ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી IIT-BHU પરિસરમાં બે મહિના પહેલાં એક વિદ્યાર્થિની સાથે ત્રણ આરોપીઓએ અપમાનજનક કૃત્ય કર્યું હતું. આરોપ છે કે વિદ્યાર્થિની સાથે ગેંગરેપ પણ કરવામાં આવ્યું હતું. જેને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે કેસમાં હવે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણેય આરોપીઓની ઓળખ કુણાલ પાંડે, અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલ તરીકે થઈ છે. પોલીસે ઘટના સમયે ઉપયોગમાં લેવાયેલી બાઈકને પણ જપ્ત કરી લીધી છે.
1 નવેમ્બર, 2023ના રોજ IIT-BHU કેમ્પસમાં રાત્રે 1:30 કલાકની આજુબાજુ એક વિદ્યાર્થિની સાથે ત્રણ વ્યક્તિઓએ બાઈક પર આવીને દુષ્કૃત્ય કર્યું હતું. જે ત્રણેય આરોપીઓની હવે ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્રણેય પર વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. જાણવા મળી રહ્યું છે કે ત્રણેય આરોપીઓ વારાણસીના જ રહેવાસી છે. આ કેસમાં IPCની કલમ 354(B), 506 અને IT એક્ટની કલમ 66 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પાછળથી ગેંગરેપ (IPC 376-D) અને ઇલેકટ્રોનિક સાધનોની મદદથી જાતીય સતામણી (IPC 509) જેવી કલમો ઉમેરવામાં આવી હતી. આ બંને કલમો પીડિતાના મેજિસ્ટ્રેટની સામે નોંધવામાં આવેલા નિવેદન બાદ વધારવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કર્યા છે.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના 1 નવેમ્બર, 2023ના રોજ રાત્રે બની હતી. IITની એક વિદ્યાર્થીની પરિસરમાં વૉક પર નીકળી હતી. રસ્તામાં તેનો એક મિત્ર મળી ગયો. બંને ચાલતાં જતાં હતાં ત્યારે વચ્ચે બાઈક પર આવેલા 3 યુવકોએ તેમને રોક્યાં હતાં. FIRમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, હું મારી હોસ્ટેલ ન્યૂ-ગર્લ્સ IIT BHU કેમ્પસથી નીકળી હતી. જેવી ગાંધી સ્મૃતિ છાત્રાવાસ ચોક પર પહોંચી, ત્યાં મારો મિત્ર મળ્યો. અમે બંને સાથે જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કર્મન બાબા મંદિરથી લગભગ 300-400 મીટર પર એક બાઇક આવી જેની ઉપર 3 લોકો બેઠા હતા. તેમણે પોતાની બાઇક ત્યાં જ ઊભી રાખીને મને અને મારા મિત્રને અલગ કરી દીધા અને પછી મારું મોં દબાવી દીધું.”
તેણે આગળ જણાવ્યું કે, “તેઓ મને હથિયાર બતાવીને ખૂણામાં લઇ ગયા અને પહેલાં કિસ કરી અને પછી મારાં કપડાં ઉતારીને વીડિયો અને ફોટો લીધા. બચાવ માટે મેં બૂમાબૂમ કરી તો મને મારવાની ધમકી આપવામાં આવી અને મારો મોબાઈલ નંબર પણ લીધો અને 10-15 મિનીટ સુધી બંધક બનાવીને રાખી. પછી આપત્તિજનક સ્થિતિમાં છોડી ગયા.” જ્યારે પીડિતાએ પોલીસ સ્ટેશને આ વિશેની ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદ તેણે મેજિસ્ટ્રેટ સામે તેની સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. એ પછી FIRમાં ગેંગરેપની કલમો ઉમેરવામાં આવી હતી.