કોંગ્રેસ પાર્ટીના એક મહત્વપૂર્ણ જોડીદાર હવે તેમનાથી વિપરીત ડગ ભરતા નજરે પડી રહ્યા છે. વાત છે જમ્મુ-કાશ્મીરમાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની. ઉમર અબ્દુલ્લાએ (Omar Abdullah) કોંગ્રેસને હાર બદલ EVMને દોષ ન દેવા માટે સલાહ આપી છે. તેમણે EVM સાથે છેડછાડના આરોપો નકારી દીધા છે. તેમણે કહ્યું હતું કે તેઓ ક્યારેય EVM વિશે ઘસાતું નથી બોલ્યા.
ઉમર અબ્દુલ્લાએ આપેલું નિવેદન કોંગ્રેસનાં EVM પરનાં નાટકોથી સાવ વિપરીત છે. તેમણે કહ્યું છે કે, “જ્યારે તમારા સોથી વધુ સંસદ એક જ EVMના માધ્યમથી ચૂંટાઈને આવતા હોય અને તમે તેને પોતાની પાર્ટીની જીત ગણાવતા હોવ, તો થોડા સમય બાદ તમે તેમ ન કહી શકો કે અમને EVM પસંદ નથી, કારણ કે ચૂંટણીનાં પરિણામો તેવાં નથી આવી રહ્યાં જેવા અમે ઈચ્છીએ છીએ.”
તેમણે કહ્યું કે, “મને ત્યાં સુધી EVMના મુદ્દે વાંધો નથી, જ્યાં સુધી તમે જીતીને પણ કહો કે તમને EVM સાથે વાંધો છે. તમે ચૂંટણી હારો ત્યારે જ EVMને દોષ ન આપી શકાય. જીતીએ ત્યારે ચૂપ બેસી રહીએ અને હારી જઈએ તો મશીનને દોષ આપીએ, આ ન ચાલે.”
ઉમર અબ્દુલ્લાએ EVM પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, જે સાચું છે, તે સાચું જ છે. આગળ ઉમેર્યું કે તેઓ પાર્ટીલાઈન અનુસરવાની કરવાની જગ્યાએ સત્યને સત્ય અને ખોટાને ખોટું કહેવાનું વધારે પસંદ કરે છે. તેમણે કહ્યું હતું કે, “જો પાર્ટીઓને ચૂંટણી પ્રક્રિયા પર ભરોસો જ ન હોય તો તમારે ચૂંટણી જ ન લડવી જોઈએ. જો તમને EVM સામે સમસ્યા હોય તો તમને દરેક ચૂંટણીમાં તેનાથી સમસ્યા હોવી જોઈએ.”
આટલું જ નહીં, ઉમર અબ્દુલ્લાએ આશ્ચર્યજનક રીતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાનાં પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, “મને લાગે છે કે સેન્ટ્રલ વિસ્ટા બહુ જ સરસ પ્રોજેક્ટ છે. મારું માનવું છે કે નવા સંસદ ભવનનું નિર્માણ કરવાનો વિચાર શાનદાર હતો. આપણને નવા સંસદ ભવનની ખૂબ જ જરૂર હતી. જૂની ઈમારત વર્તમાન જરૂરિયાતોને પહોંચી વળે તેમ નહોતી.”
નોંધનીય છે કે ઉમર અબ્દુલ્લાનું આ નિવેદન કોંગ્રેસના ગળા હેઠળ નહીં ઉતરે. જોકે તેમનું આ વર્તન એક રીતે વ્યાજબી ઠેરવી શકાય, કારણકે ગત વિધાસભા ચૂંટણીમાં એજ EVM દ્વારા તેમની પાર્ટીને 42 બેઠકો મળી હતી, જયારે કોંગ્રેસના ભાગે માત્ર 6 બેઠકો આવી હતી. તેમણે કહ્યું હતું કે તમે ચૂંટણી જીતો પણ છો અને હારો પણ છો. તમારે તમારી સુવિધાને અનુરુપ EVMનું બહાનું ન કાઢવું જોઈએ.
આમ તો ઉમર અબ્દુલ્લાએ કરેલી વાતો સામાન્ય બુદ્ધિમાં સમાવી શકાય. આજ સુધી ભાજપ અને દક્ષિણપંથી વિચારધારાનાં સમૂહો કાયમ આ વાત કહેતાં રહ્યાં છે. પણ હવે કોંગ્રેસની જ ટોળકીમાંથી તેમને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ EVM મુદ્દે જે રોદણાં રડે છે તેમાં કોઈ વજન નથી.