ભારતની સંસ્કૃતિને તોડવાના પ્રયાસો ઘણી વિચારધારાઓએ કર્યા છે, જેમાં મુખ્ય સામ્યવાદી વિચારધારા રહી છે. પરંતુ આ વિચારધારાઓનો વિરોધ કરવા અને સમાજને જાગૃત કરવા માટે પણ ઘણા સંગઠનોના લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. આજે આપણે એવા જ એક સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) કાર્યકર્તાઓની વાત કરવાના છીએ. ABVPના એ કાર્યકર્તાઓ જેઓએ સામ્યવાદી વિચારધારાથી પ્રેરિત સંગઠન SFI અને DYFIના હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમના બલિદાનને 28 વર્ષ બાદ પણ ABVP યાદ કરે છે અને ‘પરુમલા બલિદાન દિવસ’ તરીકે ઉજવે છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી વિદ્યાર્થી પરિષદ વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન કહેવાય છે. આ સિવાય તેની વિચારધારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી હોવાથી તે RSSની વિદ્યાર્થી પાંખ પણ કહેવાય છે. વર્ષ 1948માં યશવંત રાવ કેલકરજીએ ABVPની સ્થાપના કરી હતી. ત્યારથી અત્યાર સુધી ABVP વિદ્યાથીઓ માટે અને રાષ્ટ્ર માટે કાર્ય કરવામાં અગ્રીમ ભૂમિકા ધરાવે છે.
ABVPની મહત્વપૂર્ણ ભૂમિકા
ઉલ્લેખનીય છે કે ABVPએ દેશના દરેક મહત્વપૂર્ણ મુદ્દાઓમાં પોતાની અગ્રીમ ભૂમિકા ભજવી છે, પછી તે નક્સલવાદવિરોધી અંદોલન હોય, સામ્યવાદવિરોધી અંદોલન હોય કે કલમ 370નો મામલો હોય. ત્યારે આજે આપણે એવી જ ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઘટનામાં રાષ્ટ્રવિરોધી તાકાતોએ ABVPના કાર્યકર્તાઓની હત્યા કરી અને એ એ હત્યાને દુર્ઘટનામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ એ સમયગાળો હતો જયારે સામ્યવાદી ક્રૂરતા તેની ચરમસીમા પર પહોંચેલી હતી. કોમ્યુનીસ્ટ પાર્ટી (M)ની વિદ્યાર્થી પાંખ SFI (સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા) અને DYFI (ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા)ના ગુંડાઓની દાદાગીરી મોટા પ્રમાણમાં વધી રહી હતી. કેરળમાં આ સમયગાળા દરમિયાન કોઈ પણ કોલેજ-કેમ્પસ કે યુનિવર્સિટીમાં આ સંગઠનો અન્ય વિદ્યાર્થી સંગઠનોનો પ્રવેશ થવા દેતા નહોતા. જો અન્ય કોઈ વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓ કેમ્પસમાં પ્રવેશવાનો કે અન્ય વિચાર ફેલાવવાનો પ્રયાસ કરે તો તેમના પર જુલમ ગુજારવામાં આવતો હતો.
કેરળમાં ABVPના કાર્યકર્તાઓ પર હુમલો
આવ કપરા સમયમાં પણ ABVPના કાર્યકર્તાઓ સામ્યવાદી વિચારધારાના વિરોધમાં રાષ્ટ્રવાદી વિચારનો ફેલાવો કરવા મથી રહ્યા હતા. ત્યારે કેરળના પારુમાલામાં આવેલી દેવસ્વોમ બોર્ડ કોલેજમાં એક એવી ઘટના બની જેણે લોકશાહીના પાયાને પણ ઝકઝોળી મુક્યો હતો. વાત છે વર્ષ 17 સપ્ટેમ્બર 1996ની. દિવસે સુજીત, કિમ કરુણાકરણ અને પીએસ અનુ નામક 3 વિદ્યાર્થીઓ પર SFI અને DYFIના ગુંડાઓ દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલો એટલા માટે થયો હતો કારણે આ વિદ્યાર્થીઓ ABVPના કેમ્પસ યુનિટમાં સક્રિય ભાગ ભજવીને રાષ્ટ્રહિત અને ભારતીય સંસ્કૃતિના વિચાર માટે કામ કરી રહ્યા હતા.
