Saturday, September 28, 2024
More
    હોમપેજદેશછત્રપતિ શિવાજી હતા જેમના પ્રેરણાપૂંજ, બાળપણથી જ કંઠસ્થ કરી લીધાં હતાં ધર્મશાસ્ત્રો:...

    છત્રપતિ શિવાજી હતા જેમના પ્રેરણાપૂંજ, બાળપણથી જ કંઠસ્થ કરી લીધાં હતાં ધર્મશાસ્ત્રો: કથા શિવરામ રાજગુરુના અમર બલિદાનની, જેમણે ભગત સિંઘ સાથે મળીને પ્રગટાવી હતી ક્રાંતિની જ્વાળા

    માત્ર 15 વર્ષની ઉંમરે રાજગુરુએ હિંદુ ધર્મશાસ્ત્રોનું વિશેષ જ્ઞાન કેળવી લીધું હતું અને અનેક ગ્રંથોને કંઠસ્થ કરી લીધા હતા. તેમણે સંસ્કૃતના શબ્દશાસ્ત્ર ગણાતા 'સિદ્ધાંતકૌમુદી'ને ઘણી નાની ઉંમરે જ કંઠસ્થ કરી લીધું હતું. તેઓ છત્રપતિ શિવાજી મહારાજને પોતાની પ્રેરણા માનતા હતા.

    - Advertisement -

    દેશને સ્વતંત્રતા મળ્યાને 77 વર્ષ પૂર્ણ થયાં છે, તેમ છતાં આજે પણ અંગ્રેજો સામે વિદ્રોહની જ્વાળા પ્રજજ્વલિત રાખનારા રણબંકાઓને દેશ યાદ કરતો રહે છે. તેમની ખુમારી અને લડાયક મિજાજ આજે પણ ભારતીય યુવાનોના લોહીમાં ભળેલો છે. ઉંમર અને પરિવારની પરવાહ કર્યા વગર દેશના અનેક સ્વાભિમાની જુવાનિયાઓ લોહિયાળ ક્રાંતિ માટે મક્કમ બન્યા હતા. આંખમાં દેશની સ્વતંત્રતાનું સ્વપ્ન જોઈને અનેક ક્રાંતિવીરોએ પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી હતી. તેમાં એક નામ હતું શિવરામ રાજગુરુ. 24 ઑગસ્ટના રોજ તેમનો જન્મ થયો હતો. આજે તેમની જન્મજયંતી પર તેમના અમર બલિદાન અને રાષ્ટ્ર માટેના તેમના સમર્પણને શબ્દોમાં ગૂંથવા પ્રયાસ કરીએ.

    વાત છે પરાધીન ભારતની. દેશના કેટલાક લડાયક મિજાજના યુવાનો અને ક્રાંતિવીરો દેશની ગુલામીની બેડીઓ ભેદવા એક થવા લાગ્યા હતા. તેમની આંખોમાં ભભૂકેલી અગનજ્વાળાઓ જાણે અંગ્રેજોને જીવતા સળગાવી રહી હોય તેમ ગોરાઓ તેમના પર વરસવા લાગ્યા હતા. પૂર્ણ સ્વરાજ્યની માંગ સાથે શરૂ થયેલા સંગ્રામમાં ચંદ્રશેખર આઝાદ અને વીર ભગત સિંઘનું નામ મોખરે હતું. સ્વતંત્રતા સંગ્રામમાં ભગત સિંઘની સાથે લેવાતાં નામોમાં સુખદેવ, બટુકેશ્વર દત્તની સાથે એક મુખ્ય નામ શિવરામ રાજગુરુ ઉર્ફે રઘુનાથનું પણ હતું. રાજગુરુને અંગ્રેજ અધિકારી સાંડર્સની હત્યાના આરોપમાં વીર ભગત સિંઘ અને સુખદેવની સાથે ફાંસી આપવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ સાથેનું તેમનું વિશેષ જોડાણ પણ હતું.

    મરાઠા પરિવારમાં જન્મ અને છત્રપતિ શિવાજી મહારાજની સાહસ ગાથા વચ્ચે વીત્યું બાળપણ

    શિવરામ હરિ રાજગુરુનો જન્મ 24 ઑગસ્ટ, 1908ના દિવસે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના ખેડા ગામમાં થયો હતો. આજે તેમના ગામને ‘રાજગુરુ નગર’ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ એક મરાઠા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનું નામ હરિનારાયણ રાજગુરુ અને માતાનું નામ પાર્વતીદેવી હતું. એક મરાઠી બ્રાહ્મણ હોવાથી તેઓ બાળપણથી જ સંસ્કૃત વિષયમાં નિપુણતા ધરાવતા હતા. તેમનું આખું બાળપણ છત્રપતિ શિવાજી મહારાજની સાહસ ગાથા સાંભળીને વીત્યું હતું. છત્રપતિ શિવાજીને તેઓ પોતાના ભગવાન માનતા હતા અને પોતાને ભક્ત તરીકે દર્શાવતા હતા. દેશને વિદેશી શક્તિઓથી સ્વતંત્ર કરીને પોતાનું રાજ્ય સ્થાપિત કરવાની પ્રેરણા તેમને શિવાજી મહારાજની ‘હિંદવી સ્વરાજ્ય’ની પ્રતિજ્ઞા પરથી મળી હતી.

    - Advertisement -

    બાળપણમાં તેમના પર શિવાજી મહારાજનો પ્રભાવ વિશેષ રહ્યો હતો. જેના કારણે તેમણે સંસ્કૃત વિદ્યાઓની સાથે-સાથે શસ્ત્રવિદ્યામાં પણ નિપુણતા મેળવી હતી. સંસ્કૃતના વિદ્વાન પંડિતની સાથે તેઓ વીર અને સાહસી મરાઠા પણ હતા. શિવાજી મહારાજના ભક્ત કહીને તેઓ વારંવાર ગૌરવ લેતા હતા અને બાળપણથી જ તેમના મનમાં દેશભક્તિ અને સ્વરાજ્યની અદમ્ય ભાવના વિકસી હતી. ક્રાંતિકારીઓમાં તેઓ રઘુનાથ તરીકે જાણીતા થયા હતા. તેમણે બાળપણનો અભ્યાસ પોતાના ગામની એક મરાઠી શાળામાં પૂર્ણ કર્યો હતો. પરંતુ બાદમાં તેઓ વધુ અભ્યાસ માટે વારાણસી ગયા હતા. તેમણે આધુનિક શિક્ષણની સાથે વારાણસીમાં હિંદુ ધર્મશાસ્ત્રોનું અધ્યયન પણ શરૂ કર્યું હતું.

    માત્ર 15 વર્ષની ઉંમરે તેમણે હિંદુ ધર્મશાસ્ત્રોનું વિશેષ જ્ઞાન કેળવી લીધું હતું અને અનેક ગ્રંથોને કંઠસ્થ કરી લીધા હતા. તેમણે સંસ્કૃતના શબ્દશાસ્ત્ર ગણાતા ‘સિદ્ધાંતકૌમુદી’ને ઘણી નાની ઉંમરે જ કંઠસ્થ કરી લીધું હતું. તેઓ છત્રપતિ શિવાજી મહારાજને પોતાની પ્રેરણા માનતા હતા. તેમની સંઘર્ષ ગાથા જોઈને તેમણે પણ દેશની સ્વતંત્રતા માટે જીવ ખપાવી દેવાનો નિર્ધાર કર્યો હતો. શિવાજી મહારાજની ગોરીલા યુદ્ધપદ્ધતિથી તેઓ વિશેષ પ્રભાવિત હતા. આગળ જતાં ક્રાંતિકારી કાર્યોમાં પણ તેમણે શિવાજી મહારાજની રણનીતિઓને અનુસરી હતી અને અંગ્રેજ શાસનના મૂળિયાં હલાવવામાં વિશેષ ભૂમિકા નિભાવી હતી.

    ચંદ્રશેખર આઝાદથી થયા હતા પ્રભાવિત

    શિવરામ રાજગુરુ વારાણસીમાં શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા હતા, પરંતુ તેમના મનમાં કોઈ અલગ સંઘર્ષ ચાલી રહ્યો હતો, હ્રદયમાં સ્વરાજ્યની કામના તીવ્ર થઈને અગનજ્વાળાનું સ્વરૂપ ધારણ કરી રહી હતી. તેમણે વારાણસીમાં ક્રાંતિવીરો સાથે મુલાકાત કરવાનું અને ચર્ચા-વિચારણા કરવાનું શરૂ કર્યું. ક્રાંતિકારીઓ સાથેની મુલાકાત બાદ તેમની સ્વતંત્રતાની અદમ્ય ઈચ્છા અંગ્રેજ સરકારના પાયા હલાવવા માટે મક્કમ બનતી ચાલી. દેશભક્તો અને ભારત માતાના વીર સપૂતોના મિલાપના કારણે તેઓ રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત થઈ ગયા હતા. બસ હવે રાહ હતી એક છેલ્લી પ્રેરણાની. થોડા સમય બાદ રાજગુરુની મુલાકાત પંડિત ચંદ્રશેખર આઝાદ સાથે થઈ અને અહીંથી જ શરૂ થયું રાજગુરુનું ક્રાંતિવીર બનવાનું પગરણ.

    ચંદ્રશેખર આઝાદનું ખડતલ શરીર અને સ્પષ્ટ વિચારધારા રાજગુરુને પ્રભાવિત કરી ગઈ. મૂંછો પર દાવ દઈને અંગ્રેજોને ઉંધાકાંધ નાખવાના સ્વપ્ન સેવી રહેલા આઝાદથી રાજગુરુ એવા તો પ્રભાવિત થયા કે, તેમણે ભણતર છોડીને ક્રાંતિકારી બનવાનું નક્કી કરી લીધું. આખરે 1924માં તેઓ ‘હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મી’માં જોડાઈ ગયા. અહીંથી શરૂ થયો વિદ્રોહનો એક એવો જુવાળ જે આગળ જતાં અંગ્રેજ સરકારના અંતનું કારણ બનવાનો હતો.

    ભગત સિંઘ સાથે મુલાકાત અને લાલા લજપત રાયની હત્યાનો રોષ

    ક્રાંતિવીરો સાથે રાજગુરુ ભળી ગયા, તેઓ રઘુનાથ નામ ધારણ કરીને ક્રાંતિકારીઓની અલગ-અલગ ટુકડીઓ જતા હતા. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં તેમણે ક્રાંતિવીર તૈયાર કરવા માટેના અભિયાનો શરૂ કર્યાં હતાં. અનેક લડાયક યુવાનો તેમાં સહભાગી થવા લાગ્યા હતા. દરમિયાન રાજગુરુની મુલાકાત એક લબરમૂછિયા શીખ યુવાન સાથે થઈ હતી અને બંને વચ્ચે પાક્કી મિત્રતા બંધાઈ હતી. તે યુવાન એટલે વીર ભગત સિંઘ. બંનેની જુગલજોડીમાં એક નામ વધુ ઉમેરાયું હતું, તે હતું સુખદેવનું. સમય જતાં આ ત્રણ યુવાનોએ અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી હતી. ભગત સિંઘનો લડાયક મિજાજ, સુખદેવની ચપળ નીતિ અને રાજગુરુની બુદ્ધિક્ષમતા.. આ ત્રણ ગુણો એકસાથે મળીને સ્વતંત્રતાનો માર્ગ મોકળો કરી રહ્યા હતા. દેશમાં અંગ્રેજોનો દમન અને હિંસા સાતમા આસમાને હતી.

    વર્ષ 1928માં દેશભરમાં ‘સાયમન કમિશન’નો વિરોધ થવા લાગ્યો હતો. અંગ્રેજોના આ કમિશનમાં એક પણ ભારતીયને સ્થાન ન મળતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સાયમન કમિશન જે સ્થળ પર જતું, ત્યાં જ લોકો તેનો વિરોધ કરવા લાગતા હતા. દરમિયાન જ લાલા લજપત રાયે ‘સાયમન ગો બેક’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવાના શરૂ કરી દીધાં હતાં. અહિંસક વિરોધ પ્રદર્શન કરનારા લોકો પર અંગ્રેજ અધિકારીઓના આદેશથી લાઠીઓ વરસાવવાની શરૂ થઈ ગઈ હતી. માથાના ભાગે ભયંકર પ્રહાર થતાં લાલ લજપત રાય મૃત્યુ પામ્યા હતા, તેમ છતાં ક્રૂર અંગ્રેજોએ તેમના પર લાકડીઓ વરસાવવાનું શરૂ રાખ્યું હતું. લાલા લજપત રાય માટે ક્રાંતિકારીઓમાં ખૂબ સન્માન હતું. તેમના મોતની વાત જોતજોતાંમાં આખા દેશમાં પ્રસરી ગઈ હતી.

    ગોરીલા યુદ્ધનીતિ અનુસાર અંગ્રેજ અધિકારીની હત્યાની યોજના

    લાલા લજપત રાયની હત્યા બાદ ક્રાંતિકારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખાસ કરીને ચંદ્રશેખર આઝાદ, ભગત સિંઘ અને શિવરામ રાજગુરુ કોઈપણ ભોગે જવાબદાર અંગ્રેજ અધિકારીને મોતને ઘાટ ઉતારવા માટે તત્પર થઈ ઉઠયા હતા. ક્રાંતિકારીઓએ ‘હિંસા સામે હિંસા’ની નીતિ અપનાવી લીધી હતી. રાજગુરુએ ભગત સિંઘ અને ચંદ્રશેખર આઝાદ સાથે મળીને બ્રિટિશ પોલીસ અધિક્ષક જેમ્સ એ સ્કોટની હત્યાની યોજના બનાવી હતી. લાહોરમાં ક્રાંતિવીર ભગવતી ચરણ વોરાના ઘરે અંગ્રેજ અધિકારીની હત્યા માટે યોજના બનાવવામાં આવી હતી. ભગવતી ચરણ ક્રાંતિકારી કામ માટે તત્કાલીન કલકત્તા હતા અને તેમના પત્ની દુર્ગાદેવી (દુર્ગા ભાભી) આ હત્યાની યોજનામાં સામેલ થયા હતા. યોજના અનુસાર, છત્રપતિ શિવાજી મહારાજની ગોરીલા યુદ્ધનીતિ મુજબ અંગ્રેજ અધિકારી પર હુમલો કરવાનું નક્કી થયું હતું. પોલીસ અધિક્ષક જેમ્સ એ સ્કોટે જ લાઠીચાર્જના આદેશ આપ્યા હતા અને તે દરમિયાન જ લાલા લજપત રાયનું મોત થયું હતું. યોજના અનુસાર, ક્રાંતિકારી જયગોપાલને સ્કોટની ઓળખ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

    17 ડિસેમ્બર, 1928નો દિવસ હતો. રાજગુરુ અને ભગત સિંઘ છુપા પગલે લાહોર જિલ્લા પોલીસ મુખ્યાલય સુધી પહોંચી ગયા હતા. મુખ્યાલયની બહાર તેઓ જેમ્સ સ્કોટની રાહ જોઈને બેઠા હતા. યોજના અનુસાર, ક્રાંતિકારી જયગોપાલે ઈશારો કરીને રાજગુરુને સ્કોટ વિશેની જાણ કરવાની હતી. સમય વહેતો જતો હતો. ત્યારપછી આખરે જયગોપાલ તરફથી ઈશારો થયો અને રાજગુરુએ બંદૂકનું નાળચું અંગ્રેજ અધિકારી તરફ ઠેરવ્યું. ભગત સિંઘને શંકા હતી કે, તે અધિકારી જેમ્સ સ્કોટ નથી. પરંતુ, હજુ કઈ બોલે તે પહેલાં જ રાજગુરુએ સીધો ભડાકો કરી દીધો અને ત્યારબાદ તો ભગત સિંઘે પણ એકસાથે 8 ગોળીઓ છોડી દીધી અને સુખદેવે પણ ગોળીઓ વરસાવી દીધી. અંગ્રેજ અધિકારી ઘટનાસ્થળે જ ઢળી પડ્યો. કાર્ય પૂર્ણ થયા બાદ ક્રાંતિકારીઓ ઘટનાસ્થળેથી ભાગી નીકળ્યા હતા.

    સ્કોટના બદલે મરાયો હતો સાંડર્સ

    જયગોપાલે જે અંગ્રેજ અધિકારી તરફ ઈશારો કર્યો હતો તે જેમ્સ સ્કોટ નહોતો, પરંતુ આસિસ્ટન્ટ કમિશનર જ્હોન પી સાંડર્સ હતો. નોંધવા જેવું છે કે, લાઠીચાર્જના આદેશ આપવામાં સાંડર્સ પણ સામેલ હતો. સૌથી પહેલાં તેના પર ગોળી રાજગુરુએ ચલાવી હતી ત્યારબાદ ભગત સિંઘ અને સુખદેવે પણ ગોળીઓ વરસાવી હતી. ભાગતા સમયે બંનેની રક્ષા માટે ચંદ્રશેખર આઝાદે કવર ફાયર કર્યું હતું, જેના કારણે પીછો કરી રહેલો એક અંગ્રેજ અધિકારી નાસી છૂટયો હતો. તેમ છતાં સનાન સિંઘ નામનો એક સિપાહી પીછો કરી રહ્યો હતો. ક્રાંતિકારીઓએ તેમને પરત ફરી જવા કહ્યું હતું. આઝાદે તે સિપાહીને કહ્યું હતું કે, તેઓ કોઈપણ ભારતીયનું લોહી રેડવા માંગતા નથી. તેથી તેમણે પણ હેડ કોન્સ્ટેબલને પરત ફરવાનું કહ્યું હતું. તેમ છતાં તે પરત ન ફરતા રાજગુરુએ તેને પણ ગોળી ધરબી દીધી હતી. ઘટના બાદ ક્રાંતિકારીઓ ખૂબ જ ચતુરાઈથી નાસી જવામાં સફળ થયા હતા.

