હિઝબુલ મુજાહિદ્દીનનો વૉન્ટેડ આતંકવાદી જાવેદ અહમદ મટ્ટુ પકડાઈ ચૂક્યો છે. ગુરુવારે (4 જાન્યુઆરી, 2024) દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે તેની ધરપકડ કરી હતી. તેને NIA પણ ઘણા સમયથી શોધી રહી હતી અને માથે ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે જણાવ્યું કે તેમણે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ (NIA) સાથે મળીને મટ્ટુને શોધવા માટે એક સર્ચ ઑપરેશન લૉન્ચ કર્યું હતું. આખરે તે રાજધાની દિલ્હીમાંથી પકડાયો હતો. તેના માથે ₹5 લાખનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું.
The name of the arrested terrorist is Javed Matto. NIA team was also in search of him: Delhi Police Special Cell
— ANI (@ANI) January 4, 2024
મટ્ટુ મૂળ જમ્મુ-કાશ્મીરના સોપોરનો રહેવાસી છે, પરંતુ તે આતંકવાદી તાલીમ માટે ઘણી વખત પાકિસ્તાન પણ જઈ આવ્યો છે. છેલ્લા એક દાયકાથી તે કાશ્મીર ખીણમાં સક્રિય છે. રિપબ્લિકના રિપોર્ટ અનુસાર, તાજેતરમાં જાણકારી મળી હતી કે તે ભારત-નેપાળ સરહદની આસપાસ જોવા મળ્યો હતો, ત્યારબાદ તેને શોધવા માટે ઑપરેશન લૉન્ચ કરવામાં આવ્યું હતું. તે નામ બદલીને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
કાશ્મીરમાં તાજા ભૂતકાળમાં બનેલી અનેક આતંકવાદી ગતિવિધિઓમાં તે સામેલ હતો અને એજન્સીઓ ઘણા સમયથી તેને શોધી રહી હતી. તેની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે થોડા સમય પહેલાં જ એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાંથી હિઝબુલના અન્ય એક આતંકવાદી મોહમ્મદ યુસુફ ચૌહાણને પકડ્યો હતો. તેની પાસેથી એક ચાઈનીઝ ગ્રેનેડ પણ મળી આવ્યો હતો.