દેશભરમાં વરસાદને લઈને સ્થિતિ તંગ બની હોવાના સમાચાર સામે આવતા રહે છે. રાજધાની દિલ્હીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત આગામી 48 કલાકમાં દેશના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્ય વહીવટી તંત્રએ તૈયારીઓ આદરી દીધી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં શિક્ષણકાર્ય બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
મંગળવારે (23 જુલાઈ, 2024) ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિતના રાજ્યોમાં 48 કલાક માટે અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ શકે છે. તેથી આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
India Meteorological Department (#IMD) predicts isolated extremely heavy #Rainfall🌧️over Gujarat, Konkan and Goa and Maharashtra during next two days.
— All India Radio News (@airnewsalerts) July 24, 2024
Met department forecasts that rainfall activity is likely to increase over Indo-Gangetic plains during next two days. pic.twitter.com/WWAVHNAoqZ
સુરત, નવસારી, વલસાડમાં શૈક્ષણિકકાર્ય બંધ રાખવા આદેશ
આ ઉપરાંત કચ્છ (કેટલાક વિસ્તારો), રાજકોટ, જામનગર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં પણ અતિભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, સુરત અને વલસાડમાં 24 જુલાઈના રોજ તમામ શૈક્ષણિકકાર્યો બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રની ટીમોએ પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Rainfall Warning: Saurashtra & kutch on 23rd -24th July 2024
— India Meteorological Department (@Indiametdept) July 23, 2024
वर्षा की चेतावनी: 23-24 जुलाई 2024 को सौराष्ट्र और कच्छ में :#Saurashtra #kutch #weatherupdate #rainfallwarning @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/frNE1SXiJ7
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અનુસંધાને ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે. તો મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે. હાલની સ્થિતિ જોતાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બારે મેઘ ખાંગા થવાની સ્થિતિ જોવા મળી રહી છે.
અમદાવાદ શહેર અને આસપાસના જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં નહિવત વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં વરસેલા વરસાદમાં અમદાવાદ શહેરનો રાજ્યમાં 125મો ક્રમ છે. 36 તાલુકામાં અમદાવાદની સરખામણીએ બે ગણો, તો 23 તાલુકામાં ચાર ગણો વરસાદ વરસ્યો છે. 2023ની તુલનામાં અમદાવાદમાં 57% ઓછો વરસાદ વરસી રહ્યો છે અને હાલ પણ ત્યાં વરસાદની કોઈ આગાહી જોવા મળી રહી નથી. તેમ છતાં ત્યાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત વરસાદની આગાહીના પગલે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નોંધવા જેવુ છે કે, છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં જળપ્રલયની સ્થિતિ સામે આવી છે. 24 કલાકમાં 20થી 25 ઇંચ જેટલો વરસાદ પડવાથી પોરબંદર અને દ્વારકામાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી.