કર્ણાટકની સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે ‘હિંદુ ધાર્મિક સંસ્થાનો એન્ડ ચેરિટેબલ એનડોમેન્ટ (સુધારા) બિલ’ વિધાનસભામાં પસાર કર્યું હતું. પરંતુ શુક્રવારે (23 ફેબ્રુઆરી, 2024) આ બિલને વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવ્યું, જ્યાં ભાજપ-JDSએ મળીને રદ કરાવી દીધું હતું. બિલમાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે જે હિંદુ મંદિરોની આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે તેના પર સરકાર 10% ટૅક્સ વસૂલશે. જ્યારે 10 લાખથી વધુની આવક ધરાવતા મંદિર પર સરકાર 5% ટૅક્સ લાદશે. ભાજપે આ બિલને અને કોંગ્રેસ સરકારને હિંદુ વિરોધી ગણાવી હતી.
હિંદુ મંદિરો પાસેથી ટૅક્સ ઉઘરાવવાની જોગવાઈ કરતું આ બિલ વિધાનસભામાંથી પસાર થયું હોવા છતાં તેને વિધાન પરિષદમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે. એન્ડોવમેન્ટ્સ વિભાગના મંત્રી રામલિંગા રેડ્ડીએ આ બિલ વિધાન પરિષદમાં રજૂ કર્યું હતું. આ મામલે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે વિવાદ પણ ઊભો થયો હતો. આખરે ઉપસભાપતિ પ્રણેશે ધ્વનિમતથી મતદાન કરાવ્યું હતું. આ બિલને બહુમતી ના મળતાં રદ કરી દેવામાં આવ્યું છે.
કર્ણાટક રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસ પાસે બહુમતી છે, જેથી ત્યાં બિલ પસાર થઈ ગયું હતું. પરંતુ ઉપલા ગૃહમાં કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ અને JDS બહુમતી ધરાવે છે. ચર્ચા બાદ આ બિલ પર નિર્ણય લેવા માટે વોઇસ વોટ યોજવામાં આવ્યો હતો અને તેના સમર્થનમાં માત્ર 7 જ મત પડ્યા હતા. જ્યારે વિરુદ્ધમાં 18 વોટ પડ્યા હતા. નોંધનીય છે કે, કર્ણાટક વિધાન પરિષદમાં ભાજપ પાસે સત્તાધારી કોંગ્રસ સરકાર કરતાં વધુ સભ્યો છે. ભાજપ પાસે 34, કોંગ્રેસ પાસે 28 અને JDS (જનતા દળ સેક્યુલર) પાસે 8 સભ્યો છે.
નોંધવું જોઈએ કે નિયમાનુસાર સરકાર આ બિલને ફરીથી વિધાનસભામાં રજૂ કરી શકે છે અને જો ત્યાંથી ફરી પસાર કરવામાં આવે તો તે પાસ થયેલું ગણાશે. પરંતુ TOIના રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ સરકાર હવે લોકસભા ચૂંટણી પછી જ તેને હાથ પર લેશે. એટલે કે જૂન મહિનામાં તે ફરીથી રજૂ થઈ શકે છે.
ભાજપે ગણાવ્યું હતું ‘હિંદુ વિરોધી’
કર્ણાટક ભાજપે આ બિલને હિંદુ વિરોધી ગણાવ્યું હતું. સાથે જ એવો આક્ષેપ કર્યો હતો કે, કર્ણાટકની કોંગ્રેસ સરકાર હિંદુ વિરોધી નીતિ અપનાવી રહી છે અને તેમાં હિંસા, છેતરપિંડી અને ભંડોળનો દુરુપયોગ થવો નક્કી છે. જોકે, રાજ્ય સરકારે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, 10% ટૅક્સ માત્ર 1 કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા મંદિરો પાસેથી ઉઘરવાવવામાં આવશે. તેમ છતાં કોંગ્રેસના આ નિર્ણયનો વિરોધ દેશભરમાં થયો હતો. સોશિયલ મીડિયામાં પણ કર્ણાટક સરકારની ખૂબ ટીકા થઈ રહી હતી.