પેરિસમાં ચાલી રહેલી ઓલમ્પિક ગેમ્સમાં (Paris Olympics) ભાલાફેંકમાં (Javelin) નીરજ ચોપડાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. તેની આ સફળતાને લઈને ભારતમાં ખુશીનો માહોલ છે. ચોપડાએ 89.45 મીટર દૂર ભલો ફેંકીને રજત પદક દેશના નામે કર્યો છે. તેની આ ઉપલબ્ધીને લઈને તેમને ખોબલે-ખોબલે શુભકામનાઓ મળી રહી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને બિરદાવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સમય અનુસાર લગભગ સવા એક વાગે પરિણામ જાહેર થયા હતા. પરિણામ મુજબ 92.97 મીટર દૂર ભાલો ફેંકીને પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે (Arshad Nadeem) સુવર્ણ પદક પોતાના નામે કર્યો, જયારે 89.45 મીટર દૂર ભાલો ફેંકીને નીરજ ચોપડાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. પરિણામો જાહેર થયા બાદ પાણીપતના ખંડરા સ્થિત નીરજના (Neeraj Chopra) ઘરે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
VIDEO | Paris Olympics 2024: Family of Neeraj Chopra celebrates his silver medal victory in javelin throw with firecrackers in Khandra, Panipat.#NeerajChopra #ParisOlympics pic.twitter.com/zOw2LtTJTB
— Press Trust of India (@PTI_News) August 8, 2024
નીરજની આ ઉપલબ્ધીને લઈને તેના પિતા સતીષ કુમાર ચોપડાએ મીડિયા સામે પ્રતિક્રિયા આપી હતી. તેમણે નીરજને સિલ્વર મેડલ મળવા પર કહ્યું હતું કે, “દરેકનો દિવસ હોય છે, આજે પાકિસ્તાનનો દિવસ હતો. નીરજે રજત પદક જીત્યો તે અમારા માટે ગર્વની વાત છે.” નીરજની માતાએ પણ કહ્યું હતું કે, “અમે ખુબ જ ખુશ છીએ. અમારા માટે તો સિલ્વર મેડલ (Silver Medal) પણ ગોલ્ડ બરાબર છે. તે ઈજાગ્રસ્ત થયો હતો, તે છતાં તેણે સિલ્વર મેળવ્યો. અમે ખુશ છીએ.”
#WATCH | Haryana: On Neeraj Chopra winning a silver medal in men's javelin throw at #ParisOlympics2024, his father Satish Kumar says, "Everyone has their day, today was Pakistan's day…But we have won silver, and it is a proud thing for us…" pic.twitter.com/YQNpdTDYzg
— ANI (@ANI) August 8, 2024
નીરજ શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
બીજી તરફ ભારતને રજત પદક અપાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ નીરજને વધામણા આપ્યા હતા. તેમણે X પોસ્ટ કરીને કહ્યું હતું કે, “નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે. તેમણે વારંવાર પોતાની પ્રતિભા દર્શાવી છે. ભારત અત્યંત ખુશ છે કે તેમણે ફરી એકવાર ઓલમ્પિકમાં સફળતા મેળવી. સિલ્વર મેડલ જીતવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા. તેઓ આવનારા સમયમાં અગણિત ખેલાડીઓને તેમના સ્વપ્ન પૂર્ણ કરવા અને આપણા દેશને ગૌરવ અપાવવા પ્રેરણા આપતા રહેશે.”
Neeraj Chopra is excellence personified! Time and again he’s shown his brilliance. India is elated that he comes back with yet another Olympic success. Congratulations to him on winning the Silver. He will continue to motivate countless upcoming athletes to pursue their dreams… pic.twitter.com/XIjfeDDSeb
— Narendra Modi (@narendramodi) August 8, 2024
નીરજની સફળતા પર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈનીએ પણ હરખ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે, “નીરજ ફરી એકવાર દેશની આશાઓ પર ખરા ઉતર્યા છે. તેમણે દેશ માટે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સતત બીજીવાર ઓલમ્પિકમાં મેડલ જીતીને નીરજે જે કીર્તિમાન સ્થાપિત કર્યો છે તેની બરાબરી શક્ય જ નથી. તમામ દેશવાસીઓ અને ખાસ હરિયાણાવાસીઓ તેમની આ શાનદાર ઉપલબ્ધી પર ગૌરવ અનુભવી રહ્યા છે.”
ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલમ્પિકની તેમની મેચમાં નીરજ છમાંથી માત્ર એક જ પ્રયાસમાં સફળ રહ્યા હતા. તેમણે આ સત્રમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 89.45 મીટર દૂર ભલો ફેંક્યો. આ તેમનો દ્વિતીય પર્સનલ બેસ્ટ થ્રો પણ કહેવામાં આવી રહ્યો છે. આ પહેલા તેઓ 89.94 મીટર દૂર ભાલો ફેંકી ચૂક્યા છે. નોંધવું જોઈએ કે વર્ષ 2020માં ટોક્યો ઓલમ્પિકમાં (Tokyo Olympics) નીરજે 87.58 મીટર દૂર ભાલો ફેંકીને સુવર્ણ પદક (Gold Medal) પોતાના નામે કર્યો હતો. આ વખતે તેમણે તેના કરતા પણ દૂર ભલો ફેંક્યો હતો. તેઓ સતત બે વાર ઓલમ્પિકમાં પદક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે.