છત્તીસગઢમાં અવારનવાર નક્સલી હુમલાના સમાચાર સામે આવતા રહ્યા છે. નક્સલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢમાં સુરક્ષાદળો પણ ચાંપતી નજર રાખે છે. તાજેતરમાં જ સુરક્ષાદળોએ ત્રણ મહિલાઓ સહિત 6 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. આ અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ મહિલાઓ સહિત 6 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. તે તમામ નક્સલવાદીઓ પર ₹38 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
શનિવારે (8 જૂન, 2024) છત્તીસગઢ પોલીસે સુરક્ષાદળોના આ ઓપરેશન વિશે માહિતી આપી હતી. પહેલાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કુલ 7 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પરંતુ તે બાદ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, 3 મહિલાઓ સહિત 6 નક્સલવાદીઓ ઠાર મરાયા છે. છત્તીસગઢમાં સ્થિત બસ્તર રેન્જના IG સુંદરરાજ પીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, નારાયણપુર, દંતેવાડા, બસ્તર અને કોંડાગાંવના સરહદી વિસ્તારમાં પૂર્વી બસ્તરના માઓવાદી કેડર અને PLGA કંપની નંબર 6ના માઓવાદીઓની હાજરીની સૂચના પર સંયુક્ત સુરક્ષાદળ રવાના કરવામાં આવ્યું હતું.
સુંદરરાજે વધુમાં કહ્યું હતું કે, સંયુકત સુરક્ષાદળમાં નારાયણપુર DRG, દંતેવાડા DRG, બસ્તર DRG, કોંડાગાંવ DRG, ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, ઓપરેશન દરમિયાન લગભગ 3 વાગ્યે નક્સલીઓએ ભટબેડા-બટ્ટેકાલ અને છોટેટોંડેબેડાના જંગલોમાં સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફાયરિંગ બંધ થયા બાદ સુરક્ષાદળોને ઘટનાસ્થળેથી 6 નક્સલીઓના મૃતદેહો, મોટી સંખ્યામાં હથિયારો, વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાસ્થળે લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આ એન્કાઉન્ટરમાં મોટી સંખ્યામાં અન્ય નક્સલીઓ પણ ઘાયલ થયા હશે અથવા તો માર્યા ગયા હશે. આ તમામ નક્સલીઓ પર રોકડ રકમનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, વર્ષ 2024માં હમણાં સુધીમાં બસ્તર ડિવિઝનમાં 71 એન્કાઉન્ટર થયા છે અને 123 નક્સલવાદીઓના મૃતદેહ પણ મળ્યા છે. આ વર્ષે હમણાં સુધીમાં 399 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કરી દીધું છે.