. સમ્રાટ અશોકે તેમના પુત્ર મહેન્દ્રને શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે મોકલ્યો હતો. ત્યારબાદ ત્યાંના સિંહલ રાજાએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો અને તેને રાજધર્મ જાહેર કરી દીધો હતો. બૌદ્ધ અને હિંદુ ધર્મગ્રંથો અનુસાર, અહીં પ્રાચીનકાળમાં શૈવ, યક્ષ અને નાગવંશીઓનું શાસન હતું.

    પુરતાત્વીય અવશેષો પરથી જાણી શકાયું છે કે, શ્રીલંકાના શરૂઆતી માનવોનો સંબંધ ઉત્તર ભારતના લોકો સાથે હતો. ભાષાવિદો જણાવે છે કે, સિંહલી ભાષા ગુજરાતી અને હિન્દી ભાષા સાથે જોડાયેલી છે. એવી માન્યતા છે કે, શ્રીલંકાને ભગવાન શિવ દ્વારા વસાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શિવભક્ત રાવણ ત્યાં શાસન કરતો હતો. ઇસા પૂર્વ. 5076 પહેલાં ભગવાન રામે રાવણનો સંહાર કરીને શ્રીલંકાને આધિકારિક રીતે ભારતવર્ષના એક જનપદ તરીકેની માન્યતા આપી હતી.

    શ્રીલંકા પર પહેલાં પોર્ટુગીઝો અને પછી ડચ લોકોએ શાસન કર્યું હતું. ઇસ. 1800માં અંગ્રેજોએ તેના પર શાસન સ્થાપવાનું શરૂ કર્યું હતું. 1818 સુધીમાં શ્રીલંકા સંપૂર્ણપણે બ્રિટિશ સામ્રાજ્યમાં ભળી ગયું હતું. અંગ્રેજકાળમાં અંગ્રેજોએ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિના કારણે તમિલ અને સિંહલો વચ્ચે સાંપ્રદાયિક એકતાને તોડી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ 4 ફેબ્રુઆરી, 1948ના રોજ શ્રીલંકા એક અલગ દેશ તરીકે ભારતમાંથી હંમેશા માટે વિખૂટો પડ્યો હતો અને જેનું કારણ અંગ્રેજો રહ્યા હતા.

    સિંગાપુર:

    સિંગાપુર મલય મહાદ્વીપના દક્ષિણ વિસ્તારમાં આવેલકો એક નાનો ટાપુ છે. જે અખંડ ભારતનો એક ભાગ હતો. જોકે, તે મલેશિયાનો જ એક ભાગ હતો, પરંતુ પ્રાચીન ભારતમાં મલેશિયા પણ અખંડ ભારતનો જ એક ભાગ હતું. ઇતિહાસકારો કહે છે કે, શ્રીવિજયના એક રાજકુમાર ત્રિભુવને અહીં એક દિવ્ય સિંહ જોયો હતો, તે હિંદુ રાજકુમારે તે સ્થળને શુભ ગણીને ત્યાં સિંગપુરા નામની એક વસ્તી સ્થાપી હતી, જેનો સંસ્કૃતનો અર્થ થાય છે, ‘સિંહોનું શહેર’. બાદમાં સમયાંતરે તે સિંહપુર થઈ ગયું. ત્યારબાદ તે ટેમાસેક નામથી પણ ઓળખાયું હતું. જોકે, હાલમાં તેને સિંગાપુર કે સિંગાપોર તરીકે ઓળખવામાં આવે છે. જેનો અખંડ ભારત સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ હતો. 1930 સુધી તેમની ભાષામાં સંસ્કૃત ભાષાના શબ્દોનો સમાવેશ થતો હતો.

    તે લોકોના નામ પણ હિંદુ પરંપરા પ્રમાણે રખાતા હતા અને કેટલાક તો આજે પણ હિંદુ નામ રાખે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે જાપાનના અધિકાર હેઠળ રહ્યું હતું. યુદ્ધ પૂર્ણ થયા બાદ અંગ્રેજોએ તેના પર કબજો કરી લીધો હતો. 1963માં ફેડરેશન ઓફ મલાયાની સાથે સિંગાપુરનો વિલય કરીને મલેશિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, વિવાદ અને સંઘર્ષ બાદ 9 ઑગસ્ટ, 1965માં સિંગાપુર એક સ્વતંત્ર ગણતંત્ર બની ગયું હતું. તે સિવાય ઈન્ડોનેશિયા, કમ્બોડિયા અને થાઈલેન્ડ જેવા દેશો પણ અખંડ ભારતનો જ એક ભાગ હતા. થાઈલેન્ડનું પ્રાચીન નામ શ્યામદેહ હતું. તે સિવાય ઈન્ડોનેશિયાની રાજધાની બાલી તો આજે પણ હિંદુઓના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ઈન્ડોનેશિયા પર શ્રીવિજય રાજવંશ, શૈલેન્દ્ર રાજવંશ, સંજય રાજવંશ, માતારામ રાજવંશ, કેદિરિ રાજવંશ, સિંહશ્રી, મજાપતિહ સામ્રાજ્યનું શાસન પણ રહ્યું હતું. તે સાથે જ કમ્બોડિયામાં આજે પણ ભગવાન વિષ્ણુનું સૌથી મોટું મંદિર મોજૂદ છે.

    કમ્બોડિયા પર ઈશાનવર્મન, ભવવર્મન, જયવર્મન પ્રથમ, જયવર્મન દ્વિતીય, સૂર્યવર્મન પ્રથમ, જયવર્મન સપ્તપ વગેરે જેવા રાજાઓએ શાસન કર્યું હતું. ત્યારબાદ તે ફ્રાંસિસોના કબજામાં આવી ગયું અને સમય જતાં ભારતથી દૂર થઈ ગયું હતું. આજે અખંડ ભારતની પરિકલ્પનામાં માત્ર કેટલાક દેશોનો જ સમાવેશ કરવામાં આવે છે. જ્યારે વાસ્તવિક અખંડ ભારતમાંથી લગભગ 20 જેટલા દેશો અને વિસ્તારો અલગ થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં