ASI સરવેનો રિપોર્ટ સામે આવ્યા બાદ હવે જ્ઞાનવાપીને ‘રાષ્ટ્રીય સ્મારક’ ઘોષિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ કેસમાં હિંદુ પક્ષના વકીલ હરિશંકર જૈને સરકાર સમક્ષ આ માંગ કરી છે. તેમણે રિપોર્ટનો હવાલો આપીને કહ્યું કે, જ્ઞાનવાપી ‘મસ્જિદ’ના સ્થળે પહેલાં હિંદુ મંદિર અસ્તિત્વ ધરાવતું હતું જે હવે સાબિત થઈ ગયું છે.
ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં એડવોકેટ હરિશંકર જૈને કહ્યું કે, “(ASI) રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે આ સ્થળે (જ્ઞાનવાપી મસ્જિદ જ્યાં છે તે સ્થળે) પહેલાં મંદિર હતું. ભારત સરકારે હવે આ મામલે પગલાં લેવાં જોઈએ અને આ સ્થળને ‘રાષ્ટ્રીય સ્મારક’ ઘોષિત કરીને કાયદો બનાવીને હિંદુઓને સોંપી દેવું જોઈએ અને ત્યાં ભવ્ય મંદિર બનાવવામાં આવવું જોઈએ.” તેમણે આગળ માંગ કરતાં કહ્યું કે, આ મંદિર રાષ્ટ્રીય સંપત્તિ હોય અને અયોધ્યાની જેમ જ તેના સંચાલન માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવે.
#WATCH | On Archaeological Survey of India's report on the Gyanvapi Case, Advocate Hari Shankar Jain says, "The report clearly states that a temple existed at the site ( of Gyanvapi mosque). The Government of India should take further steps in this matter, declare it as a… pic.twitter.com/VOJpBl3cP8
— ANI (@ANI) January 26, 2024
તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ASI રિપોર્ટનો અભ્યાસ કરી રહ્યા છે અને હવે પછી આગળ શું કરવું તે નક્કી કરવામાં આવશે. તેમાં સમય લાગે છે અને તેઓ ઉતાવળ કરવા માંગતા નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે ત્યાં ભવ્ય મંદિર બનશે.
ત્યાં ભવ્ય મંદિર હતું, પૂરતા પુરાવા ઉપલબ્ધ: ASI રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે ગુરુવારે (25 જાન્યુઆરી, 2024) જ્ઞાનવાપી પરિસરના ASI સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તમામ અભ્યાસ, પરીક્ષણ અને સંશોધન બાદ જાણવા મળે છે કે હાલ જ્યાં જ્ઞાનવાપી નામની કથિત મસ્જિદ છે ત્યાં પહેલાં ભવ્ય અને પ્રાચીન હિંદુ મંદિર અસ્તિત્વ ધરાવતું હતું.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે, મસ્જિદમાંથી જે અરેબિયન અને પર્શિયન શિલાલેખો મળી આવ્યા છે તેમાં ઉલ્લેખ છે કે મંદિરને ઔરંગઝેબના શાસન દરમિયાન તોડવામાં આવ્યું હતું અને તેના જ ભાગો તોડીને તેનો ઉપયોગ મસ્જિદના બાંધકામ માટે કરવામાં આવ્યો હતો.
ASIએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તેમણે હાલના માળખાના (મસ્જિદના) સ્તંભો અને પ્લાસ્ટરનો યોજનાબદ્ધ રીતે અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે આ સ્તંભ અને પ્લાસ્ટર અગાઉના હિંદુ મંદિરના જ ભાગ હતા અને તેમાં થોડો-ઘણો સુધારો કરીને મસ્જિદનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સ્તંભોના બારીકાઈથી કરવામાં આવેલા પરીક્ષણથી જાણવા મળે છે કે તેઓ પહેલેથી અસ્તિત્વ ધરાવતા હિંદુ મંદિરનો જ ભાગ હતા અને હાલનું બાંધકામ (મસ્જિદ) બનાવવા માટે ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે હાલની મસ્જિદની જે પશ્ચિમી દીવાલ છે તે પણ અગાઉના હિંદુ મંદિરનો જ ભાગ છે. નોંધવું જોઈએ કે આ રિપોર્ટ આ કેસમાં હિંદુ પક્ષની એક મોટી જીત છે, કારણ કે હિંદુઓ કાયમ કહેતા આવ્યા છે કે હાલ જ્યાં મસ્જિદ ઉભી છે તેનું બાંધકામ 17મી સદીમાં મંદિર તોડીને કરવામાં આવ્યું હતું. હવે આ રિપોર્ટ પર કોર્ટ સુનાવણી હાથ ધરશે.