કેન્દ્રની મોદી સરકાર દ્વારા 15 નવેમ્બરને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ‘ઉલીહાતૂ’માં હશે. ભગવાન બિરસા મુંડાના ઉલીહાતૂ ગામમાં પહોંચનારા નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન હશે.
ઉલ્લેખનીય છે કે બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર, 1875ના રોજ થયો હતો. વર્ષ 2022માં તેમની જયંતી પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉલીહાતૂ પહોંચ્યા હતા. આ ગામની મુલાકાત લેનાર તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતા. આ દરમિયાન તેમણે ભગવાન બિરસા મુંડાના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા.
વડાપ્રધાન મોદી 14-15 નવેમ્બરે ઝારખંડની મુલાકાત લેશે. તેઓ અહીં ખૂંટી ખાતે ત્રીજા આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ કરશે.
PM Narendra Modi would be the first PM to visit Ulihatu Village, the birthplace of Bhagwan Birsa Munda. PM will participate in a programme marking the celebration of the third Janjatiya Gaurav Diwas, 2023 at around 11:30 AM in Khunti. During the programme, PM will launch ‘Viksit… https://t.co/YEIeynraaZ
— ANI (@ANI) November 13, 2023
આ સાથે જ વડાપ્રધાન નબળા આદિવાસી સમૂહોના વિકાસ માટે 24,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરશે. આ ઉપરાંત પીએમ-કિસાન નિધિનો 15મો હપ્તો બહાર પાડવામાં આવશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઝારખંડમાં ₹7200 કરોડનાં મૂલ્યની કેટલીક વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
15 નવેમ્બર, બુધવારે સવારે લગભગ 9:30 વાગ્યે પ્રધાનમંત્રી રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલીહાતૂ ગામમાં જશે, જ્યાં વડાપ્રધાન મોદી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરશે. નોંધનીય છે કે ભગવાન બિરસા મુંડાના ઉલીહાતૂ ગામમાં પહોંચનારા નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન બનશે.
કોણ છે ભગવાન બિરસા મુંડા
યુવાવસ્થામાં જ બિરસા મુંડા અંગ્રેજો વિરુદ્ધના બળવામાં નાયક બનીને ઉભરી આવ્યા હતા અને આદિવાસી સમુહે તેમને પોતાના નેતા માન્યા હતા. 25 વર્ષથી ઓછી ઉંમરમાં તેમણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમનો જન્મ ઇ.સ. 1857માં છોટાનાગપુર પઠાર ક્ષેત્રમાં થયો હતો. ખ્રિસ્તીઓ દ્વારા સંચાલિત એક શાળામાં થોડા દિવસ અભ્યાસ કરવા દરમિયાન અંગ્રેજો દ્વારા આદિવાસી સમુદાયના ધર્મપરિવર્તનના ષડયંત્રની તેમને જાણ થઈ હતી.
તેમણે મુંડા અને ઉરાંવ સમુદાયોને એકજૂથ કર્યા. 1886-90માં તેઓ ચાઈબાસાના બળવામાં સામેલ થયા હતા. 3 માર્ચ, 1900ના રોજ જ્યારે તેઓ ચંદ્રકરધરપુરના જામકોપાઈ જંગલોમાં પોતાના સાથીઓ સાથે નિંદ્રામાં લીન હતા ત્યારે અંગ્રેજોએ તેમની ધરપકડ કરી હતી. તેમના સંઘર્ષ અને દબાણના પરિણામે, બ્રિટીશ સરકારે આદિવાસી સમુદાયના જમીનના અધિકારોનું રક્ષણ કરવા માટે કાયદો બનાવવો પડ્યો. જ્યાં તેમનો જન્મ થયો હતો તે ઉલીહાતૂ ગામ હવે રાંચી જિલ્લામાં આવે છે.
1895માં તેમની ધરપકડ કરીને તેમને હજારીબાગ જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમનો એકમાત્ર ગુનો એ હતો કે 1894ના સમયગાળા દરમિયાન તેમણે ગરીબોનો કર માફ કરાવવા અંગ્રેજો સામે આંદોલન કર્યું હતું. દુકાળગ્રસ્ત લોકોની મદદ માટે લોકોએ તેમને ‘ધરતી બાબા’નું બિરુદ આપ્યું હતું. 1897-1900ની વચ્ચે, તેમના સમાજે બ્રિટિશરો સાથે અનેકવાર યુદ્ધો કર્યા હતા. 1897માં તેમણે તીર અને તલવારોથી સજ્જ પોતાના સાથીઓ સાથે ખૂંટી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. 1898માં તાંગા નદીના કિનારે સંઘર્ષ અને 1900માં ડોમ્બરી ટેકરી પર સંઘર્ષ થયો હતો. આ સમય દરમિયાન અંગ્રેજોએ આદિવાસીઓ પર ઘણી ક્રૂરતા આચરી હતી.
PVTG પહોંચાડશે જનજાતીય સમાજ સુધી તમામ સુવિધાઓ
પીએમ મોદી જનજાતીય ગૌરવ દિવસ પર PVTG (વિશેષ રૂપે નબળો આદિવાસી વર્ગ) વિકાસ મિશન શરૂ કરવા જઇ રહ્યા છે. આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ થાય તે માટે 24 હજાર કરોડ રૂપિયાના ખર્ચવાળી આ યોજનાનો હેતુ તેમને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ અંતર્ગત આદિવાસી રહેણાંક વિસ્તારોને રસ્તા, ટેલીકોમ, વીજળી, પાકા મકાનો, પીવાનું શુધ્ધ પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ સહિતના જીવનનાં સંસાધનો પૂરાં પાડવામાં આવશે. આ સાથે જ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાય સુધી આ મિશન અંતર્ગત ટીબી ઉન્મૂલન, 100 ટકા રસીકરણ, પીએમ માતૃ વંદના યોજના, પીએમ પોષણ તેમજ જનધન યોજના પહોંચવાનો લક્ષ્ય પણ રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કુલ 75 નબળા આદિવાસી સમૂહ છે, જેઓ 220 જિલ્લાઓના 22544 ગામોમાં રહે છે. તેમની વસ્તી 28 લાખની નજીક હોવાનો અંદાજ છે. વર્ષ 2023-24ના બજેટમાં, વિશેષ રૂપે નબળા આદિવાસી સમૂહોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધાર માટે પ્રધાનમંત્રી PTVG વિકાસ મિશનની ઘોષણા કરવામાં આવી હતી.