અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં અસદુદ્દીન ઓવૈસીનું એક ભડકાઉ નિવેદન સામે આવ્યું છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ સમુદાયના લોકોને બાબરી મસ્જિદની યાદ અપાવતા, એક મસ્જિદ ખોઈ દીધાની અને બીજી મસ્જિદો સાથે ષડ્યંત્ર થવાની વાત કરી હતી. જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ભડકાઉ નિવેદન બાદ VHPએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાજકીય પાર્ટી ઓલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના (AIMIM) પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ રહ્યો છે. જે વિડીયોમાં AIMIMના પ્રમુખ ઓવૈસી એક સભામાં મુસ્લિમ સમુદાયના લોકોને સંબોધન કરી રહ્યા છે. જેમાં મુસ્લિમ યુવાનોને સંબોધતા ઓવૈસીએ કહ્યું, “નવયુવાનો હું તમને કહી રહ્યો છું, આપણે એક મસ્જિદ ખોઈ દીધી છે. જ્યાં હવે શું થઇ રહ્યું છે તે તમે જોઈ રહ્યા છો. મારા યુવાનો શું આ જોઇને તમારા દિલમાં કોઈ તકલીફ નથી થઇ રહી?” આ નિવેદન ત્યારે સામે આવી રહ્યું છે જ્યારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા સ્થિત રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. બાબરી મસ્જિદ અને રામ મંદિરના વિવાદમાં દેશની સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષ તરફ નિર્ણય આપ્યો હતો.
અસદુદ્દીન ઓવૈસીએ આ ભડકાઉ નિવેદનમાં આગળ કહ્યું, “જ્યાં 500 વર્ષ સુધી આપણે કુરાન-એ-કરીમનું જીક્ર કર્યું. આજે તે જગ્યા આપણા હાથમાં નથી. યુવાનો, શું તમને દેખાઈ નથી રહ્યું કે હજી પણ બીજી મસ્જિદોને લઈને ષડ્યંત્ર ચાલી રહ્યા છે. જેમાં તમારી સુનહરી મસ્જિદ પણ સામેલ છે. આ જે શક્તિઓ છે, તેઓ તમારા દિલોમાંથી ઇત્તેહાદને કાઢવા માંગે છે. આ લોકો કેમ આવું ઈચ્છે છે? કેમ કે તેઓ આપણી તાકાતને ખતમ કરી નાખવામાં માંગે છે. વર્ષોના સંઘર્ષ બાદ આપણે આ મુકામ પર પહોંચ્યા છે.”
મુસ્લિમ યુવાઓને ભડકાવતા તેમણે કહ્યું, “તમે તમારી તાકતને જાળવી રાખો, તમારી મસ્જિદોને સાચવી રાખો. ક્યાંક એવું ન થાય મસ્જિદો આપણી પાસેથી ઝુંટવી લેવામાં આવે. મને આશા છે કે, ઇંશાઅલ્લાહ આજનો નવયુવાન ભવિષ્યમાં વિચારી, સમજીને પોતાના પરીવાર, શહેર અને મહોલ્લાને બચાવીને રાખશે. ઇત્તેહાદ એક તાકાત છે.”
Naujawano'n!! apni milli hamiyyat aur taqat ko barqaraar aur Masjido'n ko abaad rakho.
— Asaduddin Owaisi (@asadowaisi) January 1, 2024
Kaheen aisa na ho ke hamari Masjidein cheen li jaye.pic.twitter.com/dPGDzI9mHu
અસદુદ્દીન ઓવૈસીના ભડકાઉ નિવેદનનો વિડીયો વાયરલ થયા બાદ વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. જેમાં VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, “જેમ જેમ રામ મંદિરના ઉદ્ઘાટનનો સમય નજીક આવી રહ્યો છે. તેમ તેમ ઓવૈસી ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે. તેઓ મુસ્લિમ સમુદાયના યુવાનોને ઉશ્કેરવાનો અને તેમને આતંકવાદ તરફ ધકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. “
ત્યારે આ અંગે ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા પ્રેમ શુક્લાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન ભડકાઉ છે. જેમાં હિંદુઓ પ્રત્યેની દ્રેષપૂર્ણ લાગણી દેખાઈ રહી છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ રીતે કાયદાના પાલન હેઠળ થઇ રહ્યું છે. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે શ્રીરામનું જન્મસ્થાન હિંદુઓને સોપવામાં આવેલ છે.”