26 જુલાઇ આજનો દિવસ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે, આજથી 25 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતીય સેનાના વીર જવાનોએ જે પરાક્રમ કર્યું તે આજે પણ વંદનીય છે. વર્ષ 1999 ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલમાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે વિપરીત પરિસ્થિતિમાં પણ 26 જુલાઇ 1999ના રોજ ભારતીય જવાનોએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી હતી અને પાકિસ્તાન સામે યુદ્ધ જીતીને બીજો એક વિજય ભારતના નામે કર્યો હતો. કારગિલમાં વિજય મેળવ્યો તેથી આ દિવસ એટલે ‘કારગિલ વિજય દિવસ’. આ યુદ્ધ જીતવામાં ઈઝરાયેલે ભારતની મદદ કરી હતી.
‘કારગિલ વિજય દિવસ’ (Kargil Vijay Diwas) એટલે કારગિલમાં થયેલ ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન હુતાત્મા થયેલ જવાનોને નમન કરવાનો દિવસ… પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી વિજય મેળવનાર સેનાને વધાવવાનો દિવસ… પોતાના વ્યક્તિગત જીવન, પરિવારની પરવા કર્યા વિના મા ભારતી માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરવાવાળા વીર સપૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ… નિરંતર 60 દિવસ સુધી અદમ્ય જંગ ખેલીને જીત ભારત માતાને ખોળે ધરનારા એ દરેક જવાનને વંદન કરવાનો દિવસ… આજનો દિવસ એટલે 2 મહિના સુધી ચાલેલા એ યુદ્ધની ગાથા જાણવાનો દિવસ.
કેવી રીતે શરૂ થયું હતું યુદ્ધ
વર્ષ 1971મા જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે ભારતની સેનાએ પાકિસ્તાનને તેનું સ્થાન બતાવી દીધું હતું. પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનમાંથી માત્ર પાકિસ્તાન રહી ગયું અને પૂર્વ પાકિસ્તાનનો બાંગલાદેશ તરીકે ઉદય થયો. આ વાતનું વેર વાળવા પાકિસ્તાન કોઈકને કોઈક રીતે ભારતની સીમાઓ પર અડપલાં કરતું જ હતું, પરંતુ વર્ષ 1998મા બંને દેશો દ્વારા જે પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા તેના કારણે બંને દેશો વચ્ચેનો તણાવ વધ્યો હતો.
બંને દેશો વચ્ચેની પરિસ્થિતિને સામાન્ય કરવા માટે ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ (Atal Bihari Vajpayee) અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફ (Nawaz Sharif) વચ્ચે 21 ફેબ્રુઆરી 1999ના રોજ લાહોર (Lahore) ખાતે એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. જે ‘લાહોર ઘોષણપત્ર’ (The Lahore Declaration) તરીકે ઓળખાયું. આ ઘોષણા પત્રમાં કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાને આ કરારનું ઉલ્લંઘન કરીને પોતાના સૈનિકો અને અર્ધ-લશ્કરી દળોને કાશ્મીરમાં મોકલીને ઘુસણખોરી કરવાનું શરૂ કર્યું, આ ઘૂસણખોરીને પાકિસ્તાને ‘ઓપરેશન બદ્ર’ (Operation Badr) એવું નામ આપ્યું હતું.
ફેબ્રુઆરી 1999 દરમિયાન, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાથી (LOC) ભારતની સીમામાં કેટલીક ચોકીઓ કબજે કરવા માટે સૈનિકો મોકલ્યા હતા. જેમણે ગુપ્ત અને જાહેર બંને રીતે ભારત નિયંત્રિત પ્રદેશમાં 132 અનુકૂળ સ્થળોએ તેમના ઠેકાણાઓ ઊભા કર્યા.
જ્યારે કેટલાક પશુપાલકોએ ભારતીય સેનાને આ અંગે જાણ કરી ત્યારે સેનાને ખ્યાલ નહોતો કે સેંકડો પાકિસ્તાની સૈનિકોએ ખરેખર કારગિલમાં ઘૂસી ચૂક્યા છે અને ઘણોખરો વિસ્તાર કબજે કરી લીધો છે. ભારતીય સેનાને લાગ્યું કે કેટલાક આતંકવાદીઓ આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હશે. તેની પુષ્ટિ કરવા માટે, લેફ્ટનન્ટ સૌરભ કાલિયાના નેતૃત્વમાં એક ટીમને કારગિલની ટોચ પર મોકલવામાં આવી હતી. સૌરભ કાલિયાએ સૌથી પહેલા ભારતીય સેનાને પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી અંગે ચોક્કસ માહિતી આપી હતી.
લેફ્ટનન્ટ સૌરભ કાલિયાએ પોતાની ટુકડી સાથે દુશ્મનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું, પરંતુ પાકિસ્તાની સેનાના ગોળીબારમાં ટુકડીના સૈનિકો હુતાત્મા થયા અને સૌરભ કાલિયાને પકડી લેવામાં આવ્યા.પાકિસ્તાની સેના દ્વારા ભારત અંગેની ગુપ્ત માહિતી મેળવવા માટે લેફ્ટનન્ટ પર ઘણા દિવસો સુધી જુલમ ગુજારવામાં આવ્યો હતો, તેમની આંખો પણ કાઢી લેવામાં આવી હતી. પરંતુ તેમણે કોઈ જ માહિતી આપી નહોતી. ઘણા દિવસો સુધી ત્રાસ સહન કર્યા પછી, કાલિયા આખરે દેશ માટે હુતાત્મા થયા.
3 મે 1999ના રોજ ‘ઓપરેશન વિજય’ (Operation Vijay) શરૂ થયું. ભારતીય સેનાએ કારગિલ પર અલગ-અલગ જગ્યાએથી હુમલો કરવાનું શરૂ કર્યું. પરંતુ સૌથી મોટો પડકાર એ હતો કે પાકિસ્તાની ઘૂસણખોરો હજારો ફૂટની ઉંચાઈ પર હતા અને તેમના માટે નીચેથી આવતી ભારતીય સેના પર હુમલો કરવો ખૂબ જ સરળ હતું. આ જ કારણસર યુદ્ધની શરૂઆતમાં ભારતીય સેનાને ભારે નુકસાન થયું હતું.
આ પછી ભારતીય સેનાએ પોતાની રણનીતિ બદલી અને ઘૂસણખોરો જ્યાં હતા તે જગ્યાના પાછળના ભાગથી સૈનિકો મોકલવામાં આવ્યા. કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ પાંડે, સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવ અને અન્ય વીર સૈનિકોના કારણે ભારતે કારગીલના તમામ મોટા શિખરો કબજે કર્યા હતા. આ શિખરો કબજે કરવામાં ભારતીય વાયુસેનાએ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. વાયુસેનાને ઈઝરાયેલ દ્વારા મદદ કરવામાં આવી હતી. વર્ષ 2021માં ‘કારગિલ વિજય દિવસ’ નિમિતે ભારતમાં રહેલી ઈઝરાયેલની એમ્બેસી દ્વારા સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને જાહેરમાં ભારતને મદદ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
On this #KargilVijayDiwas, we pay our tributes to India's brave heroes who sacrificed their lives for their nation🙏. @Israel has always stood by #India in every battle, including in the #Kargil mission. Our friendship will continue to flourish with each passing year. 🇮🇱🤝🇮🇳 pic.twitter.com/py5QjIiTNM
— Israel in India (@IsraelinIndia) July 26, 2021
ઈઝરાયેલે કેવી રીતે કરી ભારતને મદદ
કારગિલ અને તેની આસપાસ દરિયાઈ સપાટીથી 17 હજાર ફૂટની ઊંચાઈએ બેઠેલા પાકિસ્તાની સૈનિકો સરળતાથી ભારતીય સૈનિકોને નિશાન બનાવી રહ્યા હતા. ત્યારે ભારત પાસે બોફોર્સ તોપ હતી જે શિખરો પર રહેલા દુશ્મનોને નિશાનો બનાવી રહી હતી, પરંતુ દુશ્મનનો બંકરમાં છુપાયેલા હતા તેથી સચોટ હુમલો કરવાનું મુશ્કેલ હતું. આ સમયે ભારતને જીપીએસ કો-ઓર્ડિનેટ્સ અને બોમ્બ્સની જરૂર હતી, જેની ડીલ ભારત-અમેરિકા વચ્ચે અગાઉથી થયેલી હતી. પરંતુ જરૂરિયાતના સમયે જ શસ્ત્રો આપવાનો અમેરિકાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
અમેરિકા દ્વારા ડીલના ઉલ્લંઘન બાદ ઈઝરાયેલ ભારતની મદદે આવ્યું હતું. ઇઝરાયેલે ભારતીય વાયુસેનાને લિટનિંગ લેસર ડિઝિનેટર પોડ સાથેની લેસર ગાઇડેડ મિસાઇલો પૂરી પાડી હતી. આ પોડને ઇઝરાયેલના એન્જિનિયરોની મદદથી ભારતના મિરાજ 2000 ફાઇટર જેટમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ પોડ લક્ષ્ય પર અદ્રશ્ય બીમ છોડતા હતા, જેનાથી ઇઝરાયેલી બોમ્બ તેને ટ્રેક કરી શકે અને પછી સચોટતાથી તેનો નાશ કરી શકે. આ પોડથી ભારતીય વાયુસેનાની તકનીકી ક્ષમતામાં ઘણો વધારો થયો હતો.
NDTVના રિપોર્ટ અનુસાર એર માર્શલ રઘુનાથ નામ્બિયાર જેમણે મિરાજ 2000 એરક્રાફ્ટ (Mirage 2000 Aircraft) ચલાવ્યું હતું તેમણે જણાવ્યુ હતું કે 27 મે, 1999 ના રોજ 2 વાગ્યે પ્રથમ વાર રાત્રી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો મિરાજ 2000 ફાઇટર જેટમાં ઇઝરાયેલે ભારતીય વાયુસેનાને લેસર ગાઇડેડ મિસાઇલો સ્થાપિત કરી આપી હતી તેના દ્વારા કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય દબાણ છતાં, ઈઝરાયેલે કારગીલ યુદ્ધ પહેલા ઓર્ડર કરેલા હથિયારો ઝડપથી ભારતમાં પહોંચાડયા હતા. આ હથિયારોની સાથે ઇઝરાયલની સૌથી અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ હેરોન અનમેન્ડ એરિયલ વ્હીકલની (UAV) પણ ડિલિવરી કરવામાં આવી હતી. જેને ઓપરેટ કરવા માટે ઈઝરાયેલ દ્વારા ભારતીય સૈનિકોને વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેના માત્ર જમીન સ્તરેથી મળી રહેલી ગુપ્ત માહિતીના આધારે જ પાકિસ્તાની સૈનિકો સામે લડી રહી હતી. પરંતુ ઈઝરાયેલની મદદ બાદ ફ્રાન્સના મિરાજ 2000 ફાઇટર પ્લેન પર ઇઝરાયલી લેસર ગાઇડેડ બોમ્બ ફીટ કરીને, ભારતીય વાયુસેનાએ ટાઈગર હિલ (Tiger Hill) પર મજબૂત બંકરોમાં છુપાયેલા પાકિસ્તાની સૈન્યને નિશાન બનાવીને તેમનો નાશ કર્યો હતો અને વિજય મેળવ્યો હતો.
નોંધનીય છે કારગિલ યુદ્ધ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ સંગઠનની મહાસચિવની જવાબદારી સંભાળી રહ્યા હતા ત્યારે તેઓ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે ઉદ્યમપૂર આર્મી હોસ્પિટલ ઘાયલ સૈનિકોને મળવા પહોંચ્યા હતા.