Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમ'હું બૂમો પાડતી રહી, એ ગાળો આપીને મારતો રહ્યો': AAP સાંસદ સ્વાતિ...

    ‘હું બૂમો પાડતી રહી, એ ગાળો આપીને મારતો રહ્યો’: AAP સાંસદ સ્વાતિ માલીવાલની ફરિયાદ બાદ કેજરીવાલના PSને શોધી રહી છે દિલ્હી પોલીસ, મોડી રાતે કરાયો મેડિકલ રિપોર્ટ

    આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે બિભવ કુમારને આજે સવારે 11 વાગ્યે હાજર થવા જણાવ્યું છે.

    - Advertisement -

    સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ (PS) વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમણે ઘટનાના 81 કલાક બાદ પોલીસને 2.5 પાનાની ફરિયાદ આપી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે બિભવે તેમના ચહેરા, પેટ અને છાતી પર 5-6 વાર માર માર્યો હતો. માલીવાલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, “હું સીએમ આવાસના ડ્રોઈંગ રૂમમાં હતી અને ત્યાં રાહ જોઈ રહી હતી, ત્યારે તેમનો અંગત સચિવ આવ્યો અને મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. કોઈપણ ઉશ્કેરણી વગર થપ્પડ મારી. મેં બૂમો પાડી અને કહ્યું મને છોડો, મને જવા દો. પણ તે મારતો રહ્યો.”

    સ્વાતિ માલીવાલના જણાવ્યા અનુસાર, પર્સનલ સ્ટાફ તેમની સાથે દુર્વ્યવહાર કરતો રહ્યો, તેને ધમકાવતો રહ્યો અને ‘જોઈ લઈશું, પતાવી દઈશું’ જેવા શબ્દો પણ બોલ્યા. આ પછી તેણે પહેલા તેના ચહેરા પર અને પછી પેટ પર માર માર્યો. માલીવાલના કહેવા પ્રમાણે, આ પછી તે બહાર દોડી ગઈ અને પોલીસને બોલાવી.

    પોલીસે માલીવાલના ઘરે જઈને ફરિયાદ નોંધી

    તેમની ફરિયાદ બાદ સ્પેશિયલ સેલની ટીમે સ્વાતિ માલીવાલ સાથે સુરક્ષા વ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. સ્પેશિયલ સેલના એડિશનલ કમિશનર પ્રમોદ કુશવાહા પોતે માલીવાલના ઘરે તેમનું નિવેદન નોંધવા પહોંચ્યા હતા. પોલીસ લગભગ 4 કલાક સુધી તેમના ઘરે રોકાઈ હતી.

    - Advertisement -

    આખો મામલો સાંભળ્યા અને સમજ્યા પછી, સ્વાતિ માલીવાલના નિવેદનના આધારે, પોલીસે બિભવ કુમાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354, 506, 509, 323 અને અન્ય કલમો હેઠળ FIR દાખલ કરી. ત્યારબાદ તેમને મેડિકલ માટે એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જ્યારે તે રાત્રે 3 વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે એક વિડીયો સામે આવ્યો જેમાં તેઓ ધ્રુજતા ધ્રુજતા ઘરમાં પ્રવેસતા દેખાયા હતા.

    મહિલા આયોગે બિભવને મોકલ્યું છે તેડું

    એફઆઈઆર નોંધાયા બાદ ઉત્તર જિલ્લાની પોલીસ ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમો સમગ્ર કેસની તપાસમાં વ્યસ્ત થઈ ગઈ છે. આ ક્રમમાં એક ટીમ બિભવના ઘરે તેની પૂછપરછ કરવા પહોંચી હતી. જોકે તે ત્યાં મળી આવ્યો ન હતો. તે 16 મેના રોજ લખનૌ એરપોર્ટ પર કેજરીવાલ સાથે જોવા મળ્યો હતો. આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે બિભવ કુમારને આજે સવારે 11 વાગ્યે હાજર થવા જણાવ્યું છે.

    ઘટના બાદ માલીવાલની પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ

    પોલીસને ફરિયાદ આપ્યા બાદ સ્વાતિ માલીવાલે એક્સ પર એક પોસ્ટ પણ લખી હતી. તેમણે કહ્યું, “મારી સાથે જે થયું તે ખૂબ જ ખરાબ હતું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને મારું નિવેદન આપ્યું છે. મને આશા છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પ્રાર્થના કરનારાઓનો હું આભાર માનું છું. જેમણે ચરિત્રહનનનો પ્રયાસ કર્યો, તેઓએ કહ્યું કે, આ અન્ય પક્ષના કહેવાથી કરવામાં આવી રહ્યું છે, ભગવાન તેમનું પણ ભલું કરે. દેશમાં મહત્વપૂર્ણ ચૂંટણીઓ ચાલી રહી છે, સ્વાતિ માલીવાલ મહત્વના નથી, દેશના મુદ્દા મહત્વપૂર્ણ છે. ભાજપના લોકોને ખાસ વિનંતી છે કે આ ઘટના પર રાજકારણ ન કરો.”

    ઉલ્લેખનીય છે કે સ્વાતિ માલીવાલ સાથે આ ઘટના 13 મેના રોજ બની હતી. તે દિવસે, પોલીસને તેમના નામે બે કોલ આવ્યા હતા જેમાં તેમણે હુમલાની માહિતી આપી હતી. આ પછી તે પોલીસ સ્ટેશન પણ ગઈ હતી પરંતુ કોઈ ફરિયાદ આપ્યા વિના જ પાછી ફરી હતી અને પછી મીડિયામાં કંઈ કહ્યું ન હતું. તેમના મૌનથી અનેક સવાલો ઉઠી રહ્યા હતા. જો કે, હવે તેમણે પોલીસને પોતાની ફરિયાદ આપતાં પોલીસે બિભવ સામે ગુનો નોંધ્યો છે. બીજી તરફ સ્વાતિ માલીવાલના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં