હોમપેજગુજરાતઅજંતા-ઇલોરા કરતાં પ્રાચીન ખડકોમાંથી કોતરાયેલી સંરચના, રાજાએ 999 કન્યાઓનાં કરાવ્યાં હતાં લગ્ન:...

અજંતા-ઇલોરા કરતાં પ્રાચીન ખડકોમાંથી કોતરાયેલી સંરચના, રાજાએ 999 કન્યાઓનાં કરાવ્યાં હતાં લગ્ન: હિંદુ-બૌદ્ધ-જૈન પરંપરાનો અદભુત સમન્વય છે તળાજાની આ ગુફાઓ

આજના સમયમાં જ્યારે સમાજમાં હિંદુ, બૌદ્ધ અને જૈન પરંપરાને અલગ-અલગ દર્શાવવા માટેના અનેક કાવતરા ઘડાયા છે, કથિત દલિતો બૌદ્ધ પરંપરાને સનાતનથી અળગી કરી રહ્યા છે, જૈનો અને હિંદુઓને અલગ દર્શાવનારા વામપંથી ઇતિહાસકારોના પુસ્તકો પાઠ્યક્રમમાં આજે પણ સામેલ છે, તેવામાં આ પર્વત, આ ગુફાઓ, આ પ્રતીકો, પ્રાચીન મંદિરો અને સનાતન ધર્મની એકતાની ભાવના હિંદુઓ, બૌદ્ધો અને જૈનોને એક તાંતણે જોડે છે.

- Advertisement -

ભારત ઐતિહાસિક વિવિધતા ધરાવતો દેશ છે. દરેક રાજ્ય, પ્રાંત અને શહેરોમાં એવી અનેક રચનાઓ કે બાંધકામ છે, જે આજે પણ પ્રાચીન ભારતની કલાકૃતિ અને એન્જિનિયરિંગને શિખર પર રાખે છે. ઘણા અંગ્રેજ ઇતિહાસકારોએ ભારતની ધરતી પર આવાં અનેક સ્થળોનું વર્ણન કર્યું હતું. ચીની મુસાફરોએ પણ પોતાના પુસ્તકોમાં આવી જગ્યાઓ વિશે લખ્યું હતું. ઘણાં સ્થળો પર આજે પુરાતન ચાદરની પરત ચડી ગઈ છે, આવનારી પેઢી કે હાલના યુવાવર્ગને પણ આવાં સ્થળો વિશેના ઇતિહાસ, તેના મહત્વ અને વારસા વિશેની કોઈ ચોક્કસ માહિતી હોતી નથી. 

આવું જ એક સ્થળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું છે. કુદરતી સંપદાથી લીલીછમ બનેલી શેત્રુંજી કાંઠાની આ ધરતી પર પ્રાચીન કાળની અનેક ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે. પ્રાચીન સમયે તળાજા શહેરને તાલધ્વજ નગર તરીકે ઓળખવામાં આવતું હતું, તેનું કારણ છે શહેરની વચ્ચોવચ્ચ આવેલો અડીખમ પર્વત. પર્વતનું નામ તાલધ્વજગિરિ છે અને તેના પરથી આ શહેરનું નામ પડ્યું હતું. સમયની સાથે જેમ-જેમ પરિવર્તન આવતું ગયું, તેમ-તેમ લોકહૈયે તાલધ્વજનું તળાજા થતું ગયું. 

તળાજાના તાલધ્વજ પર્વત પર ખૂબ પ્રાચીન ગુફાઓ છે. ગુફાઓ પાસેથી શેત્રુંજી નદી વહે છે અને તેનો આહલાદક શાંત પ્રવાહનો અવાજ પર્વત પર અલૌકિલ અનુભૂતિનો આનંદ આપે છે. આ ગુફાઓ ભારતના ઐતિહાસિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પણ આજે સ્થાનિકોની સાથે દેશના અન્ય રાજ્યો કે વિસ્તારોમાં પણ તેના વિશેની માહિતી પ્રમાણે ઓછી જોવા મળે છે. 

- Advertisement -

તળાજાની પ્રાચીન ગુફાઓ

તળાજાની ગુફાઓને સ્થાનિકો બૌદ્ધ ભોંયરાં કહે છે. તેનું અસ્તિત્વ ભાવનગરની સ્થાપના પહેલાંનું છે. આ ગુફાઓ શંકુ આકારના ખડકોમાં કાપવામાં આવી હતી. ઈસુની સદી પહેલાં બૌદ્ધ સાધુઓ પ્રથમ વખત ગુજરાતમાં આવ્યા ત્યારે તેમના સન્માનમાં આ ગુફાઓની રચના કરવામાં આવી હતી. ગુફાઓ કેટલી જૂની છે તેનો કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં નથી આવ્યો, પણ પુરાતત્વવિદોએ અંદાજે 2218 વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન લગાવ્યું છે. એક વાત સિદ્ધ છે કે મહારાષ્ટ્રની અજંતા-ઇલોરાની ગુફાઓ કરતાં પણ આ ગુફાઓ જૂની છે. 

આ ગુફાઓમાં બોધિસત્વની મૂર્તિઓ પણ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં પથ્થરની કોતરણીથી ગુફાઓ બનાવવાની શરૂઆત થઈ હતી, તે પહેલાં આ ગુફાઓની રચના થઈ ચૂકી હતી. અમુક ઇતિહાસકારોના મત મુજબ આ ગુફાઓની તારીખ નક્કી નથી કરી શકાઈ, પણ એકંદરે ઇતિહાસકારો એ સ્વીકારી શક્યા છે કે આ ગુફાઓ અજંતા-ઇલોરાની ગુફાઓ કરતાં પ્રાચીન લગભગ 2218 વર્ષ પહેલાં બનાવવામાં આવી હોય શકે છે.

આ ગુફાઓને ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય મહત્વના સ્મારક’ તરીકે સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી છે. એટલે કે આ ગુફાઓને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવું કાયદાકીય રીતે ગુનો બને છે અને તેના માટે સજા કે દંડ પણ થઈ શકે છે. સમયે-સમયે પુરાતત્વ વિભાગની ટીમો અહીં સહેલાણીઓ માટે વ્યવસ્થા ઊભી કરે છે અને આ ગુફાઓની જાળવણી કરે છે.

રસપ્રદ વાત એ છે કે આ પર્વત પર બૌદ્ધ ગુફાઓ છે અને તે ગુફાઓમાં જૈન સંપ્રદાયના વિવિધ પ્રતીકો અને ચિહ્નો કોતરવામાં આવ્યાં છે. તે સિવાય હિંદુ ધર્મનાં પ્રતીકો, જેમ કે ૐ, સ્વસ્તિક વગેરેની કોતરણી પણ જોવા મળે છે. આ બધી બનાવટ ક્ષત્રપ કાળની (200-300 એડી) હોવાનું ઇતિહાસકારો કહે છે. આખા પર્વત પર આવી લગભગ 30 જેટલી ગુફાઓ છે અને તે વિશાળ જગ્યા પણ ધરાવે છે. 

1880માં પ્રકાશિત ‘The Cave Temples of India‘ પુસ્તકમાં ઇતિહાસકાર જેમ્સ ફોરગુસન અને મેજસ બર્ગેસે લખ્યું છે કે, હૉલમાં કોઈ કોષો દેખાતા નથી. અગ્રભાગમાં ત્યાં ચૈત્ય બારીઓ છે, જેની નીચે વેદિકાની (યજ્ઞકુંડ) વિસ્તૃત રચનાઓ છે. પ્રાચીન સમયમાં બૌદ્ધ ભિક્ષુકો અહીં આવતા હતા અને ગુફામાં શેત્રુંજી નદીના કાંઠે શાંતચિત્તે કુદરતના સાનિધ્યમાં ધ્યાનમગ્ન થતા હતા. આ દરમિયાન તેઓ યજ્ઞ પણ કરતા હોવાનું ગુફાઓની બનાવટ પર દર્શાવવામાં આવ્યું છે. આ ગુફાઓમાં એક ગુફા ‘એભલ મંડપ’ તરીકે ઓળખાય છે અને તે પ્રસિદ્ધ પણ છે. 

સંશોધનકારો માને છે કે આ પ્રાચીન ભારતનો એક પ્રાર્થના હૉલ અથવા ધર્મશાળા હશે, જ્યાં બૌદ્ધ-હિંદુ, જૈન પરંપરાના ઉપદેશ આપવામાં આવતા હતા અને પ્રાચીન પદ્ધતિથી શિક્ષણ પણ આપવામાં આવતું હતું. ઑપઇન્ડિયાની ટીમે આ સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં જોવા મળ્યું હતું કે લગભગ દરેક ગુફામાં ઐતિહાસિક કોતરણી હતી અને એક ઓટલા જેવી રચના બનાવવામાં આવી હતી. ઓટલા જેવી રચના પર ગુરુ કે અન્ય સન્યાસી બિરાજમાન થતા હશે અને નીચે બેસેલા શિષ્યો કે સ્થાનિકોને ધર્મનું જ્ઞાન આપતા હશે એવું અનુમાન લગાવી શકાય છે. 

ગુફાની ભીતર રહેલી ઓરડી અને તેના પર બેસવા માટેનો ઓટલો

ઇતિહાસકારોના મતે ધાર્મિક શિક્ષણની સાથે આ ગુફાઓમાં ધ્યાનની પ્રેક્ટિસ પણ થતી હતી. સ્થાનિકોને પ્રોત્સાહિત કરીને અહીં લાવવામાં આવતા હતા અને ધ્યાન માટેની પ્રક્રિયા શીખવામાં આવતી હતી. અહીં પાણી સંગ્રહિત કરવા માટે પંદરથી વીસ ટાંકીવાળી લગભગ ત્રીસ ગુફાઓ છે, જેમાં કોતરણીવાળી એકમાત્ર ગુફા ‘એભલ મંડપ’ તરીકે જાણીતી છે. તે ગુફા 75 ફૂટ બાય 67નું માપ ધરાવે છે અને 18 ફૂટની તેની ઊંચાઈ છે. 

તળાજાના રાજા એભલ વાળાએ 999 કન્યાઓનાં સમૂહલગ્ન કરાવ્યાં હતાં

ઈ.સ. પૂર્વે 640માં ભારતમાં અતિ પ્રાચીન વલ્લભી વિદ્યાલયનો ઉદય થયો હતો. આ સ્થળ હાલ ભાવનગર જિલ્લામાં આવેલું છે. આ દરમિયાન બૌદ્ધ પંથનો અભૂતપૂર્વ વિકાસ થયો હતો અને તે દરમિયાન બૌદ્ધ ગુફાઓ અને શિલ્પોનું નિર્માણ વધ્યું હતું. તળાજાની ગુફાઓ પણ આ સમયગાળા દરમિયાન વિકસી હોવાનું માનવામાં આવે છે. 2200 વર્ષ પહેલાં ગુપ્ત વંશનાં ચક્રવર્તિ સામ્રાજ્યમાં એભલ મંડપ ગુફાને ‘ચૈત્ય ગુફા’ તરીકે ઓળખવામાં આવતી હતી. ઈ.સ. 640માં ચીની યાંત્રિક હ્યુ-એન-ત્સાંગે પણ પોતાની યાદીમાં આ ગુફાને ‘ચૈત્ય ગુફા’ કહી હતી. 

પરંતુ અંદાજિત 8મી સદીમાં તળાજાના તત્કાલીન રાજવી ‘એભલ વાળા ત્રીજા’એ આ ગુફામાં સામૂહિક કન્યાદાનની ક્રાંતિકારી પરંપરા સ્થાપિત કરી હતી અને 999 બૌદ્ધ, જૈન અને હિંદુ દીકરીઓના એક સાથે લગ્ન કરવામાં આવ્યાં હતાં, જેના કારણે આ વિશાળ ગુફા ‘એભલ મંડપ’ તરીકે ઓળખાવા લાગી હતી. તે સમયે લોકોની નાણાકીય સ્થિતિ સારી ન હતી અને કન્યાઓના લગ્ન કરાવવા માટે ખર્ચ પણ વધી જતો હતો. આ પાસાંને ધ્યાને રાખીને રાજવીએ આ પરંપરા શરૂ કરી હતી, બાદમાં તે સમૂહલગ્ન તરીકે ઓળખાઈ હતી અને આજે પણ આ પરંપરા અનેક સમાજમાં જોવા મળે છે. 

