હરિયાણાના નૂંહમાં 31 જુલાઈના રોજ હિંદુઓની જલાભિષેક યાત્રા પર મુસ્લિમ ટોળાંએ હુમલો કર્યો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા. જેના લીધે યાત્રા પણ અટકી ગઈ હતી. ફરીથી એકવાર યાત્રા કાઢવા માટે રવિવાર (13 ઓગસ્ટ, 2023) ના રોજ પલવલના પોંડરીમાં હિંદુ સંગઠનોએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં 28 ઓગસ્ટે ફરી એકવાર વ્રજમંડલ યાત્રાને શરૂ કરવાની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ સુરક્ષા માટે હથિયારોના લાયસન્સ અને મુસ્લિમોનો આર્થિક-સામાજિક બહિષ્કાર કરવાની માંગ સાથે સાથે નૂંહને ગૌહત્યામુક્ત વિસ્તાર ઘોષિત કરી હિંસાની તપાસ NIAને સોંપી સોહનનાને જિલ્લો બનાવવા સહિતની માંગ પણ કરાઈ હતી.
મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, હિંદુઓની મહાપંચાયતમાં નૂંહમાં હિંસા બાદની પરિસ્થિતિ અને સુરક્ષાના ઉપાયોની ચર્ચાની સાથે ગૌ રક્ષક દળના આચાર્ય આઝાદ શાસ્ત્રીએ હાલની પરિસ્થિતિને ‘કરો યા મરો’ ની સ્થિતિ ગણાવી હતી અને યુવાનોને પોતાની સુરક્ષા માટે જરૂર પડ્યે હથિયારો ઉઠાવવાનું પણ કહ્યું હતું.
સુરક્ષા માટે હથિયારોના લાયસન્સની માંગ
આચાર્ય આઝાદ શાસ્ત્રીએ કહ્યું કે, “આપણે મેવાતમાં 100 હથિયારોના લાયસન્સ લેવાનું તાત્કાલિક નક્કી કરવું જોઈએ. બંદૂકોનું નહીં પણ રાઈફલ્સનું. કેમ કે રાઈફલ્સ લાંબા અંતર સુધી ફાયરિંગ કરી શકે છે. કરો યા મરો જેવી સ્થિતિ છે. આ દેશનું વિભાજન હિંદુ અને મુસ્લિમોનાં આધાર પર થયું હતું. આ ગાંધીના કારણે જ આ મુસ્લિમો અહી મેવાતમાં રહ્યા છે.”
તેમણે યુવાનોને FIRથી ના ડરવાનું પણ કહ્યું. પહાપંચાયતમાં આવેલા યુવાનોને સંબોધિત કરતી વખતે આઝાદ શાસ્ત્રીએ કહ્યું કે, “મારા પર પણ FIR છે, પણ આપણે FIRથી ડરવાની જરૂર નથી.”
મુસ્લિમોનાં આર્થિક-સામાજિક બહિષ્કારની અપીલ
વકીલ કુલભૂષણ ભારદ્વાજે FIRથી ડર્યા વગર પ્રશાસનને તેના પર બીજી FIR દાખલ કરવાની ચેતવણી આપી હતી. તેમણે યુવાનોને 28 ઓગસ્ટે ફરી એકવાર વ્રજમંડલ યાત્રા કાઢવાનું આહ્વાન કર્યું હતું.
વકીલ કુલભૂષણ ભારદ્વાજે મહાપંચાયતમાં પોતાની વાત રાખતા સ્પષ્ટપણે કહ્યું કે, નૂંહમાં હિંદુઓ પર જે હિંસા આચરવામાં આવી હતી, એવી હિંસા અગાઉ પણ થઈ ચૂકી છે. એટલા માટે સમય આવી ગયો છે કે હવે હિંદુઓએ ડરવાની જરૂર નહીં.
તેમણે મુસ્લિમોનાં સંપૂર્ણ આર્થિક અને સામાજિક બહિષ્કારની માંગ કરી હતી. સાથે જ તેમણે એ વાત પર ભાર આપ્યો હતો કે, વ્રજમંડલ શોભાયાત્રા ફરી એકવાર પોતાના નિર્ધારિત દિવસે (28 ઓગસ્ટે) નીકળશે અને તેના માટે કોઇની પરવાનગીની જરૂર નથી. ધર્મ અને હિંદુઓની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરવાની વાત પર તેમણે ભાર આપ્યો હતો.
મહાપંચાયતમાં કરવામાં આવેલી મહત્વની માંગો
પલવલના પોંડરીમાં યોજાયેલ હિંદુ મહાપંચાયતની સર્વસંમતિથી એક કમિટી રચવામાં આવી હતી. જેમાં 51 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહાપંચાયતમાં થયેલી ચર્ચાના આધારે હિંદુ સંગઠનોએ 28 ઓગસ્ટે વ્રજમંડલ યાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. સાથે જ હિંદુ સંગઠનોએ રાજ્ય સરકાર પાસે કેટલીક માંગ પણ કરી હતી. જેમાં નૂંહમાંથી રોહિંગ્યા અને બાંગલાદેશીઓને બહાર કાઢવાની અને કોંગ્રેસ સાંસદ મમ્મન ખાનની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ પણ સામેલ છે. નીચે જણાવ્યા મુજબની માંગો કરવામાં આવી છે.
- – નૂંહ હિંસાની તપાસ NIAને સોંપવામાં આવે.
- – હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 1 કરોડ રૂપિયા અને સરકારી નોકરી આપવામાં આવે. હિંસામાં ઘાયલ થયેલા લોકોને 50 લાખ રૂપિયા આપવામાં આવે અને મૃતક પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે.
- – નૂંહ હિંસા દરમિયાન મુસ્લિમોની બર્બરતાથી થયેલા નુકશાનનું વિશ્લેષણ કરવા માટે એક સરવે કરવામાં આવે અને તે મુજબનું વળતર આપવામાં આવે.
- – રોહિંગ્યા અને બાંગલાદેશી મુસ્લિમો સહિત જેટલા લોકોએ ગેરકાયદેસર રાજ્યમાં પ્રવેશ કર્યો છે તેને તાત્કાલિક નિર્વાસિત કરવામાં આવે.
- – પોલીસ દ્વારા ઉન્માદીઓની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
- – મેવાતમાં એક કેન્દ્રીય દળનું મુખ્યમથક બનાવવામાં આવે.
- – ફિરોજપુર ઝિરકાના કોંગ્રેસ સાંસદ મમ્મન ખાનની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.
- – નૂંહમાં હિંસા ફેલાવનારાઓને ઓળખી તેની જમીન અને અન્ય સંપતિ જપ્ત કરવામાં આવે.
- – નૂંહને ગૌહત્યામુક્ત વિસ્તાર ઘોષિત કરવામાં આવે.
- – નૂંહ હિંસામાં લોકો પર દાખલ કરાયેલા ખોટા કેસ પાછા ખેંચવામાં આવે.
- – નૂંહ હિંસાના દિવસે રજા પર ગયેલા જિલ્લા અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવે.
- – નૂંહ જિલ્લો નાબૂદ કરી સોહનાને જિલ્લો બનાવવામાં આવે.
- – તોફાનીઓ સામે નૂંહમાં નોંધાયેલા તમામ કેસોને ગુરુગ્રામ અથવા અન્ય કોઈ જિલ્લામાં ટ્રાન્સફર કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવામાં આવે.
VHPએ કર્યું માંગોનું સમર્થન
નોંધનીય છે કે, વિશ્વ હિંદુ પરિષદે પલવલના પોંડરીમાં યોજાયેલ હિંદુ મહાપંચાયતની આ માંગોનું સમર્થન કર્યું હતું. આ સાથે જ કહ્યું હતું કે તે અપૂર્ણ વ્રજમંડલ જલાભિષેક યાત્રાને આ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે એટલે કે 28 ઓગસ્ટે સમાજના સહયોગી બનીને પૂર્ણ કરવામાં આવશે. VHPના પ્રવક્તા વિનોદ બંસલે મૃતક હિંદુઓનાં પરિવારને એક-એક કરોડ રૂપિયા આપવાની માંગનું સમર્થન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “જલિયાંવાલા બાગની જેમ નૂંહમાં થયેલા નરસંહારની ઘટનાની NIA તપાસ અને આરોપીઓની સામે કડક કાર્યવાહીની સાથે-સાથે આરોપીઓ અને ષડયંત્રપૂર્વક કામ કરવાવાળા અધિકારીઓની તપાસ પણ કરવામાં આવે. જે હિંદુઓની દુકાનો, મકાનો અને વાહનોને નુકશાન થયું છે, તેમને સો ટકા વળતર આપવામાં આવે.”
બંસલે કહ્યું કે છેલ્લા કેટલાક દાયકાઓથી નૂંહ જિલ્લાને જેહાદી, આતંકવાદ અને ગુનાખોરોનું આશ્રયસ્થાન બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે નૂંહને પલવલ અને ગુરુગ્રામમાં મર્જ કરવાની માંગ કરી હતી.