લોકસભા ચૂંટણી હવે તેના અંતિમ તબક્કામાં છે. દરમિયાન તમામ રાજનેતાઓ પણ ચૂંટણી બાદ પોતાના નિયમિત કાર્યમાં જોડાઈ જશે. વડાપ્રધાન મોદી પણ ચૂંટણી અભિયાનની પૂર્ણાહુતિ કરશે. PM મોદી 1 જૂને લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલાં તમિલનાડુના કન્યાકુમારીમાં 24 કલાક ધ્યાન કરશે. તેઓ વિવેકાનંદ મેમોરિયલ ખાતે ધ્યાનમાં બેસશે. લગભગ ત્રણ મહિનાના લાંબા ચૂંટણી પ્રચારના અંતે વડાપ્રધાન મોદીનું ધ્યાન વિકસિત ભારત માટેના તેમના સંકલ્પ પર રહેશે. તેઓ તે જ ખડક પર ધ્યાન કરશે, જ્યાં એક સમયે સ્વામી વિવેકાનંદને ભારત માતાના દર્શન થયા હતા.
PM મોદી પંજાબના હોશિયારપુરમાં તેમની વર્તમાન લોકસભા પ્રચારની છેલ્લી ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ 30 મેના રોજ તમિલનાડુ જવા રવાના થશે. તેઓ 30 મેથી 1 જૂન સુધી કન્યાકુમારીના પ્રવાસ પર રહેશે. આ સાથે જ તેઓ કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત પણ લેશે. ત્યાં PM મોદી 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે. આ તે જ સ્થાન છે, જ્યાં સ્વામી વિવેકાનંદે આખા દેશનું ભ્રમણ કર્યા બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું અને વિકસિત ભારતનું એક નુતન સ્વપ્ન જોયું હતું. અહીં વિવેકાનંદને ભારત માતાના દુર્લભ દર્શન થયા હતા.
સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતના સ્વપ્ન સાથે ધર્યું હતું ધ્યાન
કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આખા દેશનું ભ્રમણ કર્યા બાદ સ્વામી વિવેકાનંદ કન્યાકુમારી પહોંચ્યા હતા. પોતાના ભારત દર્શનમાં તેમણે લોકોની મુશ્કેલીઓ, દર્દ, ગરીબી, આત્મસન્માન અને શિક્ષણના અભાવને ખૂબ નજીકથી જોયો હતો. તેઓ 24 ડિસેમ્બર 1892ના રોજ કન્યાકુમારી પહોંચ્યા હતા અને સમુદ્ર કિનારાથી લગભગ 500 મીટર દૂર એક ખડક સુધી તરતા પહોંચ્યા હતા. 25થી 27 ડિસેમ્બર સુધી એટલે કે, ત્રણ દિવસ સુધી તેઓ આ ખડક પર ધ્યાન કરતાં રહ્યા હતા. તેમના ધ્યાનનું કેન્દ્રબિંદુ ભારતનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય હતો. અહીં જ તેમણે ‘એક ભારત અને વિકસિત ભારત’નું સ્વપ્ન જોયું હતું.
એવું કહેવાય છે કે, જેમ ભગવાન ગૌતમ બુદ્ધના જીવનમાં સારનાથનું વિશેષ મહત્વ છે, કારણ કે, તેમને ત્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તેવી જ રીતે આ શીલા સ્વામી વિવેકાનંદ માટે પણ ખૂબ જ વિશેષ છે. કારણ કે, અહીં જ તેમણે ભારતના ગૌરવશાળી અતીતનું સ્મરણ કરતાં-કરતાં ‘એક ભારત અને વિકસિત ભારત’નું સ્વપ્ન જોયું હતું. અહીં જ તેમને ભારત માતાના દર્શન થયા હતા. અહીં જ તેમણે બાકીનું જીવન ભારતના ગરીબો માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો હતો. તે જ સ્થળે ધ્યાન કરવું સ્વામીજીના વિકસિત ભારતના દ્રષ્ટિકોણને જીવનમાં લાવવો અને તેના માધ્યમથી દેશવાસીઓના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેવાની વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
વિવેકાનંદ ખડક પર વિવેકાનંદ સ્મારક બનાવવા માટે ઘણો લાંબો સંઘર્ષ ચાલ્યો હતો અને તેમાં એકનાથ રાનડેની મોટી ભૂમિકા પણ હતી. આ ખડકનું પૌરાણિક મહત્વ પણ છે. એવું કહેવાય છે કે, અહીં દેવી પાર્વતી એક પગ પર બેસીને ભગવાન શિવની પ્રતિક્ષા કરતાં હતા. નોંધનીય છે કે, 2019માં વડાપ્રધાન મોદીએ છેલ્લા તબક્કાના મતદાન પહેલા કેદારનાથની મુલાકાત લીધી હતી. તેઓ કેદારનાથ મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર રૂદ્ર ગુફામાં ધ્યાન કરવા બેસ્યા હતા. તે પહેલાં 2014માં તેમણે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી.