કેન્દ્રશાસિત પ્રદેશ લદાખને (Ladakh) લઈને મોદી સરકાર (Modi Government) દ્વારા એક મોટું એલાન કરવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, લદાખમાં પાંચ નવા જિલ્લા બનાવવામાં આવનાર છે. મોદી સરકારે તે માટેની તૈયારીઓ પણ આદરી દીધી છે. ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશને પાંચ જિલ્લા આપવાનો નિર્ણય લીધો છે. તે અંગેની જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આપી છે. તે ઉપરાંત શાહે કહ્યું છે કે, મોદી સરકાર લોકો માટે દરેક સંભવિત તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. લદાખમાં અનુક્રમે જાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ (Zanskar, Drass, Sham, Nubra and Changthang) નામના નવા જિલ્લાઓ બનાવવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લદાખમાં પાંચ નવા જિલ્લાઓ બનાવવાની જાણકારી આપતા X પર પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે, “વિકસિત અને સમૃદ્ધ લદાખના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દ્રષ્ટિકોણને આગળ વધારતા ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. નવા જિલ્લા જાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ હશે.” આ સાથે જ અમિત શાહે વધુમાં લખ્યું કે, “દેશના દરેક ખૂણામાં શાસનને મજબૂત કરીને લોકોને મળતા લાભોને તેમના દરવાજા સુધી લઈ જઈશું. મોદી સરકાર લદાખના લોકો માટે વિપુલ પ્રમાણમાં તકો ઊભી કરવા પ્રતિબદ્ધ છે.”
In pursuit of PM Shri @narendramodi Ji's vision to build a developed and prosperous Ladakh, the MHA has decided to create five new districts in the union territory. The new districts, namely Zanskar, Drass, Sham, Nubra and Changthang, will take the benefits meant for the people…
— Amit Shah (@AmitShah) August 26, 2024
દરેક સરકારી યોજના સરળતાથી પહોંચશે લોકો સુધી
નોંધવા જેવુ છે કે, વર્ષ 2019માં કલમ 370ને (Article 370) નિરસ્ત કર્યા બાદ સરકારે લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કર્યું હતું. ત્યારથી લઈને હમણાં સુધી લદાખમાં લેહ (Leh) અને કારગિલ (Kargil) એમ 2 જિલ્લાઓનો જ સમાવેશ થતો હતો. પરંતુ હવે તેમાં પાંચ નવા જિલ્લાઓ ઉમેરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે હવે લદાખમાં 7 જિલ્લાઓ હશે. ઉલ્લેખનીય છે કે, લેહમાં 6 અને કારગિલમાં 4 ઉપડિવિઝન પણ હતા. જોકે, તેમાં પરિવર્તન થશે કે કેમ તે વિશેની માહિતી હમણાં સુધી સામે આવી શકી નથી. હાલ લદાખમાં 5 નવા જિલ્લાઓ બનાવવાની માહિતી સામે આવી છે.
નવા જિલ્લાનું નિર્માણ કરવાનું પ્રાથમિક કારણ સ્થાનિક વહીવટીતંત્રની ગુણવત્તાને પ્રોત્સાહન આપવાનું અને દરેક સરકારી યોજનાને લોકો સુધી સરળતાથી પહોંચાડવાનું છે. તે સિવાય લોકોને પણ નવા જિલ્લા મળવાથી સરકારી કામકાજ અને યોજનાઓના લાભ મેળવવામાં ઘણી સરળતા મળી જશે. સરકારી કામકાજ માટે દૂરસુદૂર જતાં લોકોને પોતાના જ જિલ્લામાં કામ કરી આપવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક વહીવટીતંત્ર આપીને લોકશાહીને પણ મજબૂત કરી શકાશે.