દેશમાં અનેક એવી ઘટનાઓ બને છે જેમાં કોઈ ચોર ઘર-દુકાનમાંથી કિંમતી વસ્તુની ચોરી કરે છે. પરંતુ બિહારથી એક એવો અજીબ કિસ્સો સામે આવ્યો છે કે જેનાથી લોકો વિચાર કરવા પર મજબૂર થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે, બિહારમાં એક તળાવ રાતોરાત ગાયબ થઈ ગયું છે. ભૂ-માફિયાઓએ રાતોરાત તળાવનું પાણી ચોરી લઈને ખાલી તળાવમાં માટી નાખીને જમીન સમતલ કરી દીધી હતી. એટલું જ નહીં, ત્યારબાદ તે જ જમીન પર ઝૂંપડી પણ બનાવી દેવામાં આવી અને જમીન પર કબજો કરવાનો પ્રયાસ થયો.
બિહારમાં આવેલા દરભંગા વિસ્તારમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બનવા પામી હતી. અહીં એક સરકારી તળાવ રાતોરાત ગાયબ થઈ ગયું છે. ગ્રામજનોએ આ વિશેની પોલીસને જાણ કરી હતી અને કહ્યું હતું કે, રાત્રિમાં કોઈ ભૂ-માફિયાએ તળાવની ચોરી કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ આ તળાવથી જ ભરણપોષણ કરતા હતા. તેઓ તળાવ દ્વારા મત્સ્ય ઉદ્યોગ પણ કરતા હતા. એ સિવાય તે લોકોની ખેતી પણ આ તળાવ પર આધારિત હતી. લોકોએ એવું પણ કહ્યું છે કે, એક ભૂ-માફિયાએ રાતોરાત તળાવનું પાણી કાઢ્યું, પછી તેને માટીથી ભરી દીધું અને તે જગ્યાએ ઝૂંપડી બાંધી જમીન પર કબજો કરી લીધો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પહેલાં પણ થયા હતા પ્રયાસો
ગ્રામજનોનું કહેવું છે કે, આ કામ એક દિવસમાં પાર પાડવામાં આવ્યું નથી. તેમણે વધુમાં કહ્યું, એકવાર જ્યારે ભૂ-માફિયાઓએ ગેરકાયદેસર તળાવમાં માટી નાખવાનું કામ શરૂ કર્યું, ત્યારે લોકોએ તે વિશેની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જાણકારી મળ્યા બાદ તે સમયે પોલીસ વિભાગની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ગેરકાયદેસર કામ પર રોક લગાવી હતી. ત્યારે પોલીસે કેટલાક યંત્રો અને સામાન પણ જપ્ત કર્યો હતો. પરંતુ સમયની સાથે બધુ મેનેજ થઈ ગયું અને માત્ર એક અઠવાડિયાની અંદર જ ફરીવાર ભૂ-માફિયાઓએ રાત્રિના અંધકારમાં તળાવનું પાણી ચોરી લઈને ત્યાં માટી ઠાલવી દીધી અને જમીનને સમતલ કરી નાખી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, બિહારમાં ભૂ-માફિયાઓનો ત્રાસ મોટા પ્રમાણે જોવા મળે છે. તળાવોના શહેર તરીકે જાણીતું દરભંગા, અનેકવાર તેનો ભોગ બનતું રહ્યું છે. ઘણા તળાવોમાં માટી નાખી દઈને તેના પર ગેરકાયદેસર કબજો કરવામાં આવી રહ્યો છે.