PM નરેન્દ્ર મોદીએ સોમવારે (26 ફેબ્રુઆરી) અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 2000 રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા છે. તેમાં 554 રેલવે સ્ટેશનોનું રિડેવલપમેન્ટ પણ સામેલ છે. 554 રેલવે સ્ટેશનોમાં 46 સ્ટેશનો ગુજરાતના છે. પુનર્વિકાસ પામનારા આ રેલવે સ્ટેશનોમાં અમદાવાદનું કાલુપુર, રાજકોટ જંકશન, જામનગર, બીલીમોરા જંકશન, અંકલેશ્વર અને અન્ય 41 સ્ટેશનો સામેલ છે. આ તમામ સ્ટેશનોને અમૃત સ્ટેશનો તરીકે વિકસાવવામાં આવશે. સ્ટેશનની દીવાલો પ્રાદેશિક કળા અને સંસ્કૃતિથી પ્રેરિત હશે.
PM મોદીએ 26 ફેબ્રુઆરીએ બપોરે 12:30 કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજનાનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન તેમણે ₹41,000 કરોડથી વધુની કિંમતના લગભગ 2000 રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 554 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટેનો શિલાન્યાસ કર્યો હતો. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ તમામ રેલવે સ્ટેશનોનો ₹19,000 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવશે. PM મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, અમદાવાદ રેલવે સ્ટેશનની ડિઝાઈન મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે. જ્યારે દ્વારકા રેલવે સ્ટેશનની ડિઝાઈન દ્વારકાધીશ મંદિરથી પ્રેરિત છે.
With 2000 projects being launched in one go, India is set to witness a mega transformation of its railway infrastructure. https://t.co/AegQwerpEZ
— Narendra Modi (@narendramodi) February 26, 2024
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ₹2150 કરોડના ખર્ચની 1500 રેલવે ઓવર બ્રિજ અને અંડરપાસ વિકસાવવાની પરિયોજનાનો પણ શિલાન્યાસ કર્યો છે. આ પરિયોજનાના માધ્યમથી સુરક્ષા અને કનેક્ટિવિટીમાં વધારો થશે સાથે યાત્રાની ક્ષમતામાં પણ વધારો થશે. આ પરિયોજના અંતર્ગત ગુજરાતમાં 135 રેલવે ઓવર બ્રિજ અને અંડરપાસ વિકસાવવામાં આવશે.
રેલવે સ્ટેશનો પર મળશે વર્લ્ડ ક્લાસ સુવિધા
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સ્ટેશનમાં આધુનિક પેસેન્જર સુવિધાઓ હશે, જેમાં અપગ્રેડેડ વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ પર વ્યવસ્થિત બેઠક વિસ્તાર અને મફત Wi-Fi કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. આ પુનઃવિકાસ સાથે, આ સ્ટેશનો પર સુંદર લેન્ડસ્કેપ, ઇન્ટર-મોડલ કનેક્ટિવિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, કિઓસ્ક, ફૂડ કોર્ટ સહિતની આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે. સાથે દિવ્યાંગજનો માટેની તમામ સુવિધાઓ પર વિશેષ ધ્યાન પણ આપવામાં આવશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના કરોડો રેલ્વે મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, મોદી સરકાર રેલ્વેને કાયાકલ્પ કરવાના અભિયાનને ઝડપથી વધારી રહી છે. વંદે ભારત સહિત અનેક ટ્રેનો આ દિશામાં દોડાવવામાં આવી રહી છે. હવે રેલવે સ્ટેશનના વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેનાથી મુસાફરોને વધુ સારી સુવિધા મળશે. બીજી તરફ રેલવે સ્ટેશનના વિકાસ સાથે રોજગારીની તકો પણ વધશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 50 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી આપી છે, એટલે કે ટૂંક સમયમાં દેશમાં 50 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી આપી હતી.