રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એક એવું સંગઠન કે જે દરેક સારા-નરસા પ્રસંગે દેશમાં સેવા માટે નિસ્વાર્થભાવે ખડે પગે ઉભું હોય છે. દેશના કોઈ પણ ખૂણામાં કુદરતી આપત્તિ આવી પડી હોય કે પછી માનવસર્જિત આપદા, સેવાકાર્યોમાં જોતરાયેલા સંઘના સ્વયંસેવકો નજરે પડી જ જાય. તેવામાં તાજેતરમાં જ યોજાયેલી પુરીની ભગવાન જગન્નાથની રથયાત્રામાં પણ RSSના સ્વયંસેવકો સેવા આપતા નજરે પડ્યા હતા.
રવિવારે (8 જુલાઈ 2024) પુરીમાં ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રા અતિ ભવ્યતાથી શરૂ થઈ છે. દરમિયાન લાખોની જનમેદનીમાં નાનીમોટી ઘટનાઓ પણ ઘટી. એકાદ જગ્યાએ ભાગદોડ જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું પરંતુ કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. જગન્નાથ પુરીની રથયાત્રામાં થયેલી ભાગદોડની ઘટનામાં RSSના સ્વયંસેવકો પ્રશાસન સાથે ખભે ખભો મેળવીને સેવા કાર્યોમાં ખડે પગે ઉભું હતું.
RSS Swayamsevaks helping the people during Jagannath Yatra in Puri pic.twitter.com/qsvdeVbVZz
— Organiser Weekly (@eOrganiser) July 8, 2024
આ સમયના કેટલાક વિડીયો પણ સામે આવ્યા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે સંઘના સ્વયંસેવકો રસ્તા પર આવી રથયાત્રા સુચારુરૂપે સંપન્ન થાય તે માટે વ્યવસ્થામાં લાગેલા હતા. સામે આવેલા વિડીયો મુજબ સ્વયંસેવકો રસ્તાની બે તરફ હરોળમાં ઉભા રહીને એમ્બ્યુલન્સ માટે રસ્તો ક્લીયર કરાવી રહ્યા છે. સંઘના ગણવેશમાં દેખાતા સ્વયંસેવકોએ રસ્તાની બે બાજુએથી માનવ સાંકળ બનાવીને ઈજાગ્રસ્તને લઈ જતી એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો બનાવ્યો હતો.
પુરીમાં રથયાત્રા દરમિયાન થયેલી ભાગદોડમાં લગભગ 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જયારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બીજી તરફ રથયાત્રા અને ભક્તોને વધુ તકલીફ ન પડે તે હેતુથી સ્થાનિક પ્રશાસન અને RSSના સ્વયંસેવકોએ યુધ્ધના ધોરણે કાર્ય કરી પરિસ્થિતિ પર નિયંત્રણ રાખ્યું હતું.
હાથરસ દુર્ઘટનામાં પણ RSS ખડેપગે હતું
માત્ર પુરીની રથયાત્રા જ નહીં, ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે તાજેતરમાં થયેલી ત્રાસદીમાં પણ સંઘના સ્વયંસેવકો રાહત કાર્યો કરતા જોવા મળ્યા હતા. એક સત્સંગ સભા દરમિયાન થયેલી ભાગદોડ બાદ RSS તેમજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ અને સેવા ભરતી જેવા હિંદુ સંગઠનો પીડિતોની મદદ કરતા નજરે પડ્યા હતા.
हाथरस हादसा : पीड़ितों के साथ खड़े दिखाई दिए संघ के स्वयंसेवक#Hathras @RSSorg pic.twitter.com/JndCNR9dJd
— Prakash Shrivastava (@PrakashShriRSS) July 6, 2024
બીજી તરફ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની 147મી ભવ્ય રથયાત્રા સંપન્ન થઈ. અમદાવાદમાં પણ પોલીસ પ્રશાસન સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતના સંગઠનો સેવામાં ખડે પગે ઉભા હતા અને અમદાવાદની રથયાત્રા પણ સુચારુરૂપે સંપન્ન થઈ હતી.