Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણસ્વતંત્રતા મળ્યા બાદ 10,000 હિંદુઓ પ્રથમ વાર કરશે મતદાન, કલમ-370ના કારણે 'અસ્પૃશ્ય'...

    સ્વતંત્રતા મળ્યા બાદ 10,000 હિંદુઓ પ્રથમ વાર કરશે મતદાન, કલમ-370ના કારણે ‘અસ્પૃશ્ય’ થયો હતો જમ્મુ-કાશ્મીરનો વાલ્મીકિ સમાજ: હવે મળ્યા તમામ અધિકારો

    જ્યારે કેન્દ્રની મોદી સરકારે 5 ઑગસ્ટ, 2019ના રોજ રાજ્યમાંથી કલમ 370 નાબૂદ કરી, ત્યારે વાલ્મીકિ સમાજની પરિસ્થિતિમાં અચાનક પરિવર્તન આવી ગયું હતું. જમ્મુમાં આવ્યાના 6 દાયકા બાદ આખરે 2020માં વાલ્મીકિ સમાજના લોકોને સ્થાયી નિવાસી તરીકેના પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) 10 વર્ષ બાદ વિધાનસભાની (Assembly Election) ચૂંટણી યોજાઈ રહી છે. આ સમયગાળા દરમિયાન ત્યાં ઘણું બદલાયું છે. હવે રાજ્યમાં ન તો કલમ 370 (Article 370) છે કે ન તો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો છે. જમ્મુ અને કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ સાથે અહીંનો સામાજિક માહોલ પણ બદલાઈ ગયો છે. અહીંના વાલ્મીકિ સમાજના (Valmiki Community) લોકો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે. આ પહેલાં તેમને મત આપવાનો અધિકાર નહોતો. કલમ 370 હટ્યા બાદથી આ હિંદુ સમાજના લોકોને મતાધિકાર મળ્યો છે.

    જમ્મુ-કાશ્મીર પ્રદેશમાં રહેતા વાલ્મીકિ સમાજના લગભગ 350 પરિવારો પ્રથમ વખત મતદાન કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કલમ 370 અને 35A હટાવ્યા બાદ તેમને અન્ય નાગરિકોની જેમ તમામ અધિકારો મળ્યા છે. આ પરિવારોના પૂર્વજોને 1957માં તત્કાલિન સરકાર દ્વારા રોગચાળા દરમિયાન સફાઇ કર્મચારી તરીકે કામ કરવા પંજાબથી જમ્મુ લાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં લાવવામાં તો આવ્યા, પરંતુ તેમને કોઈ અધિકારો સુદ્ધાં આપવામાં આવ્યા નહોતા.

    આ વાલ્મીકિ પરિવારો પંજાબથી આવીને જમ્મુમાં રહેવા લાગ્યા હતા અને હંમેશા માટે જમ્મુના જ થઈ ગયા હતા. તેમ છતાં, તેમને ક્યારેય રાજ્યના કાયમી રહેવાસીઓનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. લોકશાહી પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ગણાતા મતદાનથી પણ તેમને વંચિત અને ‘અસ્પૃશ્ય’ રાખવામાં આવ્યા હતા. આ વર્ગ જમ્મુ અને કાશ્મીરમાં બીજા દરજ્જાના નાગરિક તરીકે જીવી રહ્યો હતો. તેઓ રાજ્યના અન્ય રહેવાસીઓ માટે ઉપલબ્ધ તમામ અધિકારોથી પણ વંચિત હતા.

    - Advertisement -

    2020માં મોદી સરકારે આપ્યા તમામ અધિકારો

    જ્યારે કેન્દ્રની મોદી સરકારે 5 ઑગસ્ટ, 2019ના રોજ રાજ્યમાંથી કલમ 370 નાબૂદ કરી, ત્યારે વાલ્મીકિ સમાજની પરિસ્થિતિમાં અચાનક પરિવર્તન આવી ગયું હતું. જમ્મુમાં આવ્યાના 6 દાયકા બાદ આખરે 2020માં વાલ્મીકિ સમાજના લોકોને સ્થાયી નિવાસી તરીકેના પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યા હતા. આ ઘટના વાલ્મીકિ સમાજના લોકો માટે એક સ્વર્ણિમ પ્રભાત હતી. તેમને ખરા અર્થમાં દેશના નાગરિક અને જમ્મુ-કાશ્મીરના રહેવાસી તરીકેના અધિકારો આપવામાં આવ્યા હતા.

    વાલ્મીકિ સમાજના આ પરિવારોના લગભગ 10,000 સભ્યો રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા વાલ્મીકિ સમાજના પ્રમુખ ઘારુ ભાટીએ બંધારણીય ફેરફારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાના આખા સમાજ તરફથી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ એક સપના જેવું લાગે છે અને તે સપનું પણ હવે સત્ય બની ગયું છે.

    ઉલ્લેખનીય છે કે, મતદાનની સાથે-સાથે વાલ્મીકિ સમાજના બાળકો ત્યાં સરકારી નોકરી માટે પણ અરજી કરી શકતા ન હતા, કારણ કે તેમની પાસે કાયમી નિવાસી પ્રમાણપત્ર ન હતું. જેના કારણે તે લોકોમાં ભારે નિરાશા જોવા મળતી હતી. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વાલ્મીકિ સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

    પાકિસ્તાન જેવી હાલત હતી વાલ્મીકિ સમાજની

    પાકિસ્તાનમાં સફાઈ કામદાર તરીકે કામ કરવા માટે બિન-મુસ્લિમ હોવું જરૂરી છે. આવી જાહેરાતો પણ ત્યાં આવતી રહે છે. નાળા-શૌચાલય-ગટરો સાફ કરતાં હિંદુ દલિતોની જે હાલત પાકિસ્તાનમાં છે, તે જ હાલત કલમ 370ના હટ્યા પહેલાં જમ્મુ-કાશ્મીરમાં પણ હતી. જમ્મુ-કાશ્મીરના કોઈપણ રાજકીય પક્ષે આ માટે અવાજ ઉઠાવ્યો નહોતો.

    1957માં જમ્મુ અને કાશ્મીર રાજ્યે વિધાનસભાના આદેશ દ્વારા સફાઇ કર્મચારીઓના નામે વાલ્મીકિ સમુદાયના લોકોને પંજાબના પઠાણકોટ, અમૃતસર, જાલંધર, હોશિયારપુર વગેરે શહેરોમાંથી લાવીને તેમને વિવિધ સ્થળોએ કોલોની બનાવી આપી હતી અને ત્યાં જ તેમની વસાહતો પણ સ્થાપી હતી. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સરકારી દસ્તાવેજોમાં આ નોકરીને ‘ભંગી પેશા’ નામ આપવામાં આવ્યું હતું.

    વાલ્મીકિ સમાજના લોકોને સફાઈ સિવાય અન્ય કોઈ કામ કરવાની સત્તાવાર રીતે મનાઈ હતી. દેશ-વિદેશમાંથી ભણેલા આ સમુદાયના લોકો ન તો મેડિકલ કે એન્જિનિયરિંગ જેવા કોઈ સરકારી ઉચ્ચ શિક્ષણ કે પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લઈ શકતા હતા, ન તો વિધાનસભાની ચૂંટણી લડી શકતા હતા અને ન તો મતદાન પણ કરી શકતા હતા. કલમ 370 હટ્યા બાદ આ તમામ અધિકારો વાલ્મીકિ સમાજના લોકોને આપવામાં આવ્યા છે. આ વખતે તેઓ પહેલીવાર મતદાન પણ કરવા જઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં