Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણ'તારી પત્નીને નિર્વસ્ત્ર ફેરવીશું, દીકરીનો કરીશું રેપ, દીકરાનું તોડી નાખીશું જડબું': કોંગ્રેસની...

    ‘તારી પત્નીને નિર્વસ્ત્ર ફેરવીશું, દીકરીનો કરીશું રેપ, દીકરાનું તોડી નાખીશું જડબું’: કોંગ્રેસની ‘હિંદુ આતંકવાદ’ની થિયરીને યોગ્ય ઠેરવવા એક મેજરને આ હદે કરાયાં ટોર્ચર

    મેજર રમેશ ઉપાધ્યાયે કોર્ટને પોતાના નિવેદનમાં કહ્યું, “હું સંપૂર્ણપણે નિર્દોષ છું, કેન્દ્ર અને રાજ્યની UPA સરકાર દ્વારા હિંદુ આતંકવાદની થિયરીને સાચી ઠેરવવા માટે ATS પર રાજકીય દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે મુંબઈ ATSએ મને માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ખોટી રીતે ફસાવ્યો હતો.”

    - Advertisement -

    માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલા મેજર રમેશ ઉપાધ્યાયે કહ્યું છે કે, તેમને કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકાર દ્વારા ફસાવવામાં આવ્યા હતા. તેમણે કોર્ટમાં આપેલા એક નિવેદનમાં કહ્યું છે કે, UPA સરકારે હિંદુ આતંકવાદને સત્ય સાબિત કરવા માટે ATS પર દબાણ ઊભું કર્યું હતું. મેજર ઉપાધ્યાયે આરોપ લગાવ્યો છે કે, ATSએ તેમના પર બર્બરતા આચરી અને તેમની પત્નીને નિર્વસ્ત્ર કરી ઘુમાવવાની અને તેમની પુત્રીનો રેપ કરવાની ધમકી પણ આપી હતી.

    મેજર રમેશ ઉપાધ્યાયે કોર્ટને પોતાના નિવેદનમાં કહ્યું, “હું સંપૂર્ણપણે નિર્દોષ છું, કેન્દ્ર અને રાજ્યની UPA સરકાર દ્વારા હિંદુ આતંકવાદની થિયરીને સાચી ઠેરવવા માટે ATS પર રાજકીય દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે મુંબઈ ATSએ મને માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ખોટી રીતે ફસાવ્યો હતો.” તેમણે કોર્ટને કહ્યું છે કે, ATSએ તેમને 24 ઓક્ટોબર 2008ના રોજ તેમના ઘરેથી જ ઉઠાવી લીધા હતા. તેમણે જણાવ્યું કે, તેમના ઘરમાં પણ તપાસ કરવામાં આવી પરંતુ ત્યાંથી કંઈ મળ્યું નહોતું. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમની ધરપકડ બાદ મુંબઈ ATSએ તેમને નિર્દયતાથી માર માર્યો, યાતનાઓ આપવામાં આવી અને માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જબરદસ્તી ગુનો કબૂલવા માટે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું.

    મેજર રમેશ ઉપાધ્યાયની ધરપકડ કરવા અંગે ATSએ આરોપ લગાવ્યો હતો કે, તેમણે પૂછપરછમાં સામેલ થવા માટે આપવામાં આવેલી નોટિસનો જવાબ આપ્યો ન હતો. આ અંગે મેજર ઉપાધ્યાયે કહ્યું કે, તેમને નોટિસ મોકલવાના સમાચાર ખોટા છે. મેજરે કહ્યું છે કે, ATSએ તેને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યા હતા. મેજર ઉપાધ્યાયે ATS દ્વારા આપવામાં આવેલી યાતના વિશે જણાવ્યું હતું કે, “મુંબઈ ATSની ગેરકાયદેસર કસ્ટડીમાં મને માત્ર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો નહોતો, પરંતુ મારા મકાનમાલિકને ધમકી આપીને મારા પર માનસિક દબાણ પણ ઊભું કરવામાં આવ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ આતંકવાદીને શા માટે આશ્રય આપી રહ્યા છે. આ પછી મારા પરિવાર અને સામાનને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતા.”

    - Advertisement -

    ‘પત્નીને નિર્વસ્ત્ર અને દીકરી સાથે રેપ કરવાની ધમકી’

    મેજર ઉપાધ્યાયે કહ્યું, “મને ધમકી આપવામાં આવી હતી કે, મારી પત્નીને નિર્વસ્ત્ર કરીને ઘુમાવવામાં આવશે, મારી પુત્રી પર બળાત્કાર ગુજારવામાં આવશે, મારા પુત્રનું જડબું તોડી નાખવામાં આવશે. આ પછી, આ ધમકીને અંજામ આપવા માટે, તેઓએ મારી પરિણીત પુત્રીઓના ઘરે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. તેનાથી તેનું અને તેના સાસરિયાંવાળાઓનું અપમાન કરવામાં આવતું હતું. મારા પર સતત તે અપરાધને કબૂલ કરવાનું માનસિક દબાણ ઊભું કરવામાં આવતું હતું, જે અપરાધ મે ક્યારેય કર્યો જ નથી.”

    માલેગાંવ કેસમાં સત્ય બહાર લાવવા ATSએ મેજર ઉપાધ્યાયનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ પણ કરાવ્યો હતો. મેજર ઉપાધ્યાયે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તેમને આ પરીક્ષણોમાં ક્લીનચીટ મળી હતી, ત્યારે તેમનો રિપોર્ટ ATS દ્વારા દબાવી દેવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. મેજર ઉપાધ્યાયે કહ્યું કે, તેમણે બાદમાં આ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

    તેમણે કોર્ટને એમ પણ કહ્યું કે, પોલીસ કમિશનર સુખવિંદર સિંઘે તેમને તમામ કોરા કાગળો પર સહી કરાવી અને નિવેદન વંચાવી કેમેરામાં રેકોર્ડ કર્યું હતું. મેજરે આરોપ લગાવ્યો કે, સુખવિંદર સિંઘે પહેલાં તેમની મુક્તિની અને તેમની વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાની વાત કરી અને બાદમાં તેમના પર MCOCA લાદવાની વાત કરી. મેજર ઉપાધ્યાયે કહ્યું છે કે, NIAની ચાર્જશીટને કારણે તેમને ઘણી રાહત મળી છે. તેમણે કહ્યું છે કે, તેમની સામે રજૂ કરાયેલા તમામ પુરાવા નકલી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ તમામ નકલી પુરાવા ATS દ્વારા તેમના રાજકીય આકાઓના હિત માટે બનાવવામાં આવ્યા હતા. તેમણે કોર્ટમાં અત્યાચાર ગુજારનારાઓ સામે કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

    RSS, VHP, BJPના નેતાઓને ફસાવવા માટે કર્નલ પુરોહિત પર કરાતું હતું દબાણ

    ઉલ્લેખનીય છે કે, અગાઉ માલેગાંવ બ્લાસ્ટમાં ટ્રાયલનો સામનો કરી ચૂકેલા કર્નલ પુરોહિતે પણ ATS પર આવા જ આરોપ લગાવ્યા હતા. તેમણે હાલમાં જ કોર્ટમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, તેમને સતત એટલા માટે મારવામાં આવતા હતા કે, તેઓ RSS-VHPના નેતાઓના નામ લે. આ કેસમાં તત્કાલિન ભાજપના સાંસદ યોગી આદિત્યનાથને ફસાવવા માટે પણ તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. ATSએ પણ તેમના પર બર્બરતા આચરી હતી અને તેમનો ઘૂંટણ તોડી નાખ્યો હતો.

    માલેગાંવ બ્લાસ્ટ કેસ જેમાં મેજર ઉપાધ્યાય અને કર્નલ પુરોહિત સહિત ઘણા હિંદુઓને આરોપી બનાવવામાં આવ્યા હતા તે 29 સપ્ટેમ્બર, 2008ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં થયો હતો. જેમાં છ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ પછી કોંગ્રેસના નેતાઓએ હિંદુ આતંકવાદની થિયરી ફેલાવવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં સાધ્વી પ્રજ્ઞાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા અને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેમને ક્લીનચીટ આપવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં