વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી જન ધન યોજનાએ એક નવો માઈલસ્ટોન સર કર્યો છે. તાજેતરમાં વિવિધ બેન્કો દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, જન ધન ખાતાંની કુલ સંખ્યા 50 કરોડને પાર જતી રહી છે.
કેન્દ્ર સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, તાજેતરમાં દેશની વિવિધ બેન્કો દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે 9 ઓગસ્ટ, 2023ના રોજ જન ધન ખાતાંની સંખ્યા 50 કરોડ થઇ હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, 2014ના રોજ આ યોજના લૉન્ચ કરી હતી. લગભગ 9 વર્ષ બાદ આ ઉપલબ્ધિ મેળવાઈ છે.
આંકડાઓ અનુસાર, આ ખાતાંમાંથી 56 ટકા અકાઉન્ટ મહિલાઓનાં નામે છે, જ્યારે 67 ટકા ખાતાં એવાં છે જે ગ્રામ્ય અને સેમી-અર્બન વિસ્તારોમાંથી ખોલવામાં આવ્યાં છે. જેથી આ યોજનાનો વ્યાપ શહેરો ઉપરાંત ગામડાંઓમાં પણ એટલો જ ત્યો છે. સરકાર અનુસાર, આ અકાઉન્ટ્સમાં કુલ 2.03 લાખ કરોડ રૂપિયાની રકમ જમા છે જ્યારે 34 કરોડ રૂપે કાર્ડ નિઃશુલ્ક વિતરિત કરવામાં આવ્યા છે.
આ ખાતાંમાં સરેરાશ બેલેન્સ રૂપિયા 4 હજાર જેટલું છે જ્યારે 5.5 કરોડ ખાતાં એવાં છે જેઓ DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર)ના લાભ મેળવે છે. સરકારે જણાવ્યું કે, આ યોજના દેશના નાણાકીય પરિવેશને બદલવામાં સફળ રહી છે અને લોકોને અનેક લાભો મળ્યા છે. આગળ જણાવવામાં આવ્યું કે, ટેક્નોલોજી, સહયોગ અને ઇનોવેશન દ્વારા દેશના અંતિમ છેડાને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના હેતુથી લૉન્ચ કરવામાં આવેલી આ યોજના વ્યાપક રીતે સફળતા પામી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઉપલબ્ધિની પ્રશંસા કરી. તેમણે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને તેને નોંધપાત્ર માઈલસ્ટોન ગણાવી અને સાથે ઉમેર્યું કે, જાણીને ખૂબ આનંદ થયો કે આમાંથી અડધાંથી વધુ ખાતાં નારી શક્તિનાં છે. 67 ટકા કરતાં વધુ ખાતાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખુલવાં એ દર્શાવે છે કે નાણાકીય લાભો દેશના દરેક ખૂણા સુધી પહોંચી રહ્યા છે.
This is a significant milestone.
— Narendra Modi (@narendramodi) August 19, 2023
It is heartening to see that more than half of these accounts belong to our Nari Shakti. With 67% of accounts opened in rural and semi-urban areas, we are also ensuring that the benefits of financial inclusion reach every corner of our nation. https://t.co/sfZaNUOSts
પ્રધાનમંત્રી જન ધન યોજનાના લાભાર્થીઓને ઘણા લાભો મળે છે. તેઓ મિનિમમ બેલેન્સની જરૂર વગર ખાતાં ચલાવી શકે છે, તેમજ રૂપે ડેબિટ કાર્ડ નિઃશુલ્ક ઇસ્યુ કરવામાં આવે છે, જેની સાથે 2 લાખ રૂપિયાનો વીમો મળે છે.