રાષ્ટ્ર હિત માટે અને સામ્યવાદ, માર્ક્સવાદ અને નક્સલવાદ જેવા હિંસક વિચારધારાઓના વિરોધમાં અગ્રીમ ભૂમિકા ભજવી રહેલા ABVPના 3 કાર્યકર્તાઓને SFI અને DYFIના ગુંડાઓએ ઘેરી લીધા હતા. આ બાદ ગુંડાઓથી બચવા સુજીત, કિમ કરુણાકરણ અને પીએસ અનુએ પાસે આવેલી પમ્પા નદીમાં ભૂસકો લગાવી દીધો હતો, કે તરીને આ ગુંડાઓથી બચી જવાશે. પરંતુ નદીમાં કૂદયા બાદ પણ ABVPના 3 કાર્યકર્તાઓ ના બચી શક્યા.
નદીમાં કૂદેલા ABVPના કાર્યકર્તાઓ પર SFIના ગુંડાઓ કર્યો હતો પથ્થરમારો
ABVPના આ 3ને કાર્યકર્તાઓને જાણે મારવાનું નક્કી જ કરીને આવ્યા હોય SFI અને DYFIના ગુંડાઓ નદીમાં તરી રહેલા કાર્યકર્તાઓ પર પણ ક્રૂરતાથી પથ્થરમારો કરવા લાગ્યા. આ દરમિયાન નદી કાંઠે કપડાં ધોઈ રહેલી મહિલાઓએ નદીમાં તરી રહેલા વિદ્યાર્થીઓને બચાવવા પોતાની સાડીઓ પણ નદીમાં ફેંકી હતી. પરંતુ SFIના ગુંડાઓએ આ મહિલાઓને પણ ના છોડી. બચાવવાનો પ્રયાસ કરવા બદલ SFIના ગુંડાઓએ મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમની પર પણ પથ્થરમારો કરી દીધો હતો. આ બાદ મહિલાઓ પણ ડરીને ત્યાંથી ભાગી ગઈ હતી.
માર્ક્સવાદી સરકારે કરી હતી પુરાવાઓ સાથે છેડછાડ
બીજી તરફ ABVPના કાર્યકર્તાઓ આ હુમલાથી બચીને બહાર ન આવી શક્યા અને નદીમાં જ મૃત્યુ પામ્યા હતા. કેરળમાં તે સમયે માર્ક્સવાદીઓનું શાસન હતું, ઇ.કે. નયનરની આગેવાની હેઠળની કેરળ સરકારે SFIના ગુંડાઓને બચાવવા દરેક પુરાવાનો નાશ કર્યો હતો. હદ તો ત્યાં થઇ જયારે સામ્યવાદી, માર્ક્સવાદી સરકારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે છેડછાડ કરી. સરકાર દ્વારા SFI અને DYFIના ગુંડાઓને બચાવવા માટે એક નવો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો.
આ નવા રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું કે મૃત્યુ પામેલ ABVPના કાર્યકર્તાઓ નશામાં હતા અને નદીમાં પડીને ડૂબીને મૃત્યુ પામ્યા હતા. આ બનાવટી પુરાવાઓની મદદથી, માર્ક્સવાદી નેતૃત્વ હેઠળની કેરળ સરકાર સફળતાપૂર્વક કેસ જીતી ગઈ હતી. જુન 2006માં કેરળ હાઈકોર્ટે 18 SFI કાર્યકરોને નિર્દોષ જાહેર કર્યા હતા.
આ ઘટના બાદ પણ ABVPના કાર્યકર્તાઓ અને RSSના સ્વયંસેવકો પર વારંવાર હુમલા થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તેમ છતાં કાર્યકર્તાઓ હાર માન્યા વગર, નિરાશ થયા વગર વર્તમાનમાં પણ દક્ષિણના કેરળ સહિતના રાજ્યોમાં સામ્યવાદી જૂથોના વિરોધમાં લડત ચલાવી રહ્યા છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ વર્ષ 2017માં ABVP દ્વારા આપયેલું ‘ચલો કેરલા’ અભિયાન છે. જે સામ્યવાદી જૂથો અને સરકારો દ્વારા થઇ રહેલા અત્યાચારોના વિરોધમાં ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં ABVPના 50,000થી વધુ કાર્યકર્તાઓ કેરળ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.