    સાંડર્સની હત્યા બાદ ભગત સિંઘ એક બ્રિટિશ આર્મીના અધિકારીના વેષમાં લાહોરથી ભાગી નીકળ્યા હતા. દરમિયાન ભગવતી ચરણ વોરાના પત્ની દુર્ગા ભાભીએ એક બાળકી સાથે ભગત સિંઘના પત્ની હોવાનું નાટક કર્યું હતું અને લાહોર છોડીને નીકળી ગયાં હતાં. તેમની સાથે રાજગુરુ પણ તેમના નોકર બનીને નીકળી ગયા હતા. બાદમાં તમામ ક્રાંતિકારીઓ અલગ-અલગ સ્થળે વેશ બદલીને રહેલા લાગ્યા હતા. રાજગુરુ પણ કાશીમાં રહેવા માંડ્યા હતા. કેટલાક મહિનાઓ સુધી તેઓ ખુલ્લેઆમ અને નિર્ભય થઈને કાશીની ગલીઓમાં ફરતા રહ્યા હતા. પરંતુ આખરે સપ્ટેમ્બર, 1929માં મહારાષ્ટ્રના પુણેથી બ્રિટિશ પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. બાદમાં જેલમાં પણ તેમણે આમરણ અનશન અને કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.

    ભગત સિંઘ, સુખદેવ અને અન્ય કેટલાક ક્રાંતિકારીઓ પણ તેમની સાથે જ હતા. બધા ક્રાંતિવીરોને પોતાની નિયતિ ખબર હતી. પરંતુ, શિવરામ રાજગુરુને મળીને તમામ ક્રાંતિવીરો ઉત્સાહમાં હતા. તમામ લડાયક યુવાનોએ આમરણ ભૂખ હડતાલ શરૂ કરી હતી. દરરોજ સવારે ડૉક્ટર 10-12 સાથીદારોને લઈ જતાં અને તેમને નળી વડે બળજબરીથી ખવડાવવાનો પ્રયાસ કરતાં હતા. પોલીસના આ વલણના કારણે ક્રાંતિકારીઓએ અનેક માનસિક અને શારીરિક યાતનાઓ સહી હતી. ત્યારબાદ લાહોરમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન કેસનો ચુકાદો સંભળવવામાં આવ્યો અને ભગત સિંઘ, સુખદેવ અને રાજગુરુને ગુપ્ત રીતે ફાંસી આપવાના આદેશ થયા. 24 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ ડરેલા અંગ્રેજોએ તેમને 23 માર્ચ, 1931ની સાંજે જ ફાંસી આપી દીધી હતી.

    ત્રણેય ક્રાંતિવીરો ‘ઇંકલાબ ઝિંદાબાદ’ના નારા લગાવીને હસતાં-હસતાં એકબીજાને ગળે મળીને ફાંસીના માચડે ચડી ગયા હતા. તેમના અંતિમ સંસ્કાર પણ પંજાબના ફિરોઝપુર જિલ્લામાં સતલજ નદીના કાંઠા પર કરવામાં આવ્યા હતા. આજે આ ત્રણેય ક્રાંતિવીરોની યાદમાં 23 માર્ચને ‘શહીદ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. ત્રણ ક્રાંતિવીરોને ફાંસી આપ્યાના સમાચાર સામે આવ્યા બાદ આખા દેશમાં વિદ્રોહની આગ ભભૂકી ઉઠી હતી અને આખરે ક્રાંતિવીરોના સહિયારા પ્રયાસોએ ભગત સિંઘ, સુખદેવ અને રાજગુરુની ફાંસીનો બદલો લીધો અને દેશ સંપૂર્ણપણે સ્વતંત્ર થયો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં