આજથી થોડા જ વર્ષો પહેલાં જમ્મુ કાશ્મીરથી આતંકવાદી હુમલાની ઘટનાઓના સમાચાર દરરોજ આવતા અને આ એક સામાન્ય બાબત થઈ ચૂકી હતી. દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં આતંકવાદી હુમલામાં સમાન્ય નાગરિકો અને સુરક્ષાદળોના જવાનોનાં મોતના સમાચારોથી છાપાં ભરેલાં રહેતાં. આ આતંકવાદને કારણે જમ્મુ કાશ્મીરને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. જોકે, મોદી સરકારના પાછલાં કેટલાંક વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિઓ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. વર્ષ 2014થી રાજ્યમાં સુરક્ષાની પરિસ્થિતિઓ અને આર્થિક સ્થિતિઓમાં સતત બદલાવ આવી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ હવે એકલ-દોકલ થઈ ગઈ છે, જ્યારે કાશ્મીર ખીણમાં આતંકવાદ તરફ વળતા હોય તેવા યુવાનો ઝડપથી ઘટી રહ્યા છે. આ બધા ઉપરાંત રાજ્યમાં પર્યટનને જબરદસ્ત વેગ મળ્યો છે. આનાથી રાજ્યની અર્થવ્યવસ્થામાં પણ વધારો થયો છે. આ બધા પાછળ આતંક પર સરકારની કડક કાર્યવાહી, કલમ 370 હટાવવાની સાથે સાથે વિકાસ કાર્યો શરૂ કરવા જેવાં કારણો જવાબદાર છે.
ધારા 370 હટી ગયા બાદ આતંકવાદમાં ઘટાડો
મોદી સરકારે ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો હતો. તે પહેલાં જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ બની રહી હતી. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓ સતત નિર્દોષ લોકોનું લોહી વહેવડાવી રહ્યા હતા. સેના અને અર્ધસૈનિક દળોના પ્રયાસોથી તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગૃહ મંત્રાલયે આપેલા આંકડા મુજબ વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીરમાં આતંકની 614 ઘટનાઓ બની હતી. જે 2019માં ઘટીને 594 થઈ ગઈ હતી. ત્યારબાદ તેમાં સતત ઘટાડો થતો રહ્યો છે.
આંકડાઓ મુજબ વર્ષ 2020માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની 220 ઘટનાઓ બની હતી. 2023માં આ ઘટીને 43 ઘટનાઓ થઈ ગઈ. એટલે કે, 2018 દરમિયાન, જ્યાં દર મહિને સરેરાશ 51 ઘટનાઓ બની હતી, જે 2023માં ઘટીને સરેરાશ 3 થઈ ગઈ હતી. મોદી સરકારના શાસનમાં આતંકી ઘટનાઓમાં આ ઘટાડા પાછળના કારણો જેવાં કે સેના દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવી, ફંડ એકઠું કરનારા અને માહોલ ખરાબ કરનાર પર કાર્યવાહી કરવી તેમ જ જમ્મુ-કાશ્મીર પોલીસને મજબૂત કરવા જેવા મહત્વનાં પાસાં હતાં.
આતંકવાદી હુમલાઓના કારણે થતા નુકસાનમાં પણ ઘટાડો
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાઓના કારણે સુરક્ષા દળોની સાથે સાથે નાગરિક જીવ પણ ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં દેશે મોટી સંખ્યામાં સૈનિકો ગુમાવ્યા છે. પણ હવે આ સ્થિતિ પણ બદલાવા મંદી છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા દર્શાવે છે કે કલમ 370 હટાવતાં પહેલાં એટલે કે 2019માં જમ્મુ-કાશ્મીરમાં દેશના 80 જવાનો વીરગતિ પામ્યા હતા. આ સમયગાળા દરમિયાન 39 સામાન્ય નાગરિકોને પણ આતંકવાદના કારણે મરવું પડ્યું હતું. પરંતુ આતંકવાદ પર સતત કાર્યવાહીને કારણે આ સ્થિતિ બદલાઈ ગઈ.
2023 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાંથી આ પ્રકારના સમાચારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 2023માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના કારણે 13 નાગરિકો અને 25 સુરક્ષા દળોના જવાનોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ઓછો છે. આતંકવાદી હુમલામાં ઘટાડો થવા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે હવે સરહદ પારથી પહેલાં જેટલા આતંકવાદીઓ દેશમાં પ્રવેશી શકતા નથી અને સાથે-સાથે ઘાટીમાંથી નવા આતંકવાદીઓ તૈયાર પણ નથી થઈ રહ્યા. આનાથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની હાજરી પણ ઓછી થઈ ગઈ છે.
એક આંકડો દર્શાવે છે કે વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ 257 આતંકીઓ માર્યા ગયા હતા. આમાં મોટી સંખ્યામાં તે આતંકવાદીઓ હતા જે પાકિસ્તાનથી સરહદ પાર કરીને દેશમાં ઘૂસ્યા હતા. સેના દ્વારા સતત આતંકીઓનો સફાયો કરવાના કારણે 2023માં આ સંખ્યા ઘટીને માત્ર 72 થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની હાજરી ઘટી છે તે સ્પષ્ટ છે. રાજ્યમાં પથ્થરમારાની ઘટનાઓનો પણ અંત આવ્યો છે. વર્ષ 2016માં રાજ્યમાં 2650થી વધુ પથ્થરમારાના બનાવો બન્યા હતા, 2023માં આ ઘટનાઓ નહિવત્ બની હતી.
મોદી સરકારમાં આતંકવાદ ઘટ્યો, વિકસિત બન્યું કાશ્મીર
મોદી સરકારના શાસનમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં ઘટાડાની સૌથી મોટી અસર અહીંના સામાન્ય જનજીવન પર પડી છે. આ કારણોસર જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર તેજી આવી છે. સરકારની યોજનાઓએ લોકોના જીવનમાં પણ મોટી અસર કરી છે. આંકડા દર્શાવે છે કે અહીં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થવાને કારણે 2023માં જમ્મુ-કાશ્મીરમાં 2.11 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. 2015માં આ સંખ્યા માત્ર 1.33 કરોડ હતી. આમ, પ્રવાસીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે.
પાછલા વર્ષોમાં રાજ્યના અર્થતંત્રમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. જમ્મુ-કાશ્મીરના આર્થિક સર્વેક્ષણ અનુસાર 2014-15માં રાજ્યની અર્થવ્યવસ્થાનું કદ ₹98366 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને ₹2.25 લાખ કરોડ થઈ ગઈ છે. એટલે કે, મોદી સરકારનાં છેલ્લાં લગભગ 10 વર્ષમાં રાજ્યની અર્થવ્યવસ્થા બમણાથી વધુ થઈ ગઈ છે.
આ સમયગાળા દરમિયાન રાજ્યની જનતાને પણ ખૂબ સુવિધાઓ મળી છે. જમ્મુ-કાશ્મીરમાં જલ જીવન મિશન અંતર્ગત હવે 77 ટકા વસ્તીને નળમાંથી સીધું પીવાલાયક પાણી મળી રહ્યું છે. આંકડા મુજબ હાલ રાજ્યમાં 14 લાખથી વધુ ઘરોમાં ‘નલ સે જલ’ મળી રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં 47 હજારથી વધુ આવાસોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 21 હજારથી વધુ મકાનોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સરકાર અન્ય રાજ્યોની તુલનામાં અહીં ઘર બનાવવા માટે વધુ પૈસા આપી રહી છે. મોદી સરકારે રાજ્યમાં બે નવી AIIMS પણ બનાવી છે.
સુરક્ષાની સ્થિતિમાં સુધારો થતાં હવે જમ્મુ કાશ્મીરમાં મોટા મોટા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શ્રીનગરમાં તાજેતરમાં યોજાયેલી જી-20 ઇવેન્ટ હોય કે ડાલ લેકના કિનારે યોજાયેલી ફોર્મ્યુલા-4 રેસ હોય, તે દર્શાવે છે કે રાજ્ય બહારના લોકો હવે આવવાથી ડરતા નથી. આ અહીં બદલાતી પરિસ્થિતિનું પ્રતિબિંબ છે.