કર્ણાટકમાં એક હિંદુ યુવતીની કરપીણ હત્યા મામલે તેના પિતાએ એક નિવેદન આપ્યું છે. કોંગ્રેસ કોર્પોરેટર નિરંજન હિરેમથે કહ્યું કે, આ ‘લવ જેહાદ’ છે અને ઝડપથી પ્રસરી રહ્યો છે. વાલીઓએ પોતાની દીકરીનું ધ્યાન રાખવું જોઈએ. હિરેમથની પુત્રી નેહાની ગુરુવારે (18 એપ્રિલ) હુબલીમાં એક કૉલેજ કેમ્પસમાં ચાકુ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપીની ઓળખ ફયાઝ તરીકે થઈ છે.
ફયાઝ નેહાને પ્રેમસંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો, પરંતુ તે તૈયાર ન હતી. અનુમાન છે કે પ્રપોઝલ ન સ્વીકારવાના કારણે જ તેણે હત્યાને અંજામ આપ્યો. હત્યા સમયે તે કૉલેજની બહાર ઊભો રહીને નેહાની રાહ જોતો હતો. તે આવી તો ચાકુ વડે ગળા પર હુમલો કરી દીધો અને લોહીલુહાણ હાલતમાં મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. પછીથી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
આ ઘટનાને લઈને પુત્રી ગુમાવનારા કોંગ્રેસ નેતાએ મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું કે, “આ પ્રકારના બનાવો વધી રહ્યા છે. મને સમજણ નથી પડતી કે કેમ આ યુવાનો ખોટા રસ્તે ચડી જાય છે અને તેમની માનસિકતા એવી થઈ જાય છે. અમારી માંગ એટલી જ છે કે કોઈ પણ પરિવારની દીકરી આ દુઃખમાંથી પસાર ન થાય. લવ જેહાદ ઝડપથી પ્રસરી રહ્યો છે અને મને પણ હવે એવું લાગે છે.”
Love jihad spreading, take care of your girls: K’taka Cong Corporator and father of murder victim pic.twitter.com/i6eXX5Jjom
— IANS (@ians_india) April 19, 2024
તેમણે આગળ ઉમેર્યું કે, “મારી એક પુત્રી હતી અને એક દીકરો છે. જે બંને મારી આંખો જેવાં હતાં. 25 વર્ષ સુધી મારી આંખમાં ક્યારેય આંસુ નથી આવ્યાં, પણ આજે જુઓ અમે કઈ પરિસ્થિતિમાં છીએ. હું દરેક માતાઓ-બહેનને વિનંતી કરું છું કે તમે જો દીકરીને કૉલેજ મોકલતાં હો તો તમારે પણ સાથે કૉલેજ જવું જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ તેમને હેરાન નથી કરી રહ્યું. અમારી સાથે જે થયું તે હવે બીજા કોઈ સાથે બનવું ન જોઈએ. મામલો સંવેદનશીલ છે.”
તેમણે કહ્યું કે, “સરકાર મહિલાઓ માટે 50 ટકા અનામત રાખવાની તૈયારી કરી રહી છે અને તમામ મોરચે મહિલાઓ આગળ છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે તો પરિસ્થિતિ શું હશે? હું રાજ્ય સરકાર અને તમામ નેતાઓને વિનંતી કરું છું કે આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં આવે.”
હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સિટી પોલીસ કમિશનર રેણુકા સુકુમારે કહ્યું કે, “તે બંને BCAના અભ્યાસ દરમિયાન ક્લાસમેટ હતાં. પછીથી નેહાએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો અને MCAમાં એડમિશન લઇ લીધું, જ્યારે ફયાઝે અભ્યાસ પૂર્ણ કરી દીધો હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે.” આગળ ઉમેર્યું કે, “એવું લાગે છે કે આ લવ-રિજેક્ટનો કેસ છે. અમે નેહાના મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરીને આ મામલે વધુ વિગતો મેળવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.”