UNમાં ભારતીય સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે ગરીબીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ભારત દ્વારા ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા તેમજ ગરીબી વિરુદ્ધ લેવામાં આવેલા સક્રિય પગલાઓ વિશે વૈશ્વિક મંચ પર કહ્યું હતું કે, “ભારતે ગરીબી ઉન્મૂલનમાં મહત્વપૂર્ણ અને સાહસિક પગલા ઉઠાવ્યા છે. ભારતમાં 415 મિલિયન (41.5 કરોડ) લોકો ગરીબીથી બહાર નીકળ્યા છે. અમારા આજના કાર્ય આવતીકાલના કેનવાસને પ્રતિબિંબિત કરી રહ્યા છે. વસુધૈવ કુટુંબકમનો મંત્ર અમારું માર્ગદર્શન કરે છે.”
રુચિરા કંબોજે UNમાં પોતાના વક્તવ્યમાં કહ્યું કે, “અમે અહીં જ નથી અટકી રહ્યા, આ આશાની યાત્રા છે, પરિવર્તનની યાત્રા છે. અમે પહેલા જ ઈતિહાસ રચી ચુક્યા છે. 25 દેશોમાં ભારતે 2030 પહેલા જ બહુઆયામી ગરીબીને અડધી કરી નાખી છે. અમે આટલે જ નહીં અટકીએ, અમારો મંત્ર વસુધૈવ કુટુંબક, એક પૃથ્વી, એક પરિવાર એક ભવિષ્યનું સૂત્ર અમારું માર્ગદર્શન કરે છે. વડાપ્રધાન મોદીએ અમારા મહાન મહાકાવ્યોનો સંમ્દર્ભ આપતા કહ્યું હતું કે, ઉત્સાહ અમારી સહુથી મોટી શક્તિ છે. ગયા વર્ષે G-20 શિખર સંમેલનમાં ભારતે વિશ્વ સમક્ષ મોટા મિલેટ (ધાન)નું પ્રદર્શન કર્યું હતું.”
#WATCH | "Over 415 million people in India have stepped out of poverty. Among 25 countries that halved multi-dimensional poverty in 15 years", Indian envoy to UN @IndiaUNNewYork @ruchirakamboj says. pic.twitter.com/1h7GQKw1nB
— DD News (@DDNewslive) April 4, 2024
આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાની ઉપલબ્ધીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એ શૂન્ય ભૂખમરા તરફ એક મોટી છલાંગ છે. આ યોજના 1 મીલીયન શાળાઓમાં 100 મીલીયનથી વધુ બાળકોને પુરતું પોષણ આપી રહી છે. આ યોજનાથી ભૂખ સામેની વૈશ્વિક લડાઈમાં દેશને એક ડગલું આગળ લઈ જવામાં મદદ મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે UNમાં ભારતીય સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે ગરીબીને લઈને મહત્વપૂર્ણ નિવેદન તો આપ્યું જ, પણ સાથે-સાથે તેમણે ઇસ્કોન દ્વારા સંચાલિત અક્ષય પાત્ર સંસ્થાની પણ વૈશ્વિક નોંધ લેવડાવી. તેમણે અક્ષય પાત્ર દ્વારા 400 કરોડ મીલ (ભોજન) પીરસવાની ઉપલબ્ધીને વૈશ્વિક મંચ પર બિરદાવી હતી. સાથે જ તેમણે ભૂખમરા સામેના યુદ્ધમાં અક્ષય પાત્ર સંસ્થાના યોગદાનની પણ સરાહના કરી હતી.