એક તરફ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ ઇસ્લામી કટ્ટરપંથીઓ ફરી એકવાર નૂપુર શર્મા સામે જેવો માહોલ સર્જવામાં આવ્યો હતો તેવી સ્થિતિ ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે રીતે ભાજપનાં પૂર્વ પ્રવક્તાને ટાર્ગેટ કરીને કટ્ટરપંથીઓએ તેમનો જીવ જોખમમાં મૂકી દીધો હતો, તે જ રીતે હવે મહારાષ્ટ્રના મહંત રામગિરી મહારાજ તેમના નિશાને છે. મહંત રામગિરી વિરુદ્ધ પયગંબર મોહમ્મદના અપમાનના આરોપ બાદ ‘સર તન સે જુદા’ના નારા લાગી રહ્યા છે.
મહંત રામગિરી પર પયગંબર મોહમ્મદના અપમાનનો આરોપ લગાવીને કેટલાક ઇસ્લામી કટ્ટરપંથીઓએ સર તન સે જુદાના નારા લગાવ્યા હતા. આટલું જ નહીં, તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. બીજી તરફ, મામલાની સંવેદનશીલતાને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા તેમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
બીજી તરફ આ હુલ્લડને જોઇને મહંત રામગિરીએ પણ પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ 15 ઑગસ્ટના દિવસે સત્સંગમાં રાજધર્મને લઈને વ્યાખ્યાન આપી રહ્યા હતા. દરમિયાન તેમણે બાંગ્લાદેશી હિંદુઓ વિરુદ્ધ થઇ રહેલા અત્યાચારનો પણ ઉલ્લેખ કર્યો હતો. અહીં તેમણે પયગંબરના જીવનને લગતું એક ઉદાહરણ આપ્યું હતું. જે તેમણે કહ્યું કે ઇસ્લામનાં પુસ્તકોમાં જ લખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમણે જે કશું પણ કહ્યું છે તમામ બાબતો ઇસ્લામી પુસ્તકમાં પહેલેથી જ લખવામાં આવી છે. તેમણે કહ્યું કે, “મારું નિવેદન વિવાદિત નથી, તેને વિવાદિત બનાવવામાં આવ્યું છે. મારું પ્રવચન દોઢ કલાકનું હતું. તે દરમિયાન હું પિતામહ ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ જણાવી રહ્યો હતો.”
Mahant Ramgiri Maharaj Exclusive Interview: "मुसलमान मेरे भक्त हैं", देखें और क्या बोले महंत रामगिरी#IndiaTV #mahantramgiri #ramgirimaharaj pic.twitter.com/tXkXiZZhde
— India TV (@indiatvnews) August 18, 2024
તેમણે ઉમેર્યું કે, “આ દરમિયાન બાંગ્લાદેશની વાત નીકળી, કારણ કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઇ રહ્યા છે. મહિલાઓ સાથે બળાત્કાર થઇ રહ્યા છે અને હિંદુ પલાયન કરી રહ્યા છે. ત્યાં નરક જેવી સ્થિતિ છે. આ વિષય પર ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન અમે તે ઉદાહરણ (જેને મોહમ્મદ પયગંબરનું અપમાન કહીને હોબાળો મચાવવામાં આવી રહ્યો છે) આપ્યું હતું. તેનું ખોટું અર્થઘટન કરીને તેને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, “મુસ્લિમોએ તેને લઈને નારાજ ન થવું જોઈએ. મેં જે કહ્યું તે સત્ય કહ્યું છે. જે પણ કહ્યું તે બધું જ તેમના પુસ્તકમાં લખેલું છે. આથી જ નારાજ થવાની કોઈ જરૂર જ નથી. રહી વાત માફી માંગવાની, તો બધાના પોતાના વિચારો હોય છે. અમે જે કહી દીધું, તે કહી દીધું બસ.” દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમને હજુ સુધી ધમકીઓ નથી મળી. તેમણે કહ્યું કે જો કોઈને તેમની વાતથી વાંધો હોય તો કોર્ટ-કાયદો છે અને તે કેસ કરી શકે છે. તેઓ તેનો જવાબ કોર્ટમાં આપશે.
ઉલ્લેખનીય છે કે મહંત વિરુદ્ધ મહારાષ્ટ્રના નાસિક અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં અનેક ફરિયાદો આપવામાં આવી છે. બીજી તરફ પોલીસે તેમના વિરુદ્ધ મળેલી ફરિયાદના આધારે BNSની કલમ 302 (ધાર્મિક ભાવનાનોને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ્યથી બોલવું) તેમજ અન્ય અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમના પર ધર્મના આધારે દુશ્મની ઉભી કરવી, શાંતિ ભંગના ઈરાદે જાણીજોઈને અપમાન કરવું તેમજ ધમકીઓની કલમો સામેલ છે.
મહંત રામગિરી મહારાષ્ટ્રના સરલા દ્વીપના મઠાધીશ તરીકે જાણીતા છે. માનવામાં આવે છે કે સરલા દ્વીપનું નિર્માણ ગોદાવરી નદીના વિભાજનથી થયું હતું. છત્રપતિ સંભાજીનગર, નાસિક, જાલના, જલગાંવ ક્ષેત્રમાં તેમના ભક્તો મોટી સંખ્યામાં છે. મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પણ તેમના શિષ્યો છે. તેમનું કહેવું છે કે તેમના ભક્તોમાં હિંદુઓ જ નહીં, મુસ્લિમો પણ મોટી સંખ્યામાં છે અને તેઓ ધાર્મિક આયોજનોમાં પણ ભાગ લેતા રહ્યા છે.