વધુમાં તળાજા ભૂમિ ભક્તકવિ નરસિંહ મહેતાની જન્મભૂમિ પણ છે. તેથી તેમના સન્માનમાં એક ગુફાનું નામ તેમના નામ સાથે સાંકળી દેવામાં આવ્યું છે. ગુફાઓની વિશેષતા એ છે કે અહીં એક પણ ગુફાને સ્તંભ નથી, તેમ છતાં પણ આજે અડીખમ છે.

હિંદુ-બૌદ્ધ-જૈન પરંપરાનો અદભૂત સમન્વય

તાલધ્વજ પર્વત પર આવેલી આ 30 ગુફાઓ સ્થાનિકો માટે આજે પણ આસ્થાનું સ્થાન ધરાવે છે. અમે જ્યારે સ્થળ પર તપાસ કરી રહ્યા હતા, ત્યારે લગભગ 20-25નું શ્રદ્ધાળુઓનું એક ગ્રુપ પગપાળા ત્યાં આવ્યું હતું અને ગુફામાંથી માટી એકઠી કરી રહ્યું હતું. અમે આ વિશે પૂછતાં ગ્રુપના એક મોભીએ જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં આ સ્થળ પર અનેક સિદ્ધ સન્યાસી, સંતો અને ભિક્ષુકોનાં પગલાં પડ્યાં હતાં, તેથી આ માટીને પવિત્ર ગણીને ઘર માટે લઈ જઈ જવામાં આવી રહી છે. વધુ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પર્વત પર ખોડિયાર માતાના દર્શન કરવા માટે આવ્યા હતા. 

નોંધવા જેવું છે કે આ પર્વતનાં શિખર પર બૌદ્ધ મંદિરો આવેલા છે, મધ્યમ ભાગથી ઊંચા શિખર સુધી ડુંગરની ફરતે 30 બૌદ્ધ ગુફાઓ આવેલી છે, જેમાં હિંદુ-બૌદ્ધ-જૈન પરંપરાના પ્રતીકો અંકિત છે અને મંદિરની શરૂઆતમાં સ્થાનિક લોકદેવીનું એક મંદિર છે અને ઉપર સુધી જતાં વચ્ચે-વચ્ચે અનેક હિંદુ દેવીઓનાં મંદિરો આવેલાં છે. તેમાં સૌથી ઊંચું હિંદુ મંદિર દેવી ખોડિયારને સમર્પિત છે. માતા ખોડિયાર ભાવનગરના રાજવંશ પરિવારના સહાયક દેવી છે. 

વડોદરાની એમએસ યુનિવર્સિટીના પ્રોફેસરોએ આ ગુફાના ઇતિહાસ માટે 1952થી 1956 દરમિયાન ખાસ સંશોધન પણ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે આ પ્રાચીન ગુફાઓ અંજતા-ઇલોરા કરતાં પણ ઘણી જૂની છે અને તેની સાથે અનેક સંપ્રદાયોના ઇતિહાસ વણાયેલા છે. જોકે, આજે પણ સ્થાનિકો વારંવાર તેની જાળવણીને લઈને પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. સ્થાનિકો અહીં એક કાયમી પુરાતન વિભાગની કચેરીની માંગણી કરી રહ્યા છે, જેથી ફરિયાદ કરવા માટે સરળતા રહે અને ભાવનગર જિલ્લામાં આવેલા અન્ય સ્મારકો પણ સંરક્ષિત રહે.

આજના સમયમાં જ્યારે સમાજમાં હિંદુ, બૌદ્ધ અને જૈન પરંપરાને અલગ-અલગ દર્શાવવા માટેના અનેક કાવતરાં ઘડાયાં છે, કથિત દલિતો બૌદ્ધ પરંપરાને સનાતનથી અળગી કરી રહ્યા છે, જૈનો અને હિંદુઓને અલગ દર્શાવનારા વામપંથી ઇતિહાસકારોનાં પુસ્તકો પાઠ્યક્રમમાં આજે પણ સામેલ છે, તેવામાં આ પર્વત, આ ગુફાઓ, આ પ્રતીકો, પ્રાચીન મંદિરો અને સનાતન ધર્મની એકતાની ભાવના હિંદુઓ, બૌદ્ધો અને જૈનોને એક તાંતણે જોડે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં